Article Details

...તેની પ્રતીતિ થઈ ભક્તિભાવથી

ભગવાન સાથેના આત્મીય સંબંધને જાણવાની જ્યારે જિજ્ઞાસા જાગે, ત્યારે જાણવામાં સ્વ જ્ઞાનની ધારામાં મનનું સ્નાન થતું જાય. એવાં સ્નાન રૂપે મહાભૂતોની પ્રકૃતિ સાથેની આદાન-પ્રદાનની ક્રિયાઓનો  મહિમા સમજાતો જાય, તથા અદ્વૈત સ્વરૂપની આત્મીય ચેતનાનો ગૂઢાર્થ ગ્રહણ થતો જાય. મહાભૂતોની પ્રકૃતિનું દ્વૈત પ્રકારનું સ્વરૂપ છે. પ્રકૃતિ જગતમાં પરિવર્તન રૂપે વૃદ્ધિ-વિકાસની ક્રિયા સતત થતી રહે છે. પરિવર્તનની ક્રિયા એટલે કોઈ પણ આકારિત કૃતિના દેખાવનું, એની સ્થિતિનું, એની અવસ્થાનું બદલાઈ જવું. જેમકે બાળપણની અવસ્થા બદલાઈ અને યુવાન અવસ્થા ધારણ થઈ. તે પણ બદલાઈ જતાં પ્રૌઢ અવસ્થા આવે અને પછી વૃદ્ધ અવસ્થા આવે. આમ આકારિત જગતની પ્રકૃતિ એટલે રૂપાંતરની ક્રિયાઓ અને તે ક્રિયાઓનાં પરિણામથી દરેક પરિસ્થિતિ સતત બદલાતી રહે છે. આવી સતત પરિવર્તનની ક્રિયાના લીધે આપણે એકની એક અવસ્થા કે પરિસ્થિતિનું જીવન જીવતાં નથી. આ સત્યથી માનવી મોટેભાગે પરિચિત હોય છે. છતાં વિકાસના સંદર્ભથી બદલાતી પરિસ્થિતિઓનો સહજ સ્વીકાર મન કરતું નથી.

       બાળપણની અવસ્થામાં શરીરનું જે કદ હતું, જે રૂપરંગ હતાં, તે મોટાં થયા પછી બદલાઈ ગયાં. નિશાળજમાં જે શિક્ષકો હતાં, જે ભણતર હતું, જે વિચારો હતાં, જે સમજવાની દૃષ્ટિ હતી તે કોલેજના ભણતરમાં બદલાઈ ગઈ. અર્થાત્ સમયના ચક્ર અનુસાર માનવી ન ઈચ્છે તો પણ બધું બદલાતું રહે છે. બદલાતી પરિસ્થિતિ સાથે જો મનનાં વિચારો ન બદલાય તો વિકાસશીલ ઘડતર મનનું થતું નથી. અવિકસિત મનની સ્થિતિ નકારાત્મક અદેખાઈના વિચારોમાં ફરતી રહે છે. પ્રાપ્ત થયેલી સ્થિતિના રૂપાંતરનો સ્વીકાર થતો નથી. એટલે જ એકના એક જૂનાં વિચારોની ઘરેડમાં, રૂઢિમાં ફરવાનું મનને સરળ લાગે છે. તેથી બદલાતી પરિસ્થિતિ સાથે અવનવા સંજોગોની ઘટનાઓનું જીવન, રાગ-દ્વેષના ભેદભાવથી સામાન્ય માનવી જીવે છે. પ્રકૃતિની રૂપાંતરની ક્રિયાઓનો મહિમા જે સમજે અને બદલાતી પરિસ્થિતિ સાથે મનનો વિકાસ થાય એવાં ઉન્નત વિચારોનાં ચિંતનથી સ્વયંને જાણવાનો પુરુષાર્થ કરે, તે છે જિજ્ઞાસુ ભક્તનો સ્વભાવ.

       જિજ્ઞાસુ ભક્ત લૌકિક જીવનની બદલાતી રહેતી પરિસ્થિતિની સંગમાં જ સ્વમય ચિંતનનો પુરુષાર્થ કરતો રહે છે. એવાં પુરુષાર્થના લીધે જે પણ કાર્ય કરવાના હોય, તેને કંટાળો કે આળસ વગર ઉત્સાહથી તે કરતો રહે છે અને વ્યક્તિગત જીવનની જવાબદારીઓ તે નિષ્ઠાપૂર્વક નિભાવતો રહે છે. એવાં જીવનમાં એને પરિવારના સભ્યોનો, કે સહકાર્યકરોનો સહકાર ઘણીવાર મળતો નથી. કારણ સામાન્ય રૂપે માનવીને આકારિત પદાર્થોને માત્ર ભોગવવાનું જીવન ગમે છે અને ભક્તને ભોગ રૂપે યોગમાં, અંતરની સૂક્ષ્મતામાં સ્થિત થવાય એવાં વિચારોનું ચિંતન ગમે છે. એટલે  ભક્તનું મન સંસારી વિચારોમાં ડૂબેલું ન રહેવાંથી, બીજા માનવીઓની જેમ ભોગી પદાર્થોની ચર્ચા ન કરે, કે રાગ-દ્વેષના ભેદભાવથી સરખામણી ન કરે. એ તો સ્વજનોના અસહકારી વર્તનનો સ્વીકાર દ્વેષ કે નિંદા વગર કરે અને અસહકારના અવરોધમાં પણ સચ્ચિદાનંદ સ્વરૂપની સ્વાનુભૂતિમાં, સ્થિત કરાવતી અંતર ભક્તિ તરફ પ્રયાણ કરતો રહે. એવું પ્રયાણ સંસારી પદાર્થોને ભોગવવાના મોહને ઓગાળે છે. જેનાં લીધે વિવેકી દૃષ્ટિ જાગૃત થતાં ભક્ત સ્વમય ચિંતનની સ્થિરતાને ધારણ કરે છે. ચિંતનની એવી સ્થિરતામાં અંતર ભક્તિ સ્વરૂપે નિ:સ્વાર્થભાવનું સંવેદન ધારણ થતું જાય.

       અંતર ભક્તિના પ્રયાણમાં ભક્તનાં મનમાં એક વિચાર ઘુંટાતો રહે છે, કે પ્રભુના પ્રકાશિત દર્શન ક્યારે થશે, અથવા સ્વાનુભૂતિમાં વારંવાર સ્થિત થવાય એવી પારદર્શકતા ક્યારે ધારણ થશે. એવાં વિચાર રૂપે કંઈક પામવાનો, કે મેળવી લેવાનો, કે પોતે ભક્ત છે એવો બીજાની સમક્ષ દેખાવ કરવાનો આશય ન હોય. પરંતુ પ્રભુ સાથેની ઐક્યતાને અનુભવવાની તાલાવેલી હોય. તેથી સાર-અસારનો ભાવાર્થ ગ્રહણ કરાવતી વિવેકી દૃષ્ટિથી તે જીવનની દરેક ઘટનાઓની મૂલવણી કરતો રહે છે. કારણ જે સનાતન સત્ય છે તેનાં સ્વીકારથી ભક્ત જીવે છે, કે મનુષ્ય જીવનનો આશય ભક્તિભાવથી અંતર યાત્રામાં સ્થિત થવા માટેનો છે. એટલે પ્રારબ્ધગત જીવનનાં જે પણ સંજોગો હોય, જે પણ સુખદ કે દુ:ખદ અનુભવ થાય તેની મૂલવણી રૂપે ચિંતનયુક્ત આંતરિક સંવાદ તે કરતો રહે કે, દિવસો પસાર થતાં જાય છે, મહિનાઓની ગણતરીથી વરસો પણ પસાર થાય છે અને શરીરની ઉંમર પણ વધે છે. તેની જાણ વરસગાંઠની ઉજવણીથી, કે નવા વરસના આગમનની ઉજવણીથી થતી નથી, પરંતુ શિથિલ થતી શરીરના અંગોની ક્રિયાઓથી તે જણાય છે.

       શરીરની વધતી જતી ઉંમરની અસર ઘણીવાર રચનાત્મક વિચાર કરવાની કળાને શિથિલ કરે છે. કારણકે શરીર સાથે મન જોડાયેલું છે. એટલે શરીર જો રોગ કે પીડાથી નબળું પડે, તો મનની વિચારવાની સ્વસ્થતા પણ ખોરવાઈ જાય છે. દેહધારી જીવનની આ વાસ્તવિકતાના સ્વીકારથી ભક્ત જીવે છે. તેથી તન-મનની એકબીજા સાથે સંકળાયેલી ક્રિયાઓની પ્રતિકૂળ અસર જ્યારે તે અનુભવે, ત્યારે સાત્ત્વિકભાવ પ્રબળ થાય એવી જ્ઞાન-ભક્તિમાં લીન રહેવાનો પુરુષાર્થ કરતો રહે છે. બાહ્ય જીવનની બદલાતી રહેતી પરિસ્થિતિનો સુખદ કે દુ:ખદ અનુભવ કરનાર મન જો ભક્તિભાવથી રંગાતુ જાય, તો સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી જાય. પછી બદલાતી રહેતી પ્રકૃતિની કૃતિઓમાં સમાયેલી, પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ થતી જાય. પ્રભુની પ્રતીતિ કરવા માટે, પ્રભુની દિવ્ય પ્રીતનો આનંદ માણવા માટે તો મનુષ્ય જન્મની ભેટ મળી છે. મનુષ્ય જીવનમાં જ મન પર પથરાયેલાં કર્મસંસ્કારોના આવરણને, વિલીન કરાવતાં જ્ઞાન-ભક્તિના સદાચરણને ધારણ કરી શકાય છે. સદાચરણની દિશામાં પ્રયાણ કરતાં રહી સાત્ત્વિક જીવન જીવવું, કે રાગ-દ્વેષાત્મક ભેદભાવની દિશામાં અથડાતાં રહેવું, તેનો નિર્ણય ખુદ પોતે જ કરવાનો હોય. મનુષ્ય જન્મનો હેતુ સાર્થક થાય એવાં ભક્તિભાવમાં સ્થિત રહેવા માટે પ્રભુને વિનંતિ કરીએ કે..,

 

"હે પ્રભુ! મનુષ્ય દેહ છે ઉત્તમ સ્થિતિનું વાહન,

તેની પ્રતીતિ થઈ ભક્તિભાવથી;

શરીરનો આકાર છે, તેનું રૂપાંતર છે,

પણ મનનો આકાર નથી તેની પ્રતીતિ થઈ ભક્તિભાવથી;

       મન છે આપની આત્મીય ચેતનાનો અંશ,

તેથી તો વિચારો કરવાની સમર્થતા મળી છે;

       કર્મસંસ્કારને વિલીન કરાવતી જ્ઞાન-ભક્તિની સરિતામાં તર્યા કરું

એવી કૃપા ધરજો.”

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા