Article Details

... તો કર્મ કરતી વખતે મન સ્વસ્થ રહે

ભક્તની ઓળખાણ બાહ્ય વસ્ત્રોનાં કે હાવભાવના દેખાવથી ન થાય અને અમુક પ્રાસંગિક મુલાકાતની ઓળખાણ પણ ઔપચારિક હોય. કારણ ભક્તનું મન બાહ્ય આકારિત જગતની પ્રક્રિયાઓમાં, કે વસ્તુ-વ્યક્તિમાં આસક્ત થતું નથી. એને તો જીવન જિવાડનાર પ્રભુની આત્મીય પ્રીતને અનુભવવાની આસક્તિ હોય અને જીવતાં જ પ્રભુની પ્રકાશિત ગતિમાં ગતિમાન થવાની તરસ હોય. અર્થાત્ સંસારી લોકિક જીવનમાં ભક્ત અનાસક્તભાવથી જીવે. એવી અનાસક્તિના લીધે અલૌકિક અંતર જીવનને સાત્ત્વિકભાવથી માણવાની આસક્તિ આપમેળે જાગૃત થાય છે. એટલે ભક્ત પોતાની જીવંત હસ્તીનું કારણ જાણે અને દેહધારી જીવનના હેતુને સમજીને જીવે. એ કર્મ-ફળની પ્રક્રિયા કરાવતી પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જા શક્તિને પૂજનીય ભાવથી સ્વીકારે છે. એવાં સ્વીકાર રૂપે પોતે કર્તા નથી, કરાવનાર પ્રભુની ચેતનવંત ઊર્જાશક્તિ છે, એવા દેઢ નિશ્ચયથી કર્મ કરે. સ્વ ઓળખની સ્પષ્ટતાનાં લીધે દૃઢ નિશ્ચય થાય અને કર્મ કરતી વખતે મન સ્વસ્થ રહે.

 

કર્મ સારું કે ખરાબ છે, અથવા એનું ફળ શુભ કે અશુભ સ્થિતિ લાવશે, એવાં સંશયથી ભક્ત કર્મ ન કરે, પણ ભૂતકાળમાં પોતે જ કરેલાં કર્મોના ફળ રૂપે અત્યારે વર્તમાનમાં કર્મ થાય છે, તે સત્યના સ્વીકારથી એ અકર્તાભાવથી કર્મ કરતો રહે છે. સામાન્ય રૂપે માનવી મન આ સત્યથી અજાણ રહીને કર્મ કરે છે. એટલે ઘર-અન્ન- વસ્ત્ર-રૂપિયા વગેરે ભોગ્ય પરિસ્થિતિની આસક્તિમાં મન બંધાયેલું રહે છે. એવી ભોગ્ય પરિસ્થિતિની પ્રાપ્તિ માટે જીવનભર પુરુષાર્થ કરતો રહે છે, તથા પ્રાપ્તિ માટે થતાં કર્મોનું પરિણામ જો પોતાની અપેક્ષા મુજબ ન આવે તો ક્રોધ, ઈર્ષ્યા, હતાશા વગેરે રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોની આવનજાવનનાં લીધે મનમાં અશાંતિ પથરાયેલી રહે છે. એવું મન જો કર્મ-ફળની પ્રક્રિયાનું સત્ય સમજવાનો પુરુષાર્થ કરે, તો રાગ-દ્વેષનું નકારાત્મક વર્તન બદલાતું જાય અને ભક્તિભાવની ભીનાશ રૂપે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરવાની આસક્તિ વધતી જાય.

 

આજકાલ મોબાઈલ ફોન પર સાત્ત્વિક વિચારોના સંદેશા એકબીજાને મોકલવાની સ્પર્ધા ચાલે છે. હવે દિવાળીની શુભેચ્છા વ્યક્તિગત રીતે આપવાની, કે વડીલોના આર્શીવાદ લેવાની પ્રથા જૂની થઈ ગઈ. જો તામારી પાસે સ્માર્ટ ફોન હોય તો દુનિયાના કોઈ પણ ખૂણાના સમાચાર મેળવી શકો છો. એટલે માનવીને વિદ્યુતિ ચુંબકીય (ઈલેકટ્રો મેગ્નેટીક) તરંગોથી ચાલતાં ઉપકરણોનો ઉપયોગ ગમે છે. જો વિદ્યુતિ તરંગોનો મન સ્વીકાર કરે, તો તે તરંગોને સર્જાવતી પ્રભુની આત્મીય ચેતનાનો સ્વીકાર સહજતાથી થઈ શકે. જરૂર છે સ્વીકારભાવની, જિજ્ઞાસુભાવની, જો સ્વયંને જાણવાની જિજ્ઞાસા હોય તો ભક્તિભાવથી જીવંત જીવનનો ઉદ્દેશ સિદ્ધ કરાવતું અકર્તાભાવનું સદાચરણ ધારણ થઈ શકે છે. ભક્તિભાવની જ્ઞાતા વૃત્તિની જાગૃતિમાં સાત્ત્વિક આચરણનાં દ્વાર સરળતાથી ખૂલતાં જાય. જેમ પાણીમાંથી માછલીને બહાર કાઢીએ, તો એ તરફડે છે અને વધારે સમય રાખીએ તો એ મરી જાય છે. પરંતુ એને નિર્ધારિત સમયમાં ફરી પાણીમાં મૂકીએ, તો એનું તરફડવાનું શાંત થઈ જાય. કારણ એને જીવંત રાખનાર પાણીનો સંગ ફરીથી મળી જાય છે, તેમ માનવી મનને જ્ઞાન-ભક્તિના સત્સંગની ભીનાશ મળે, તો પ્રભુની આત્મીય ચેતનાના સંગની પ્રતીતિ થતાં સ્વ સ્વરૂપના સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થાય.

 

શબ્દોથી સમજી ન શકાય એવો છે સ્વ, જે આશરો લે છે સ્થૂળ આકારના શરીરમાં;

સ્વ ક્રિયા અને શ્વાસની ગતિ બન્ને એકબીજાના આધારે રહીને જીવંત જીવનની કહાની રચે;

 શ્વાસ શરીરને છોડી દે ત્યારે સ્વનો સાથ પણ છૂટે અને રહે નિરાધાર અતૃપ્ત કર્મસંસ્કારો;

સ્વને સ્વીકારો તો કર્મસંસ્કારો તૃપ્ત થાય, સ્વના સાત્ત્વિકગુણોનો છે બધે ઉપકાર.

 

સ્વ એટલે સ્વયંનું આત્મ સ્વરૂપ, તે જ છે પ્રભુની આત્મીય ચેતના, જે ઊર્જા શક્તિ રૂપે અભિવ્યક્ત થાય છે અને સર્જન-વિસર્જનની પ્રક્રિયાઓ સતત થતી રહે છે. જિજ્ઞાસુ ભક્ત પોતાના આત્મ સ્વરૂપની પ્રતીતિ કરાવતી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનો પુરુષાર્થ કરતો રહે છે. સાત્ત્વિક વિચારોનું શ્રવણ જેમ જેમ થાય, તેમ તેમ એના ભાવાર્થનું સંકલન મનમાં થતું જાય. એવાં સંકલનથી રાગ-દ્વેપાત્મક વૃત્તિ-વિચારોનું પરિવર્તન થતું જાય. તેથી જિજ્ઞાસુ ભક્ત સાત્ત્વિક વિચારોનું સંકલન કરવા માટે માત્ર ધાર્મિક શાસ્ત્રોએ દર્શાવેલાં વિચારોનો આધાર ન લે, પણ પ્રકૃતિ જગતની વિવિધ કૃતિઓમાં થતી પ્રક્રિયાઓનું રહસ્ય જાણવાનો પુરુષાર્થ કરે. કારણ પ્રભુની ચેતનાનાં સાત્ત્વિક ગુણો પ્રકૃતિની પ્રક્રિયાઓ રૂપે વ્યક્ત થાય છે. સાત્ત્વિક ગુણોની નિરાકારિત ચેતના જ પ્રકૃતિની કૃતિઓ રૂપે પ્રદર્શિત થાય છે. એટલે જિજ્ઞાસુ ભક્ત પ્રકૃતિની વિવિધ કૃતિઓના નામને પ્રભુના નામ રૂપે સ્વીકારે છે.

 

પ્રભુના નામ સ્વરૂપે જેમ પ્રભુના આત્મીય ગુણોનો સ્વીકાર થાય, તેમ જગતની કોઈ પણ કૃતિના નામ કે એની હસ્તી રૂપે પ્રભુની સાક્ષાત્ હાજરીનો સ્વીકાર થાય, તો આકારોની અનેકતાના ભેદમાં મન નહિ અટવાય, પણ ગુણિયલ પ્રતીતિ રૂપે સ્વીકારભાવ જાગૃત થાય. આવી ગુણ દર્શનની ભક્તિમાં મન જેમ જેમ લીન થતું જાય તેમ તેમ રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિના સંસ્કારો ઓગળતાં જાય. પરંતુ જ્યાં સુધી સાત્ત્વિક આચરણનો નિર્ણય જિજ્ઞાસુ ભક્તની અંતર ઈચ્છાથી થયો ન હોય, ત્યાં સુધી તે આચરણના કિનારે પણ તે પહોંચી શકતો નથી. જેમ પોતાના બાળકને પ્રેમ કરવાનું માતાને શીખવું પડતું નથી; તેમ હૃદયભાવથી ગુણ દર્શન કરાવતું પ્રેમાળ આચરણ શીખવાનું ન હોય. ગુણ દર્શનની ભક્તિ આપમેળે થવી જોઈએ. કોઈ માર્ગદર્શક કે પથ દર્શાવે પણ ભક્તિનો ભાવ તો મનની ભીતરમાં સ્વયંભૂ જાગૃત થવો જોઈએ. તેથી સદાચરણ માટે મનને કદી હુકમ કરીને ફરજ પાડવાની ન હોય. કારણ બાહ્ય આચરણની નૈતિકતા હોય પણ અંતર ભક્તિનો ભાવ, એટલે કે પ્રકાશ દર્શન માત્ર પરોપકારી નૈતિક કર્મ કરવાથી ધારણ ન થાય. પ્રકાશિત દર્શનની અંતર સાલમુબારક. ભક્તિમાં લીન થવાય એવી પ્રાર્થના પ્રભુને કરતાં રહીએ, સૌને નવાં વર્ષના સાલમુબારક.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા