Article Details

અમૂલ્યની માપણી પણ મનુષ્ય જાતે જ નક્કી કરે છે

જીવંત જીવનનો આશય જો ગ્રહણ થાય, તો આશય અનુસાર કર્તવ્ય થતાં પરોપકારી, પરમાર્થી, પ્રેમાળ વર્તન ખીલતું જાય. દરેક માનવીને પોતાના પ્રારબ્ધગત કર્મસંસ્કારો અનુસારનું જીવન જીવવું પડે છે. એટલે માત્ર બાહ્ય પદાર્થોને અથવા ઈન્દ્રિયગમ્ય પરિસ્થિતિને ભોગવવાનું જીવન તો સૌ જીવે છે. પરંતુ જે માનવી પોતાના મનુષ્ય આકારની શ્રેષ્ઠતાને, મનના વાહનની અમૂલ્યતાને જાણે છે, તે અનુભૂતિનું અંતર જીવન જીવવાનો પુરુષાર્થ કરતો રહે છે અને તે જ છે માનવી જીવનનો આશય. અર્થાત્ જીવતાં જ આત્મ સ્વરૂપની અમૂલ્યતાને માણવાની છે. અંતર જીવન P સ્વરૂપે અમૂલ્યતાને માણવામાં મણ મણ સાત્ત્વિક ગુણોના આત્મ સ્વરૂપની પ્રતીતિ થતી જાય અને પરમાર્થી આચરણની સાત્ત્વિકતા ખીલતી જાય. જ્યાં સુધી માનવીને શ્વાસ રૂપે પ્રભુની સાક્ષાત્ હાજરીની અમૂલ્યતા પરખાતી નથી, ત્યાં સુધી બાહ્ય જગતના નામ-આકારોની કૃતિઓનું તે મૂલ્યાંકન કર્યા કરે છે.

 

સામાન્ય રૂપે દરેક માનવી માટે અમુક વસ્તુ કે વ્યક્તિ અમૂલ્ય હોય છે. એટલે તેને મેળવવાની કે ભોગવવાની ઈચ્છાથી જીવે છે. અથવા તે અમૂલ્ય સ્થિતિ જો મળી ગઈ હોય, તો તેને સદા પોતાની પાસે, માલિકીભાવથી રાખવાનો સંઘર્ષ કરે છે. જેમકે કોઈ પણ રાજકીય નેતા માટે પોતાનો હોદ્દો કે પદવી(ખુરશી) અમૂલ્ય હોય છે. એટલે પોતાની પદવીનું સ્થાન છીનવાઈ ન જાય, તે માટે એને ટકાવી રાખવાનો સતત પ્રયાસ કરવો, એવું આજના રાજકીય નેતાઓ માને છે અને એ જ એમની રાજકીય પ્રવૃત્તિ ગણાય છે. આમ દરેક મનુષ્યના જીવનમાં કંઈક ને કંઈક અમૂલ્ય સ્થિતિ હોય છે. તે અમૂલ્યતાની માપણી પણ મનુષ્ય પોતે જ નક્કી કરે છે. જેમકે બાળકને માટે માતા-પિતાની હાજરી સાથે રમકડાં કે ચોકલેટની અમૂલ્યતા હોય, યુવાન લોકોને માટે વિવિધ મોજશોખની વસ્તુઓ, વસ્ત્રો, કે મનપસંદ વાતાવરણ સાથે વ્યક્તિગત સંબંધની અમૂલ્યતા હોય અને પ્રૌઢ વયે શરીરના આરોગ્યની અમૂલ્યતા જણાય. એટલે સંસારી જીવનમાં અમૂલ્ય પરિસ્થિતિની વ્યાખ્યા શરીરની વય સાથે બદલાતી જાય છે.

 

માનવી જેમ સંસારી જીવનના વ્યવહારિક કાર્યોની મહત્ત્વતાને જાણી શકે છે, તેમ તન-મનના દેહની અમૂલ્યતાને પણ જાણી શકે છે. સાત્ત્વિક વિચારોના ચિંતનથી, એનો ભાવાર્થ સમજવાથી અમૂલ્યતા જણાતી જાય. પછી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાથી સાત્ત્વિક આચરણની અમૂલ્યતા પરખાય. ભણેલો કે અભણ, અથવા તવંગર કે ગરીબ માનવી તન-મનની અમૂલ્યતાને જાણી શકે એમ છે. પરંતુ જાણવાની જિજ્ઞાસા ત્યારે જાગે, જ્યારે સત્સંગની પ્રવૃત્તિ રૂપે શ્રવણ કે અધ્યયન થાય. ઘણીવાર રોજિંદા જીવનની ઘટમાળના સુખદાયક અનુભવમાં અથવા દુઃખદ ઘટનાનાં અનુભવમાં અલ્પ સમય માટે દેહની કે શ્વાસની અમૂલ્યતાનો સ્વીકાર થાય. વાસ્તવમાં દરેક મનુષ્યનું કર્તવ્ય એવું હોવું જોઈએ કે તન-મનને ચેતનવંત રાખતી પ્રભુની આત્મીય ચેતનાની અમૂલ્યતાને જાણી શકાય અને સાત્ત્વિક આચરણ રૂપે તેની પ્રતીતિ થતી રહે. મનુષ્યના અને પ્રાણીના જીવનમાં તફાવત છે, એ જો સમજાય તો ખાવું, પીવું, ઊંઘવું, ફરવું વગેરે બાહ્ય પ્રક્રિયાઓમાં જ મનને વ્યસ્ત રાખીશું તો એ જીવંત જીવન જિવાડનારની અવગણના કરી કહેવાય.

 

મન મંદિરમાં ભક્ત જાય જ્ઞાન-ભક્તિના આચરણથી અને થતું જાય અંતર પ્રયાણ; સાત્ત્વિક વિચારોના ચિંતન સ્વરૂપે પ્રેમાળ સ્વભાવનું ખીલતું જાય સાત્ત્વિક સૌંદર્ય; પ્રભુ કૃપા સ્વરૂપે પ્રાપ્ત થયેલાં તન-મનનાં અમૂલ્ય દાનને, દાસત્વભાવથી ભોગવે; ભક્તનું જીવન હોય બીજા જિજ્ઞાસુઓ માટેનો પ્રેરક પથ, જ્યાં ન હોય જાતિ કે પદવીના ભેદ.

જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં સમજાય મન રૂપી વાહનનું સાત્ત્વિભાવનું કૌશલ્ય, જેનું મૂલ્ય આંકી ન શકાય એવી પ્રભુની અમૂલ્ય આત્મીય ચેતનાના આધારે મન વિચારવાની, અનુભવવાની, કે સમજવાની ક્રિયાઓ કરી શકે છે. પરંતુ સાત્ત્વિકભાવનું કૌશલ્ય મનમાં સુષુપ્ત રહે છે. એટલે મનની મંદિર જેવી સાત્ત્વિકભાવની પવિત્રતા જાગૃત થતી નથી. સત્સંગ કે અધ્યયનથી મન સાત્ત્વિક આચરણની મહત્તાને જાણે છે અને સ્વીકારે પણ છે. છતાં રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનનો મોહ છૂટતો નથી. મોહથી છૂટવાનો પ્રયત્ન કંઈ સંસારી કાર્યો કરવાની મહેનત કરવા જેટલો સરળ નથી. અથવા ઘાંચીના બળદની જેમ સત્સંગની પ્રવૃત્તિ યાંત્રિક રીતે વર્ષો સુધી કરવાથી પણ રાગ-દ્વેષના મોહથી મન સહજ મુક્ત થતું નથી. કારણ હું પદના સંકુચિત માનસને મારું-તારુંના ભેદભાવમાં ફરવું ગમે છે. હું પદની હાજરીમાં કર્તાભાવનો અહંકાર હોય છે.

 

અહંકારી સ્વભાવના લીધે જ એકબીજા સાથે વેરભાવની, ધિક્કારની દુશ્મનાવટ વધતી જાય છે. જે સંબંધોમાં પ્રેમની હૂંફને બદલે અદેખાઈ, તિરસ્કાર, ઘૃણાને પ્રસરાવે છે. અહંકારી માનસ માત્ર પોતાનો સ્વાર્થ જુએ અને પોતે જે કરે છે તે જ યોગ્ય છે એવા મિથ્યાભિમાનથી જીવે છે. અહંકારી વૃત્તિ-વિચારોના આવરણને લીધે જીવંત જીવનની અમૂલ્યતા પરખાતી નથી, કે જિવાડનાર પ્રભુની ચેતનાનું સંવેદન ધારણ થતું નથી. માનવી એ સત્યને ભૂલી જાય છે, કે જેમ દુનિયાના કોઈ પણ ખૂણામાં હવાનું પ્રસરણ પ્રભુની ચેતનાથી થતું રહે છે અને હવાને મેળવવાનો કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી; તેમ આત્મ સ્વરૂપની ગુણિયલતા ધારણ કરવા માટે કોઈ પુરુષાર્થ કરવાનો નથી. કારણ હું તે પોતે જ છું અને તે જાણીને સાત્ત્વિકભાવની જાગૃતિમાં સ્થિત થવાનું છે. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે સાત્ત્વિકભાવની જાગૃતિ માટે અહંકારી માનસનું સમર્પણ થાય એવી જ્ઞાન-ભક્તિની ધારામાં સ્નાન કરાવતાં રહે. જેથી જીવન જીવનનો આશય સિદ્ધ થાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલ