Article Details

બધું કરો નિર્મળ પ્રેમભાવથી...

દરેક માનવી પ્રારબ્ધગત જીવન જીવે છે. પ્રારબ્ધગત જીવન રૂપે શરીરના રૂપ-રંગ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે તથા રૂપિયાની કમાણી કરવાની, સગવડવાળા ઘરમાં રહેવાની, એકબીજા સાથે વ્યક્તિગત પ્રેમાળ સંબંધોને માણવાની, ભોગ્ય પદાર્થોને ભોગવવાની વગેરે વિવિધ પરિસ્થિતિની પ્રાપ્તિનું જીવન માનવી જીવે છે. પરંતુ એવાં જીવનમાં જ્યારે સંતોષનો અનુભવ ન થાય, ત્યારે એવું અસંતોષી મન પોતાની ગમતી પરિસ્થિતિના સંગમાં પણ પોતે સુખી નથી એવું માને છે. એવા અસંતોષી મનથી જે પણ કર્મ થાય અને એનું સુખદ પરિણામ મળે, તો પણ તે અસંતોષી જ રહે છે. અસંતોષી મન વિહ્વળ રહે, અશાંત રહે અને પોતે દુ:ખી છે એવી માન્યતાથી સુખની શોધમાં ફરતું રહે છે. અસંતોષી મનનો જો ઈલાજ ન થાય, તો અસંતોષની વિહ્વળતા શરીરના સ્વાસ્થ્યને બગાડે છે અને સાથે સાથે એકબીજા સાથેના કૌટુંબિક સંબંધોમાં, કે કાર્ય ક્ષેત્રનાં સંબંધોમાં ખોટ, ઉણપ, નિરાશા જેવા નકારાત્મક માનસને જન્માવે છે.

       ઈલાજ કરવો એટલે તન-મનના જોડાણની વાસ્તવિકતાથી પરિચિત થવું. મન જેમ જેમ પરિચિત થતું જાય, તેમ તેમ માનવ જીવનની અમૂલ્યતા દર્શાવતી સમજ ગ્રહણ થતી જાય. સમજ અનુસાર પછી અસંતોષનું કારણ સમજાતું જાય અને વિચાર-વર્તનનો ઢાળ બદલાતો જાય. ઈલાજ રૂપે સમજાય કે મનનું કોઈ આકારિત શરીર જેવું રૂપ નથી, એ તો છે નિરાકારિત આત્મીય ચેતનાનું અવિભક્ત સ્વરૂપ. પ્રભુની આત્મીય ચેતનાના અંશ રૂપે મનમાં સાત્ત્વિક ગુણોનો ભંડાર સમાયેલો છે. અસંતોષી મનની વિહ્વળતાના લીધે અથવા અહંકારી સ્વભાવની રાગ-દ્વેષાત્મક ભેદભાવની દૃષ્ટિના લીધે તે ગુણિયલ ભંડાર મનમાં સુષુપ્ત રહે છે. જે માનવી પોતાના અસંતોષી મનની વિહ્વળતાથી અકળાઈ જાય અને રાગ-દ્વેષાત્મક સ્વભાવનો અવરોધ અનુભવે, તે જ ઈલાજ કરાવતું મનોમંથન કરે. સમાજમાં બુદ્ધિજીવી માનવીઓ ઘણાં છે. તેઓ અસંતોષનું કે મનની અજ્ઞાનતાનું કારણ જાણે તથા કારણને દૂર કરાવતા ઈલાજ વિશે વિશ્ર્લેષણ યુક્ત ચર્ચા કરતાં રહે. પરંતુ ઈલાજ અનુસાર સાત્ત્વિક વર્તનથી સ્વભાવનું પરિવર્તન કરવાની દિશામાં કોઈક જ પ્રયાણ કરે છે.

       જે માનવી પરિવર્તનની દિશામાં પ્રયાણ કરે, તે પ્રભુ કૃપા સ્વરૂપે જિજ્ઞાસુભાવની જાગૃતિને ધારણ કરે છે. જિજ્ઞાસુભાવથી મન સ્વયંની ઓળખ કરાવતાં જ્ઞાન-ભક્તિના સત્સંગમાં પરોવાતું જાય, ત્યારે સાત્ત્વિક વિચારોની પરોવણી થતી જાય. એવી પરોવણી રૂપે દેહધારી જીવનનો આશય સમજાય તથા આત્મ સ્વરૂપની વાસ્તવિકતાનો સ્વીકાર થતાં, પરિવર્તનનું વર્તન સહજતાથી ધારણ થતું જાય. પરિવર્તન થવું એટલે જ અસંતોષની માત્રા ઘટવી. પછી પ્રારબ્ધગત જીવન મુજબ જનમતા વિચાર-વર્તનને અટકાવવાનો પ્રયત્ન મન કરશે નહિ, પણ સત્સંગ, ચિંતનના પ્રભાવથી તેને સાત્ત્વિકભાવની જાગૃતિની દિશામાં વાળવાનો પ્રયત્ન થશે. અર્થાત્ મનને એટલું સમજાય જાય, કે દરેક માનવી પોતાની અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને એવું વર્તન સહજ કહેવાય. કારણ માનવ આકારના શરીરની પ્રાપ્તિથી મનને પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરવાનો અધિકાર મળ્યો છે. આ અધિકારની પદવીને છાજે એવું વર્તન ત્યારે થાય, જ્યારે મન પોતાના અસ્તિત્વની ઓળખ રૂપે સાત્ત્વિક આચરણમાં સ્થિત થાય.

       ઘણીવાર માનવી સ્વયંને જાણવાની સત્સંગની પ્રવૃત્તિ કરે, અભ્યાસ-અધ્યયનની પ્રવૃત્તિ પણ કરે. પરંતુ રાગ-દ્વેષની સંકુચિત દૃષ્ટિ વિલીન ન થઈ હોવાંથી, આ કરવું કે ના કરવું એવાં વિચારોમાં અટવાઈ જાય છે. સત્સંગી મન પણ ઘણીવાર યોગ્ય-અયોગ્ય, અથવા કરવું કે ના કરવું, એવાં વિભાગ પાડી હઠીલી અકડાઈથી વર્તે છે. એવાં હઠીલા સ્વભાવના લીધે મન એવી ભ્રમણામાં રહે છે, કે પોતે મક્કમતાથી ઉચિત રીતે કાર્ય કરી શકે છે. પરંતુ મન જ્યાં સુધી વૃત્તિ-વિચારોનાં  વિભાગોમાં બંધાયેલું રહેશે, ત્યાં સુધી ભાવની પ્રસન્નતાથી જ્ઞાન-ભક્તિની અંતર યાત્રામાં સ્થિત નહિ થઈ શકે. હઠીલા સ્વભાવને લીધે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓ ઓગળવાને બદલે વધે છે. જ્ઞાન-ભક્તિના સત્સંગથી હઠીલા વિચારોની વૃત્તિઓ ઘટતી જાય, તો અંતર યાત્રા માટેની દૃઢતા વધતી જાય.

       જિજ્ઞાસુભાવથી યાત્રાળુ મનને જ્યારે સત્ દર્શનનું રહસ્ય પરખાતું જાય ત્યારે સમજાતું જાય, કે જેમ ચાલવાની ક્રિયા માટે પગ અને જમીનનું જોડાણ હોવું જરૂરી છે; તેમ અંતર યાત્રા માટે હઠીલા વૃત્તિ-વિચારોનું ઓગળવું જરૂરી છે. જેથી હૃદયભાવની વિવેકી દીર્ઘ દૃષ્ટિની જાગૃતિ, અંતરની સૂક્ષ્મ-વિશાળતામાં એકરૂપ થઈ શકે. જેવી વૃત્તિઓ એવાં વિચાર-વર્તનમાં મન ફરતું રહે છે. તેથી વૃત્તિઓને વળાંક સત્સંગ, અધ્યયનથી આપવો જરૂરી છે અને એવો વળાંક ગુરુ કે માર્ગદર્શકના સાંનિધ્યમાં સહજતાથી ધારણ થાય છે. સાંનિધ્ય સ્વરૂપે પ્રેમભાવની નિ:સ્વાર્થતાનો મનને સ્પર્શ થતાં, જ્ઞાન-ભક્તિના નીરમાં તરતા રહેવાનું મનને ગમે છે. વાસ્તવમાં કોઈ પણ પ્રવૃત્તિ કરવાનું મનને ત્યારે જ ગમે, જ્યારે તે કરતી વખતે પ્રેમભાવની નિર્મળતાનો અનુભવ થાય. પ્રેમના આનંદને જ મન ઝંખે છે એટલે પ્રેમની અનુભૂતિ જ્યાં થાય ત્યાં સ્થિત થવા માટે વૃત્તિ-વિચારોના પરિવર્તનનો વળાંક સહજતાથી લેવાય છે. મનનું ભક્ત સ્વરૂપ એટલે જ, સુષુપ્ત રહેલી આત્મીય ચેતનાની સાત્ત્વિકભાવની ગુણિયલતા જાગૃત થવી. ભક્ત દ્વારા જે સાત્ત્વિક વર્તન થાય, તેમાં પ્રભુની આત્મીય ચેતનાનો પ્રભાવ પ્રદર્શિત થાય. એવાં ભક્તના સાંનિધ્યમાં મનની રાગ-દ્વેષની હઠીલી વૃત્તિઓ ઓગળી શકે છે. તેથી જ્ઞાની-ભક્ત તો જિજ્ઞાસુ માનવીને પ્રેમની અમી દૃષ્ટિથી દર્શાવે કે,

      

       આ કરો, આ ન કરો એવા ખોટા બંધનમાં ન રહો

અને મનને રાગ-દ્વેષથી લેપાયમાન ન કરો;

       અરે, બધું કરો નિર્મળ પ્રેમભાવથી,

પણ મન લેપાય નહિ એવું જીવન જીવ્યાં કરો;

       હઠ યોગી વર્તન જેવી મનની હઠીલી અકડાઈ છોડો

અને પ્રેમના તાર ભાવથી ગૂંથો;

       પ્રેમના તારથી મનને ગૂંથવા ભગવત્ ભાવની ભક્તિમાં મનને તરાવો,

જ્યાં નથી કોઈ સંસારી બંધન.

      

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા