Article Details

ભક્તિમાં સમય વીતાવશું, ભૂલશું નહીં હે નાથ...

આપણાં સૌનો મહાભૂતોની પ્રકૃતિથી માનવ આકારનો દેહ સર્જાયો છે. દેહ સ્વરૂપે અતૃપ્ત ઈચ્છાવૃત્તિના કર્મસંસ્કારો જીવે છે. કર્મસંસ્કારોનો સમૂહ એ છે મનનું સ્વરૂપ, જેને જીવાત્મા પણ કહેવાય છે. ઈચ્છાઓની તૃપ્તિ માટે, ઈચ્છિત વિષયોને ભોગવવા માટે જીવ (મન) માનવ શરીરનો સહારો લે છે. મહાભૂતોની પ્રકૃતિથી સર્જાયેલો આપણો દેહ, પ્રભુની આત્મીય ચેતનાના આધારે જીવે છે. દેહમાં રહેતો જીવ આ જગતમાં અતિથિ રૂપે જન્મે છે. પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરાવતાં કાર્યો કરતો રહે છે. પ્રભુ તો અતિથિને સન્માનપૂર્વક પોતાની દિવ્ય ચેતનાનું ધન પળે પળે અર્પણ કરતાં રહે છે. કોઈ પણ લેવડદેવડ વગરની પ્રભુની સેવા એટલે શ્ર્વાસનું ધન ધારણ થવું. શ્ર્વાસનું ધન પ્રભુ માત્ર અર્પણ નથી કરતાં, પણ ક્ષણે ક્ષણે નવીન ધનનો શ્ર્વાસ અર્પણ કરવાની સેવા કરે છે. દરેક જીવનાં જેવાં કર્મસંસ્કારો તે પ્રમાણેનું ધન પ્રાપ્ત થાય. તેથી શ્ર્વાસનું કોઈ ફેકટરીમાં ઉત્પાદન કરી શકાય એમ નથી. વાયુની સંગાથે શ્ર્વાસના ધનને, પ્રભુ આપણાં કર્મસંસ્કારો અનુસાર અર્પે છે. એટલે કર્મસંસ્કારોનો જેટલો સામાન તેટલું દેહનું આયુષ્ય હોય છે.

       માનવી જન્મની વિશિષ્ટતા અણમોલ છે. માનવ દેહના સહારે જીવ પોતાની અતૃપ્ત ઈચ્છાઓની પૂર્તિ કરી શકે છે અને કર્મસંસ્કારોને વિલીન કરાવતી સાત્ત્વિક આચરણની જાગૃતિને ધારણ કરી શકે છે. માનવી જેમ લૌકિક સંસારના કાર્યો જાણકાર થઈને કરે છે; તેમ જિવાડનાર પ્રભુની હાજરીની પ્રતીતિ કરાવતાં ભક્તિભાવથી જો જીવે, તો જન્મથી મૃત્યુ વચ્ચેના સમયમાં પ્રભુના ધનને પ્રેમભાવથી, સાત્ત્વિકભાવથી માણી શકે. શ્ર્વાસના ધન સ્વરૂપે પ્રભુ તો નિરંતર પોષણ, વિકાસ, વૃદ્ધિનું આતિથ્ય સૌને અર્પણ કરતાં રહે છે. જ્ઞાની ભક્તની જેમ પ્રભુના ધનની પ્રતીતિ,  દરેક કર્મની ક્રિયામાં થતી જાય તો પ્રભુનું આતિથ્ય માણવાનો આનંદ અનુભવાય. જેનાં સહારે આપણે જીવીએ છીએ, એનો સહવાસ સાત્ત્વિકભાવની જાગૃતિથી જ્યારે અનુભવાય ત્યારે જ્ઞાત થાય કે, "હું દેહ નથી, હું તો દેહમાં અતિથિની જેમ રહું છું અને પ્રભુના સહવાસને માણતાં માણતાં અંતર પ્રવાસની વિશાળતામાં એકરૂપ થાઉં છું. પ્રભુની ચેતનાનું પોષણ અંતરયાત્રામાં ગતિમાન કરાવે છે, તેથી હું મારા આત્મીય ઘરમાં સ્થિત કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિને ધારણ કરી શકું છું.”

       જ્ઞાતા ભાવની આવી જાગૃતિથી ભક્ત જીવન જીવે છે અને સંસારી જવાબદારીના કાર્યો સહજભાવથી કરે છે. એટલે પ્રારબ્ધગત જીવનની વીંટબણાઓ કે મુશ્કેલીઓની અસર ઓછી થાય છે. જેમ આકાશ, વાયુ, જળ, અગ્નિ, પર કોઈ પણ લૌકિક સ્થિતિની અસર કે છાપ પાડી શકાતી નથી; તેમ જ્ઞાની ભક્તના મન પર સંસારી પરસ્થિતિની છાપ પડતી નથી. એટલે ભાવની નિ:સ્વાર્થતા છલકાતી રહે છે અને સાત્ત્વિક ગુણોનું ધન જાગૃતિ રૂપે ધારણ થતું રહે છે. સાત્ત્વિક ગુણોનું પ્રભુનું ધન ધારણ થવું, તે છે મનનો અતિથિ સ્વરૂપનો સ્વીકારભાવ, સમર્પણભાવ. માનવીનું મન જો અતિથિની જેમ જીવન જીવે, તો પ્રભુ યજમાન સ્વરૂપે અતિથિની ઈચ્છા મુજબ આગતાસ્વાગતા કરે છે તેની પ્રતીતિ થશે, ત્યારે મનનો અકર્તાભાવ જાગૃત થતો જશે. પરંતુ મોટેભાગે માનવીને પ્રભુની યજમાન સ્વરૂપની સેવાનો સત્કારભાવ ગમતો નથી. કારણ મનનો હું પદનો અહંકાર પોતે જ કર્તા-હર્તા છે એવું માને છે. તેથી પ્રભુનું આતિથ્ય સ્વરૂપનું ધન પૂર્ણ રૂપે ધારણ થતું નથી અને પ્રભુ જે અર્પણ કરે છે એમાં શંકા સંદેહ રાખે છે.

       આપણે જો મહેમાન બનીને આ જગતમાં આવ્યાં છીએ, તો પ્રભુ જે સર્વસ્વ અર્પણ કરે છે તેનો રાગ-દ્વેષની અહંકારી વૃત્તિથી દોષ કેવી રીતે કઢાય? એમણે તો આત્મ સ્વરૂપે સર્વસ્વ ધર્યું છે અને આત્મીય ગુણોના ધનનો ઉપભોગ કરવા માટે, એટલે કે પ્રેમ, સંતોષ, આનંદ માણવા માટે મન-ઈન્દ્રિયોનો દેહ ધર્યો છે. સ્વાર્થી, દોષી, રાગ-દ્વેષયુક્ત સ્વભાવના લીધે, પ્રભુને શ્ર્વાસે શ્ર્વાસે જે નવીન ગુણોનું ઉન્નતિનું ધન અર્પણ કરવું છે તે ધારણ થતું નથી. જો યજમાનના ઘરમાં રહેવું ગમતું ન હોય, એનાં પૂર્ણતાના ધનમાં ભૂલ જણાતી હોય, એની મહેમાનગતિનો સ્વીકાર કરવો ન હોય, તો પોતાનું ઘર સર્જાવવાની શક્તિ છે?? માનવી શ્ર્વાસનું સર્જન કરી શકે એમ છે?? સૂર્ય, ચન્દ્ર, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી સ્વરૂપની સપ્ત મહાભૂતોની પ્રકૃતિનું સર્જન કરી શકે એમ છે?? અથવા સર્જાયેલી સ્થિતિનો વિકાસશીલ ઉછેર કરી શકે એમ છે??

       ખરેખર તો માનવી જે પણ કરી શકે છે, તે યજમાન પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીના લીધે જ કરી શકે છે. વિચારવાનું, સમજવાનું, અનુભવવાનું, ક્રિયા-પ્રતિક્રિયા કરવાનું કોઈ પણ કાર્ય, કે વિવિધ પ્રવૃત્તિઓ ચેતનાની ઊર્જા શક્તિના પ્રસરણને લીધે જ થઈ શકે છે. છતાં પ્રભુએ ક્યાંય પણ પરતંત્ર સ્થિતિ નથી સર્જાવી. આત્મીય ચેતનાની સ્વ ક્રિયાની સત્તા સ્વરૂપે યજમાન પ્રભુએ તો બધું જ સ્વતંત્ર રૂપે અર્પી દીધું છે. જેથી માનવી પોતાની ઈચ્છા મુજબ વર્તન કરી શકે. છતાં અહંકારી અજ્ઞાનતાથી માનવી જો ફરિયાદ કર્યા કરે અને યજમાન પ્રભુની મહેમાનગતિને જાણ્યાં વગર દોષ કાઢ્યાં કરે તો એ અતિથિ બનવાની લાયકાત ગુમાવી દે છે. પ્રભુની મહેમાનગતિને ભક્તિભાવની નિખાલસતાથી સ્વીકારવાની હોય અને એકબીજા સાથે પ્રેમભાવથી હળીમળીને આ પૃથ્વી ગ્રહ પર રહેવાનું છે. જેથી પૃથ્વી ગ્રહનું સ્વચ્છ વાતાવરણ મંગળકારી થાય અને દરેક દેહધારી જીવ પ્રેમના સંતોષ સાથે નિરોગી જીવન જીવી શકે. આપણી ભૂલોનો એકરાર કરતાં પ્રભુને પ્રાર્થના કરીએ કે..;

 

       શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી તુજને અમારા પ્રણામ,

બિંદુમાંથી સરોવર સર્જ્યું, તારો બહુ ઉપકાર;

       માટીમાંથી પૃથ્વી સર્જી માનવ માટે નાથ,    

હળીમળીને રહીએ એટલે, સર્જ્યો છે સંસાર;  

       પ્રભુ પાસેથી છૂટાં પડ્યાં ત્યારે વચન દીધું તેને હાથ,

              ભક્તિમાં અમે સમય વિતાવશું, ભૂલશું નહિ હે નાથ;

       જે દિવસથી વચન ભૂલ્યાં શાંતિ ગઈ એની સાથ,

              માયાજાળમાં ગૂંથાઈ રહ્યાં અમે, બહાર કાઢો હે નાથ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા