Article Details

હું શું હતો અને શું થઈશ એ તો તારે હાથ...

આજે ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણી કરવા માટે દયા, પ્રેમ, કરુણા વગેરે ગુણિયલ ભાવને વિચાર વર્તન દ્વારા પ્રસરાવીએ. એવું પ્રસરણ ભક્તિભાવની નિર્મળનાથી જ થઈ શકે. ભક્તિભાવની નિર્મળતાથી જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહે છે. જેથી સ્વયંના સચ્ચિદાનંદ સ્વરૂપની ઓળખથી માનવ જન્મના આશયને હેતુને) સિદ્ધ કરાવતું જીવન જીવી શકાય. જેમ સંસારી વિચાર-વર્તનમાં તરવાનું માનવીને સરળ લાગે છે, તેમ ભક્તને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાનું સરળ લાગે છે. અર્થાત્ અતૃપ્ત ઈચ્છાવૃત્તિ મુજબ મનનું ગમન થતું રહે છે. મનુષ્ય જીવન એટલે ઈચ્છાઓનું વિચાર-વર્તનની ક્રિયા રૂપે તરતાં રહેવું. સંસારી તળાવમાં રાગ-દ્વેષાત્મક કાદવમાં તરતાં તરતાં જ્યારે મન રૂપી તરવૈયાને શુદ્ધ જળમાં તરવાની પ્રબળ ઇચ્છા થાય, ત્યારે શ્રવણ-અભ્યાસની સત્સંગની પ્રવૃત્તિમાં મન તરતું જાય. સત્સંગ એટલે સત્યનો સંગ કરાવતી દિશામાં મનનું ગમન થયું. પોતાને આકારિત શરીર માનવાની ભૂલ જ્યારે મનને સમજાય, ત્યારે અસત્ય અથવા અજ્ઞાન એટલે શું તે જાણવાની જિજ્ઞાસા જાગૃત થાય.

 

જિજ્ઞાસુ મનને સમજાય કે, ‘હું આકારિત શરીર છું, જનમવાવાળો અને મરવવાળો છું, એવા અજ્ઞાની વિચારોના સંગમાં રહેવાથી અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનું આવરણ ગાઢ થતું ગયું. જેનાં લીધે આત્મીય ચેતનાનો સતત સંગ છે અથવા આત્મીય ચેતનાની ઊર્જાથી જીવંત જીવન જિવાય છે તેનું વિસ્મરણ થઈ ગયું. વિસ્મરણના લીધે મન માત્ર સંસારી સીમિત પદાર્થોને ભોગવવામાં, રાગ-દ્વેષના કાદવમાં ગૂંગળાતું રહે છે. ઘાંચીનો બળદ જેમ એકની એક પ્રવૃત્તિથી ક્યારેક કંટાળી જાય છે; તેમ મારું-તારું-પરાયુંના ભેદભાવથી મન ક્યારેક ગૂંગળામણ અનુભવે, તે છે સાત્ત્વિક કર્મોના ફળનો ઉદય થવો, જે મનને સત્યની દિશાનું દર્શન કરાવતાં સાત્ત્વિક વિચારોનો સંગ કરાવે અને અજ્ઞાની વર્તનથી પરિચિત કરાવે. મન જેમ જેમ પરિચિત થતું જાય, તેમ તેમ સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય અને સ્વભાવનું પરિવર્તન થતું જાય. સ્વભાવનું પરિવર્તન થવું એટલું સરળ નથી. પરંતુ માતા-પિતાની છત્રછાયામાં મેળવેલા સુસંસ્કારોના લીધે, તથા શિક્ષકોએ આપેલી સુયોગ્ય કેળવણીના લીધે જિજ્ઞાસુ ભક્તમાં સાત્ત્વિક આચરણની તરસ જાગૃત રહે છે. એવી તરસના લીધે સ્વયંની ઓળખાણ રૂપી ખાણની સંપત્તિ મનને પ્રામ પતી જાય અને સાત્ત્વિકભાવનો ઉજાગર કરાવતાં આચરણને મહત્તા મન આપતું જાય,

 

માનવી મનની એવી ખાસિયત(વિશિષ્ટ વૃત્તિ) છે, કે જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિની મહત્તા અને સમજાય, તેનાં સંગમાં રહેવાનો તે પ્રયત્ન કરે. તેથી સાત્ત્વિક આચરણની મહત્તાનો જો સ્વીકાર થાય, તો મનને પછી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાનું વારંવાર મનાવવું ન પડે. મનને જ્યાં મનાવવું ન પડે, સમજાવવું ન પડે, કે ટપારવું ન પડે, ત્યાં સ્વભાવને બદલાવતાં સાત્ત્વિક આચરણની સહજતા હોય. ઘણીવાર જિજ્ઞાસુ ભક્તના મનમાં એવી મુંઝવણ રહે, કે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થાય છે પણ ભક્તિભાવથી સાત્ત્વિક આચરણમાં તરું છું કે નહિ?? આવી મુંઝવણોનો ઉકેલ મળે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં. કારણ જ્ઞાની ભક્ત છે શાન-ભક્તિના સાત્ત્વિક આચરણનું પ્રત્યક્ષ ધામ. એવાં સાત્ત્વિક સાંનિધ્યમાં સમજાય કે ભક્તિ છે પ્રભુની ભગવત્ ભાવની ચેતના, જેને કોઈ આકાર કે રૂપ રંગ નથી. તેને શબ્દોથી ઓળખી શકાય એમ નથી, કારણ તે મારું પોતાનું આત્મીય સ્વરૂપ છે. પોતાના સ્વ સ્વરૂપનું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ સદાચરણ રૂપે અનુભવવા માટે મન રૂપી વાહન સહાયભૂત થાય છે. પરંતુ મનનું વિશુદ્ધ સ્વભાવનું કૌશલ્ય અજ્ઞાની વર્તનના લીધે સુષુપ્ત રહે છે.

 

 

સ્વ સ્વરૂપની આત્મીય ચેતના સાથેની એકપતાને મન ભૂલી ગયું છે. સ્વયંની વિસ્મૃતિના લીધે મનને પોતાની ભાળ માટે સત્સંગ રૂપે સાત્ત્વિક વિચારોનો સહારો લેવો પડે છે. તેથી અજ્ઞાની મનની વિસ્મૃતિને, કે સુષુપ્તિને જાગૃત કરવા માટે જ્ઞાની ભક્તનું સાંનિધ્ય અતિ આવશ્યક છે, જેમ નકારાત્મક વૃત્તિ-વિચારો માથા પર લખેલાં દેખાતાં નથી પણ તે વર્તન રૂપે જણાય, અર્થાત્ શારીરિક ખામીને ઇન્દ્રિયોના સહારે જાણી શકાય અને માનસિક ખામીઓ વર્તન રૂપે જણાય. પરંતુ જાણનાર મન પોતે જ ખામીયુક્ત હોય, તો જે જણાયું તે પણ ખામીવાળું અધૂરું જ જણાય. તેથી જ માનસિક સ્વભાવની ત્રુટિઓને જાણવા માટે, સાત્ત્વિક આચરણની જાગૃતિ માટે જ્ઞાની ભક્તનું સાંનિધ્ય આવશ્યક છે.

 

સૂર્યદેવના સાંનિધ્યમાં જેમ પૃથ્વીવાસીઓ પ્રકૃતિ જગત સાથેનું પરસ્પર સહિયારું(મ્યુચ્યુલ) જીવન જીવી શકે છે. તેમ જ્ઞાની ભકતના સાંનિધ્યમાં સંસારી જીવનની જવાબદારીઓ નિભાવતાં, ભક્તિભાવનું અંતર જીવન જીવવાની કળા ધારણ થાય છે. એવી કળાની કળીઓ ખીલે મનની એકાંત સ્થિતિમાં, જેમ જીવલેણ રોગનાં જંતુઓ શરીરમાં હોય, તો એક રૂમમાં એકલા રહીએ(ક્વોરાઈન્ટાઈન), તેમ મનમાં રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિ-વિચારો રૂપી જંતુઓ હાય તો બીજાને ચેપ ન લગાડીએ, પણ તે જંતુઓનો તે ફેલાવો દૂર કરવા સાત્ત્વિક વિચારોના ચિંતનમાં ભક્તિભાવધી સ્થિત થઈએ. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું એટલે જ એકાંતમાં સ્વયંની પ્રતીતિ કરવી. સ્વયંની પ્રતીતિનો અનુભવ થાય એકાંતમાં, ત્યારે ત્યાં બીજા દુન્યવી વિચારોનો અવરોધ ન હોય. એકાંતની પળો જીવનમાં મળે અને પ્રભુ સાથેની એક્યતાને માણી શકીએ એવી પ્રાર્થના પ્રભુને ભક્તિભાવથી કરતાં રહીએ. પ્રભુની અનન્ય કૃપાની ધારા નવા વરસના વધામણાં રૂપે આપણા સૌ પર વરસતી રહે અને ભક્તિમાં તરબોળ થતાં રહીએ.

 

મારી ભાવભીની ભક્તિમાં એક પ્રાણ પુરી દો,

મારી અશ્રુભીની વિનંતિ છે. મને દર્શન દીધા કરો;

સંસારમાંથી મુક્ત કરો, સારથિ બની રહો,

પ્રભુ  પ્રીતથી આશિષ દો મને દાસ બનાવી દો;

 હું શું હતો ને શું થઈશ એ તો તારે હાથ,

જેણે લીધો તારો આશરો સાગર તરાવ્યો પાર.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા