Article Details

ભક્તિભાવથી અંતરભોગ થાય, આનંદ એવો ધરજો...

       જ્ઞાન-ભક્તિની અંતરયાત્રામાં મનનો જિજ્ઞાસુભાવ ત્યારે લીન થાય, જ્યારે ‘હું ભક્ત છું, હું સ્વાનુભૂતિમાં સ્થિત થવાનો પુરુષાર્થ કરું છું’ એવી અહંકાર પ્રેરિત વૃત્તિઓ ઓગળતી જાય. એવી અહમ્ વૃત્તિઓનું ઓગળવું એટલે નિ:સ્વાર્થ પ્રેમભાવની સાત્ત્વિકતા જાગૃત થવી. મોટેભાગે માનવી પ્રેમાળ વર્તનનો આનંદ ત્યાં અનુભવી શકે છે જ્યાં મેળવી લેવાનો સ્વાર્થ ન હોય, પણ એકબીજા સાથેના સંબંધમાં અર્પણ કરવાની નિખાલસતા હોય. નિષ્કામભાવની નિખાલસતા જાગૃત થાય ત્યારે મન બની જાય પ્રેમભાવનું આસન. ભક્તના એવાં પ્રેમાળ આસન પર પ્રભુભાવની ચેતના બિરાજમાન રહે. એટલે એવાં ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિનો સત્સંગ થાય, ત્યારે બીજા જિજ્ઞાસુઓ ભાવની સાત્ત્વિકતાને અનાયાસે ધારણ કરે છે. જ્યાં સુધી ભાવની સાત્ત્વિકતા જાગૃત નથી થતી, ત્યાં સુધી આધ્યાત્મિક વિચારોની માત્ર ચર્ચા થાય, સૂક્ષ્મ સમજ ગ્રહણ થાય, પણ આધ્યાત્મિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરાવતું પ્રેમાળ વર્તન ધારણ ન થાય. તેથી જ ભાવની જાગૃતિ અર્થે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને મનને ભક્તિભાવથી કેળવવું અતિ આવશ્યક છે.

       ભક્તિભાવથી જેમ જેમ મન કેળવાતું જાય, તેમ તેમ ભાવની સહજતા પ્રગટતી જાય, સ્વ સ્વરૂપની વાસ્તવિકતા ગ્રહણ થતી જાય અને હું દેહ છું એવી માન્યતાની અજ્ઞાનતા પરખાતી જાય. એવી પરખ રૂપે સમજાય કે હું દેહ છું એવી અજ્ઞાનતાના લીધે એકબીજા સાથેની ઓળખાણ પણ શરીરના આકારથી જ મન કરતું રહે છે. એવાં બાહ્ય દેખાવની ઓળખથી વ્યવહાર થાય એમાં રાગ-દ્વેષ વધુ હોય અને સરખામણીના ભેદભાવ હોય. એટલે માત્ર શરીરના દેખાવની ઓળખમાં હું દેહ છું એવી અજ્ઞાનતામાં મન ડૂબેલું રહે છે. એવું અજ્ઞાની મન જે પણ લૌકિક વ્યવહારિક કાર્યો કરે તેનું વર્તન સમતોલ ન હોય. કારણ રાગ-દ્વેષાત્મક ભેદભાવની અસમતોલતા હોવાંંથી પ્રેમ, લાગણી, સ્નેહને અર્પણ કરવાની, કે પરોપકાર, સમાધાન, દયા વગેરે ભાવની સાત્ત્વિકતા વર્તનમાં પ્રગટતી નથી. જ્યારે પોતાના ભેદભાવભર્યા વર્તનની ભૂલનો પસ્તાવો થાય, ત્યારે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાની તન્મયતા દૃઢ થતી જાય. પછી બાળક જેવી નિર્દોષતાથી મન પ્રભુને પ્રાર્થનાપૂર્વક વિનંતિ કરતું રહે કે..,

       "..હે પ્રભુ! હું તારો જ અંશ છું અને જાણું છું કે આપનું દિવ્ય ગુણોનું પ્રભુત્વ મારી ભીતરમાં સમાયેલી આત્મા રૂપી તિજોરીમાં સુષુપ્ત રહ્યું છે. ભીતરની દિવ્યતા પ્રકાશિત થાય અને આપનામાં એકરૂપ થવાય એવી ઝંખના હવે પ્રબળ થઈ છે. આધ્યાત્મિક શાસ્ત્રો પણ દર્શાવે છે કે મારું આત્મ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપનું છે. ગુરુ તથા માર્ગદર્શન આપતાં વડીલો પણ સમજાવે છે કે સચ્ચિદાનંદ સ્વરૂપની અનુભૂતિ કરવા માટે જ મનુષ્ય જન્મની ભેટ મળી છે. જિજ્ઞાસુભાવથી હું જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં તરતાં જાણવા મથું છું, કે સ્વયંના આત્મ સ્વરૂપમાં મારા મનોભાવ એકાકાર કેવી રીતે થાય? એવી મથામણ ભજન-સ્તુતિના ગુંજનમાં શાંત થાય છે. પરંતુ સ્વયંમાં એકાકાર થવા માટે, આપની દિવ્ય પ્રીતના સ્પંદનો ઝીલવા માટે મારું મન વારંવાર અધીરું થઈ જાય છે. ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું ત્યારે જ ન કામના વિચારોની આવનજાવન વધી જાય છે. એટલે શ્રવણ, ભજન, કીર્તનનો સહારો લઉં છું. પરંતુ આપની અનરાધર કૃપાના લીધે જ ભાવભીની ભક્તિમાં મન તરબોળ થાય છે અને વિચારો શાંત થતાં ભાવની સાત્ત્વિક ધારા છલકાતી રહે છે..

       .. ભાવની સહજતા છલકાતી રહે, ત્યારે અંતરનું પ્રેરક બળ અનુભવાય છે. અંતરનો પ્રેરણા સ્ત્રોત અંતરધ્યાનની એકાગ્રતા ધરે છે અને આપની સાથેની ઐક્યતાની પ્રતીતિ થાય છે. એવી પ્રતીતિ મારા મનને મનાવતી નથી, પણ મનની જે માવીતર સ્થિતિ છે, જે આત્મીય ચેતનાની ગુણિયલતા છે તેમાં ઓતપ્રોત થવાની પ્રેરણા પૂરે છે. તેથી હવે લૌકિક જીવન જીવવાની રીત બદલાઈ ગઈ છે. કારણ આકારિત જગતના પદાર્થોને ભોગવવાથી આનંદ અનુભવાય છે એવી માન્યતાની વૃત્તિઓ સાત્ત્વિકભાવની જાગૃતિના લીધે વિલીન થઈ ગઈ છે. હવે માત્ર વિચારોથી સ્વીકાર્યું નથી, પણ સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રતીતિના લીધે અનુભવાય છે કે આનંદ તો ભીતરમાં છે. મારું સચ્ચિદાનંદ સ્વરૂપ છે એટલે તો બાહ્ય પદાર્થોના ભોગમાં સુખની પ્રાપ્તિ અનુભવાય છે. પહેલાં અજ્ઞાનવશ એવી માન્યતાથી જીવતો હતો કે આનંદ કે સુખ પદાર્થોમાં છે. પરંતુ જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાંથી અંતરના આત્મીય આનંદની પ્રતીતિ થાય છે. સ્વયંના સચ્ચિદાનંદ સ્વરૂપની સ્વાનુભૂતિમાં વારંવાર સ્થિત થવા માટે હું ધ્યાન સ્વરૂપે અંતરની સૂક્ષ્મતામાં ફરું છું. અંતરની સૂક્ષ્મતામાં હુંનું અસ્તિત્વ આપના પ્રકાશિત દર્શનમાં વિશાળ થાય છે અને વિશાળતાની પ્રતીતિ રૂપે સાત્ત્વિકભાવની સહજતા અનુભવાય છે. કૃપા કરી હે પ્રભુ મુજને આપના ભાવની દિવ્યતામાં, આપની પ્રકાશિત પ્રીતમાં સમાવી દ્યો. જેથી એકરૂપતાનો, એકાકારનો પરમ આનંદ માણી શકાય.”

       નિર્દોષભાવથી થતી ભક્તની પ્રાર્થનામાં સ્વાનુભૂતિની તડપ હોય. નિર્દોષભાવની નિખાલતા જાગે, ત્યારે મન પર પથરાયેલું અહમ્ વૃત્તિઓનું આવરણ ઝાંખું થતું જાય. પછી મારે જાણવું છે, સમજવું છે, એવાં પ્રશ્ર્નોની મુંઝવણ ન રહે અને ભક્ત સ્વયં ભક્તિનું વહેણ બની જાય. અર્થાત્ મનની સાત્ત્વિકભાવની જાગૃતિ, આત્માની વિશાળતામાં, દિવ્યતામાં, ગુણિયલતામાં એકરૂપ થતી જાય અને ભક્ત તથા ભગવાનનો, એટલે કે મન તથા આત્માનો ભેદ મિટાવતી પારદર્શકતા સ્વયંભૂ પ્રગટતી જાય. એવી પારદર્શકતામાં જ સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રકાશિત ગુણિયલતા સ્વાનુભૂતિ સ્વરૂપે પ્રદર્શિત થાય. એવી સ્વાનુભૂતિમાં સ્થિત થવા માટે આપણે પણ નિર્દોષભાવથી પ્રભુને વિનંતિ કરીએ, કે મને અજ્ઞાનની નિદ્રામાંથી જગાડીને ભાવની સહજતાનું દાન ધારણ કરાવજો.

 

       ક્યારે જગાડશો પ્રભુ મને ક્યારે જગાડશો,

              સંસારી વિચારોમાં ઊંઘતા, મનને જગાડજો;

       અમૂલ્ય માનવી દેહ મળ્યો, માણવા આપનો પ્રેમ,

              સારથિ બનીને  મનને જગાડી, કરુણાભાવમાં તરાવો;

       મારા વાણી વિચારોમાં સાત્ત્વિક પ્રેમની, પૂરજો સૌમ્ય ગતિ,

              ભક્તિભાવથી અંતર ભોગ થાય, આનંદ એવો ધરજો.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા