Article Details

...છતાંય એમાં છુપાવવાનું કંઈ નથી

છૂપાયેલું જે છે, તે છે છૂપું છતાંયે એમાં છુપાવવાનું કંઈ નથી;

       જે છૂપાયેલું છે તમમાં, તે છાપરે ચઢીને કહે છે કે છપાયું છે એ તમારી સાથ;

       જે સૂક્ષ્મ દેહ રૂપે મનમાં છપાયું છે, તે મન ધારણ કરે છે તન

અને દેહધારી જીવન જીવે છે;

       છપાયેલા કર્મસંસ્કારોથી જો છૂટવું હોય,

તો સાત્ત્વિકભાવની જાગૃતિમાં મનને સ્થિત રાખો.

 

       માનવીનું મન એટલે મનગમતાં ભોગ્ય પદાર્થોને ભોગવવાની ઈચ્છાઓનું આસન. તે ઈચ્છાઓને તૃપ્ત કરવાનો મનથી પુરુષાર્થ થાય, તે છે માનવીનું લૌકિક સંસારી જીવન. એવાં જીવનમાં મન પદાર્થોના ભોગમાં અથવા વ્યક્તિગત સંબંધોના વ્યવહારમાં બંધાયેલું રહે છે. અર્થાત્ કોઈ પણ મનુષ્યની ઓળખ એટલે અતૃપ્ત ઈચ્છાઓના કર્મસંસ્કારો. આમ કોઈ પણ ઝૂંપડીમાં, મકાનોમાં, કે વૈભવશાળી ઈમારતોમાં રહે છે વિવિધ પ્રકારની ઈચ્છાઓનાં કર્મસંસ્કારો. આ કર્મસંસ્કારોના તરંગો છે, જેનું વિદ્યુતિ ચુંબકીય બળ હોય છે. તે અતૃપ્ત સંસ્કારો એકબીજાના સંસર્ગમાં તૃપ્તિ માટે વિચાર-વર્તનમાં ફેરવાય, તે છે કર્મ-ફળની ક્રિયાઓનું દેહધારી મનુષ્ય જીવન. એટલે દરેક માનવીના સ્વભાવ પાછળ એની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની કારણભૂત સ્થિતિ હોય છે. તે ઈચ્છાઓની કારણભૂત સ્થિતિ જ કાર્ય રૂપે જીવે છે અને એવાં જીવન રૂપે પદાર્થોને, કે વ્યક્તિગત સંબંધોને માનવી ભોગવે છે.

       કારણ-કાર્યની ક્રિયામાં બંધાયેલા જીવનમાં, એટલે કે અતૃપ્ત કર્મસંસ્કારોની ઈચ્છાઓને તૃપ્ત કરવાના પ્રયત્નમાં ક્યારેક બંધનનો ભાર લાગે છે. કારણ એક ઈચ્છાની પૂર્તિ થાય એમાં બીજી અનેક નવી ઈચ્છાઓ ઊભી થતી રહે છે. એટલે કર્મ-ફળની ક્રિયામાં મન બંધાયેલું રહે છે. પરંતુ બંધનનો ભાર અતૃપ્ત ઈચ્છાઓના લીધે છે એવું સામાન્યજનને જણાતું નથી. એવાં બંધાયેલા મનને પ્રભુ કૃપા સ્વરૂપે જ્યારે મુક્ત થવાની ઈચ્છા જાગે, ત્યારે તે સત્સંગની પ્રવૃત્તિનો, એટલે કે શ્રવણ, કીર્તન, પૂજન, પઠન, વાંચન, નામસ્મરણ વગેરે પ્રવૃત્તિનો સહારો લે છે. એવી પ્રવૃત્તિઓથી ક્યારેક સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગી શકે છે. સ્વયંને જાણવાની જિજ્ઞાસા પુણ્યશાળી સંસ્કારોનાં ઉદયથી થાય, ત્યારે મન પોતાના સ્થૂળ આકારના શરીરની ઉપયોગી મહત્તાથી જાણકાર થાય. સૂક્ષ્મ દેહમાં એટલે કે મનમાં જે કર્મસંસ્કારોની છાપ છે, એ કારણભૂત સ્થિતિનો સ્વીકાર થાય, ત્યારે જીવંત સ્થિતિનું દાન અર્પણ કરનાર પ્રભુની આત્મીય ચેતનાથી મન જાણકાર થતું જાય.

       મન જેમ જેમ જાણકાર થતું જાય તેમ તેમ વાસ્તવિકતાથી પરિચિત થતું જાય, કે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓ સૂક્ષ્મ દેહમાં કર્મસંસ્કારો રૂપે છપાયેલી છે. તેની ભીતરમાં જ પ્રભુની આત્મીય ચેતના છુપાયેલી છે. તે છૂપાયેલું પ્રભુનું ગુણિયલ સત્ત્વ પ્રગટાવવા માટે જ માનવ દેહ ધારણ કર્યો છે. દેહની જીવંત સ્થિતિની અદ્ભુત રચનાનું તાત્પર્ય જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપે જણાય, ત્યારે જિજ્ઞાસુ ભક્તનું મન લૌકિક સંસારી સંબંધોમાં મારું-તારુંના ભેદભાવને છોડીને, એકબીજા સાથે પ્રેમભાવથી જીવવાનો પ્રયત્ન કરે છે. એવાં પ્રયત્નમાં પ્રતીતિ થાય કે પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જાનું પ્રસરણ કણકણમાં પ્રસરતું રહે છે. એ ઊર્જા શક્તિના પ્રસરણને લીધે મન વિચારી કે સમજી શકે છે, શરીરના અંગોની સતત ક્રિયા થઈ શકે છે, તથા પ્રકૃતિ જગતમાં સર્જન-વિસર્જનની વિકાસશીલ ક્રિયાઓ થઈ શકે છે. આમ કર્મસંસ્કારોના બંધનથી છૂટવાનો ઉપાય એટલે મનની ભીતરમાં સમાયેલી પ્રભુની આત્મીય ચેતનાનો ઉજાગર થાય, એવાં જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવું.

       ભક્તિ એટલે પ્રભુની ભગવત્ ભાવની શક્તિ. પ્રભુની ભાવ શક્તિ એટલે અનંત તત્ત્વગુણોનું ઐશ્ર્વર્ય. જે મહાભૂતોના અણુ સ્વરૂપે પ્રકાશિત થાય છે. અર્થાત્ મહાભૂતોના અણુઓની ભીતરમાં પ્રભુનું ઐશ્ર્વરીય ગુણોનું સત્ત્વ સમાયેલું છે. જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે જ્યારે ગુણિયલ સત્ત્વ પ્રકાશિત કરાવતું જીવન જિવાય, ત્યારે કર્મસંસ્કારોની છાપ ઓગળતી જાય. એટલે ભક્તિ સ્વરૂપે નિ:સ્વાર્થ પ્રેમભાવની જાગૃતિ ધારણ થવી જોઈએ. ભાવની નિ:સ્વાર્થતા જ સ્વ જ્ઞાનની સરિતામાં તરી શકે છે. સ્વ જ્ઞાનમાં તરતી ભાવની નિ:સ્વાર્થતા જ્યારે પ્રભુની સ્તુતિ કરે ત્યારે અક્ષર શબ્દોની અણમોલ વાણી પ્રગટે. તે સ્તુતિના-ભજનોનાં શબ્દોનું ગુંજન જે કોઈ માનવી કરે, તે માનવીમાં ભક્તિભાવમાં સ્થિત થવાની જિજ્ઞાસા ક્યારેક જાગી શકે છે.

       ભક્તિભાવની જાગૃતિ એટલે સ્વને જણાવતી અથવા સ્વ અનુભૂતિમાં સ્થિત થતી જ્ઞાતા મતિની જાગૃતિ. મનનો જ્ઞાતા મતિનો પ્રભાવ જાગૃત થાય ત્યારે અનુભવાય કે, "સ્વ એ જ મારું અસ્તિત્વ છે. સ્વ સ્વરૂપે હું પ્રભુની દિવ્ય ચેતનાનો જ અંશ છું. હું જો પ્રભુનો અંશ છું, તો પ્રભુનું આત્મીય ઊર્જા ધનનું પ્રસરણ જેમ નિ:સ્વાર્થભાવથી પ્રસરે છે, તેમ મારા જીવન રૂપે, મારાથી થતાં તન-મનના સર્વે કાર્યોના પરિણામ રૂપે ભાવની નિર્મળતા પ્રગટવી જોઈએ. મારા વિચારોમાં ભાવની જાગૃતિ રૂપે માનવતાનું, સભ્યતાનું, સહકારનું, સમાધાનનું, સુસંસ્કારી વર્તન પ્રગટે, તો પ્રભુ સાથેની ઐક્યતાને માણી શકાય. ઐક્યતાના આનંદને માણવા માટે, ઐક્યતાની દિવ્ય પ્રીતને ભોગવવા માટે તો મનુષ્ય જન્મની ભેટ મળી છે.” આમ ભક્તનું મન ભક્તિભાવથી જીવવાના સંકલ્પમાં, અહંકારી સ્વભાવનો અવરોધ ન આવે એવી પ્રાર્થના સદા કરતું રહે છે. અહંકારી વૃત્તિઓનું સમર્પણ થાય એવાં સાત્ત્વિક આચરણનો રાહ દર્શાવે છે પ્રકૃતિ જગત. વાતાવરણની પ્રકૃતિ હોય, કે વનસ્પતિની પ્રકૃતિ હોય, તે પ્રકૃતિનો સ્વભાવ એટલે જ અર્પણભાવની પ્રક્રિયા. પ્રકૃતિ જગતની કોઈ પણ કૃતિમાં રાગ-દ્વેષના ભેદભાવ નથી. તેથી પ્રકૃતિની ક્રિયા સ્વરૂપે પ્રભુનું ગુણિયલ સત્ત્વ પ્રગટે છે અને તે પોષણ રૂપે આપણને અર્પણ થાય છે. પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાનો ભાવ, એ જ છે ભક્તિભાવનું સદાચરણ. એવાં અર્પણ ભાવનું દાન અહોભાવથી સ્વીકારીએ અને પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે ભક્તિના સાત્ત્વિક આચરણમાં મન સ્થિત થતું જાય.

      

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા