Article Details

ત્યાં પહોંચે બધે તારું નામ

ભાવભીની ભક્તિના સ્પંદનો જ્યાં વહે, ત્યાં નિ:સ્વાર્થ પ્રેમની ચેતનાના સાત્ત્વિક ગુણો પ્રગટે. ભક્તિના સાત્ત્વિક ભાવથી જ્યારે ભક્તનું મન રંગાઈ જાય, ત્યારે લૌકિક જગતની પરિસ્થિતિમાં પ્રભુની પ્રતીતિ રૂપે પ્રેમની વિશાળતાને અનુભવે. ભક્તના આવાં વિશુદ્ધ પ્રેમાળ સ્વભાવમાં ન હોય કામના લૌકિક ભોગની, કે ન હોય અલૌકિક અનુભવ કરવાની ઈચ્છા. કારણ જ્યાં કામના હોય, ઈચ્છા હોય, ત્યાં પ્રભુની નિ:સ્વાર્થ પ્રેમની ચેતના સુષુપ્ત રહે છે. તેથી ભક્ત તો સ્વ સ્વરૂપની સ્પષ્ટતાથી જીવે, કે જીવન રૂપે જે પણ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે, જે પણ વસ્તુ સ્થિતિને મેળવતાં રહીએ છીએ, તે પ્રભુની ચેતનાના આધારે મળે છે અને જીવંત જીવન જીવી શકાય છે. એટલે જીવંત જીવન સ્વરૂપે પ્રભુની ચેતનાનું પ્રભુત્વ, એટલે કે સાત્ત્વિક ગુણોનું દેવત્વ વર્તન રૂપે પ્રગટવું જોઈએ. જ્ઞાની ભક્તના વિચાર-વર્તન રૂપે જે દેવત્વ પ્રગટે, તે છે ભાવભીની ભક્તિનું નિ:સ્વાર્થ પ્રેમભાવનું આચરણ.

       જિજ્ઞાસુ ભક્ત જો જ્ઞાની ભક્તના સાંન્નિધ્યમાં રહીને જ્ઞાન ભક્તિની સરિતામાં તરતાં રહેવાનો પુરુષાર્થ કરે, તો ‘હું દેહ છું’ એવી માન્યતાથી એનું મન મુક્ત થતું જાય. જ્યાં સુધી ‘હું દેહ છું’ એમ માનીને જીવું છું, ત્યાં સુધી મારે મનથી કંઈ ગ્રહણ કરવાનું છે, અર્પણ કરવાનું છે, એવાં વિચારોનું વર્તન સમતોલ થતું નથી. કારણ ‘હું દેહ છું’ એવી માન્યતાની અજ્ઞાનતાને લીધે મન એકબીજા સાથેની ઓળખાણ પણ દેહથી જ કરતું રહે છે. એટલે માત્ર દેહની ઓળખથી જે પણ વ્યવહાર થાય તેમાં સરખામણી કરતી ભેદભાવની દૃષ્ટિ હોય. ભેદભાવની દૃષ્ટિ આકારોને જુએ અને રૂપરંગને જોઈને સરખામણી કર્યા કરે. નિરાકારિત ચેતનાના આધારે આકારિત કૃતિઓ જન્મે છે, વિકસે છે, એ વાસ્તવિક્તાનું વિસ્મરણ થવાથી મન સતત ઝંખે છે આકારિત સ્થિતિનો સંગ, એટલે કે મનગમતી વસ્તુ કે વ્યક્તિનો સંગ. એવાં સંગમાં સુખની ક્ષણોને જાળવી રાખવાના પ્રયત્નમાં તે દુ:ખનો અનુભવ કરે છે.

       સુખને મેળવવા માનવી સતત મથતો રહે છે તે ખોટું નથી. પરંતુ સુખને મેળવવાની મથામણમાં મોટેભાગે માનવી ભવિષ્યના દુ:ખનો વિચાર કરતો રહે છે અને એવાં દુ:ખથી દૂર રહેવાના પ્રયત્નમાં ઘણીવાર સુખની પળને તે ગુમાવી દે છે. મનગમતી વસ્તુ કે વ્યક્તિના સંગમાં સુખ મળશે, એવાં ખ્યાલથી તે માલિકી ભાવથી પોતાના કબજામાં, પોતાની પકડમાં મનગમતી સ્થિતિને રાખવાનો પ્રયત્ન કરતો રહે છે. માલિકી ભાવથી ભોગવવાના મોહમાં તે ઘણીવાર વ્યવહારિક સંબંધોની નિખાલસતાને ગુમાવી દે છે. સુખ કે પ્રેમને નિખાલસતાથી ત્યારે જ અનુભવી શકાય જ્યારે અર્પણ ભાવની નિર્મળતા જાગે. પરિવારના સભ્યો સાથેના સંબંધમાં, કે મિત્રો, કે પડોશીઓ, કે નોકરી ધંધાના સંબંધોમાં જો માત્ર લેવડદેવડનો સેતુ હોય, તો સુખ કે પ્રેમના અનુભવને બદલે સરખામણી થયાં કરશે કે કોણે કેટલું કર્યું. એવાં હિસાબ રૂપે પ્રેમના અનુભવની બાદબાકી થયાં કરે, ત્યારે સંબંધમાં પ્રેમની મીઠાશ રહેતી નથી.

       નિખાલસ સંબંધમાં જવાબદારી નિભાવવાનો, કે ફરજના કાર્યો કરવાનો ભાર કે બંધન ન હોય, પણ કાર્યને સારામાં સારી રીતે કરવાનો નિશ્ર્ચય હોય. એવાં નિશ્ર્ચયમાં કર્તાભાવનો અહંકાર ઓછો હોય અને આધારભૂત પ્રભુની શક્તિનો સહારો છે એવું સ્મરણ હોય. નિખાલસ સંબંધનો પ્રેમભાવ કેવો હોય તેનું દર્શન આપણને પ્રકૃતિ જગતમાં થાય છે. પક્ષીઓ અને વૃક્ષનો સંબંધ અનન્ય છે. કોઈ પણ વૃક્ષ એટલે પંખીઓ માટે વસવાટ કરવાનું વિશાળ મકાન, જે ઈંટ કે સીમેન્ટનું બન્યું નથી, પણ થડ, ડાળી, પાન વગેરે કુદરતી સ્થિતિથી બન્યું હોય છે. તે મકાનના પાયાનું ચણતર પણ અદ્ભુત હોય છે. એવું કહેવાય છે કે વૃક્ષની જેટલી ઊંચાઈ તેટલી લંબાઈના તેના મૂળ ધરતીની નીચે પ્રસરેલા હોય છે. એવાં મૂળના આધારે મજબૂત દિવાલ જેવા થડ-ડાળીઓ હોય છે. ડાળી પાંદડાના સુશોભનથી સજાવેલાં વૃક્ષ રૂપી ઘરમાં એરક્ધડીશનરની જરૂર પડતી નથી.

       હવા, પાણી, સૂર્ય પ્રકાશના કિરણોને સતત ઝીલતાં વૃક્ષો પર કબૂતર, કાગડાં, ચકલી વગેરે પક્ષીઓ પોતાના બચ્ચાંઓ માટે માળો બાંધે છે. તે બચ્ચાંઓ જ્યાં સુધી પાંખો ફફડાવીને ઊડી ન શકે ત્યાં સુધી પક્ષીઓ પોતાના બચ્ચાંઓનું જતન પ્રેમથી કરે છે. એકવાર બચ્ચાંઓ ઉડતાં શીખી જાય, પછી તે માળામાં તેઓ રહેતાં નથી, પણ મુક્ત રૂપે ગગનમાં વિહાર કરતાં રહે છે. આવો વિહાર ત્યારે જ થઈ શકે જ્યારે પક્ષીઓને પોતાના બચ્ચાંઓ કે ઘર માટે આસક્તિનું વળગણ ન હોય, કે માલિકી ભાવનો મોહ ન હોય. આમ પ્રકૃતિ જગત આપણને સમર્પણભાવનું, અકર્તાભાવનું, નિર્મળ પ્રેમભાવનું માર્ગદર્શન અર્પે છે.

       પ્રકૃતિ જગત સાથેના આપણાં સંબંધની પ્રભુએ જે રચના કરી છે, તેનું તાત્પર્ય જો સમજાય તો મોહને ઓગાળતી પ્રભુની મોહન મતિની સાત્ત્વિકતા, જ્ઞાન ભક્તિની સરિતામાં તરતાં તરતાં ધારણ થતી જાય છે. સ્વયંથી અજાણ રહેતી મનની અજ્ઞાનતા એટલે જ આકારિત કૃતિઓને માલિકીભાવથી ભોગવવાનો મોહ, જે અહંકારી સ્વભાવથી સરખામણી કરતું રહે છે. એવાં મોહને ઓગાળવા માટે પ્રભુના આત્મીય સંબંધની પ્રતીતિ કરાવતી નવધા ભક્તિમાં જિજ્ઞાસુ ભક્ત લીન રહેવાનો પુરુષાર્થ કરે. ભક્તિ સ્વરૂપે ભજવું એટલે ભગવત્ ભાવની જાગૃતિમાં સ્થિર થવું. ભજવું એટલે સ્વયંની ઓળખ કરાવતાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરવું, તેનો ભાવાર્થ ગ્રહણ કરવો. ભાવાર્થ અનુસાર સદાચરણ ધારણ થાય તો સ્વાનુભૂતિની અંતરયાત્રા આપમેળે થતી રહે. એટલે ભક્તના મનમાં એક જ વાતનું વારંવાર નિરૂપણ થયાં કરે, કે હરિનામ ભજતાં ભજતાં પ્રસરતી જાય પ્રભુ ભાવની ચેતના. તેથી આપણે પણ ભજનનાં ગુંજનથી ભજતાં રહીએ.

 

       રાધેશ્યામ કહો ઘનશ્યામ કહો, જીવતર બનાવો ઘનશ્યામ,

       હરિનામ ભજો ઘનશ્યામ ભજો, તમે તરતું મૂકો પ્રભુ નામ,

       ઝરણાં છલકે સાગર છલકે, છલકે બધે તારું નામ,

       જ્યાં નામ પહોંચે ત્યાં કોઈ ના પહોંચે, ત્યાં પહોંચે બધે તારું નામ...

       એવું છે પ્રભુ નામ, તમે બોલ્યાં કરો ઘનશ્યામ, મારા હૃદયમાં છે પ્રભુ નામ...

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા