Article Details

જે માપે તે પામે નહીં

માનવી મોટેભાગે જીવનમાં કોઈક ને કોઈક પ્રકારની ખોટને અનુભવે છે. અમુક વસ્તુ કે પદાર્થની ખોટ હોય, અથવા વ્યક્તિગત સંબંધોની, કે ઈચ્છિત પરિસ્થિતિની ખોટ હોય. એટલે મન તે ખોટના વિચારોથી ઘેરાયેલું રહે છે અને તે ખોટને દૂર કરાવતાં કાર્યો કરવાની મહેનત કરતું રહે છે. ખોટ રૂપે જે પણ સ્થિતિની અપ્રાપ્તિ હોય, તેને પ્રાપ્ત કરવાની મહેનત કરવી તે સામાન્ય વર્તન કહેવાય, પણ પોતાની પાસે નથી અને બીજા પાસે છે એવી સરખામણીથી ઈર્ષ્યા જે કરે તે મનના આરોગ્યને નુકસાન કરે છે. અપથ્ય કે વાસી ખોરાકના લીધે જેમ શરીરનું આરોગ્ય અસ્થિર થાય છે. તેમ રાગ-દ્વેષાત્મક ભેદભાવના વર્તનને લીધે મનનું આરોગ્ય જળવાતું નથી. એવાં મનની સર્જનાત્મક વિચારોની, અથવા સાત્ત્વિક વિચારોની સ્વસ્થતા વગર રોગી સ્થિતિનો જો ઈલાજ ન કરવામાં આવે, તો શરીરના આરોગ્ય પર એની અસર થાય છે. શરીરનું આરોગ્ય જાળવવા માટે ગમે તેટલી કસરત કરીએ, યોગ્ય સુપાચ્ય આહાર લઈએ, વિટામિનની ગોળીઓ ખાઈએ, પણ મનનું વર્તન ભેદભાવવાળું હોય, અહંકારી સ્વભાવની અજ્ઞાનતા હોય, તો ચાલીસ કે પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી શરીરનું આરોગ્ય કથળતું જાય છે.

       સામાન્ય રૂપે ઘર વગરના ગરીબ માણસને મકાનમાં રહેતાં લોકોની ઈર્ષ્યા થાય, પણ મકાનમાં રહેતાં માનવીને જ્યારે મહેલ જેવા વૈભવી ઘરમાં રહેતાં લોકોની ઈર્ષ્યા થાય, ત્યારે મનમાં અદેખાઈની આગ ફેલાતી રહે છે. એવું મન જો સંસ્કારી વિચારોમાં ક્યારેક ગૂંથાય, તો પણ ઈર્ષ્યાળુ સ્વભાવના લીધે વિચારો આચરણ રૂપે ધારણ થતાં નથી. આજે માનવી ભણતરની ઉચ્ચ ડીગ્રી મેળવે છે. ઘણીવાર તો બે કે ત્રણ ડીગ્રીઓ મેળવે, જેથી ઊંચા પગારની નોકરી સરળતાથી મળી શકે. હજારો કે લાખો રૂપિયાની કમાણી કરતાં માનવીઓની આજના જમાનામાં ખોટ નથી. રૂપિયાના આધારે વસ્તુઓ કે ઈચ્છિત પરિસ્થિતિની ખોટ વગરનું જીવન જીવે છે. આમ છતાં મનનું આરોગ્ય જળવાતું નથી, એટલે ગુણિયલ સંસ્કારી વર્તન ધારણ થતું નથી. કારણ માનવી એકબીજા સાથેના અંગત સંબંધોમાં, કે પોતાના કાર્યોના સંબંધોમાં ઉણપ કે ખોટના સંદર્ભથી જ વ્યવહાર કરે છે. એવો વ્યવહાર એટલે જ સામાન્યજનનું સંસારી જીવન. માનવી અંગત સંબંધોમાં જો એકબીજાની ભૂલોનું જ દર્શન કરે, તો મનનું આરોગ્ય કેવી રીતે જળવાય.  જે પોતાની ભૂલોનું દર્શન કરી નથી શકતાં, તેને હંમેશા બીજાની ભૂલો મહત્ત્વની લાગે અને બીજાની ભૂલોને સુધારવાની સલાહ આપ્યાં કરે.

       મનને જ્યારે પોતાની ભૂલોનું દર્શન થાય ત્યારે સમજાય કે, સાત્ત્વિક વિચારોના વર્તન વગરના જીવનમાં ખોટ શેની છે. જે પરિસ્થિતિ અપ્રાપ્ત હતી તેને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ થતો રહ્યો, પણ મનનું ગુણિયલ સ્વભાવનું આરોગ્ય જાળવવાનું મનોમંથન ન થયું. જેમ જેમ સાત્ત્વિક વિચારોના સત્સંગથી મનોમંથન થાય તેમ તેમ મન પોતાના સ્વભાવની ભૂલો કે ખામીથી પરિચિત થતું જાય અને પશ્ર્ચાત્તાપ થાય કે, "ઘર, વસ્ત્ર, ઝવેરાત વગેરેથી જીવવાની સુવિધા મળી, ભોગવવાનું સુખ મળ્યું, પણ શરીરની ઉંમર સાથે મનની સંસ્કારી ગુણિયલ સ્વભાવની વૃદ્ધિ ન થઈ! સુખી છું એવું માનું છું, પણ રૂપિયાની સંપત્તિથી મેળવેલાં ભોગમાં નિ:સ્વાર્થ આનંદ કે પ્રેમનો ઉજાગર ન થયો!” પશ્ર્ચાત્તાપ સાથે મનોમંથન થાય તો ભૂલોથી માત્ર પરિચિત ન થવાય, પણ ભૂલોને સુધારી શકાય એવાં સંસ્કારી વર્તનમાં મન સ્થિત થતું જાય.

       પ્રેમ, આનંદ, શાંતિ, કે સંતોષનો ઉજાગર વિશાળ મનની પરિપક્વતાથી થાય. દરેક દેહધારી જીવ પ્રેમ-આનંદ માણવા માટે જ દેહને ધારણ કરે છે. માનવી પણ પ્રેમને માણવા માટે જ વિવિધ વસ્તુઓ, કે વ્યક્તિ સાથેના સંબંધોની માળા ગૂંથતો રહે છે. પરંતુ મનના રાગ-દ્વેષાત્મક સ્વભાવના લીધે પ્રેમભાવની નિ:સ્વાર્થતા પ્રગટતી નથી. એટલે મન પ્રેમને માપે છે. પ્રેમની માપણી લેવડદેવડની પ્રવૃત્તિથી જ્યાં થાય ત્યાં મન પ્રેમને માણી શકે નહિ. માપણી રૂપે અમુક ચોક્કસ રીત કે પદ્ધતિના વ્યવહારથી મન પ્રેમને માણવાની એક સીમિત રેખા દોરે છે. અર્થાત્ અમુક પરિસ્થિતિની હાજરીથી અથવા પોતાની અપેક્ષા મુજબની રીતથી પ્રેમને માણવાની હઠમાં માનવી તે સત્યને ભૂલી જાય છે કે, નિ:સ્વાર્થ પ્રેમ એ જ છે સૌને જિવાડતી, સૌનો વિકાસશીલ ઉછેર કરતી, સૌને આનંદ સંતોષનું સુખ અર્પણ કરતી પ્રભુની આત્મીય ચેતના. આ સત્યથી અજાણ રહેતું મન સતત પ્રેમની ઝંખનામાં વસ્તુઓ, વ્યક્તિઓ કે મનગમતી પરિસ્થિતિમાં બંધાયેલું રહે છે અને તોલમાપ કરતું રહે છે.

      

       જીવન જીવીએ જો માપણીની ચારણીથી,

તો સંતોષ-સમાધાનનું સત્ત્વ ચળાઈ જાય;

       જે માપે તે પામે નહિ અને અસંતોષની આગથી

યુવાન વયમાં જ મન વૃદ્ધ થતું જાય;

       વિચારોનું નિરાકારિત સ્વરૂપ હોવાં છતાં,

સીમિત આકારોની જેમ મન બંધાયેલું રહે છે;

       જણાય જો માવીતર સ્વરૂપની આત્મીય ચેતનાનો સંબંધ,

       તો માવીતરનું ધન ધારણ કરાવતી ભક્તિમાં સ્થિત થવાની લગની લાગે.

 

       પ્રભુની આત્મીય ચેતનાનો અતૂટ સંબંધ છે એવી પ્રતીતિ પૂર્વકની સમજથી ભક્ત જીવન જીવે છે. ભક્તિભાવથી તે પોતાનું પ્રારબ્ધગત જીવન જીવે છે, એટલે કે કર્મની ક્રિયામાં જ પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ કરતો રહે છે. કર્મ સ્વરૂપે પ્રભુની ઊર્જા શક્તિની ચેતનાનું આલિંગન થતું હોવાંથી, અમુક નક્કી કરેલાં સમયે જ ભક્તિ-સત્સંગ થાય એવાં વિચારોથી ભક્ત મુક્ત રહે છે. એવી મુક્તભાવની ભક્તિથી અનુભવાય કે, પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાનો સ્પર્શ સર્વેને ઊર્જા શક્તિની અખંડ ગતિથી થતો રહે છે. એટલે પ્રભુ છે દિવ્ય પ્રીતની પ્રકાશિત ગતિ. આ દિવ્ય ગતિની ચેતનામાં એકરૂપ થવા માટે ભક્તિભાવથી અંતરધ્યાનસ્થ થવાય એવી પ્રભુને વિનંતિ આપણે કરતાં રહીએ.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા