Article Details

હવે જીવન જીવતાં શીખવો, પ્રભુ...

આપણને દેહધારી માનવ જીવન જીવવાનો અધિકારી મળ્યો છે. અધિકાર મળ્યો હોવાંથી અધિકારી સ્થિતિ માનવતાના સાત્ત્વિક કાર્યો કરવાની ફરજથી બંધાયેલી છે. આ ફરજથી જેઓ અજાણ રહે છે, તેઓ સાંપ્રદાયિક ધર્મના વાડામાં બંધાઈને પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે અને બીજા નિમ્ન કક્ષાના છે એવાં ભેદભાવથી જીવે છે. જ્યાં સુધી માનવ જીવનની કે માનવ શરીરની સદુપયોગી મહત્તાથી માનવી જાણકાર થતો નથી, ત્યાં સુધી ધાર્મિક ક્રિયાકાંડ કરવામાં સ્વયંના સ્વ સ્વરૂપનો એટલે કે પોતે શરીરમાં વસવાટ કરનાર નિરાકારિત જીવાત્મા છે તેનો સ્વીકાર થતો નથી. ભેદભાવના સંકુચિત માનસના લીધે માનવતાનું સાત્ત્વિક આચરણ સહજતાથી ધારણ થતું નથી. એટલે આત્મ સ્વરૂપની જે અનન્ય ગુણિયલતા છે, તે વિશાળતાની, સૂક્ષ્મતાની, શાશ્ર્વતતાની, કે દિવ્યતાની પ્રતીતિ મન કરી શકતું નથી. માનવતાના સાત્ત્વિક સ્વભાવનો ઉજાગર સહજ રૂપે થતો નથી, કારણ અહંકારી વર્તનમાં, ઈર્ષ્યા કે સ્વાર્થમાં મન બંધાયેલું રહે છે.

       બંધાયેલી મનની અજ્ઞાનતા, એટલે કે અહંકારી માનસની સંકુચિતતા માત્ર પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરાવતું સંસારી જીવન જીવે છે. એવું મન અજાણ રહે છે પ્રભુએ સર્જાવેલી મહાભૂતોની પ્રકૃતિથી અને તે પ્રકૃતિ સાથેના પરસ્પર સંબંધથી. તેથી અજ્ઞાની મન માત્ર અહમ્ કેન્દ્રિત વિચારોથી મારું-તારું-પરાયુંના ભેદભાવમાં બંધાયેલું રહે છે. તે આજુબાજુની અનેક પ્રકારની પરસ્પર આધારિત પરિસ્થિતિ સાથે, પ્રેમ ભાવની નિ:સ્વાર્થતાથી આદાન-પ્રદાન કરવાનું ચૂકી જાય છે. એટલે પ્રેમભાવની ચૂકવણી વગરના જીવનમાં માનવી પ્રેમની શોધમાં ફરે છે અને આકારિત ભોગી પદાર્થોમાં, મનગમતી પરિસ્થિતિના કે વ્યક્તિના સંગમાં પ્રેમની ભૂખને સંતોષવાનો પ્રયત્ન કરે છે. પરંતુ બાહ્ય પદાર્થોમાં પ્રેમ નથી. પ્રેમ તો સ્વનું સ્વરૂપ છે. પ્રેમ તો દરેક કૃતિની ભીતરમાં સમાયેલી ચેતના છે. પ્રેમ સ્વરૂપની આત્મીય ચેતના જ્યારે સાત્ત્વિક આચરણ રૂપે પ્રગટે ત્યારે પ્રેમભાવની નિર્મળતા અનુભવાય.

       પ્રેમભાવની ચૂકવણી વગરનું જીવન જ્યાં જીવાય, ત્યાં અસંતોષ, અતૃપ્તિ, અશાંતિ રૂપી દેવું વધતું જાય છે. આ દેવું ચૂકવવાની અશક્તિના લીધે મનની નિરાશા સતત ખોટના, કે અપ્રાપ્તિના રોગથી પીડાય છે. અર્થાત્ સાત્ત્વિક ગુણોની જાગૃતિ વગરની, કે નિ:સ્વાર્થ પ્રેમભાવ વગરની મનની નાદાર જેવી સ્થિતિ છે. પ્રેમની ખોટમાં અનુકૂળ વસ્તુ કે વ્યક્તિની અપ્રાપ્તિ હોય એવું લાગે છે. મનની આવી દેવાદાર અજ્ઞાની સ્થિતિનું કારણ છે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓના કર્મસંસ્કાર. ઈચ્છા તૃપ્તિ અર્થે કર્મ કે કાર્ય થયાં કરે છે, પણ સાથે સાથે બીજી નવી ઈચ્છાઓ પણ જનમતી રહે છે. કારણ અમુક વ્યક્તિ કે વસ્તુનો સંગ ભોગવ્યાં પછી એને વારંવાર ભોગવવાની ઈચ્છા થયાં કરે છે અને એવી ઈચ્છાઓનું માનસ અપ્રાપ્તિના રોગથી પીડાય છે. ઘણીવાર ઘર, વસ્ત્ર, રૂપિયા વગેરેની પ્રાપ્તિ હોવાં છતાં મન અપ્રાપ્તિની પ્રતિકૂળતા અનુભવે છે. એવાં મનને પોતાની અપેક્ષા મુજબ મનપસંદ સ્થિતિને માલિકીભાવથી ભોગવવાની ઈચ્છા હોય છે. અપ્રાપ્તિના કે ખોટના રોગમાં મનની સાત્ત્વિક ભાવની શક્તિ જાગૃત ન થઈ શકે, એટલે અપ્રાપ્તિના રોગથી અશક્ત થયેલાં મનને જો સત્સંગની પ્રવૃત્તિઓનો આધાર મળે, તો જેની અપ્રાપ્તિ લાગે છે તેને મેળવવાનો અજંપો થોડો ઓછો થતો જાય.

       સત્સંગ રૂપે સાત્ત્વિક વિચારોમાં, ચિંતનમાં જે પણ સ્થિતિની અપ્રાપ્તિના લીધે નકારાત્મક રાગદ્વેષાત્મક વર્તનની નબળાઈમાં મન અશાંત રહે છે તેનું કારણ પરખાશે. પછી નકારાત્મક સ્વભાવથી, અપ્રાપ્તિના વિચારોથી મુક્ત થવાની ઈચ્છા પ્રબળ થશે. આમ લૌકિક સંસારની અપ્રાપ્તિની ઈચ્છાઓ મનનાં પ્રયત્નથી ઓછી નહીં થાય. પરંતુ ઈચ્છાઓની પૂર્તિ કરાવતી પ્રભુની આત્મીય ઊર્જા શક્તિનો સ્વીકાર થતાં, પ્રભુના આત્મીય ગુણોની સાત્ત્વિકતાનો ઉજાગર કરવાની ઈચ્છા જાગૃત થશે. એવી ઈચ્છા બળવત્તર થતાં સંસારી ઈચ્છાઓનું બળ ઘટતું જશે. જેમ એક છોડની બાજુમાં જો બીજું મોટું વૃક્ષ ઊગે, તો તે છોડનો વિકાસ અટકી જાય, તેમ સંસારી ઈચ્છાઓના છોડની બાજુમાં સ્વયંને જાણવાની, સ્વયંના સાત્ત્વિક ગુણોની દિવ્યતાને માણવાની ઈચ્છા રૂપી વૃક્ષને ઉછેરતા રહેવું જોઈએ અને એવાં ઉછેર માટે જ મન રૂપી શ્રેષ્ઠ વાહનની ભેટ પ્રભુએ અર્પણ કરી છે. સત્સંગની પ્રવૃત્તિ સાથે ગુરુનાં સાંન્નિધ્યમાં ઈચ્છાઓનું રૂપ બદલાતું જાય, એની દિશા બદલાય, પછી લૌકિક-અલૌકિક, સત્-અસત્, જડ-ચેતન એવાં ભેદને પણ ભુલાવતી જ્ઞાન ભક્તિમાં મન ધ્યાનસ્થ થતું જાય.

       જેમ પોતાના ઘરમાં જો હોલમાંથી બેડરૂમમાં પાથરેલી પથારીમાં સૂઈ જવું હોય, તો મોટરગાડીની જરૂર પડતી નથી, તે માટે બે પગ જોઈએ અને પગને ચલાવવા માટે મોટરગાડીને ચલાવતાં પેટ્રોલની જરૂર પડતી નથી. પગને ચલાવતું પેટ્રોલ મેળવવા કોઈ પેટ્રોલ પંપના સ્ટેશન પર જવાની જરૂર નથી. એ તો પ્રભુ જ ક્ષણે ક્ષણે શ્ર્વાસ રૂપી પેટ્રોલ પૂરતાં રહે છે. તેથી મનની સંસારી ઈચ્છાઓનું રૂપ બદલવા માટે અથવા અપ્રાપ્તિના રોગથી મુક્ત થવાં માટે, મન જો સતત અર્પણ થતી શ્ર્વાસની ચેતનાનો સ્વીકાર અહોભાવથી કે પ્રેમભાવથી કરે, તો અહંકારી મનનો કર્તાભાવ ઓગળતો જશે અને અકર્તાભાવની પ્રભુની ચેતનાના સંગમાં માનવતાનો સદ્ભાવ ખીલતો જશે. મન જ્યાં સુધી એવું માને છે કે પોતે બુદ્ધિપૂર્વક સમજી શકે છે, નિર્ણય લઈ શકે છે, ઉકેલ શોધી શકે છે, વગેરે હું પદની અહંકારી વૃત્તિઓનું આવરણ હોય છે, ત્યાં સુધી મનની ભીતરમાં સમાયેલી પ્રભુની આત્મીય ચેતનાનો સાત્ત્વિક પ્રભાવ સુષુપ્ત રહે છે. સાત્ત્વિકભાવની ગુણિયલતાને જાગૃત કરવા માટે જ પ્રભુ સાક્ષાત્ શ્ર્વાસનું ધન આપણને ક્ષણે ક્ષણે અર્પણ કરતાં રહે છે. તેને અંતર મનનાં અહોભાવથી સ્વીકારવા માટે પ્રભુને વિનંતિ કરીએ...

 

       આ સૃષ્ટિમાં અમે શ્ર્વાસ લઈએ આપ્ના થકી,

અરે! હર ઘડી અમે જીવીએ પ્રભુ આપ્ના થકી...

       અમે જન્મ લીધો શ્ર્વાસ મૂક્યો કૃપા એ આપ્ની,

              હવે જીવન જીવતાં શીખવો પ્રભુ કૃપા વરસાવો આપ્ની...

       અમે આવીને તને ભૂલી ગયાં પ્રભુ માફી માંગીએ આપ્ની,

              હવે અમી દૃષ્ટિ અમ પર રાખો પ્રભુ સહારો છે આપ્નો...

       અમે આવીને ઘણાં પાપો કર્યાં પ્રભુ વહાલથી સ્વીકારજો,

              હવે ચરણમાં અમને રાખજો પ્રભુ વિનંતિ છે બસ આટલી...

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા