Article Details

ચિત્ત તારું એક જ, ધ્યેય તારું એક જ...

આકારિત સ્થૂળ જગતની કોઈ પણ પરિસ્થિતિને, કે કૃતિઓને જો ઓળખવી હોય તો માનવી પોતાની ઈન્દ્રિયોના સહારે જાણી શકે છે. મન-ઈન્દ્રિયોના માનવ શરીરની આજ વિશેષતા છે કે પદાર્થ જગતને જાણી શકાય છે અને ભોગવી શકાય છે. પરંતુ નિરાકારિત સૂક્ષ્મ સૃષ્ટિને જાણવી હોય કે નિહાળવી હોય, તો તન-મનની મર્યાદિત સ્થિતિના સહારે જાણી શકાય એમ નથી. આંખ, કાન વગેરે ઈન્દ્રિયોની વિષયોને ગ્રહણ કરવાની અમુક મર્યાદા હોય છે. જેમકે આંખોથી અમુક હદ સુધીનું જ જોઈ શકાય છે. બાવીસમાં માળે ટાવરમાં રહેતાં હોઈએ અને બારીમાંથી નીચે રસ્તા પર જોઈએ ત્યારે વ્યક્તિઓ દેખાય, પણ તેઓના ચહેરા જોઈ શકાય નહિ. તે વ્યક્તિ પુરુષ કે સ્ત્રી છે, તેની ઓળખ કદાચ પહેરવેશથી થઈ શકે, અથવા બાળક, યુવાન, કે વૃદ્ધ છે, તે શરીરના કદથી કદાચ અંદાજે જાણી શકાય. આમ બાહ્ય આકારિત જગતની પરિસ્થિતિઓનાં સંપર્કમાં આવવાથી તેને જાણી કે ઓળખી શકાય છે. પરંતુ સૂક્ષ્મ આંતરિક સૃષ્ટિના સંપર્કમાં રહેવાં છતાં નરી આંખોથી તેને જોઈ શકાય એમ નથી.

       શરીરના સૂક્ષ્મ સ્વરૂપના જીવકોશને (સેલ) જોવા માટે સૂક્ષ્મ દર્શક યંત્ર જોઈએ અને જીવકોશની ભીતરનું જોવા માટે વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ દર્શક યંત્રોની શોધ થઈ છે. તાત્પર્ય એ છે કે પોતાનાં જ શરીરની ભીતરની પરિસ્થિતિને જાણવા માટે જો યંત્રોનો આધાર લેવો પડે, તો મનની ભીતરમાં જે સાત્ત્વિક ગુણિયલતા સુષુપ્ત રૂપે સમાયેલી છે, તેને જાણવા માટે, કે તેને સદાચરણ સ્વરૂપે ઉજાગર કરવા માટે હૃદયભાવ રૂપી વિશેષ યંત્રનો સહારો લેવો પડે. જિજ્ઞાસુ ભક્ત આ સત્યને જાણે છે. તેથી મનનો હૃદયભાવ જાગૃત થાય એવાં ધ્યેયથી અધ્યયન, અભ્યાસ, સત્સંગની પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક ઓતપ્રોત થાય છે. નિષ્ઠાપૂર્વક અધ્યયન કરવાનો પુરુષાર્થ એટલે ભય, ચિંતા, અસુરક્ષા, નિરાશા, અદેખાઈ વગેરે નકારાત્મક અહંકારી મનોવૃત્તિઓથી મુક્ત કરાવતું આત્મનિરીક્ષણ કરવું. જ્યાં સુધી મન અસુરક્ષાનાં ડરથી, કે ફિકર-ચિંતાની વ્યથાથી ઘેરાયેલું રહે છે, ત્યાં સુધી માનવી પ્રભુને માત્ર મંદિરની મૂર્તિમાં, કે છબીમાં જ જુએ છે. એવું મન પોતાની ભીતરમાં સમાયેલી પ્રભુની આત્મ ચેતનાની પ્રતીતિ કરવા માટે ઉત્સુક થતું નથી.

       એવું મન પોતાની વ્યથાભરી દુ:ખદ સ્થિતિનું વર્ણન બીજા સમક્ષ કરતું રહે છે. એટલે દુ:ખદ સ્થિતિના વિચારોમાં વારંવાર ફરતું રહે છે. તેથી સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરવાનું મુશ્કેલ લાગે છે. એવી મુશ્કેલી માર્ગદર્શક કે ગુરુના સાંનિધ્યથી દૂર થઈ શકે છે. જેમ તરવાનું(સ્વીમીંગ) શીખવાડતાં શિક્ષક અમુક તાલીમ આપે, છતાં ડૂબી જવાનો જે વિદ્યાર્થીને ભય લાગે તે સ્વીમીંગ પુલમાં નહિ જાય. તેથી શિક્ષક એવાં વિદ્યાર્થીને ધક્કો મારીને સ્વીમીંગ પૂલમાં ધકેલે છે. તે ક્ષણે સ્વીમીંગ આપમેળે થાય અને શિક્ષકની દૃષ્ટિ તે વિદ્યાર્થી પર સતત હોવાંથી તે ડૂબી જતો નથી; તેમ ગુરુના સાંનિધ્યમાં અધ્યયન કે ચિંતનની ભક્તિમાં સહજ રીતે મન સ્થિત થતું જાય. પછી પ્રભુની સાક્ષાત્ હાજરીના લીધે જીવન જિવાય છે એવાં એકરારથી મનનો શરણભાવ જાગૃત થતો જાય. માનવી જો સ્વયંના અસ્તિત્વને જાણવાની જિજ્ઞાસા જગાડે અને જિજ્ઞાસાના અગ્નિને વધુને વધુ પ્રજ્વલિત કરે, તો જિજ્ઞાસા આતુરતામાં ફેરવાઈ જાય. આતુરતા જાગે ત્યારે સ્વયંની સાત્ત્વિકતાનો ઉજાગર કરાવતો હૃદયભાવ જાગૃત થાય. જિજ્ઞાસુ વૃત્તિથી મન આજ્ઞાંકિત થાય, ત્યારે જ ભાવની નિર્મળતા આપમેળે પ્રગટતી જાય, જે સ્વયંની અનુભૂતિ કરાવતી અંતરયાત્રામાં સ્થિત થાય.

       સામાન્ય રૂપે માનવીના મનમાં ભયનું આસન રહે છે. આધિ, વ્યાધિની વ્યથાનો ભય હોય અથવા શરીરનાં મૃત્યુનો ભય હોય. એટલે સ્વયંની અનુભૂતિની અંતર ભક્તિમાં સ્થિત થવાનું માનવીને ગમતું નથી. ભયના અનેક પ્રકાર હોય છે. ભયની વૃત્તિનું કારણ અતૃપ્ત ઈચ્છાઓના કર્મસંસ્કારો છે. ગરીબ

માણસને રૂપિયાની કમાણી નથી થતી તેનો ભય હોય છે અને અમીર માણસને રૂપિયાને સાચવી રાખવાની અથવા વધુ ને વધુ મેળવવાની ઈચ્છા હોવાંથી મનમાં ચિંતા સાથે ભય રહે છે. પશુ-પક્ષીને શરીરના રોગ કે માનસિક દુ:ખની વ્યથા થતી નથી. પરંતુ માનવી મન મોટેભાગે ભવિષ્યની ચિંતામાં ભયગ્રસ્ત રહે છે. માનવી મનની બીજી એક ખાસિયત છે, કે સુખદાયક પરિસ્થિતિને માણતો હોય ત્યારે પણ તે ભય અનુભવે કે, સુખદ પરિસ્થિતિનો સંગાથ છૂટી જશે તો શું થશે! અથવા જે વસ્તુ કે વ્યક્તિનો સંગ તે કરે એને વિશ્ર્વાસપૂર્વક નહિ સ્વીકારે. કારણ મન વાસ્તવિક જ્ઞાનથી અજાણ રહે છે. તેને અંતનો-મૃત્યુનો ભય હોવાંથી તે સુખને માણતી વખતે પણ દુ:ખી થઈને ચિંતા કરે છે.

       ચિંતાળુ સ્વભાવ એટલે ભરોસો કે વિશ્ર્વાસની ખોટ. આમ છતાં પોતાનું કાર્ય પાર પાડવાનું હોય ત્યારે ચિંતાળુ સ્વભાવવાળાં ચિંતામુક્ત થઈ વિશ્ર્વાસપૂર્વક પોતાનાં કાર્યો કરી લે છે. બસ કે ટ્રેનની મુસાફરી કરવાની હોય ત્યારે ચલાવનાર ડ્રાઈવર પર પૂરો ભરોસો રાખે છે. કારણ તેઓને પોતાનું અગત્યનું કાર્ય કરવું હોય છે. અર્થાત્ મનનું સ્વાર્થી માનસ છે. જ્યાં સ્વાર્થ સાધવાનો હોય ત્યાં ચિંતાને છોડી ઈચ્છિત કાર્ય પહેલાં કરશે. મનનું આવું માનસ જ્યારે જાણે કે અમુક કાર્ય પોતે કરી શકે એમ નથી, ત્યારે ‘પ્રભુ બધુ પાર પાડશે’ એવાં ખોટાં આશ્ર્વાસનથી મનને મનાવે છે. પરંતુ ભક્ત તો પોતાના કાર્યો પ્રભુની હાજરીના એકરારથી કરે છે. પ્રભુનું ચિંતન થાય અને જીવનનાં કાર્યો પણ થાય, તે છે મનની અકર્તાભાવની જાગૃતિ. તેથી ભક્ત ચિંતાને ઓગાળી દેતાં સ્વમય ચિંતનથી જીવવાનો પુરુષાર્થ કરે છે. જ્ઞાની ભક્ત આપણને જણાવે છે કે..,

 

       કરાવે છે કોઈ, કહે હું કરું છું, એ હું ને કાઢી કર્મો કર્યા કર;

       કર્તવ્યભાવનાનો ભાર રાખીશ નહિ, એ હું ને કાઢી કર્મો કર્યા કર;

       કરશે કોણ એની ચિંતા છોડી દે, ચિંતન સ્વનું કરતો જા;

       ચિત્ત તારું એક જ, ધ્યેય તારો એક જ કે, પ્રભુની શક્તિથી થાય સર્વે કામ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા