Article Details

પ્રભુ પ્રીતનો પ્રકાશ સર્વવ્યાપક છે

       વિચારોના આરોહણમાં જો સાત્ત્વિક ભાવ હોય, તો વિચારોની સમીક્ષાથી જે સમજણ મળે તે સમજ અનુસાર મનનું વર્તન થાય. તેથી મનનાં વિચારોનું યોગ્ય આરોહણ થવું જોઈએ. યોગ્ય આરોહણ થવું એટલે જે વિચારોમાં રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિ ન હોય, પણ સાત્ત્વિક ભાવની જાગૃતિ હોય. એવી જાગૃતિનાં લીધે વિચારોનો સૂક્ષ્મ ભાવાર્થ સહજતાથી ગ્રહણ થાય અને ભાવાર્થથી મનની સ્વથી અજાણ રહેતી અજ્ઞાનતા ઓગળતી જાય. પછી સ્વયંનો પરિચય કરાવતી, સ્વયંની અનુભૂતિમાં સ્થિત કરાવતી અંતરયાત્રા ભક્તિભાવથી થયાં કરે. આમ સાત્ત્વિક વિચારોની સ્વચ્છતામાં અહંકારી કે સ્વાર્થી વર્તનની ગંદકી પ્રગટતી નથી એટલે જ્ઞાતા વૃત્તિનો પ્રભાવ સહજ ધારણ થાય છે. જ્ઞાતા વૃત્તિથી ભક્ત આત્મ સ્વરૂપની અને પ્રભુની ઐક્યતાથી જાણકાર થાય. જાણકાર થવું એટલે મનનું ઘડતર થવું. ઘડતર રૂપે સંકુચિત અજ્ઞાની માનસ ઓગળતું જાય અને અહમ્ વૃત્તિ સમર્પણ ભાવની જાગૃતિથી નમતી જાય.

       અહમ્ વૃતિઓ ત્યારે નમે, જ્યારે પ્રભુની ભાવ શક્તિનાં સ્પંદનો ભક્તિ સ્વરૂપે ધારણ થાય. એટલે ભક્તને ભક્તિ સ્વરૂપે પ્રભુની શક્તિનો આધાર મળે, જે એની શ્રદ્ધાને દૃઢ કરે છે. ભક્તની શ્રદ્ધામાં એવો ભાવ નથી, કે પ્રભુની શક્તિનો આધાર છે, એટલે ભક્તિની અંતરયાત્રામાં કોઈ મુશ્કેલી નહિ આવે. પરંતુ શ્રદ્ધા રૂપે સ્વાર્થ, માલિકીભાવ, હું ભક્ત છું એવી સૂક્ષ્મ વૃત્તિઓ ઓગળતી જાય અને નિ:સ્વાર્થભાવનું ઘી પ્રગટતું જાય, જે આત્મ જ્યોતિને પ્રજ્વલિત રાખે છે. નિ:સ્વાર્થભાવની જાગૃતિથી આત્મ જ્યોતિ સ્વયંભૂ પ્રકાશિત થાય છે. એટલે ભક્તની દૃઢ શ્રદ્ધા જ ઊર્ધ્વગતિની અંતર ભક્તિનો આધાર છે. શ્રદ્ધાના આધારે સ્વમય ચિંતનથી અહંકારી સૂક્ષ્મ વૃત્તિઓનું આવરણ વિલીન થતું જાય અને ભાવની સાત્ત્વિકતાથી પ્રભુની, એટલે કે આત્માની દિવ્ય પ્રીતનાં પ્રકાશમાં ભક્ત ઓતપ્રોત થાય. દૃઢ શ્રદ્ધાનો ભાવ કદી બીજાના આશ્ર્વાસનભર્યા શબ્દોથી જાગૃત ન થાય. એ તો સ્વયંની ભાળ માટે સાત્ત્વિક વિચારોના ચિંતનથી મનને વલોવવું પડે. જેમ જેમ મન વલોવાય, તેમ તેમ સ્વ પરિચયની વાસ્તવિકતા સમજાય અને પ્રભુ સાથેની ઐક્યતા પરખાય, ત્યારે મન બની જાય શ્રદ્ધાભાવનું ઘી અને આત્મ જ્યોતની પ્રતીતિ થાય.

       આમ ભક્તની શ્રદ્ધા એટલે જ નિ:સ્વાર્થભાવની સરળતા. ભાવની સરળતામાં ભક્તનો સ્વભાવ દુર્બળ ન બને, પણ સાત્ત્વિક ગુણોના સ્પંદનોની સબળતા ધારણ થયાં કરે. ભાવની સરળતામાં નિખાલસતા હોવાંથી, બીજા લોકોને ભક્તનાં સ્વભાવની સરળતામાં નિર્બળતા જણાય છે. કારણ ભક્તનું નિખાલસ માનસ કદી પોતે સાચો છે એવું પુરવાર કરવાનો પુરુષાર્થ ન કરે. એ તો સ્વ જ્ઞાનનાં નિર્મોહીભાવને અનુભવે છે તથા અહંકારી માનસના અજ્ઞાનને પણ સમજે છે. એવી સમજમાં જ્ઞાન-અજ્ઞાનનો, ભાવ-અભાવનો, કે સાચા-જૂઠાનો કોઈ ભેદ નથી. એટલે નિર્મોહીભાવની જ્ઞાન-ભક્તિની સરિતામાં ભક્ત તો તરતો રહે છે. તરતાં તરતાં એને પ્રતીતિ થાય, કે જ્ઞાન-ભક્તિની સ્વમય અંતરયાત્રામાં સતત તરતાં રહેવાનું હોય, કોઈ પણ અનુભૂતિ રૂપી કિનારે અટકી જવાનું ન હોય. સ્વ અનુભૂતિનાં કિનારે જો અટકી જવાય, તો અનંત યાત્રાનું પ્રયાણ ન થાય અને ‘મેં અનુભૂતિ કરી’ એવી સૂક્ષ્મ અહમ્ વૃત્તિ જાગૃત થાય. જે તરાવે પણ નહિ અને કિનારાથી દૂર લૌકિક જગતના વિચારોમાં મનને ફેરવતી રહે.

       નદી કિનારે જે ઊભો રહે તેને નદીનાં પાણીનો સ્પર્શ થતો નથી. પરંતુ જે નદીમાં તરે છે તે કિનારે ઊભા રહેલાની જો નિંદા કરતો રહે તો એવી વ્યક્તિ વાસ્તવમાં નદીમાં તરતી નથી, પણ કિનારે બેસીને તરે છે. કિનારાનાં વિચારોમાં ખોવાઈને જે નદીમાં તરે, તેને નદીનાં વિશેષ ગુણોની અનુભૂતિ થતી નથી. આમ છતાં વાસ્તવિકતા એવી છે કે જેમ નદીનાંકિનારે ઊભા રહીએ ત્યારે જ તરવાની ઈચ્છા જાગે છે; તેમ અજ્ઞાની મનોદશામાં જ ભક્તિભાવથી જ્ઞાનમાં તરવાની જિજ્ઞાસા જાગી શકે છે. તેથી ભક્ત કદી જ્ઞાન-અજ્ઞાનનાં ભેદ ન જુએ, કે અજ્ઞાની માનસને વખોડે

 

(ટીકા કરવી) નહિ. જ્ઞાન-ભક્તિની સરિતાના તરવૈયાને જો લૌકિક જગત રૂપી કિનારાનો મોહ હોય, તો તે સરિતામાં તરતો નથી, એટલે કે પ્રગતિથી પ્રયાણ કરતો નથી. જ્યાં સુધી તરવાની તમન્ના પ્રબળ થતી નથી, ત્યાં સુધી કિનારા રૂપી ભોગ્ય પદાર્થોની આસક્તિ છૂટતી નથી.

       ભક્તનું સાત્ત્વિકભાવનું માનસ કોઈ ભેદ દૃષ્ટિમાં અટવાઈ ન જાય, પણ દ્રષ્ટાભાવની તન્મયતાથી એ સતત તરતો રહે છે. વાસ્તવમાં ભક્ત અને એનો ભાવ એવી બે સ્થિતિ નથી. ભક્તનું અસ્તિત્વ જ ભાવની સાત્ત્વિક ધારા બની જાય અને તે સ્વયંભૂ પ્રભુ ભાવ રૂપી સાગરમાં એકરૂપ થઈને પ્રયાણ કરે. પછી પ્રભુ અને ભક્તિ અથવા ભગવાન અને ભક્ત એવાં ભેદ રહેતાં નથી. જ્યાં ભેદ નથી ત્યાં છે પ્રશુદ્ધ ભાવની દિવ્યતા. ભાવની દિવ્યતા એ જ છે અનંત દિવ્ય ગુણોનું પ્રભુત્વ, જે દિવ્ય પ્રીતની ચેતના રૂપે પ્રકાશિત થાય. પ્રીતની દિવ્ય ચેતના, એ જ છે ઊર્જા શક્તિનું પ્રસરણ, જેના આધારે આકારિત જગતની કૃતિઓનું સર્જન થાય છે. ભક્ત તો પ્રભુની દિવ્ય પ્રીતનાં સ્પંદનોને અનુભવતો જાય અને સોઽહમ્ ભાવ સ્વરૂપે પ્રભુ સાથેની ઐક્યતાને માણતો જાય. માણવામાં ‘હું દિવ્ય પ્રીતનો પ્રકાશ છું, હું પરમાત્માનો અભિન્ન અંશ છું’ એવું સત્ દર્શન ધારણ થતું જાય અને એનું અસ્તિત્વ વિચાર રહિત આકાશ જેવું પારદર્શક બની જાય.

 

       પ્રભુ પ્રીતનું પ્રકાશ સર્વવ્યાપક છે અને તે પ્રકાશ તો પ્રભુનું આકાશ છે;

       પ્રભુનાં આકાશમાં અવકાશ છે અને તે અવિનાશ સ્વરૂપની ગુણિયલતા છે;

       તે જ પ્રકાશ સર્વત્ર છે અને તે પ્રભુની દિવ્ય પ્રીતની ઊર્જા શક્તિ રૂપે પ્રસરે છે;

       અરે! તે જ હું છું, એવાં સોઽહમ્ ભાવથી ભક્ત તો પ્રભુની ઐક્યતાને માણે છે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા