Article Details

શ્રદ્ધાપૂર્વક ચિંતન, એ છે માનવ દ્વારા થતું રટણ...

મનમાં બીજ પ્રગટાવો ભક્તિનું,

જે જિજ્ઞાસુ વૃત્તિને  જગાડી સ્વ જ્ઞાનમાં ભાવથી તરાવે;

       ભગવત્ ભાવની શક્તિનું જ્ઞાન છે પ્રાણ શક્તિમાં,

તે જ્ઞાનમાં આત્મ નિવેદન ભક્તિ તરાવે;

       શ્રદ્ધાપૂર્વક મનોમંથનથી ચિંતન થાય,

તે છે માનવીનું ભૂમિ પરનું ખરું રટણ;

       સ્વ જ્ઞાનની ભક્તિ રૂપે અંતરગમન થતાં પ્રગટે ગુણો,

તે છે અંતર ભક્તિનું સ્વરૂપ.

 

       પ્રત્યેક દેહધારી કૃતિઓને જીવવા માટે પ્રભુની પ્રાણ શક્તિ શ્ર્વાસ રૂપે અર્પણ થાય છે. પ્રાણવાયુ અને પ્રભુની પ્રાણ શક્તિ, એમાં તફાવત એટલો જ છે કે પ્રાણવાયુ ટાંકીમાં ભરીને મેળવી શકાય છે, પણ પ્રભુની પ્રાણશક્તિ મનુષ્યના પુરુષાર્થથી મેળવવી અશક્ય છે. એટલે જ રૂપિયાથી ખરીદેલી પ્રાણવાયુની ટાકીનો સહારો હોવાં છતાં, પ્રાણ શક્તિનું શ્ર્વાસ રૂપી ધન પૂરું થઈ જાય, પછી તન-મનની જીવંત સ્વરૂપની ક્રિયાઓ થઈ શકતી નથી અને શરીર મૃત્યુની ક્રિયા રૂપે જડ થઈ જાય છે. શરીરની ચેતનવંત સ્થિતિ એટલે જ પ્રભુની પ્રાણ શક્તિની સાક્ષાત્ હાજરી. તે પ્રાણશક્તિ છે સાત્ત્વિક ગુણોની ઊર્જાની ચેતના. આમ એટલું તો આપણને સમજાય છે કે જીવવા માટે માત્ર હવા, પાણી, કે અન્નની જ જરૂર નથી, પણ પ્રભુની ચેતનાનું ગુણિયલ ઊર્જાનું પોષણ ધારણ કરવું એટલું જ જરૂરી છે. તે પોષણ સૌને શ્ર્વાસ રૂપે પ્રાપ્ત તો થાય છે, પણ માનવી તેને વર્તન રૂપે ધારણ કરી શકતો નથી. કારણ મનની અજ્ઞાની વૃત્તિઓનો અહંકાર, આવરણની જેમ અવરોધક બને છે.

       અજ્ઞાનના આવરણને વિલીન કરાવતું જ્ઞાન-ભક્તિનું આચરણ ધારણ થાય, તો ગુણિયલ પોષણ કર્મ-ફળની પ્રક્રિયા રૂપે મનોમન પ્રદર્શિત થતું જાય. પ્રભુની દિવ્ય ચેતનાની સાત્ત્વિક ગુણિયલતાને ધારણ કરાવતું જ્ઞાતા વૃત્તિનું ભક્તિનું આચરણ મુશ્કેલ નથી, પણ માનવીને ભક્તિભાવથી જીવવાનું ફાવતું નથી. કારણ સંસારી રાગ-દ્વેષાત્મક વર્તનથી મન ટેવાયેલું છે. સ્વાર્થી વિચારોથી પોતાના અંગત કાર્યો કરવામાં માનવી એટલો વ્યસ્ત રહે છે, કે સેવાભાવથી એકબીજાના દુ:ખ-દર્દનો ભાર હળવો કરવાનું, કે પ્રેમભાવથી સંપીને રહેવાનું એને સૂઝતું નથી. એટલે દેહધારી જીવનનાં આશયને જાણવાની જિજ્ઞાસા, અથવા પોતાના સ્વ સ્વરૂપની વાસ્તવિકતાને જાણવાની જિજ્ઞાસા માનવીમાં સહજ જાગૃત થતી નથી. જેમ એક પાત્રમાં કાંકરો હોય, પાત્રને જે રીતે હલાવો તે રીતે કાંકરો ફરતો રહે છે, તેમ પ્રતિકૂળ-અનુકૂળ સંજોગોમાં બંધાયેલું મન કાંકરાની જેમ ફરતું રહે છે. પોતાની જીવંત હસ્તીની મહત્તાથી અપરિચિત રહેતું મન, સંજોગોમાં બંધાઈને સુખ-દુ:ખના અનુભવમાં ફરતું રહેવાથી જિજ્ઞાસુ ભાવની ઉત્સુકતા પ્રગટતી નથી અને જાગૃતિની ઊર્ધ્વગતિ તરફ પ્રયાણ કરી શકતું નથી.

       સામાન્ય રૂપે સુખ સગવડની વ્યવસ્થા કરવામાં મન મગ્ન રહે છે. તેથી સદ્વિચારોના ચિંતનની, એટલે કે ભક્તિના આચરણની મહત્તાનો સ્વીકાર સહજ થતો નથી. સંસારી જીવનના વ્યવહારમાં મગ્ન રહેતું મન પણ સ્વયંને જાણવાની, સ્વયંના ગુણિયલ પ્રભાવને અનુભવવાની ભક્તિમાં લીન થઈ શકે છે. એકવાર જો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર થાય, કે પ્રભુની પ્રાણ શક્તિની ચેતનાથી સૌ જીવંત સ્થિતિનું જીવન જીવી શકે છે અને એ પ્રાણ શક્તિનો સ્વીકાર કરાવતી ભક્તિમાં સ્થિત થવાનું બળ પણ એ જ પ્રાણ શક્તિ અર્પણ કરે છે. આવો સ્વીકારભાવ પ્રભુ કૃપાના આશિષ રૂપે જાગે. સ્વીકારભાવની નિષ્ઠા સત્સંગ, અભ્યાસથી વધતી જાય, ત્યારે સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ અગ્નિની જેમ પ્રબળ થતો જાય. સ્વયંને જાણવાની ઉત્સુકતા કે ઉત્કંઠા વગર જ્ઞાન-ભક્તિમાં મન સ્થિત થઈ શકતું નથી.

       અતિશય ગરમી હોય અને શારીરિક મહેનતનું કાર્ય કર્યું હોય, ત્યારે પાણી પીવાની તરસ જાગે છે. તે ક્ષણે જો પાણી ન મળે તો મન બેબાકળું થાય અને તરસ એટલી પ્રબળ થાય, કે પાણી ક્યાંથી મળી શકે એનાં જ વિચારો મનમાં ઘુંટાયા કરે. તે સમયે પાણીની શોધ રૂપે પાણી જ્યાં મળી શકે, ત્યાં પહોંચવા માટેનો પુરુષાર્થ કોઈના કહેવાથી નહિ થાય, પણ ખુદને પાણીની તરસ લાગી હોવાંથી મન કોઈ પણ અવરોધનો, કે મુશ્કેલીનો વિચાર કર્યા વગર જ્યાં પાણી મળી શકે ત્યાં પહોંચવા માટે અધીરું થાય છે. પાણી જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી બીજા કોઈ વિચારોમાં કે કામકાજની પ્રવૃત્તિમાં મન સ્થિત નહિ થાય, પણ પાણી મેળવવા માટે તે નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરશે. એ જ રીતે સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ પ્રબળ થાય, ત્યારે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાની લગની આપોઆપ લાગે છે.

       આ જગતમાં અનેક પ્રકારના ઈન્દ્રિયગમ્ય પદાર્થો છે, વિવિધ પ્રકારની દૃશ્યમાન કૃતિઓ છે. તે સર્વે પદાર્થો કે જીવંત હસ્તીની કૃતિઓ, પ્રભુની પ્રાણ શક્તિની આત્મીય ચેતનાથી જ સર્જાય છે, એટલે કે સર્જનહારી આત્મીય ચેતનાની ઊર્જાથી તે સર્વે જીવે છે. તેથી જગતની સર્વે કૃતિઓ પ્રભુની ચેતનાનો જ ઉપભોગ કરે છે. માનવી મન તે ચેતનવંત ઊર્જાના સહારે જ વિચારી શકે છે, અનુભવી શકે છે, કે શારીરિક કાર્યો કરી શકે છે. આ સત્યને જાણીને સ્વીકારવું, તે છે મનનું જિજ્ઞાસુભાવની ભક્તિનું આચરણ. એટલે દરેક પદાર્થોમાં, કૃતિઓમાં, કે વ્યક્તિઓમાં સમાયેલી આત્મીય ચેતનાના ગુણિયલ પ્રભાવની પ્રતીતિ કરવાનો પુરુષાર્થ કરવો, તેને કહેવાય ભક્તિનું સદાચરણ. જીવન જિવાડનારની ગુણિયલતા ધારણ થાય, એવું ભક્તિભાવનું જીવન જિવાય તથા નવરાત્રિના પાવન પર્વમાં નવધા ભક્તિનો ભાવ જાગૃત થાય એવી પ્રાર્થના સદા કરતાં રહીએ.

 

       મનની અંદરના માહ્યરામાં રોજ રોજ ડોકિયાં કરો

અને પૂછજો કે આ તું કોણ છે?

       અંગોની વિવિધ પ્રક્રિયા સતત થાય છે,

ઊંઘતા કે જાગતાં કોણ કરે છે આ નોકરી?

       માનવી રૂપે જન્મ લીધો પણ શ્ર્વાસ અંદર

અને બહાર કાઢતાં કોણ આવી શીખવાડે છે?

       આંખોમાં તેજ પૂરી અંધારામાં દેખાડે,

કોણ છે આ અંધકાર અને પ્રકાશનો અધિપતિ?

       જીભના સ્વાદ રોજ બદલાય,

છતાં જૂનાની યાદ ત્વરિત આપે, કોણ છે આ સ્વાદ ધરનાર?

       આવાં વિચારોમાં મન જો ભાવથી ફરતું રહે,

તો પ્રભુની ચેતના મનની વિશાળતાને સ્વયંભૂ આપશે ઓળખાણ.

      

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા