Article Details

નિર્દોષ બની ભાવથી અંતરયાત્રા કરનારો તરે

શરીરના મૃત્યુ પછી સ્વર્ગનું સુખ મળશે એવી પૌરાણિક માન્યતાઓને માનનારા લોકો આજના આધુનિક સમયમાં બહુ જૂજ હશે. કારણ શિક્ષણની કેળવણીના લીધે સાર-અસારનો વિવેક ઘણે અંશે માનવી સમજે છે. તે સમજ અનુસાર પરોપકારભાવથી સંસ્કારી જીવન ભલે ન જીવે, પણ આજનો માનવી સ્વર્ગ-નરકની ખોટી માન્યતાઓથી મુક્ત થતો જાય છે. સ્વર્ગનું સુખ આપતી, કે નરકનું દુ:ખ આપતી કોઈ ભૂમિ નથી કે પ્રદેશ નથી. પરંતુ સ્વર્ગ-નરકની સ્થિતિ એ મનના અનુભવની ભૂમિકા છે. એવાં અનુભવની ભૂમિકાના લીધે, મન રૂપી ભૂમિ પર ઈચ્છા, અપેક્ષા, કામના રૂપી વસ્તીનો વધારો થયાં કરે છે. અર્થાત્ પ્રેમની આપ-લે કરવાનું, વહાલ વરસાવવાનું કે ઝીલવાનું, એકબીજાના યથાર્થ કાર્યની પ્રશંસા કરવાનું, માન-સન્માન આપવાનું, ઈન્દ્રિયગમ્ય ભોગને ભોગવવાનું વગેરે નિષ્કામ કાર્ય કરવાનું જે સુખ અનુભવાય, તે છે મનની પ્રસન્નતાભરી સ્વર્ગની સ્થિતિ. એ જ રીતે પ્રારબ્ધગત પ્રતિકૂળ સંજોગોના લીધે તન-મન જે આધિ-વ્યાધિની વ્યથા અનુભવે, તે છે મનની દુ:ખદાયક નરકની સ્થિતિ.

       આપણાં પૂર્વજોએ સ્વર્ગ-નરકની વાતોથી સાત્ત્વિક આચરણ તરફ ઢળવાનો મનને સંકેત ધર્યો હતો. સુખ-દુ:ખ, આશા-નિરાશા, નફો-ખોટ, હાર-જીત, મુક્તિ-બંધન, હર્ષ-શોક, ગમો-અણગમો, સંપત્તિ-આપત્તિ, સ્વર્ગ-નરક, વગેરે બે પ્રકારની વિરોધી સ્થિતિના અનુભવની આવનજાવન થયાં કરે, તે છે લૌકિક જીવનની પરિભાષા. આ દુન્યવી જગતનું જીવન એટલે આવી બે પ્રકારની સ્થિતિના અનુભવમાં મનનું ગૂંથાઈ રહેવું. પરંતુ તે બે સ્થિતિનો અનુભવ એકી સાથે ન થાય. હારનો અનુભવ થાય ત્યારે જીતનો અનુભવ ન થાય. એક સ્થિતિના અનુભવની હાજરીમાં બીજી સ્થિતિની ગેરહાજરી હોય છે. આવાં દ્વૈત પ્રકારના દેહધારી જીવનમાં સુખની શીતળતાનો અનુભવ સૌને ગમે અને દુ:ખદાયક તાપ અનુભવવાનું ન હોય એવું સૌ ઈચ્છે છે. પરંતુ આ દ્વૈત જગતમાં કારણ-કાર્યની ક્રિયાથી કર્મ થાય છે. પોતે જેવા ભાવથી કર્મ કર્યા હોય તેનું પરિણામ ખુદને જ ભોગવવાનું હોય છે. તેથી સુખ-દુ:ખનો અનુભવ કરાવતાં જે પણ કર્મો વર્તમાનમાં થાય, એમાં પોતે ભૂતકાળમાં કરેલા કર્મોના પરિણામ રૂપે થાય છે. ભૂતકાળના કયાં કર્મોનું પરિણામ વર્તમાનમાં દુ:ખ આપનારું કર્મ કરાવે છે, તેનું ગણિત ઊંડાણથી કોઈ જાણી શકે એમ નથી. તેથી સાત્ત્વિકભાવથી કે અકર્તાભાવથી કર્મ કરવું જોઈએ એવું પ્રાચીન કાળથી ઋષિઓએ દર્શાવ્યું છે.

       આપણને ઘણીવાર જણાયું છે કે બીજાનું ભલુ ઈચ્છતાં, પરોપકારી કર્મો કરનારને પણ આધિ-વ્યાધિની મુશ્કેલીનો અનુભવ થાય છે. કર્મ-ફળની ક્રિયાનો, એટલે કે કારણ-કાર્યની ક્રિયાનો સિદ્ધાંત જો સમજાય તો સંકેત મળે કે સારા કર્મોનું પરિણામ કેમ સારું ન મળ્યું. તેથી જ ભક્ત કદી એવું ન વિચારે કે સારા કર્મનું પરિણામ સારું જ આવશે. એ તો અકર્તાભાવથી કર્મ કરે અને કરેલાં કર્મનું જે ફળ મળે તે પ્રભુને સમર્પી દે. અર્થાત્ ફળની ક્રિયા રૂપે જે પણ કર્મ થાય તેને સ્વાર્થની અપેક્ષાથી કે આસક્તિથી ન કરે. કારણ જ્યાં હું પદનો અહંકાર અર્પણ થયો, ત્યાં હું કર્તા નથી એવાં અકર્તાભાવની જાગૃતિ થાય છે. એવી જાગૃતિના લીધે ફળની ક્રિયાનું જે પણ પરિણામ આવે, તે સુખદ કે દુ:ખદ સ્થિતિને ભક્ત નિરપેક્ષભાવથી, સાક્ષીભાવથી અનુભવે છે. કારણ કર્મ-ફળની ક્રિયાને કરાવતી પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જાની હાજરીને ભક્ત સ્વીકારે છે. કર્મ કરતી વખતે પ્રભુની હાજરીની પ્રતીતિ જો થાય, તો હું કર્મ કરી શકું છું એવાં કર્તાભાવનો અહંકાર ટકી શકતો નથી. તેથી ભક્ત પોતાના પ્રારબ્ધ અનુસાર જે પણ કર્મ કરવાનું હોય, તેને કંટાળીને કે કાર્ય પતાવી દેવાનાં ભારથી ન કરે. કર્મ કરવાની ક્ષણે તે પ્રભુની સાક્ષાત્ હાજરીનું સંવેદન અનુભવે. સંવેદનની જ્ઞાતા ભાવની લાગણીથી તન-મનનાં સહારે કર્મની ક્રિયા ભક્ત કરે, ત્યારે જે પણ સ્થિતિ ઉદ્ભવે તેનો દ્રષ્ટા ભાવથી સ્વીકાર કરે.

       ભક્તનો દ્રષ્ટાભાવ કહો, કે સાક્ષીભાવ કહો, કે સાત્ત્વિકભાવ કહો, કે અકર્તાભાવ કહો, કે સમર્પણભાવ કહો, ભાવની આવી જાગૃતિ એટલે સ્વ સ્વરૂપની અનુભૂતિમાં તરતી મનની વિશાળતા. જે સ્વયંની સ્મૃતિના લીધે, સ્વયંનો ગુણિયલ પ્રભાવ આપમેળે પ્રકાશિત થાય એવાં ભાવમાં ધ્યાનસ્થ રહે છે. મનની વિશાળતામાં ભાવની પારદર્શક સૂક્ષ્મતા હોય. ભક્ત જેવી પ્રશુદ્ધભાવની જાગૃતિ માટે, પ્રભુની સાક્ષાત્ હાજરીનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર થવો જોઈએ. શ્રદ્ધા એટલે પ્રભુએ શ્રેયિતભાવની શક્તિથી આ સૃષ્ટિને સર્જી છે. એટલે મારું અસ્તિત્વ, મારું દેહધારી જીવન, એ શ્રેયિત શક્તિના લીધે છે એવાં વિશ્ર્વાસમાં પ્રભુની સર્વવ્યાપ્ત સાક્ષાત્ હાજરીના અણસારા મળી શકે. શ્રદ્ધા રૂપી દૃષ્ટિના લીધે જ મંદિરની પથ્થરની મૂર્તિમાં પણ પ્રભુના દર્શન માનવી કરે છે. એ જ રીતે સ્થૂળ દેખાતાં આકારોની કે પદાર્થોની હસ્તીમાં પણ તે જ પ્રભુની શક્તિ હોવાંથી, કોઈ પણ હસ્તી સાથેના સંબંધિત વ્યવહારિક કાર્યો થઈ શકે છે. જ્યાં બુદ્ધિપૂર્વકનો ઉકેલ ન મળે, ત્યાં શ્રદ્ધાભાવથી કરેલાં કાર્યનું ઉચિત પરિણામ મળે છે. શ્રદ્ધા નથી ત્યાં કર્તાભાવનો અહંકાર છે, ચિત્તની એકાગ્રતા નથી અને મન માત્ર રાગ-દ્વેષાત્મક વિચારોમાં ભટકતું રહે છે. ભક્તની શ્રદ્ધાભાવની સરિતામાં પ્રેમના નીર વહે છે, જે બીજા માનવીના મનને ભાવની જાગૃતિ તરફ ઢાળે છે.

      

       શ્રદ્ધાભાવની સરિતામાં તરતાં તરતાં જણાયું કે પ્રભુની શક્તિ અપાર છે;

       તે શક્તિમાં પારાવાર પ્રકાશ છે, પ્રકાશમાં પ્રીત છે અને પ્રીતમાં પ્રકાશ છે;

       મનની વિશાળતામાં નથી ભેદભાવના વમળ, પણ નિર્મળભાવની પ્રીત છે;

       નિર્દોષ બની જે ભાવથી અંતર યાત્રા કરે,

તે અવિનાશી પ્રકાશની ઐક્યતાને અનુભવે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા