Article Details

મારી હોડીને પાર ઉતારો ભગવાન

નિ:સ્વાર્થ પ્રેમભાવ વગર જ્ઞાન-ભક્તિની યાત્રા ન થઈ શકે. ભક્તિના પથ પર પ્રેમભાવથી જ ડગલાં ભરી શકાય. તેથી ભક્તિની અંતર યાત્રાના પથ પર પ્રયાણ કરવા માટે, ભેદભાવ વગરનો પ્રેમાળ સ્વભાવ જરૂરી છે. પ્રેમાળ સ્વભાવની નિર્મળતા ધારણા કરવા માટે આરંભમાં મનને શ્રવણ, કીર્તન, ભજન, અધ્યયન વગેરે સત્સંગની પ્રવૃત્તિઓથી કેળવવું પડે. જ્યાં સુધી નિ:સ્વાર્થ પ્રેમભાવની જાગૃતિ ન થાય, ત્યાં સુધી ભજન-સ્તુતિના ગુંજનમાં અને સ્વ બોધના અધ્યયનમાં એકાગ્રતાથી મનને સ્થિત રાખવું જોઈએ. એવી એકાગ્રતાથી ભજન-સ્તુતિના શબ્દોનો ભાવાર્થ જાણવાની જિજ્ઞાસા જાગે, ત્યારે ભાવાર્થની સૂક્ષ્મ સમજ ગ્રહણ થતાં મનમાં ભાવની નિર્મળતાના અંકુરો ફૂટતાં જાય. મન જો ભાવની નિર્મળ ધારામાં ઝબોળાઈ જાય, એટલે કે પ્રેમાળ વર્તનથી નિ:સ્વાર્થતાનો ઉજાગર થાય, પછી શબ્દોની સમજનો આધાર છૂટતો જાય. કારણ પ્રેમભાવની નિર્મળતાના લીધે તર્કબદ્ધ દલીલો કરતું, મારું-તારુંના સંદર્ભથી વિચારણા કરતું મનનું સંકુચિત માનસ ઓગળતું જાય છે અને હૃદયભાવની વિશાળતા પ્રગટતી જાય છે.

       ગુરુ કે માર્ગદર્શકના સાંનિધ્યમાં મન જેમ જેમ સત્સંગની પ્રવૃત્તિઓથી કેળવાતું જાય, તેમ તેમ ભક્તિની અંતરયાત્રાની મહત્તા સમજાતી જાય. ભાવની જાગૃતિથી શબ્દોનો આધાર છૂટતો જાય, પછી અંતર સ્ફુરણાના કહેણ ધારણ થતાં જાય. અંતર સ્ફુરણને અંગ્રેજીમાં ઈનર ઈન્ટુયશન કહે છે. બાહ્ય પદાર્થોને ભોગવવાનું આકર્ષણ જ્યારે ઓછું થાય, વ્યવહારિક કાર્યોની સફળતા માટેના વિચારો ઓછા થાય, ત્યારે ભક્તિભાવની નિર્મળ ધારામાં સ્નાન થતું જાય અને અંતર સ્ફુરણાના અણસારાને ઝીલી શકાય. અંતર કહેણના વહેણમાં ભક્તની હું છું એવી અહમ વૃત્તિઓનું શુદ્ધિકરણ થતું જાય. શુદ્ધિકરણ એટલે અહમ્ કેન્દ્રિત વૃત્તિઓનું વર્તન બદલાતું જાય. ‘હું કર્તા છું’ એવી અજ્ઞાનતા ઓગળતી જાય અને સોઽહમ્ભાવની જાગૃતિ ધારણ થતી જાય. અર્થાત્ મનના શુદ્ધિકરણમાં અકર્તાભાવની, સાત્ત્વિકભાવની નિર્મળતાનો ઉજાગર થાય અને અહમ્ વૃત્તિઓનાં સમર્પણ રૂપે ભક્તનું અસ્તિત્વ અંતર પથ પર પ્રયાણ કરતું જાય. અંતર પથના પ્રયાણમાં માર્ગદર્શકના સંગાથની અપેક્ષા ન રહે. કારણ ભક્તની સાત્ત્વિકભાવની ભક્તિના પગલા અને અંતર પથનું એકમ હોવાંથી, જ્યાં પ્રયાણ થાય ત્યાં પ્રભુની દિવ્ય ચેતનાના અણસારા અંતર સ્ફુરણ રૂપે સ્વયંભૂ પ્રગટતાં જાય છે. એવા ભક્તનું જો સાંનિધ્ય મળે તો સ્વયંને જાણવાની અને અંતર પ્રયાણની જિજ્ઞાસા જાગે છે.

       જ્ઞાની ભક્ત દ્વારા  પ્રગટતી, અંતર કહેણની બોધ ધારાને જે માનવી સ્વીકારે છે, તેનામાં જિજ્ઞાસુભાવ સહજ જાગૃત થાય છે. કારણ સ્વ બોધ રૂપે પ્રગટેલાં સાત્ત્વિક વિચારોના કહેણમાં મનને સ્વયંનું સત્ દર્શન સુલભ થાય છે તથા પ્રકૃતિ જગત સાથેના દેહધારી જીવનનો મહિમા સમજાય છે. જીવંત જીવનનો મહિમા સમજાય પછી જેનો હું અંશ છું, તે પ્રભુની દિવ્યતામાં એકરૂપ થવાનો સંકલ્પ દૃઢ થાય અને ભક્તિભાવમાં મનને ઓતપ્રોત કરાવતી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક સ્થિત થવાય. મનને પછી સત્સંગની પ્રવૃત્તિઓનું વળગણ લાગે અને આપમેળે શ્રવણ, અધ્યયન, કીર્તન વગેરેમાં જિજ્ઞાસુ મન આસક્ત થતું જાય. એવી આસક્તિ જ્ઞાની-ભક્તના પાવન સાંનિધ્યમાં સ્થિત રહીને ભક્તિના સદાચરણથી જીવવાનો પુરુષાર્થ કરાવે. આમ જ્ઞાની-ભક્તના અંતર કહેણ સદાચરણના સાત્ત્વિકભાવની જાગૃતિનો પ્રસાદ અર્પણ કરે છે. તે પ્રસાદથી ભવોનું કર્મસંસ્કારોનું આવરણ વિલીન થતું જાય તથા રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનથી મુક્ત કરાવતો ભક્તિભાવ જાગૃત થતો જાય.

       જિજ્ઞાસુ મન પર ભક્તિભાવનો રંગ લાગે, પછી સંસારી પદાર્થોની નિરર્થકતા જણાય અને સદાચરણની સરળતા ધારણ થતી જાય. જિજ્ઞાસુ ભક્ત પછી નિ:સ્વાર્થ પ્રેમભાવથી અંતર ભક્તિમાં લીન થાય અને ભાવની સ્થિરતાને ધારણ કરતો જાય. ભાવની સ્થિરતા એટલે ‘આ કરું કે ના કરું’ અથવા ‘આ સારું કે ખરાબ છે’ એવાં તાર્કિક વિચારોની આવનજાવન ન હોય, પણ સર્વત્ર પ્રભુની ઊર્જાની ચેતનાનાં વહેણ પ્રસરતા રહે છે અને સૌ તે ચેતનાના આધારે જીવે છે એવાં સમભાવની દૃષ્ટિ હોય. ભાવની સાત્ત્વિકતા રૂપી વાટમાં શ્રદ્ધા રૂપી ઘી હોવાંથી, અંતરની અગમ્યતા ભક્તને સુદર્શિત થતી જાય. અંતર દર્શનની અંતરધ્યાનસ્થ સ્થિતિમાં તે પ્રભુ સાથેની ઐક્યતાને અનુભવે અને શરણભાવથી પ્રભુને પ્રાર્થના કરે કે..,

       "હે પ્રભુ તારા જેવો નિરપેક્ષ, શાશ્ર્વત સહારો કોઈ સંસારી સંબંધોથી મળતો નથી. તારી જેવી દિવ્ય પ્રીતનો આનંદ જગતના કોઈ પણ પદાર્થોમાં નથી અને તું જ મારો મિત(પ્રિયતમ/મિત્ર) છે એવી પ્રસન્નતા અંતર દર્શન રૂપે અનુભવાય છે. તારો શાશ્ર્વત સંગાથ છોડીને હવે બીજા કોનાં સંગાથને શોધું. તું જ સ્વયં આત્મ સ્વરૂપે સંગાથ ધરી, આત્મ સ્થિત કરાવતી અંતર ભક્તિમાં મને સાત્ત્વિકભાવથી તલ્લીન રાખે છે. ભાવની સ્થિરતા અર્પીને તારા પ્રકાશિત અંતર પથ પર ગતિમાન કરાવે છે, જે મારા મનુષ્ય જન્મને સાર્થક કરાવે છે. હું જાણું છું કે આત્મીય અંતર પથ પર પોતાની મેળે હું પ્રયાણ કરી શકું એમ નથી. ક્ષણે ક્ષણે નવીનતા પ્રગટાવતી તારી પ્રકાશિત ગતિમાં ગતિમાન કેવી રીતે થવાય તેનું જ્ઞાન કોઈ લખેલા શાસ્ત્રોમાં નથી. તેથી હે પ્રભુ, તું જ સાક્ષાત્ મને તારા માર્ગે પ્રયાણ કરાવ. જેમ જ્ઞાની ભક્તને તું અંતર સ્ફુરણની ભાવ ગતિથી પ્રયાણ કરાવે છે, તેમ આત્મીય દિવ્ય ગતિથી મારો હાથ પકડી, આપના આત્મીય ગોકુળધામમાં લઈ જાવ. પ્રારબ્ધગત સંજોગોની ભરતી-ઓટમાં હું અટવાઈ ન જાઉં, પણ ભાવની સ્થિરતાથી અંતરધ્યાનસ્થ કરાવજો અને આપના પ્રકાશિત દર્શનમાં સમાવી દેજો. જેથી અંતર ચક્ષુને તારા આભાસનો, તારી ઝાંખીનો અંધાપો ન રહે અને પ્રકાશિત દર્શનમાં અસ્તિત્વ એકરૂપ થાય.

 

       ...મને ગોકુળ હવે લઈ જા, વિનવું છું તને ગોવર્ધનના નાથ,

       મારી આંખ્યોમાં તારો આભાસ, છતાં અંધાપો છે હે નાથ;

       હું તો શોધું તને સારી સૃષ્ટિમાં શ્યામ, છતાં કોઈ ના આપે તારી ભાળ,

       તારી જાતે તું મારો હાથ પકડ, ને દેખાડ હરિ તારો માર્ગ;

       મારા માર્ગમાં આવતી ભરતી ને ઓટ, હવે અટકાવ મારા નાથ,

       મારી હોડી છે બહુ હજી નાની, એને પાર ઉતારો ભગવાન.”

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા