Article Details

વિચારોના મૌનથી અંતરયાત્રામાં સ્થિત

ભક્તના સાત્ત્વિક વર્તનને આંખોથી માપી ન શકાય. કારણ એ તો અંતર ભક્તિ રૂપે અંતરયાત્રામાં તલ્લીન રહે અને સ્વાનુભૂતિની પ્રસન્નતામાં તરબોળ રહે. એવાં ભક્તના સ્વભાવને સામાન્ય માનવીનું મન જાણી ન શકે. કારણ કોઈક ક્ષણે તે સ્વાનુભૂતિની વિચાર રહિત મૌન દશામાં સ્થિત હોય, તો કોઈક ક્ષણે સંસારી જવાબદારીના કાર્યો કરવામાં લીન હોય, અથવા કોઈક ક્ષણે બીજા જિજ્ઞાસુ માનવીઓને ભક્તિ રસનું પાન કરાવવા માટે, ભજનોના ગુંજનથી દિવ્ય ધ્વનિના સૂરોને એ પ્રગટાવતો હોય. એવો ભક્ત કોઈ સંસ્થાના, કે કોઈ નિશ્ચિત ધાર્મિક વિચારોના આધારે અંતરયાત્રા ન કરે. અંતરયાત્રા એટલે સાત્ત્વિકભાવની જાગૃતિમાં તરતાં રહેવું. એવી જાગૃતિ અંતરની સૂક્ષ્મતામાં વિહાર કરતી રહે, અર્થાત્ અંતરયાત્રા વિચારોથી ન થાય પણ ભાવની વિશુદ્ધતા અંતર ઊંડાણમાં વિહારતી રહે અને ભાવની પારદર્શકતા દિવ્ય ચેતનાની વિસ્તુતિને ધારણ કરતી જાય.

 

વિચારોના મૌનથી અંતરયાત્રામાં સ્થિત થવા માટે આરંભમાં જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં માનવી મન જો સ્થિત થાય, તો અજ્ઞાની વૃત્તિઓનું સંકુચિત માનસ ઓગળતું જાય. એટલે આરંભમાં મન રૂપી દીવો પ્રગટાવવા માટે સાંનિધ્ય રૂપી ઘીની પ્રાપ્તિ જરૂરી છે. સાંનિધ્યમાં જેમ જેમ સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થાય, સ્થૂળ આકારિત જગત અને સૂક્ષ્મ નિરાકારિત જગતના જોડાણનો સંદર્ભ સમજાય અને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાની લગની લાગે; તેમ તેમ મન રૂપી દીવાને પ્રગટાવતાં ઘીનું પૂરણ થતું જાય. એટલે મનનો દીવો પ્રગટાવવાની કોઈ ચોક્કસ રીત કે પદ્ધતિ નથી, અથવા જ્ઞાની ભક્ત પણ કદી જણાવે નહિ કે, “મેં તારો દીવો પ્રગટાવ્યો છે.’ કારણ મનના દીવાનું પ્રાગટ્ય સ્વયંભૂ થાય છે. જેમ પૃથ્વી ગ્રહના ફરવાથી રાત્રિનો અંધકાર આપમેળે દૂર થતાં, પ્રભાતનું અજવાળું પથરાય છે; તેમ સાત્ત્વિક વિચારોના ચિંતનમાં ભક્તિભાવથી ફરવાથી, અજ્ઞાની મનનો અંધકાર આપમેળે વિલીન થાય છે. ચિંતન રૂપે સ્વ બોધ ગ્રહણ થાય, પછી સત્સંગની પ્રવૃત્તિઓ સહજતાથી, કોઈ પણ નીતિ-નિયમના બંધન વગર થતી જાય. જ્યાં સુધી સત્સંગની પ્રવૃત્તિઓમાં મન સરળતાથી ઓતપ્રોત થતું નથી, ત્યાં સુધી એવી પ્રવૃત્તિઓ યાંત્રિક રૂપે થયાં કરે છે.

 

યાંત્રિક રૂપે સતત માળા જપવાથી, કે જપ મંત્ર લખ્યાં કરવાથી સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી નથી. તે માટે સાથે એકરૂપ થવાનો તલસાટ જાગવો જોઈએ. પ્રભુ સ્મરણ રૂપે માત્ર નામનું રટણ કરવાનું ન હોય, પણ નામમાં સમાયેલી અનામી ગુણિયલ ચેતનાથી જાણકાર થઈ, એની અવિનાશી, સર્વવ્યાપકતામાં મનનું સ્નાન થવું જોઈએ. એવું સ્નાન થતું રહે તો જપમંત્રનો ધ્વનિ મનનું શુદ્ધિકરણ કરાવે, તે છે મન રૂપી દીવાને પ્રગટાવતું ઘી. એવાં શુદ્ધિકરણ રૂપે અહમ્ વૃત્તિઓનું સમર્પણ થતું જાય અને પ્રભુ નામનું ઘેલપણ જાગે, ત્યારે જપમંત્રને ગણવાની કે લખવાની જરૂર નહિ રહે. જિજ્ઞાસુ ભક્તનું મન પ્રભુ સ્મરણની ઘેલછાથી ઘેરાયેલું રહે છે. કારણ એને પ્રભુ પ્રીતની દિવ્યતાને માણવાની અતૃપ્તિ હોય છે. એટલે સહજ સ્મરણની છોળ અંતરમાંથી પ્રગટતી રહે છે. સ્મરણની છોળ રૂપે ભાવ છલકાય અને સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે ધારણ થાય. મન પછી વિચારોનો ઘડો ન રહે, પણ પ્રેમભાવની ધારા છલકાવતો કળશ બની જાય અને પ્રભુને વિનંતિ કરતો જાય કે..,

 

“ હે નાથ! ભક્તિભાવથી વારંવાર તુજને વિનવી રહ્યો, સ્તુતિ તારી કરી તુજને રીઝવી રહ્યો;

રમઝટ ન આવડી કાવ્ય રચિત શબ્દોની, તો યે મુજમાં તું ભાવનો કળશ છલકાવતો રહ્યો;

 કર એવી કૃપા હે ભોળાનાથ, સ્વયં તું ભક્તિમાં ભીંજવીને પ્રસરાવ તારો દિવ્ય ભાવ;

ભાવનું દાન આપી અમ સર્વેને સહજતાથી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતો રહે.

 

સાત્ત્વિકભાવનું સંવેદન માત્ર સાત્ત્વિક વિચારોનું શ્રવણ કરવાંથી, કે ભજન-કીર્તન કરવાથી ધારણ થતું નથી.

 

શ્રવણ ભક્તિ રૂપે મન જ્યારે સ્વમય ચિંતનથી કેળવાતું જાય, તો અજ્ઞાની માનસના આવરણને વિલીન કરાવતી અંતરભક્તિ તરફ પ્રયાણ થતું જાય. અંતર ભક્તિ એટલે જ ભાવની સાત્ત્વિકતાનો ઉજાગર કરાવતી અંતરયાત્રા. તેથી શ્રવણ ભક્તિની ફળશ્રુતિ રૂપે અંતરપ્રયાણ જો શરૂ થાય, ત્યારે આધ્યાત્મિક શબ્દોના અર્થ સમજવાની, કે ચર્ચા વિચારણા કર્યા કરવાનો મોહ છૂટતો જાય. મન પ્રેમભાવની નિખાલસતામાં ઓતપ્રોત થાય અને ભાવની છોળ અંતરમાંથી પ્રગટતી જાય. ભક્ત જ્યારે પ્રભુભાવની છોળને છલકાવતો કળશ બને, ત્યારે અંતરની વિશાળતામાં ધ્યાનસ્થ રહે. અંતરધ્યાન સ્વરૂપે પ્રભુની કળાત્મક દિવ્ય ગુણોની ઊર્જા શક્તિ પ્રગટતી જાય. જે બીજા જિજ્ઞાસુઓને ભક્તિના પથ પર પ્રયાણ કરાવતું પ્રેરક બળ અર્પે અને મન રૂપી દીવાને પ્રગટાવતું જાગૃતિનું પૂરણ થતું જાય.

 

મનના દીવાને પ્રગટાવતું સાત્ત્વિકભાવનું ઘી ભક્તિભાવથી પ્રગટે છે. અર્થાત્ સાત્ત્વિક આચરણ રૂપી થી અંતરભાવ રૂપે સ્વયંભૂ પ્રગટે છે. જેમ પાડોશીને ત્યાંથી ઘી લાવીને પોતાના ઘરમાં દીવો કરીએ, તો જેટલાં પ્રમાણમાં ઘી મળ્યું હોય તેટલા સમય સુધી જ ઘરમાં અજવાળું રહે, તેમ મનનો દીવો પ્રગટાવવા માટે આરંભમાં જ્ઞાની ભક્તના સાંનિધ્ય રૂપે ઘીની પ્રાપ્તિથી સ્વમય ચિંતનમાં મનને ઓતપ્રોત થતું જાય. પછી સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે થાય, ત્યારે અંતરજ્યોતનો પ્રકાશ અંતરધ્યાન રૂપે અનુભવાય. એટલે જ્ઞાની ભક્તનું સાંનિધ્ય મનને અજ્ઞાનતાના અંધકારથી જાણકાર કરાવે, ત્યારે શ્રવણ ભક્તિ રૂપે મનને પ્રભુ સાથેની એક્યતાનો પરિચય થાય. એવાં પરિચય રૂપે જ્ઞાન- ભક્તિની સરિતામાં તરવાની લગની વધતી જાય. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ, કે ભકિતભાવથી જીવવાના દૃઢ સંકલ્પના વહેણ કદી અટકે નહિ અને અંતરયાત્રામાં આપની અનન્ય કૃપા સ્વરૂપે ઓતપ્રોત રહીએ.

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા