Article Details

આ જીવન રૂપે જે છે, એ બધું આપના વગર નિરાધાર

સાત્ત્વિક આચરણને સહજતાથી ધારણ કરી શકાય, તે માટે પ્રભુએ પ્રકૃતિ જગતની રચના કરી છે. પ્રકૃતિ જગતની ક્રિયાઓનો મહિમા જો સમજાય તો સમર્પણભાવથી થતી પ્રકૃતિની ક્રિયાઓ, આપણાં મનને ભાવની સહજતા ધારણ કરવાની પ્રેરણા પૂરે છે. પ્રકૃતિ જગત એટલે જ અર્પણભાવની નિષ્કામ ભૂમિ. ભાવની એવી ભૂમિ પોતાનું બધું જ સમર્પી દે છે. જેથી માનવી ઉપભોગી જીવનને માણી શકે અને સાત્ત્વિક આચરણનો સંતોષ પણ માણી શકે. પરંતુ આપણે જાણીએ છીએ કે માનવીનું મન તો સમર્પણભાવની ભૂમિથી યોજનો દૂર રહીને, માત્ર રાગ-દ્વેષના ભેદભાવમાં રગદોળાતું રહે છે. આવું કેમ થતું હશે? પ્રકૃતિ જગતની સમર્પણભાવની ક્રિયાઓનું પરિણામ જો મન ભોગવે છે, તો વર્તન રૂપે ભાવની અભિવ્યક્તિ થઈ શકે છે. તે નથી થતી કારણ ભેદભાવમાં રગદોળાતાં મન પર સ્વાર્થનો, અદેખાઈનો અહંકારી કચરો એટલો બધો જમા થઈ ગયો છે, કે પ્રકૃતિ જગતનો ઉપભોગ માનવી સતત કરતો હોવા છતાં ભાવની સહજતા મનમાં છલકાતી નથી. પોતાના અહંકારી, અજ્ઞાની વૃત્તિ-વિચારોનો જ્યારે પશ્ર્ચાત્તાપ થાય, ત્યારે તે કચરાને વિલીન કરાવતી શ્રવણ, કીર્તન, સ્મરણ, અધ્યયન વગેરે સત્સંગની પ્રવૃત્તિઓમાં મન વીંટળાતું જાય.

       મનની માટી અહંકારી સંકુચિત વર્તનના લીધે સુકાઈ જાય છે. એવાં મનની માટી પ્રકૃતિના ઉપભોગથી ભાવભીની ત્યારે થાય, જ્યારે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને સત્સંગ કરે. સાંનિધ્યમાં મનની સંકુચિત વર્તનની જડતાનો, કે અહંકારી માનસની મંદતાનો, કે સ્વયંને આકારિત શરીર માનવાની મૂર્ખતાનો પરિચય થાય. જ્ઞાની ભક્તના પાવન સાંનિધ્યમાં ભક્તિભાવના પ્રકાશિત સ્પંદનો ધારણ થાય. જે મન પર પથરાયેલી અહંકારી કચરાવાળી માટીનું ખેડાણ કરી, સ્વ અધ્યયનની લગનીને જાગૃત કરાવે. પછી પ્રેમભાવની નિર્મળતા સાથે સ્વયંને જાણવાની જિજ્ઞાસુભાવની ઉત્સુકતા પણ વધતી જાય. સાંનિધ્ય રૂપે ભાવનું સિંચન થતું જાય અને ભાવની ભીનાશથી સ્વયંની ઓળખ રૂપે પરખાતું જાય કે, "પ્રભુની આત્મીય ચેતનાનો જ હું અભિન્ન અંશ છું. મારી ભીતરમાં જ પ્રભુનું દિવ્ય ગુણોનું પ્રભુત્વ સમાયેલું છે. તે દિવ્ય ગુણોના બીજ જે ભીતરમાં સુષુપ્ત રૂપે સમાયેલાં છે, એ મનની ભાવભીની ભૂમિમાં જ્ઞાન ભક્તિની નિષ્ઠાથી અંકુરિત થઈ શકે છે.”

       ભીતરમાં સમાયેલી દિવ્યતાને અંકુરિત કરવા માટે, એટલે કે સાત્ત્વિકભાવની જાગૃતિને ધારણ કરવા માટે, સંસારી જીવનમાં જે પણ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે તેનો ત્યાગ કરવાની બાંધછોડ કરવાની નથી, કે કુટુંબના પાલનપોષણની જવાબદારીઓ છોડીને કોઈ પણ આશ્રમનો આધાર લેવાનો નથી. પરંતુ જ્ઞાન-ભક્તિની અંતરયાત્રા કરવાનો જે સંકલ્પ કર્યો છે, તે સંકલ્પ અનુસાર અધ્યયન-ચિંતનથી મનનું શુદ્ધિકરણ કરવાનું હોય. શુદ્ધિકરણ એટલે જે અહંકારી અજ્ઞાની વૃત્તિ-વિચારોનો કચરો મન પર આવરણની જેમ જમા થયો છે, તેને વિલીન કરાવતું સાત્ત્વિકભાવની જાગૃતિનું સદાચરણ ધારણ થવું. સદાચરણની સાત્ત્વિકતા ધારણ થઈ શકે અને મનુષ્ય જીવનની શ્રેષ્ઠતાનો અનુભવ થઈ શકે, તે માટે જ પ્રભુએ પ્રકૃતિ જગત સાથેની એકબીજા પર આધારિત જીવનની રચના કરી છે. જો પ્રકૃતિની સમર્પણભાવની ક્રિયાના અણસારાને ગ્રહણ કરતાં રહીશું, તો શુદ્ધિકરણ રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે થશે અને પ્રભુ સાથેની ઐક્યતાનો આનંદ ભક્તિભાવથી માણી શકાશે.

       સમર્પણભાવની પ્રકૃતિ જગતની ભૂમિનો ભાવાર્થ જો મનોમન ગ્રહણ થાય, તો સદાચરણ તરફ પ્રયાણ થતું જાય. આપણને એટલી તો ખબર છે, કે ગુલાબના છોડનું બીજ જે સ્થળે વાવીએ તે સ્થળમાં જ ગુલાબનો છોડ ઊગે છે. બીજ પોતાની મેળે બીજા સ્થળે જઈ શકતું નથી. જો તે સ્થળની માટી નકામી હોય તો પણ જે છોડ ઊગે તે પોતાનું સ્થાન બદલતું નથી. અર્થાત્ કોઈ પણ છોડ આપણને દર્શાવે છે, કે પ્રારબ્ધ અનુસાર જે પરિવારના સભ્યો સાથેનું જીવન મળ્યું છે, તે સંબંધિત જીવનની ભૂમિનો સંગ ન ગમે તો પણ છોડવો ન જોઈએ, કે દ્વેષ અથવા ધિક્કારથી અવગણના ન કરવી જોઈએ.

અવગણના કરવાને બદલે સાત્ત્વિક વિચારોના સહારે મનોમંથન થાય, તો સમજાય કે પોતાના શરીરના આકારને બદલી કે છોડી શકતાં નથી. પછી સંબંધોના સ્થાન બદલવાની જરૂર નહિ પડે, પણ જીવંત જીવનનો સદુપયોગી મહિમા ગ્રહણ થતો જાય. પછી સાત્ત્વિક વિચારોના ભાવાર્થ અનુસાર વિચાર-વર્તનનું પરિવર્તન થતું જાય અને સાત્ત્વિક ગુણો રૂપી ફળ-ફુલ ખીલતાં જાય. એવી ગુણિયલ સ્વભાવની મહેકથી પરિવારના સભ્યો સાથેની સુમેળતા વધતી જાય અને ભાવની સહજતાથી એકરાર થાય કે..,

 

       "હે નાથ! જીવંત જીવન જીવવાની સહજતા ધરી પ્રકૃતિ જગતના આધારે;

       વિચારો કરવાની સરળતા ધરી, મન-મગજની સુમેળભાવની ક્રિયાના આધારે;

       છતાં માનવી અહંકારી બની સમજે કે, બધું થાય છે મારી બુદ્ધિના આધારે;

       પણ ભક્ત જાણે છે કે, આ જીવન રૂપે જે છે,

તે બધુ છે આપના વગર નિરાધાર.

      

       માનવીને પોતાની પદવીનું, જ્ઞાતિનું, સત્તાનું, વ્યક્તિત્ત્વનું, રૂપિયાનું વગેરેનું અતિશય અભિમાન હોય છે. બીજા વ્યક્તિને પોતે જો કંઈક મદદ કરે તો બીજા પાંચ જણને પોતાની હોંશિયારી વિશે જણાવે અને મદદ લેનારને નિમ્ન કક્ષાનો ગણે. માનવીના આવા તુમાખીભર્યા અહંકારી મિજાજને ઓગાળવા માટે જ પ્રભુએ પ્રકૃતિ જગતની રચના કરી છે. સૂર્ય, ચન્દ્ર, વાયુ, જળની પ્રકૃતિ આપણને સમર્પણભાવથી પોતાનું સર્વસ્વ અર્પી દે છે. સવારે સૂર્યોદયના દર્શન કરીએ ત્યારે સૂર્યદેવને કોઈ ખુશી કે હર્ષ થતો નથી કે, ‘મારા દર્શન આ વ્યક્તિએ કર્યા અને મારી ઊર્જાનું પોષણ એ મેળવે છે.’ આમ પ્રભુનું ઊર્જા ધન જે શ્રદ્ધાભાવથી ગ્રહણ કરે, તે જ બીજાને શ્રદ્ધાભાવથી અર્પણ કરી શકે છે અને તે જ છે ભક્તિભાવનું સદાચરણ. ભક્તિભાવ કે શ્રદ્ધાભાવ જ્યાં નથી, ત્યાં અભિમાનની બદબો હોય કે, ‘બીજાની પાસે નથી અને હું બીજાને અર્પણ કરું છું.’ પ્રકૃતિ જગતની સર્વે કૃતિઓ પ્રભુનું ધન સમર્પણભાવથી અર્પણ કરે છે અને પ્રભુ પણ કદી જતાવતાં નથી, કે જીવ સૃષ્ટિ મારા આધારે જીવે છે. જિવાડનાર પ્રભુની શક્તિ તો અકર્તાભાવની નિ:સ્વાર્થતાથી, સમર્પણભાવની પ્રીતથી અર્પણ થાય છે. તેથી એને ધારણ કરનાર મન જો પ્રેમભાવથી જીવે તો સદાચરણની મહેક પ્રસરતાં, સ્વયંના પરમ આનંદની પ્રતીતિ માનવી કરી શકે છે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા