Article Details

સ્મરણની વૃત્તિ અને ભાવ જાગે છે તારી કૃપાથી...

હે નાથ! તારા સ્મરણમાં મન મારું રમણ કરે, ત્યારે બીજી પરિસ્થિતિ રણ જેવી લાગે;

સ્મરણની વૃત્તિ અને ભાવ જાગે છે તારી કૃપાથી, હવે આ ભવસાગરને પાર કરાવજો;

તારા છે હજારો હાથ, એક હાથનો સહારો મુજને ધરજો, જેથી થાય ભક્તિ અપાર;

અંતર ભક્તિમાં લીન કરાવતો સાત્ત્વિકભાવનો પ્રસાદ ધરજો

અને પ્રકાશિત દર્શનની મહેર ધરજો.

      

       સ્વાનુભૂતિની અંતરયાત્રામાં પ્રકાશિત દર્શન રૂપે, સ્વયંના આત્મ સ્વરૂપની ગુણિયલતામાં ભક્ત એકરૂપ થતો જાય. અંતરયાત્રામાં ભક્તનું મન બની જાય ભાવની પારદર્શકતા. જ્યાં કર્મસંસ્કારો પ્રેરિત લૌકિક વૃત્તિ-વિચારોની આવનજાવન ન હોય, પણ પ્રભુ સંસ્કાર પ્રેરિત ભાવની સાત્ત્વિકતા હોય. તેથી અંતરયાત્રામાં ભગવાન અને ભક્ત એવી બે સ્થિતિ નથી, પણ એકમની ગતિનું પ્રયાણ સ્વયંભૂ થતું રહે છે. અર્થાત્ આત્મ સ્થિત અંતરયાત્રા રૂપે સ્વાનુભૂતિ થાય, તે ક્ષણે આત્મ સ્વરૂપની ગુણિયલતામાં ભક્તનું અસ્તિત્વ એકાકાર થાય. તેથી એકમની ગતિથી થતી અંતરયાત્રામાં જ્ઞાની ભક્ત કદી એવું ન વિચારે કે, ‘મને પ્રભુ પર પૂરો ભરોસો છે, તે કદી મારો હાથ નહિ છોડે.’ મને ભરોસો છે એવું રટણ મનમાં ત્યારે જ થયાં કરે, જ્યારે ભક્તિના અંતર પથ પર પ્રયાણ કરાવતો નિ:સ્વાર્થ પ્રેમભાવ જાગૃત થયો ન હોય.

       અંતર ભક્તિના પથ પર જ્ઞાની ભક્ત જેવી સ્વાનુભૂતિની ઉત્કૃષ્ટ સ્થિતિ જ્યાં સુધી ધારણ ન થાય, ત્યાં સુધી જિજ્ઞાસુ મનમાં એવું સ્મરણ રહે, કે મને પ્રભુ પર ભરોસો છે, તથા વિનંતિ પણ થાય કે,"પ્રભુ મારો હાથ ન છોડતાં, આપના સંગાથ વગર હું ભક્તિભાવમાં ઓતપ્રોત થઈ શકું એમ નથી. આપની કૃપા સ્વરૂપે ભાવની સાત્ત્વિકતા ધારણ થતી રહે, તો મનમાં સુષુપ્ત રહેલું સાત્ત્વિક ગુણોનું આત્મીય ધન સદાચરણ રૂપે પ્રગટતું રહે. આપની સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ કરવી છે અને પ્રતીતિ રૂપે પ્રકાશિત દર્શન કરવા છે. કારણ જ્ઞાન-ભક્તિના સત્સંગથી એટલું તો સમજાયું છે કે પ્રકાશિત દર્શન રૂપે પ્રગટતી દિવ્ય ચેતનાનો સ્પર્શ જો થાય, તો મન પર પથરાયેલા ભવોના કર્મ સંસ્કારોના આવરણને ઓગાળતો સાત્ત્વિકભાવ જાગૃત થઈ શકે. સાત્ત્વિકભાવની જાગૃતિ રૂપે મારું મન પછી આપના સ્મરણમાં લીન રહીને અંતરની વિશાળતામાં ધ્યાનસ્થ થઈ શકે. તેથી જ વારંવાર વિનવું છું કે પ્રકાશિત દર્શનની મહેર ધરો, જેથી આપની સાથેના આત્મીય સંબંધની દિવ્ય પ્રીતનો આનંદ માણી શકું.”

       આવી સ્મરણ ભક્તિથી થતી વિનંતિ અયોગ્ય નથી. દરેક જિજ્ઞાસુ ભક્ત આરંભમાં આવી વિનંતિ સાથે ભક્તિના અંતર પથ પર પ્રયાણ કરે છે. જેમ મોટરગાડીનું એન્જિન શરૂ થાય અને તરત જ એંશી કે નેવું કિલોમીટરની ઝડપે મોટર દોડવા ન માંડે. આરંભમાં ધીમી ગતિ હોય અને ધીમે ધીમે તે ગતિ વધતી જાય; તેમ ભક્તિની અંતરયાત્રામાં આરંભમાં જિજ્ઞાસુ ભક્તની ભાવની સાત્ત્વિકતા ધીમે ધીમે પ્રગટતી જાય. પછી સાત્ત્વિકભાવની સહજતા આપમેળે વર્તન રૂપે પ્રગટે છે. આરંભની યાત્રામાં શ્રવણ, અધ્યયન, ભજન વગેરે સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી મન કેળવાતું જાય અને રાગ-દ્વેષના વર્તનથી મુક્ત થતું જાય. આમ છતાં ઘણીવાર પ્રારબ્ધગત પ્રતિકૂળ સંજોગોના લીધે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં મન સ્થિત થતું નથી અને શંકા-સંદેહયુક્ત નકારાત્મક વિચારોથી ઘેરાઈ જાય છે.

       જેમકે અંગત સ્વજન કે મિત્રનું મૃત્યુ થાય, અથવા જીવલેણ બીમારી આવે જેનું દર્દ અસહ્ય હોય, અથવા નોકરી-ધંધામાં રૂપિયાની કમાણી ન થાય અને રહેઠાણ, વસ્ત્રો કે અન્નની ખોટ વર્તાય અથવા પરિવારનું પાલનપોણણ કરવાનું મુશ્કેલ બની જાય, ત્યારે સત્સંગની પ્રવૃત્તિઓમાં મન એકાગ્ર થઈ ન શકે. આમ સંજોગોમાં બંધાયેલા મનને અવનવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. એવાં મુશ્કેલીના સમયમાં મન નિરાશામાં ડૂબી જાય. આપત્તિઓ વાવાઝોડાં જેવી લાગે અને મન મુંઝાઈ જાય, ત્યારે તે કોઈનો આધારભૂત સહારો ઈચ્છે. પરંતુ કોઈનો આધાર ન મળે ત્યારે જિજ્ઞાસુ ભક્તનું મન પ્રભુને વિનવે કે, ‘મારો હાથ નહિ છોડતાં.’ મનની આવી અસહાય સ્થિતિ ભલે થાય, મન ભલે સત્સંગની પ્રવૃત્તિઓમાં એકાગ્ર ન થાય, છતાં જિજ્ઞાસુ ભક્તએ તે પ્રવૃત્તિઓનો આધાર છોડવો ન જોઈએ. કારણ જેમ રાત્રિનો અંધકાર પૃથ્વીની અખંડ ગતિમાન સ્થિતિના લીધે વિલીન થાય છે, એ સત્યને જાણ્યાં પછી અંધકારને દૂર કરવાનો પ્રયાસ છૂટી જાય; તેમ પ્રતિકૂળ સંજોગોથી અનુભવાતી અસહાયતા, નિરાશા, સંદેહ રૂપી અંધકાર પણ ભાવની નિષ્ઠાથી આપમેળે દૂર થતો જાય.

       સત્સંગની પ્રવૃત્તિઓ માત્ર અસહાય મનની નિરાશાને દૂર કરવા માટે કરવાની ન હોય. કારણ પ્રારબ્ધગત સંજોગોની આવનજાવન અટકવાની નથી અને વાસ્તવિકતા એ છે, કે દરેક પરિસ્થિતિનું નિર્માણ પોતે કરેલાં કર્મોના પરિણામ રૂપે થાય છે. સત્સંગની પ્રવૃત્તિથી તો મનને પોતાની ભૂલોનું, ખામીઓનું દર્શન થાય અને રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનનો કચરો દૂર થાય. સત્સંગની નિયમિત પ્રવૃત્તિઓથી મન સજાગ રહે છે. મુશ્કેલીના સમયમાં જિજ્ઞાસુ ભક્તનું સજાગ મન માત્ર મુશ્કેલીઓમાં જ વીંટળાયેલું ન રહે, પરંતુ મુશ્કેલીના સમયને પસાર કરતી વખતે મનનું જે સાત્ત્વિકભાવનું કૌશલ્ય સુષુપ્ત રહેલું હોય, તેને જાગૃત કરવાનો સંકલ્પ વધુ દૃઢ થતો જાય. એવી દૃઢતાના લીધે ભક્તિના માર્ગે પ્રયાણ કરવાની નિષ્ઠા વધતી જાય. પછી ગુરુ કે માર્ગદર્શકના સાંનિધ્યમાં સમજાતું જાય, કે પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ થવી, એ જ છે નિર્મળભાવની સાત્ત્વિકતાનો ભાવ ઉજાગર થવો. તેથી મન જો નિષ્ઠાપૂર્વક સત્સંગની મહત્તા સમજીને વર્તમાનમાં કેળવાતું જાય, તો ભવિષ્યમાં અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થવાય એવાં પ્રારબ્ધનું નિર્માણ થતું જાય. અંતર ભક્તિમાં લીન કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી જાય એવી પ્રાર્થના કરતાં રહીએ અને ભક્તિભાવથી જીવન જીવીએ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા