Article Details

માનવી પ્રેમના સ્વરૂપથી જાણકાર નથી...

માનવી જન્મની સિદ્ધિ સાર્થક ત્યારે થાય, જ્યારે મન નિષ્કામ પ્રેમભાવનું આસન બની જાય. આપણું આત્મસ્વરૂપ દિવ્ય પ્રીતનું, એટલે કે નિ:સ્વાર્થ પ્રેમનું હોવાંથી દરેક માનવીને પ્રેમની જ પ્યાસ હોય છે. માત્ર માનવી નહિ પણ પશુ, પક્ષી, વનસ્પતિ વગેરે જગતની સર્વે કૃતિઓને પ્રેમની જ ભૂખ હોય છે. કારણ સર્વેનું અસ્તિત્વ પ્રેમ સ્વરૂપનું છે. આ પ્રેમની પ્યાસને નિષ્કામ પ્રેમની ધારાથી સંતોષી શકાય. પરંતુ પ્રેમની પ્યાસને સંતોષવા માટે માનવીએ પ્રેમથી વ્યવહાર કરવો જોઈએ. જેમ આંખોથી સુંદર ફુલોના રંગોને કે સૌંદર્યને માણવું હોય, તો રાગ-દ્વેષની સંકુચિત દૃષ્ટિથી ન માણી શકાય. સૌંદર્યને માણવા માટે સુંદરતાની સાત્ત્વિકતાને જાણનારું, સુંદરતાને ઝીલનારું પરિપક્વ મન જોઈએ. એવું મન એટલે જ્યાં રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનની કુરૂપતાના વિચારો ઓછા હોય અને ત્યાં જ સુંદરતાના સાત્ત્વિકભાવનો ઉજાગર થાય, ત્યારે યથાર્થ રૂપે સૌંદર્યને માણી શકાય.

       પ્રેમને પ્રેમથી જ માણી શકાય, એટલે કે પ્રેમની પ્યાસ પ્રેમાળ વર્તનથી સંતોષી શકાય. આ સત્ય જાણવા છતાં માનવી પોતાના વર્તનમાં પ્રેમને ભૂલીને, પ્રેમને અનુભવવાની મથામણ કરતું રહે છે. અર્થાત્ દરેકને પ્રેમ જોઈએ છે પણ પ્રેમભાવ અર્પણ કરવો નથી. પ્રેમના નિ:સ્વાર્થ સ્વરૂપથી, પ્રેમની નિર્મળતાથી, પ્રેમના નિષ્કામભાવથી માનવી જાણકાર નથી. એટલે તે બાહ્ય જગતની વસ્તુઓમાં, ઈન્દ્રિયગમ્ય વિષયોમાં, ભોગ્ય પદાર્થોમાં કે સંબંધિત વ્યક્તિઓમાં જ્યારે પ્રેમને શોધે છે, ત્યારે પ્રેમનો સંતોષ અનુભવી શકતો નથી. એવી શોધ કરનારું મન જો પ્રકૃતિ જગતની એકબીજાને આધારિત ક્રિયાઓનું તાત્પર્ય ગ્રહણ કરે તો સમજાય, કે જગતમાં સર્વત્ર આદાન-પ્રદાનની ક્રિયાઓનો વ્યવહાર છે. તેથી પ્રેમની શોધ પણ પ્રેમથી જ થવી જોઈએ. જે મનને પ્રેમની ભૂખ હોય, તે મનમાં સુષુપ્ત રૂપે રહેલાં પ્રેમના બીજ જ્યાં સુધી અંકુરિત નથી થતાં, ત્યાં સુધી પ્રેમની શોધ રૂપે પ્રાપ્ત થયેલાં પ્રેમથી પ્રેમની ભૂખ સંતોષાતી નથી. એવું ભૂખ્યું મન બાહ્ય જગતની આસક્તિમાં બંધાયેલું રહે છે અને પ્રેમના સંતોષ વગર ઝૂરે છે.

       આપણાં સૌનું અસ્તિત્વ પ્રેમ સ્વરૂપનું હોવાંથી, પ્રેમના બીજ મનમાં સમાયેલા છે. બાળપણમાં માતા-પિતાની પ્રેમાળ છત્રછાયામાં તે બીજ ઘણાં અંશે અંકુરિત થયાં હોય છે. પરંતુ મોટાં થયાં પછી દુન્યવી રાગ-દ્વેષાત્મક વ્યવહારમાં અંકુરિત થયેલાં બીજને નિષ્કામ પ્રેમનું જળ મળતું નથી, પણ સ્વાર્થ, કપટ, લોભ, ઈર્ષ્યા વગેરે નકારાત્મક વૃત્તિ-વિચારો રૂપી માટીના થર પથરાતાં રહે છે. એવી અહંકારી નકારાત્મક માનસની માટી પર જો સદ્ગુરુના સાંનિધ્યની કૃપા સ્વરૂપે શુદ્ધ પ્રેમની ધારા વરસે, તો માટી નિર્મળ પ્રેમથી પોચી થઈ શકે. મનની માટી ભીની થઈને પોચી થાય, તે છે જિજ્ઞાસુભાવની જાગૃતિ, જે સ્વયંને જાણવા સત્સંગની પ્રવૃત્તિ તરફ ઢળે છે. જિજ્ઞાસુ ભક્ત જો પ્રેમના બીજ અંકુરિત થાય એવાં વર્તનથી જીવવાનો પુરુષાર્થ કરે, તો એકબીજા સાથે ધિક્કાર, વેરઝેર, અદેખાઈથી વ્યવહાર ઓછો થતો જાય અને પ્રેમના શુદ્ધ જળના સિંચનથી વ્યવહાર થતાં મન ભક્તિભાવમાં ઓતપ્રોત થતું જાય.

       જ્ઞાન-ભક્તિના આચરણમાં શ્રવણ, અધ્યયન, ચિંતનથી, તથા સદ્ગુરુના અણમોલ સાંનિધ્યથી ઓતપ્રોત થવાય. ભક્તિભાવમાં ઓતપ્રોત થયેલું મન પછી નિર્મળ, નિષ્કામ પ્રેમને ઝીલવા પરિપક્વ બને છે. જેમ ધાન્ય ઉગાડવા માટે યોગ્ય માટી, પાણી, કુદરતી ખાતર વગેરે અનુકૂળ સ્થિતિ હોય, ત્યાં જ શ્રેષ્ઠ ધાન્ય ઊગે છે; તેમ ભક્તિભાવથી પરિપક્વ થયેલી મનની માટીને જો ચિંતન અને ગુરુના સાંનિધ્યની અનુકૂળતા મળી જાય, તો આત્મ સ્વરૂપનું નિ:સ્વાર્થ પ્રેમનું પ્રભુત્વ સ્વયંભૂ પ્રકાશિત થાય. પરંતુ જ્યાં સુધી ચિંતન-અધ્યયનમાં પોતાની ઈચ્છાથી મન સ્થિત નહિ થાય, ત્યાં સુધી ગુરુના સાંનિધ્ય રૂપે પ્રાપ્ત થતું પ્રેમના જળનું સિંચન ધારણ થતું નથી.

       ભક્તિભાવની પરિપક્વતા એટલે જ પ્રેમાળ વર્તનની શુદ્ધતા. સત્સંગ-અધ્યયનથી પોતાના સ્વભાવની ખોટ કે નકારાત્મક વિચારોની નબળાઈથી પરિચિત થવાય, ત્યારે મનોમન પશ્ર્ચાત્તાપ થાય કે,"હું કેટલો અબુધ છું. માનવી તરીકે મન-બુદ્ધિની પ્રતિભા પ્રાપ્ત થઈ હોવાં છતાં હું સ્વયંને ઓળખી ન શક્યો! માત્ર દુન્યવી સીમિત પદાર્થોને, પરિસ્થિતિઓને ઓળખવામાં જ સમય પસાર કર્યો! એવી ઓળખાણમાં કોઈ ગુણિયલ ખાણની પ્રાપ્તિ ન થઈ, જેને દેહ છોડ્યાં પછી સાથે લઈ જઈ શકું. વાસ્તવમાં આ જગતમાં જ એવી ઓળખાણની ખાણ મળી શકે છે અને ગુણિયલ સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે, પણ મારા રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવના લીધે આદાન-પ્રદાનના જગતમાં મેં રાગ-દ્વેષનું જ પ્રસરણ કર્યું. એટલે પ્રકૃતિ જગતનાં પદાર્થો કે પરિસ્થિતિની ઓળખમાં પ્રેમની સંપત્તિને મેળવી ન શક્યો! આ જીવનમાં મેં માત્ર લીધા જ કર્યું અને અર્પણ કરતી વખતે ભેદભાવને, જાતિને, પદવીને અગ્રેસર કરી સન્માન મેળવવા મારા અહમ્ને પોષતો રહ્યો!

       ..કર્મ-ફળની ક્રિયાનું જીવન જીવી શકું છું કારણ પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરી મુજમાં છે. આ સત્યના સ્વીકારમાં તે હાજરીની પ્રતીતિ કરવા ઉત્સુક કેમ ના થયો? પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાના સંગમાં રહીને પણ પ્રેમાળ વર્તનના અંકુરો ફુલેલાં ફાલેલાં કેમ ન થયાં? જેમ ત્રાજવાના બન્ને પલ્લાં સરખા થાય ત્યારે વસ્તુનું વજન યોગ્ય રીતે જોખાયું કહેવાય, તેમ દેહધારી જીવનમાં આદાન-પ્રદાનની પ્રવૃત્તિઓનું ત્રાજવું સમતોલ રહે, તો દયા, સમાધાન, પરોપકાર વગેરે ગુણિયલભાવની સાત્ત્વિકતા જાગૃત થઈ શકે. પરંતુ મેં તો સતત એવી જ મથામણ કરી, કે હું જેને પ્રેમ કરું, તે માત્ર મને જ પ્રેમ કરે. આવાં માલિકીભાવમાં ભય અને ચિંતાથી પ્રેમને ઝીલતો રહ્યો એટલે પ્રેમનો સંતોષ ન મળ્યો. હું દેહ છું એવી અજ્ઞાનતાના લીધે એકબીજા સાથે દેહની ઓળખાણથી સંબંધ બાંધતો રહ્યો અને માલિકીભાવથી પ્રેમ અર્પણ કર્યો. એટલે દેહધારી જીવનનું આદાન-પ્રદાનનું વર્તન સમતોલ ન થયું અને કર્મસંસ્કારોનું આવરણ વધતું ગયું. હે પ્રભુ! આજે પશ્ર્ચાત્તાપના પારાવાર અગ્નિમાં હું તપું છું અને ક્ષમા યાચું છું. શ્ર્વાસે શ્ર્વાસે અર્પણ થતી આપની દિવ્ય પ્રીતનાં સંવેદનને ઝીલી શકું એવી કૃપાધારાને વરસાવજો. જેથી અગ્નિ શાંત થતાં નિષ્કામ પ્રેમના અંકુરો છોડ રૂપે ઊગતાં જાય અને સમતોલભાવથી, એટલે કે ભક્તિભાવના પ્રેમાળ વર્તનથી જીવવાનો આશય પૂરો કરી શકાય.”

       અમારી સંસ્થાનો વાર્ષિક કાર્યક્રમ ‘માનવ મહેક મોહન મિત’ તા. ૧૯ ડિસેમ્બર, રવિવારે સાંજે ૬:૦૦ વાગે અમારી યૂટ્યુબ ચેનલ (Universal Spiritual Upliftment and Charitable Trust) પર લાઈવ પ્રસરણ થશે. મધુવન પૂર્તિના અમારી વાચક મિત્રોને નમ્ર વિનંતિ કે જ્ઞાન-ભક્તિના આ કાર્યક્રમમાં આપ આપના સ્વજનો સાથે જરૂરથી જોડાજો..

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા