Article Details

રાહ દેખાડશે નાથ...

માનવી પોતાના સ્વ સ્વરૂપથી, પોતાના આત્મસ્વરૂપની દિવ્યતાથી, પોતાની પ્રભુ સાથેની ઐક્યતાથી અજાણ રહે છે. અજાણતાની અજ્ઞાની સ્થિતિના લીધે મનનું સાત્ત્વિક ગુણોનું કૌશલ્ય અથવા અલૌકિક વિચાર-વર્તનનું સામર્થ્ય સુષુપ્ત રહે છે. મનની સાત્ત્વિક સ્વભાવની કૌશલ્યતા, કે સર્જનાત્મક વર્તનની સામર્થ્યતા જ્યારે સુષુપ્ત રૂપે ઢંકાયેલી રહે, ત્યારે લૌકિક ઈચ્છા વૃત્તિઓનો સામાન મનમાં વધતો જાય છે. અતૃપ્ત ઈચ્છાઓનાં લીધે વૃત્તિ-વિચાર-વર્તનનું જીવન, એટલે કે કર્મ-ફળની પ્રક્રિયાવાળું જીવન જીવવા માટે, આપણને મનુષ્ય શરીરનું ઉપ-યોગી સાધન પ્રાપ્ત થયું છે. આમ સૌ કોઈ ઈચ્છા પૂર્તિ કરાવતું વિચાર-વર્તનની પ્રક્રિયાઓનું જીવન જીવે છે. પરંતુ મનની સાત્ત્વિકતાનો ઉજાગર થાય, અથવા મનનું સર્જનાત્મક કૌશલ્ય પ્રગટ થાય, અથવા નિ:સ્વાર્થ પ્રેમભાવનું પ્રસરણ થાય એવાં પ્રસન્ન જીવનનો આનંદ માણવા મળતો નથી. કારણ ઈચ્છા રૂપી અગ્નિ મનમાં સતત પ્રજ્વલિત રહે છે. તે ઈચ્છાઓને તૃપ્ત કરાવતું માનવ જીવન રૂપી ઘી, એ અગ્નિને વધુ પ્રજ્વલિત કરે છે. કારણ એક ઈચ્છાની તૃપ્તિમાં બીજી ઘણી નવી ઈચ્છાઓ જનમતી રહે છે.

       આ હકીકતને જાણ્યાં પછી મનમાં એવી મુંઝવણ ઊભી થાય, કે માનવ જીવનનો ઉપ-યોગી હેતુ કેવી રીતે સિદ્ધ થાય? જીવંત જીવન રૂપે માત્ર ઈચ્છાવૃત્તિઓનાં લૌકિક સંસ્કારો જો વધતાં રહે, તો એવા કર્મસંસ્કારોનું આવરણ કેવી રીતે વિલીન થાય? વળી જીવન રૂપે મન અનેક પ્રકારના સંબંધોમાં બંધાયેલું રહે છે. પરિવાર, મિત્રો, સગાઓ સાથેના સંસારી સંબંધોમાં, પ્રકૃતિ જગત સાથેની અરસપરસની ક્રિયાઓનાં સંબંધમાં, ઈન્દ્રિયગમ્ય વિષયોનો ભોગ કરાવતાં પદાર્થ જગતનાં સંબંધમાં, કે ઘર, વસ્ત્ર, અન્ન વગેરે જરૂરિયાતની વસ્તુઓ સાથેના સંબંધમાં મન બંધાયેલું રહે છે. એને છોડી શકાય એમ નથી. કારણ તે સંબંધો વગરનું જીવન શક્ય નથી. એટલે કર્મસંસ્કારોના આવરણથી મુક્ત થઈ શકાય એવું જીવન જીવવાનો કોઈક રાહ હોવો જોઈએ. જેથી ઈચ્છાઓનો અગ્નિ શાંત થાય. લૌકિક વિચાર-વર્તનથી થતી અહંકારી સ્વભાવની આગ ઓછી થાય, અથવા રાગ-દ્વેષાત્મક વર્તનની પ્રતિક્રિયા ઓછી થાય. જિજ્ઞાસુ ભક્ત એવા રાહ પર પ્રયાણ કરવા માટે પ્રભુને જ્યારે સ્તુતિ કરે ત્યારે સ્તુતિ રૂપે આર્તનાદ પ્રગટે કે..,

 

       રાહ દેખાડો, રાહ દેખાડો, રાહ ન જોવાય પળવાર, કાઢું દિવસ રોઈ રોઈ...    

       રાખો નહિ તો રાખમાં મળી ક્યાંથી શોધશું,

રક્ષા કરો ને રાહ દેખાડો, મારે આપમાં ભળવું;

       રોવું નથી સહેવું નથી આ સંસારની દાહ આગવી,

આવવું છે તારી પાસ પ્રભુ, જ્યોતિ સહારો લઈ;

       માટીની હાંડી ને માટીની કુંડી માટીમાં ભળી જશે,

આત્માની પાંખો આત્માને લઈને, પ્રકાશમાં ભળી જશે;

       ઉદ્ધાર કરજો આ આત્માનો મને રાહ દેખાડતાં જાવ,

              મને રોતો નહિ તમે રાખતાં, મને રાહ દેખાડતાં જાવ.

 

       દુન્યવી પદાર્થોના ભોગનું સુખ, કે ઈન્દ્રિયોને આકર્ષક લાગતી આકારિત કૃતિઓનો સમાગમ અમુક મર્યાદિત સમય પૂરતો હોય છે, તે ક્ષણિક સુખ આપનારા નાશવંત પદાર્થો છે. માનવી તે ક્ષણિક સુખની પ્રાપ્તિ માટે તન-મનથી ઘસાઈ જાય છે, એ વાસ્તવિકતા જો સમજાય તો સત્ દર્શન રૂપે પરખાય, કે શરીરની માટીની હાંડી એક દિવસ મહાભૂતોની પ્રકૃતિ રૂપી માટીમાં ભળી જશે અને અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓ, તૃપ્તિ માટે બીજા શરીરનો આધાર લેવા માતાની કૂખને શોધશે. કારણ માનવ શરીરમાં જ ઈચ્છાવૃત્તિઓવાળાં મનને પ્રભુની આત્મીય શક્તિનો સહારો મળે છે. શરીરનો આધાર મૃત્યુ રૂપે છૂટી જતાં અતૃપ્ત ઈચ્છાઓવાળાં મનને, એટલે કે જીવને પ્રભુની શક્તિનો સંગાથ ન મળવાથી તે ભટકે છે અને અતૃપ્ત ઈચ્છાઓનો ભાર તૃપ્તિ રૂપે હળવો કરી શકાય એવાં માનવ જન્મ માટે સંસ્કારી માતા-પિતાને શોધે છે. સંસ્કારી માતા-પિતાને ત્યાં જન્મ લેવાંથી જ્ઞાન-ભક્તિના આધ્યાત્મિક વાતાવરણમાં, અતૃપ્ત લૌકિક ઈચ્છાઓનો અગ્નિ ભક્તિભાવથી શાંત થઈ શકે છે. કારણ ભક્તિ છે પ્રભુની ભગવત્ ભાવની શક્તિ, જે માટીની માયાને, માટીની હાંડીઓનાં મોહને, એટલે કે અજ્ઞાની વૃત્તિઓનાં આવરણને ઓગાળી શકે છે.

       જિજ્ઞાસુ ભક્ત અને સામાન્ય માનવી, એ બન્ને વચ્ચે ભિન્નતા હોય છે. માનવી પાસે તન-મનના દેહધારી જીવનનો જે ઉપ-યોગી હેતુ છે તેની જાણકારી નથી, પણ જિજ્ઞાસુ ભક્તને જીવંત જીવનની સિદ્ધિ વિશેની સ્પષ્ટતા હોય છે. માનવીનું મન કોઈ પણ દિશામાં હેતુ વગર માત્ર ભ્રમણ કરતું રહે છે, જેનાં લીધે નવી ઈચ્છાઓનો સંગ્રહ મનમાં વધતો રહે છે, જ્યારે ભક્તનું મન નિશ્ર્ચિત ધ્યેયથી, સંકલ્પ મુજબની દિશામાં દૃઢતાથી પ્રયાણ કરતું રહે છે. ભક્ત તો નિશ્ર્ચયાત્મક બુદ્ધિના પ્રભાવથી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહે છે. જેથી સાત્ત્વિક ગુણોની ચેતનાનો ઉજાગર આપમેળે થાય અને મોહનું આવરણ ઓગળતું જાય. ભક્તનું મન તો ગુરુના સાંનિધ્ય રૂપે સત્ દર્શન કરતું જાય, કે જો પાણીનો સ્વભાવ નીચાણ તરફ વહેવાનો હોય છે, તો પણ ઈલેકટ્રીક પંપના સહારે તે મકાનના ઉપરના માળે જેમ ચઢી શકે છે, તેમ શ્રવણ, ભજન, ચિંતન રૂપી પંપનું બળ મળે, તો સાત્ત્વિકભાવની ઊર્ધ્વગતિ મનોમન ધારણ થઈ શકે. સત્ દર્શનની કૃપાથી મનમાં નવી ઈચ્છાઓ જન્મે નહિ અને લૌકિક અતૃપ્ત ઈચ્છાઓ સાત્ત્વિકભાવની જાગૃતિથી પરિતૃપ્તિને અનુભવે. આવી સત્ દર્શનની કૃપાને ધારણ કરવા પ્રભુને પ્રણામભાવથી પ્રાર્થના કરીએ કે...,

 

       શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી તુજને અમારા પ્રણામ,

બિંદુમાંથી સરોવર સર્જ્યું, તારો બહુ ઉપકાર;

       માટીમાંથી પૃથ્વી સર્જી માનવ માટે નાથ,    

હળીમળીને રહીએ એટલે, સર્જ્યો છે સંસાર;

       પ્રભુ પાસેથી છૂટાં પડ્યાં ત્યારે વચન દીધું તેને હાથ,

              ભક્તિમાં અમે સમય વિતાવશું, ભૂલશું નહિ હે નાથ;

       જે દિવસથી વચન ભૂલ્યાં શાંતિ ગઈ એની સાથ,

              માયાજાળમાં ગૂંથાઈ રહ્યાં અમે, બહાર કાઢો હે નાથ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા