Article Details

...તો અંતરની સૂક્ષ્મતામાં ધ્યાનસ્થ થવાય

નિષ્કામ પ્રેમ સ્વરૂપની ભક્તિમાં મન ત્યારે જ તરબોળ થાય, જ્યારે સમજાય કે જીવંત જીવનનું માહાત્મ્ય છે પ્રેમભાવની ભક્તિ સ્વરૂપનું. ભક્તિના સદાચરણથી જે જીવે તે જ્ઞાતા મતિની જાગૃતિને ધારણ કરે. જ્ઞાતા ભાવથી પરખાય કે તન-મનના દેહની સર્વે કૃતિઓ પ્રભુની આત્મીય ચેતનાથી સર્જાય છે. તે ચેતનાનું નિ:સ્વાર્થભાવનું, દિવ્ય પ્રીતનું શાશ્ર્વત સ્વરૂપ છે અને ઊર્જાના વહેણ રૂપે સમર્પણભાવથી નિરંતર પ્રસરતું રહે છે. આત્મીય ચેતનાની ઊર્જાના પ્રસરણને લીધે પ્રકૃતિ જગતની કૃતિઓ સર્જાતી રહે છે અને સર્જન-વિસર્જનની ક્રિયા સતત થતી રહે છે. એવી ક્રિયા એટલે કૃતિઓનો જન્મ થવો અને વૃદ્ધિ-વિકાસ રૂપે તેનો ઉછેર થવો. જન્મીને ઉછેર પામતી દરેક કૃતિઓનું રૂપાંતર વિકાસ રૂપે થતાં, ધીમે ધીમે તે કૃતિઓનું રૂપ ક્ષીણ થતું જાય અને આકારિત કૃતિઓનો અંત મૃત્યુની ક્રિયા રૂપે થાય. આવી સતત થતી ક્રિયાઓનું તાત્પર્ય જિજ્ઞાસુભાવથી ગ્રહણ થાય ત્યારે સ્પષ્ટતાથી સમજાય, કે ભક્તિભાવ સ્વરૂપની, કે સમર્પણભાવ સ્વરૂપની પ્રભુની આત્મીય ચેતના હોવાંથી, ચેતનાનું દિવ્ય ગુણોનું પ્રભુત્વ નિરંતર ઊર્જા રૂપે પ્રકાશિત થઈને સર્વત્ર પ્રસરતું રહે છે.

       આમ ભક્તિભાવની પ્રભુની ચેતનાથી દરેક જીવના અસ્તિત્વનું ઘડતર થાય અને જીવ દેહધારી સ્થિતિને ધારણ કરી શકે છે. દેહના આકારની રચના પણ તે જ આત્મીય ચેતનાથી થાય છે અને જન્મીને જીવંત જીવન પણ તે જ ભક્તિભાવની ચેતનાના આધારે જિવાય છે. આ સનાતન સત્યના સ્વીકાર રૂપે ભક્ત તો ભક્તિભાવથી જીવવાનો, એટલે કે નિ:સ્વાર્થ પ્રેમના આચરણથી જીવવાનો પુરુષાર્થ કરતો રહે છે. એવાં પુરુષાર્થમાં પ્રેમભાવની વિશાળતા સામે રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનની સંકુચિતતા ટકી શકતી નથી. ભક્તમાં પછી નિષ્કામ પ્રેમભાવનું સંવેદન જાગૃત થાય છે. ભાવનું સંવેદન જાગૃત થવું એટલે સ્વયંના આત્મ સ્વરૂપની અનુભૂતિમાં લીન રહેતી જ્ઞાતા ભાવની સુમતિ જાગૃત થવી. એવી જાગૃતિમાં હું દેહ છું એવી અજ્ઞાનતાનો અવરોધ ન હોય, કે આકારિત જગતના પદાર્થોને ભોગવવાનો મોહ ન હોય. જેમ પાણીને ખબર નથી કે પોતે થીજી જવાથી બરફ બની ગયું છે, અર્થાત્ બરફને ખબર નથી કે પાણી થીજી જવાથી પોતાનું શીતળતા અર્પણ કરતું વિશેષ સ્વરૂપ પ્રગટ થયું છે; તેમ ભક્તને ખબર નથી કે ભક્તિભાવથી જીવન જીવવામાં, પ્રેમની નિર્મળ ધારામાં એકરૂપ થતાં(થીજી જતાં) જ્ઞાતા ભાવની સુમતિનું વિશેષ સ્વરૂપ કેવી રીતે જાગૃત થયું.

       મનને જ્યાં જણાય નહિ, કે ખબર પણ ન પડે, ત્યાં છે હું પદની અહંકારી વૃત્તિઓનું સમર્પણ અને ત્યાં જ છે મનની શરણાગતિની ભક્તિભાવની નિષ્ઠા. જ્યાં સુધી હું ભક્ત છું, હું ભક્તિભાવમાં સ્થિત થવાનો પુરુષાર્થ કરું છું એવી અહમ્ વૃત્તિઓ જીવે છે, ત્યાં સુધી પ્રેમભાવનું સંવેદન એટલે કે જ્ઞાતાભાવની સુમતિ જાગૃત થતી નથી. અહમ્ વૃત્તિનું માનસ ભક્તિભાવની નિષ્ઠામાં ઓગળી શકે છે. પછી જાણનાર કે ખબર રાખનાર હુંનું સમર્પણ થતાં, હું ભક્ત છું એવું સ્મરણ પણ થતું નથી. પરંતુ નિષ્કામ પ્રેમભાવનું પ્રસરણ આપમેળે થતું રહે છે અને પ્રભુનું સાત્ત્વિક ગુણોનું ધન બીજા જિજ્ઞાસુઓને આપમેળે અર્પણ થતું રહે છે. કારણ પ્રેમભાવનું સંવેદન ભક્તમાં પ્રગટે, ત્યારે જેનું છે એને અર્પણ થયાં કરે છે એવો સમર્પણભાવ દૃઢ હોય છે. એવી દૃઢતામાં સ્વયંનો માધ્યમ સ્વરૂપનો સાક્ષીભાવ જાગૃત થાય. અર્થાત્ પ્રભુની આત્મીય ઊર્જા શક્તિથી આ જગત સર્જાયું છે અને સર્જાયેલી સર્વે કૃતિઓ પ્રભુની આત્મીય પ્રીતની ગુણિયલતાને વ્યક્ત કરાવતું માધ્યમ છે.

       એક માધ્યમ જો બીજા માધ્યમ સાથે પ્રભુની ગુણિયલતાની વૃદ્ધિ કરાવતાં આચરણથી વ્યવહાર કરે, તો મારું-તારુંની ભેદ દૃષ્ટિ વિલીન થતી જાય. પ્રભુનું છે અને પ્રભુને અર્પણ થાય છે એવાં પ્રેમભાવથી, એકબીજા સાથે પછી વ્યવહાર થતાં નિષ્કામ ભક્તિભાવની સંપત્તિનો ભોગ થાય. ભક્ત તો પ્રેમભાવની સંપત્તિને ભોગવે અને નિષ્કામભાવે તે સંપત્તિને ભક્તિભાવની નિષ્ઠાથી બીજાને અર્પણ કરતો રહે. એવાં અર્પણભાવમાં શરીરની ઉંમરના, શિક્ષણની પદવીના, ધાર્મિક જાતિના, દેશ-પરદેશનાં, કે બાહ્ય દેખાવના ભેદભાવ ન હોય. પરંતુ સર્વેમાં જે પ્રભુની ચેતના સમાયેલી છે, તેનો પ્રેમભાવથી ઉજાગર કરાવતો આશય હોય. ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાથી ભક્ત માત્ર માનવી સાથે નહિ, પણ પશુ, પક્ષી, વનસ્પતિ, જંતુ, જળચર, વાતાવરણ વગેરે દરેક પરિસ્થિતિ સાથે નિષ્કામભાવની સંપત્તિથી વ્યવહાર કરે. એવાં વ્યવહારમાં દુન્યવી વસ્તુ સ્થિતિની માંગણીઓ ન હોવાંથી, કંઈક પામવાની કે સન્માન મેળવવાની ઈચ્છાઓ જનમતી નથી, પણ ભાવની સંપત્તિના ભોગથી પ્રભુના ભવ્ય ભાવમાં એકરૂપ થવાંની આશા હોય છે.

       મનની ભીતરમાં ભાવની સંપત્તિ સુષુપ્ત રૂપે સમાયેલી છે. મન જો ભક્તિભાવની નિષ્ઠાથી ખાણિયો બને, તો પોતાની ખાણનું ધન સદાચરણ રૂપે ભોગવી શકે. એવાં જીવનમાં રાગ-દ્વેષના વ્યવહારનો ઘોંઘાટ ન હોવાંથી, એકબીજાનું હિત થાય એવાં અર્પણભાવની સેવાનો સહયોગ હોય. તેથી ભક્ત હંમેશા બીજા ભક્તની સંગમાં પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ કરતો હોય. રાગ-દ્વેષની માયાના બંધનથી મન જો મુક્ત થાય તો ક્રોધ અને માંગણીઓની હઠથી પણ મુક્ત થતું જાય. એટલે મનમાં સ્પષ્ટતાથી અંક્તિ હોવું જોઈએ, કે ભક્તિ એટલે જ શુદ્ધ ભાવનો ઉદય થવો. મનમાં જો માંગણીઓ, ક્રોધ, કે રાગ-દ્વેષની આવનજાવન હોય, તો નિષ્કામ પ્રેમભાવમાં મન ઓતપ્રોત નહિ થઈ શકે. તેથી પોતાના મનને ભક્તિભાવના સદાચરણમાં સ્થિત રાખવા માટે, સહનશીલતા, વિનમ્રતા, દયા, સંપ વગેરે ભાવની સંપત્તિનો મનોમન ઉજાગર થાય એવી પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ.

      

       હે નાથ! આપની સાથેની ઐક્યતાની પ્રતીતિ, આપની કૃપા સ્વરૂપે થઈ;

       આ પળથી નિષ્કામ પ્રેમનું ભક્તિભાવ કેરું માહાત્મ્ય મુજમાં પ્રગટાવો;

       ભક્તિભાવથી જીવન જિવાય, તો અંતરની સૂક્ષ્મતામાં ધ્યાનસ્થ થવાય;

       નિષ્કામ પ્રેમભાવની ભરતીથી પછી દિવ્ય ગુણોની સંપત્તિનો ભોગ

ભક્તિ સ્વરૂપે થતો જાય.

      

       અમારી સંસ્થાનો વાર્ષિક કાર્યક્રમ ‘માનવ મહેક મોહન મિત’ તા. ૧૯ ડિસેમ્બર, રવિવારે સાંજે  ૬:૦૦ વાગે અમારી યૂટ્યુબ ચેનલ (Universal Spiritual Upliftment and Charitable Trust) પર લાઈવ પ્રસરણ થશે. મધુવન પૂર્તિના અમારી વાચક મિત્રોને નમ્ર વિનંતિ કે જ્ઞાન-ભક્તિના આ કાર્યક્રમમાં આપ આપના સ્વજનો સાથે જરૂરથી જોડાજો..

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા