Article Details

વિધિ કે વિદ્યા હું જાણતો નથી...

કોઈ પણ માનવીને કર્મ કે કાર્ય તો કરવું જ પડે છે. કાર્ય કે પ્રવૃત્તિ કર્યા વગર અન્ન, વસ્ત્ર, રહેઠાણની જરૂરિયાત પૂરી ન થાય. અરે, ભિખારીને પણ ભીખ માંગવાની પ્રવૃત્તિ કરવી પડે છે. સારાંશમાં સમજીએ તો જીવંત જીવન એટલે જ તન-મનની સતત થતી ક્રિયાઓ અને તે ક્રિયાઓનાં સહારે માનવી આજીવિકા રળવાના કાર્ય, તથા ઈચ્છિત પરિસ્થિતિને ભોગવવાના કાર્યો કરી શકે છે. દરેક જણ પોતાને સોંપાયેલું કાર્ય કરે તે સહજ વર્તન કહેવાય. પરંતુ પોતાનું કાર્ય જ્યારે માનવતાના પરોપકારથી કે સહકારભાવથી થાય, ત્યારે તે સંસ્કારી વર્તન કહેવાય, જે એકબીજાને સહાયભૂત થઈ માનવીની પ્રેમની ભૂખને સંતોષે છે. સંસ્કારી વર્તનથી જીવવાની કળા ઘરના સંસ્કારી વાતાવરણમાં ખીલી શકે છે. આમ છતાં પ્રભુએ રચના જ એવી કરી છે, કે તન-મનની ક્રિયાઓ દ્વારા સંસ્કારી વર્તનના સંકેત મળી શકે છે, તથા સાત્ત્વિક આચરણની જાગૃતિ થઈ શકે. આપણાં શરીરનાં અંગોની સતત થતી ક્રિયાઓનો ભાવાર્થ જો સમજાય, તો જણાય કે સમર્પણભાવથી થતી તે ક્રિયાઓના લીધે દેહધારી જીવંત સ્થિતિ જીવી શકાય છે.

       પ્રભુએ આપણને શરીરનો સંગાથ ધર્યો છે. જેથી હું જે છું તેનું સત્ દર્શન જીવતાં જ કરી શકું, તથા મારા મનનો અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનો ભાર હળવો કરી શકું. શરીર રૂપી ઘરમાં મન (જીવાત્મા) રહે છે અને તે ઘરની જીવંત સ્વરૂપની ક્રિયાઓનું સંચાલન પ્રભુની આત્મીય ચેતના દ્વારા થાય છે. પ્રભુની ચેતના સર્વેને શ્ર્વાસ રૂપે પ્રાપ્ત થયાં કરે છે. એટલે પ્રભુની પ્રતીતિ કરવી હોય, તો શ્ર્વાસની મહત્તાને સમજીને ગ્રહણ કરવી પડે કે, જીવંત જીવનનો સેતુ બંધાય છે શ્ર્વાસની અખંડ ગતિથી. સૌ જાણે છે કે શ્ર્વાસની ગેરહાજરી એટલે શરીરધારી જીવનનો અંત. પરંતુ શ્ર્વાસની મહત્તા જેને સમજાય, તે અનુભવી શકે કે શ્ર્વાસ એ માત્ર પ્રાણવાયુ નથી, પણ એમાં તત્ત્વગુણોની ઊર્જાનું પ્રભુત્વ સમાયેલું છે. દરેક જીવની દેહધારી જીવન જીવવાની જે ભૂખ છે, તેને પૂરી કરવાનો ભેખ પ્રભુએ લીધો છે. એટલે શ્ર્વાસની ભિક્ષા નિરપેક્ષભાવથી સૌને અર્પણ થયાં કરે છે. શાંત ગતિની સરિતાની જેમ શ્ર્વાસનું પાન-અપાન થયાં કરે અને પ્રભુનું સાત્ત્વિક ગુણોનું ધન અર્પણ થયાં કરે. પરંતુ તે સાત્ત્વિક ધન મનની સ્વથી અજાણ રહેતી અજ્ઞાનતાના લીધે ધારણ નથી થતું. એટલે શ્ર્વાસની અપાન ક્રિયા રૂપે તેનો ત્યાગ થઈ જાય છે.

       આમ છતાં ક્ષણે ક્ષણે શ્ર્વાસની પાન ક્રિયા રૂપે તે ધન પુન: શરીરમાં પ્રવેશે છે અને મનની બેધ્યાન સ્થિતિના લીધે તે ધારણ થતું નથી. પ્રભુના ધનને ભક્તિભાવની જાગૃતિથી ધારણ કરી શકાય. ભક્તિ ભાવ એટલે હું કર્તા નથી એવાં સમર્પણભાવની જાગૃતિ. મનનો કર્તાભાવનો અહંકાર અવરોધક બની પ્રભુના ધનને ધારણ કરવા દેતું નથી. અજ્ઞાની અહંકારી વર્તનનો અવરોધ ઓગાળવા, ભક્તિભાવની જાગૃતિ જોઈએ અને ભક્તિભાવની જાગૃતિ અંગોની સમર્પણભાવની ક્રિયાઓનો ભાવાર્થ ગ્રહણ કરવાથી જાગૃત થઈ શકે છે. કારણ મનની એવી મૂળભૂત પ્રકારની વૃત્તિ છે કે, તે બીજાનું જોઈને અનુકરણ કરી શકે છે. અનુકરણ વૃત્તિના સંકેત રૂપે જ ‘સંગ એવો રંગ’ એ કહેવત પ્રચલિત થઈ છે. માનવી જો પોતાના શરીરના અંગોની ક્રિયાઓનું અર્પણભાવનું વર્તન જાણે, તો પોતાનાં સ્વાર્થી વર્તનનો ક્ષોભ થશે. ક્ષોભિત મનમાં પ્રભુની ચેતનાની હાજરીને અનુભવવાની તાલાવેલી જાગે, ત્યારે શ્ર્વાસ સાથેના અંગત સંબંધની પ્રતીતિ કરાવતાં સાત્ત્વિકભાવની જાગૃતિ થાય.

       ભાવની સાત્ત્વિકતા એટલે જ ગુણિયલ સ્વભાવની ભક્તિભાવની જાગૃતિ. ભક્તિભાવથી અનુભવાય કે શ્ર્વાસની ચેતના છે શુદ્ધ સ્વરૂપની. એટલે મનની અહંકારી, સ્વાર્થી વર્તનની અશુદ્ધતાને શુદ્ધ કરવા માટે જ પ્રભુ ક્ષણે ક્ષણે શ્ર્વાસનું ધન અર્પે છે. શ્ર્વાસની ક્રિયા સ્વરૂપે પ્રભુની આત્મીય પ્રીતનું પ્રશાસન પ્રગટે છે, જે દેહધારી જીવને શુદ્ધિકરણનું આશ્ર્વાસન ધરે છે. શ્ર્વાસ એ કોઈ શસ્ત્ર કે હથિયાર જેવી સ્થિતિ નથી. એ તો દેહનો હાથો બની, જીવંત સ્થિતિનું પ્રશાસન ધરવા પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાને તરતી મૂકે છે. તેથી શ્ર્વાસની ગુણિયલ ચાદરને મન જો આદર પૂર્વક પ્રેમભાવથી સ્વીકારે, તો જ્ઞાની ભક્તની જેમ સાત્ત્વિક ગુણોનું ભક્તિભાવનું ધન આચરણ રૂપે ધારણ કરી શકે.

       શ્ર્વાસનું ધન નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. શ્ર્વાસનો જ્યાં સન્માનપૂર્વકનો સ્વીકાર હોય, ત્યાં શ્ર્વાસને ઝીલનાર નાક ઈન્દ્રિય, શ્ર્વાસનળી, ફેફસા, લોહી વગેરેની પુરુષાર્થી શક્તિશાળી સ્થિતિ હોય. તેથી હાથીના નાકનું વિશાળ સૂંઢ જેવું રૂપ છે. તે સૂંઢથી વિશાળ વૃક્ષને પણ ઊંચકી શકે છે. કારણ હાથીની વિશાળ કાયામાં શ્ર્વાસના સ્વીકારભાવની માયા છે. એવાં સ્વીકારભાવની જાગૃતિના લીધે શ્ર્વાસનો સોઽહમ્ ધ્વનિનો રણકાર ધારણ થાય છે. એટલે હાથીના કાન સૂંપડાં જેવા મોટાં છે. સૂપડાંથી જેમ ધાન્યનો કચરો સાફ થાય છે, તેમ શ્ર્વાસના સોડહમ્ ધ્વનિથી મનનો કચરો સાફ થાય છે, અર્થાત્ શ્ર્વાસ છે શુદ્ધિકરણની પ્રશુદ્ધતા. તે જ્યાં પ્રસરે ત્યાં સ્વીકારભાવના આદરમાં અશુદ્ધિ આપમેળે વિલીન થાય. તેથી જ દેવોનાં દેવ મહાદેવે પોતાના પુત્રને હાથીનું મુખ ધર્યું અને માનવ જાતને સંકેત ધર્યો કે, અનંત ગુણોનું પ્રભુત્વ જાગૃત થાય, તે છે ગણપતિ સ્વરૂપનું આત્માનું કૌશલ્ય. આત્માના અનંત ગુણોના પ્રભુત્વને જાગૃત કરવા માટે જ ગણપતિનું આવાહન કરવાનું હોય. આપણે પ્રેમભાવથી શ્ર્વાસને આવાહન કરીએ કે...,

 

       હે શ્ર્વાસ, મારી અંતરની વિનંતિ સ્વીકારજો,

આપનાં વિધાતા સ્વરૂપને જાણતો નથી;

       છતાં આપ વિશ્ર્વ વિધાતાના દ્વાર ખોલજો,

એની વિધિ કે વિદ્યા હું જાણતો નથી;

       વૃત્તિ-વિચારોની સૂક્ષ્મતા જાગૃત કરાવતાં અંતર દ્વાર ખોલજો

અને અંતરની સાત્ત્વિકતાને જાગૃત કરજો;

       આપ છો પ્રભુનું સાક્ષાત્ વાહન,

જીવનમાં પ્રભુની આત્મીય પ્રીતથી સ્વ આશની તૃપ્તિ ધરજો.

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા