Article Details

ક્યારે પધારશો, હરિ તમે ક્યારે પધારશો?!

ભક્ત એટલે જે માત્ર માહિતી રૂપે જાણતો નથી પણ હૃદયભાવની જ્ઞાતા વૃત્તિથી પ્રતીતિ કરે, કે આ જગતમાં થતી સર્વે પ્રકારની ક્રિયાઓ પ્રભુની આત્મીય શક્તિના આધારે થાય છે. ભક્તનો જ્ઞાતાભાવ પ્રભુની આત્મીય ઊર્જા શક્તિની પ્રતીતિ થયાં કરે, એવાં જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત રહેવાનો પુરુષાર્થ કરે છે. એવાં પુરુષાર્થ રૂપે સ્વ સ્વરૂપથી અજ્ઞાત રહેતી મનની અજ્ઞાનતા વિલીન થતી જાય અને મનોમન પ્રભુની આત્મીય શક્તિની સૂક્ષ્મતા ગ્રહણ થતી જાય. માનવી જો પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ કરાવતો પુરુષાર્થ કરે, તો દુન્યવી સીમિત વિચારોની ગતિ બદલાતી જાય. મોટેભાગે મન લૌકિક જગતના વિચારોમાં ફરતું રહે છે, એટલે સૂક્ષ્મ જગતની વાસ્તવિકતાને સમજી શકતું નથી. પરંતુ સત્ય હકીકત એ છે કે જગતમાં જે પણ સ્થૂળ આકારોની કૃતિઓ છે તેને સ્થૂળ દૃશ્ય રૂપે જોઈ શકાય છે, કારણ અગણિત સૂક્ષ્મ ક્રિયાઓના લીધે આકારનો આભાસ સર્જાય છે. શરીરમાં આંખોથી જોઈ ન શકાય એવાં સો લાખ કરોડ જેટલાં જીવકોશ છે. તેની સતત થતી સૂક્ષ્મ ક્રિયાઓના લીધે આકારનું રૂપ સર્જાય છે.

       આ સ્થૂળ-સૂક્ષ્મના સંબંધનો સ્વીકાર વૈજ્ઞાનિક જ્ઞાનના સહારે થાય, પછી મનને સાબિતીના પુરાવા મેળવવાની જરૂર નહિ પડે. કારણ માનવીનું મન આંખોથી જેને જોઈ શકાય તેને જ સત્ય માનીને સ્વીકારે છે. તેથી જે વૈજ્ઞાનિક જ્ઞાનથી સાબિત થયેલું હોય, તેનો અસ્વીકાર કરી શકાય એમ નથી. સંશોધન કરનારા વૈજ્ઞાનિકોનો ખરેખર વંદનભાવથી આભાર માનવો જોઈએ. કારણ તેઓએ કરેલા સંશોધન રૂપી ધનની પ્રાપ્તિથી, સૂક્ષ્મ સૃષ્ટિની હકીકતનો સ્વીકાર થતાં, મન સૂક્ષ્મતાના વિચારોમાં વિશાળ થઈ શકે છે. મન જેમ જેમ સૂક્ષ્મતાના વિચારોમાં વીંટળાતું જાય, તેમ તેમ સ્થૂળ આકારને સર્જાવનાર સૂક્ષ્મ ઊર્જા શક્તિની સાક્ષાત્ હાજરીના અણસારા મળતાં જાય. સૂક્ષ્મ આત્મીય ઊર્જા શક્તિના અણસારાથી મનને પોતાના સંકુચિત રાગ-દ્વેષાત્મક વર્તનનો અફસોસ થાય કે,

       "જેના આધારે હું વિચારી શકું છું, કાર્ય કરી શકું છું, તેની સાક્ષાત્ હાજરીની અવગણના કરીને, મારું-તારુંના ભેદભાવના વ્યવહારમાં પ્રભુની આત્મીય શક્તિના દાનનો અનાદર કરતો રહ્યો! પ્રભુ તો કોઈ પણ જાતિના ભેદભાવ વગર નિરપેક્ષભાવથી પોતાની ઊર્જા શક્તિનું દાન સર્વેને સતત અર્પણ કરતાં રહે છે. તેની સાક્ષાત્ પ્રતીતિ એટલે જ હરક્ષણના શ્ર્વાસની પૂર્તિ. છતાં શ્ર્વાસની પ્રત્યક્ષ હાજરીનો સ્વીકાર સન્માનભાવથી ન કર્યો અને સંસારી કાર્યોમાં વ્યસ્ત રહ્યો! પ્રભુ તો શ્ર્વાસનું અમૃત ધન અર્પણ કરવા ક્ષણે ક્ષણે પધારે છે, પણ મેં કદી ભાવની પ્રસન્નતાથી આવકાર આપ્યો નહિ અને અમુક તિથિ કે તહેવારના દિવસોમાં મંદિરની મૂર્તિમાં પ્રભુને શોધતો રહ્યો! હવે ભક્તિભાવની જાગૃતિથી અનુભવાયું કે, પ્રભુ તો પધારે છે મારા શરીર રૂપી ઘરમાં, પણ મારા મનમાં આવકારનો, સન્માનનો, લાગણીનો અહોભાવ જાગૃત થતો નથી. આમ છતાં શ્ર્વાસની અપાન ક્રિયા થાય તેની સાથમાં જ પ્રભુ તો પુન: પધારીને શ્ર્વાસનું પાન કરાવે છે. આ પાન-અપાનની ક્રિયા માટે કોઈ પણ દેહધારી જીવને પ્રયત્નપૂર્વકનો ઉદ્યમ કરવો પડતો નથી. છતાં મનુષ્યનું મન પ્રભુનાં સાક્ષાત્ સંગને માણવા માટે કેમ ઉત્સુક થતું નથી એનું મને આશ્ર્ચર્ય થાય છે!”

       અજ્ઞાનવશ થયેલી ભૂલોથી જ્ઞાત થવાય ત્યારે અફસોસ સાથે આશ્ર્ચર્ય પણ થાય. અફસોસ સાથે પશ્ર્ચાત્તાપ કરતું ભક્તનું મન પછી સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં વીંટળાતું જાય. મનનું માનસ અધ્યયન-ચિંતનથી વિશાળ થતું જાય અને સાત્ત્વિક આચરણના ઉચિત રાહ પર ગમન થતું જાય. જેમ જેમ અંતરગમન થતું જાય, તેમ તેમ ભક્તિભાવની હેલીમાં ભક્તનું મન ઓતપ્રોત થતું જાય. સતત વરસાદની ઝડી વરસે તેને હેલી કહેવાય. ભક્તિભાવની હેલી વરસે, ત્યારે વિચારો નહિવત્ હોય. સંસારી સીમિત વિચારોનો અવરોધ અટકી જાય, જ્યારે નિ:સ્વાર્થ પ્રેમભાવની હેલી વરસે. ભાવની નિર્મળતામાં તલ્લીન થતાં ભક્તનું અસ્તિત્વ પછી ભાવ સ્વરૂપ બની જાય. ભાવની એવી પ્રકાશિત સ્થિતિ દ્વારા પ્રભુની સ્તુતિ સ્વયંભૂ પ્રગટે, ત્યારે ભક્ત પ્રભુને ભાવથી વિનવે કે,

 

       ક્યારે પધારશો, હરિ તમે ક્યારે પધારશો,

મારા હૃદયમાં એક હેલો જાગ્યો, ક્યારે પધારશો;

       કદી મોડું ન કરતાં આજ હવે તારા નામનો હેલો જાગ્યો,

              તારા નામમાં એક જાદુ વસ્યો છે નામ લેતો રહીશ;

       તારા નામની જ્યારે ધૂન કરું ત્યારે ખુદ હું બની રહીશ,

              પછી હંસલો મારો અંશ તારો એવો હું બની જઈશ;

       હસ્તી ભૂલી જઈશ તારો હાથ હું બની જઈશ.

 

       ભાવની સાત્ત્વિકતાને જાગૃત કરાવતું પ્રથમ પગથિયું છે પ્રભુ નામમાં મનને ઓતપ્રોત કરવું. આરંભમાં પ્રભુનામના મંત્રોનો જપ થાય, પ્રભુની સ્તુતિ થાય, ધૂન થાય. પછી સ્મરણ ભક્તિ રૂપે સાત્ત્વિક ગુણોની જાગૃતિ ધારણ થાય, તે છે હૃદયભાવની જાગૃતિ. જ્યાં વિચારોની ગતિ ઓછી હોય અને ભાવની પ્રસન્નતા રૂપે ધ્યાનની એકાગ્રતા વધતી જાય. ભાવનું સંવેદન મનોમન ધારણ થાય એમાં સૂક્ષ્મ સૃષ્ટિની ગુહ્યતા પરખાતી જાય. આમ પ્રભુ નામ લેવું એટલે પ્રભુના અનંત ગુણોની સાત્ત્વિકતામાં ભાવની પ્રસન્નતાથી ઓતપ્રોત થવું. ભાવનું સંવેદન ધારણ થાય ત્યારે રાગદ્વેષાત્મક વિચારોની આવનજાવન ન હોય. જેમ એક માતા પોતાના બાળકને વહાલથી સ્તનપાન કરાવે, ત્યારે વિચારોથી ન કરાવે. એ તો પ્રેમભાવની ધારા માતાના વહાલભર્યા સ્પર્શથી, આંખોમાંથી સહજ આપોઆપ વરસતી હોય અને માતાના સ્તનમાંથી દૂધની ધારા છલકાતી હોય. તે ક્ષણે વાણીનો નહિવત્ ઉચ્ચાર હોય. એ જ રીતે પ્રભુની સાક્ષાત્ હાજરીના નિ:સ્વાર્થ પ્રેમભાવના સંવેદનને ભક્ત અનુભવે છે. એવાં અનુભવથી પ્રભુના સૂક્ષ્માતીત ચૈતન્ય સાથે એકરૂપ થવાની તત્પરતા જાગે. પાણીમાં જેમ પાણી એકરૂપ થઈ શકે, તેમ પ્રભુમાં એકરૂપ થવા માટે કરુણાભાવ, પ્રેમભાવ, નિરપેક્ષભાવ વગેરે ભાવની સાત્ત્વિકતા જ્યાં સુધી જાગૃત થતી નથી, ત્યાં સુધી સાત્ત્વિક વિચારોની માત્ર માહિતી છે. જીવાત્મા(હંસલો) પ્રભુનો અંશ છે, પણ અંશમાં પ્રભુનો ગુણિયલ પ્રભાવ અજ્ઞાની આવરણના લીધે જાગૃત થતો નથી. જ્ઞાન-ભક્તિ સ્વરૂપે પ્રભુ નામમાં ઓતપ્રોત થતાં આવરણ ઓગળતું જાય, ત્યારે પ્રભુ સાથેની ઐક્યતા સ્વાનુભૂતિ રૂપે અનુભવાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા