Article Details

...ત્યારે અજ્ઞાની માનસ ઓગળતું જાય

દૂર દૂર સુધીની દૃષ્ટિ કરીએ ત્યારે આપણને એવું દેખાય, કે ધરતી અને આકાશ જોડાઈને મળી ગયાં છે. જેને આપણે ક્ષિતિજ તરીકે ઓળખીએ છીએ. ક્ષિતિજની રેખા કલ્પિત છે એટલે એને સ્પર્શી ન શકાય કે આંબી પણ ન શકાય. કારણ વાસ્તવમાં આકાશ અને ધરતીનું(પૃથ્વી ગ્રહનું) મિલન થતું જ નથી. આકાશ તો સર્વત્ર છે અને આકાશમાં જ પૃથ્વી અખંડ ગતિથી ફરતી રહે છે. તેથી આકાશ છે તો પૃથ્વીની ગતિ છે. આકાશ તત્ત્વની ઊર્જામાંથી વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચન્દ્ર, તારા વગેરે દૃશ્યમાન કૃતિઓ સર્જાય છે. એટલે આકાશના આધારે પૃથ્વીની ગતિ હોવાંથી બન્નેનું જોડાણ થતું નથી પણ થયેલું જ છે. ક્ષિતિજની રેખા દેખાય છે એ માત્ર સીમિત દૃષ્ટિની કલ્પના છે. દૂર દેખાતી ક્ષિતિજની રેખા પાસે પહોંચીએ તો ક્ષિતિજનો ભ્રમ દૂર થાય છે.

       આ વસ્તુસ્થિતિનું તાત્પર્ય જો સમજાય, તો આત્મા અને મનની ઐક્યતાનો સંદર્ભ ગ્રહણ થાય. પોતાના આત્મ સ્વરૂપથી અજાણ રહેતું મન એવું માને છે કે પોતે આત્માથી ભિન્ન છે, આત્મા બહુ દૂર છે, આત્મા દેખાતો નથી. આવી અજ્ઞાની વૃત્તિની ભ્રમણાના લીધે તે આત્મા સાથે જોડાણ(યોગ) કરવાનો, મિલન કરવાનો પુરુષાર્થ કરે છે. એવાં પુરુષાર્થ રૂપે શ્રવણ, સત્સંગ, અભ્યાસ, વાંચનની પ્રવૃત્તિ મન કરતું રહે છે. અજ્ઞાની મનને આરંભમાં આવી પ્રવૃત્તિઓ કરવી જ પડે. એવી પ્રવૃત્તિઓથી મનનું શુદ્ધિકરણ થયાં પછી સત્યનું દર્શન થાય કે, ‘હું જ આત્માનું અભિન્ન સ્વરૂપ છું’. જેમ ક્ષિતિજ રેખા પાસે પહોંચતા જણાય કે આકાશ અને પૃથ્વી એવી બે સ્થિતિ જુદી નથી, પણ આકાશમાં જ પૃથ્વી છે; તેમ મન રૂપી પૃથ્વી આત્મીય ચેતના રૂપી આકાશના આધારે ફરે છે. મનનું આત્માના આધારે ફરવું એટલે વિચારોની ક્રિયા થવી, બુદ્ધિપૂર્વક સમજવાની ક્રિયા થવી, લાગણીઓ અનુભવવાની ક્રિયા-પ્રતિક્રિયા થવી, વગેરે વિચારોનું વર્તન આત્મીય ચેતનાના આધારે થયાં કરે છે.

       આમ ભ્રમણાથી મુક્ત થવા માટે મૂળભૂત મૌલિક સ્થિતિથી જાણકાર થવું પડે. મન જો ઊંડાણમાં જઈને સત્યનું દર્શન કરે, તો પોતાની મૂળભૂત સ્થિતિથી, પોતાની માવીતર સ્થિતિથી, એટલે કે પોતાના સ્વ સ્વરૂપથી પરિચિત થાય. મૂળમાં જવું અથવા ઊંડાણમાં જવું એટલે બુદ્ધિપૂર્વક સમજવું. એવી સમજ રૂપે મનનું માનસ વિશાળ થાય અને ગુણિયલ પ્રતિભાનું વર્તન પ્રગટતું જાય. પોતાના કાર્ય ક્ષેત્રની જે પણ ક્રિયા હોય, તેને ઊંડાણપૂર્વક સમજીને માનવી જ્યારે કરે છે, ત્યારે ઘાંચીના બળદની જેમ યાંત્રિક વર્તનથી તે કાર્ય નહિ કરે, પરંતુ રચનાત્મક વિચારોથી બુદ્ધિપૂર્વક કાર્ય કરશે, જેથી મનને સંતોષ મળી શકે. દરેક માનવી કાર્ય કરવાની મહેનત કરે છે. તે કાર્યોના પરિણામથી ઘણીવાર મન સંતુષ્ટ થતું નથી. કારણ જીવન જીવવાનો મૂળભૂત હેતુ શું છે અને માનવ દેહની ઉપયોગી મહત્તા શું છે, તે જાણ્યા વગર માનવી કાર્ય કરે છે. એટલે મોટેભાગે એકના એક કાર્ય કરવાનો કંટાળો આવે છે અને કાર્ય યાંત્રિક મશીનની જેમ થાય છે. એક દૃષ્ટાંતથી મનની યાંત્રિકતાથી ઉદ્ભવતી અંસતોષી સ્થિતિનો સંદર્ભ સમજીએ અને મનની ગુણિયલ મહત્તાનો સ્વીકાર કરીએ.

       શહેરમાં વસવાટ કરતો એક વેપારી પોતાની કરિયાણાની દુકાનમાં દરરોજ સવારે આઠ વાગે આવી જાય. બપોરે જમવા માટે ઘેર જાય અને પાછો દુકાને આવી વેપાર કરે અને રાતે આઠ વાગે ઘરે જાય. વેપારીનું મન આવાં રોજિંદા કાર્યથી એટલું ટેવાઈ ગયું હતું, કે વિવિધ પ્રકારના સ્વભાવવાળાં ગ્રાહકો સાથે કેમ વર્તવું, એ તેને આવડી ગયું હતું. આમ વરસોથી વેપાર કરતાં, પ્રૌઢ ઉંમરે તેને એવું લાગ્યું કે,"માલ ખરીદીને વેંચવામાં રૂપિયાની કમાણી તો થઈ, પરિવારના સભ્યોની સંભાળ પણ લેવાઈ. પરંતુ મોટી દુકાન ન લઈ શક્યો અને વધુ રૂપિયાની કમાણી પણ ન કરી શક્યો!” વેપારીનાં આવાં અસંતુષ્ટ વિચારો પાછળ મનની અજાણ સ્થિતિ હતી. પોતે માત્ર એક વેપારી છે એટલી જ જાણ હતી. માનવી એટલે જેની પાસે મન છે, તેથી તે પશુ-પક્ષી કરતાં ઉચ્ચ કક્ષાનું જીવન જીવી શકે છે. એ જો સમજાય તો મનની સંસ્કારી ગુણિયલતા વર્તન રૂપે પ્રગટ થઈ શકે. જ્યાં ગુણિયલ પ્રતિભા પ્રગટતી નથી, ત્યાં અસંતોષ, ક્રોધ, અશાંતિ, અદેખાઈ, વેરઝેર વગેરે નકારાત્મક વર્તનમાં મન બંધાયેલું રહે છે.

       પ્રૌઢ ઉંમરે પછી પસ્તાવો થાય કે, "યથાર્થ રીતે સાત્ત્વિક જીવન જીવ્યો નહિ. આખી જિંદગી રૂપિયાની કમાણી કરવામાં પસાર કરી. પરિવાર માટે, બાળકોનાં ઉછેર માટે જિંદગીનો અણમોલ સમય પસાર થઈ ગયો, છતાં સંતોષ કેમ નથી? આ જીવનમાં મેં એવાં માલની ખરીદી કેમ ન કરી, કે જેને વેંચવાથી સાત્ત્વિકભાવનો ઉજાગર થાય એવી કમાણી થાય, જે મારી અંગત મિલકત બને અને તેને હું દેહ છોડું ત્યારે મારી સાથે લઈ જઈ શકું. મનગમતાં પદાર્થો કે વસ્તુઓની પ્રાપ્તિમાં અલ્પ સમયનો આનંદ મળ્યો અને તે પદાર્થોની ગેરહાજરીમાં તેને મેળવવા મન સતત દોડતું રહ્યું. એવી દોડમાં ભોગ્ય પદાર્થોમાંથી આનંદ મળે છે એવી અજ્ઞાની મનની ભ્રમણા હતી તે આજે હવે સમજાવું.” પસ્તાવો સાથે મનોમંથન થાય તો સમજાય કે માનવીને જીવનમાં અસંતોષી મનનો થાક લાગે છે. શરીરની થકાવટ તો વિટામીનની ગોળીઓથી કદાચ દૂર થઈ શકે, પણ મનનાં થાકને દૂર કરવા માટે મનનાં મૂળભૂત સ્વ સ્વરૂપને જાણવાનો પુરુષાર્થ કરવો પડે. એવાં પુરુષાર્થ રૂપે સ્વમય ચિંતનમાં મન જેમ જેમ સ્થિત થતું જાય તેમ તેમ સમજાય, કે મન અને પ્રભુની આત્મીય ચેતનાનું જોડાણ છે. ક્ષિતિજ જેવી ભિન્નતા કે ભ્રમણા નથી, બન્નેનું મિલન હોવાંથી જ જીવંત જીવન જીવી શકાય છે. આવી સમજ જ્ઞાન-ભક્તિની નિષ્ઠામાં દૃઢ થતી જાય.

 

       અણસમજની ભ્રમણાઓથી મુક્ત થાય મન,

ત્યારે પ્રગટે વિશાળ મનનો ગુણિયલ પ્રભાવ;

       સ્વયંને જાણવામાં મનનો હૃદયભાવ જાગૃત થાય,

ત્યારે જ્ઞાન-ભક્તિમાં તરબોળ થવાય;

       ભક્તિભાવની નિષ્ઠામાં અંતર યાત્રાની લગની જાગે,

ત્યારે અજ્ઞાની માનસ ઓગળતું જાય;

       પ્રતીતિ પછી થાય સ્વયંના ભવ્ય સ્વરૂપની

અને સંતોષનો મણિ મનમાં પ્રકાશિત થાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા