Article Details

‘હું’ના માલિકીભાવમાં મનની હાર છે...

સંસારી વ્યવહારની પ્રવૃત્તિઓ જેનાં આધારે થાય છે, તે પ્રભુની આત્મીય ચેતનાનું સ્મરણ મનમાં અંકિત થતું રહે, તે છે ભક્તિના સદાચરણનો શુભાશય. ભક્ત વાણીથી ભલે એવું જણાવે કે, હું ભક્તિ કરું છું, પણ ભક્તિ કરવાની ન હોય. ભક્તિભાવનું નિર્મળ આચરણ ધારણ થાય એવાં સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મનને સ્થિત કરવાનું હોય. એવા ચિંતન રૂપે વિચારોનું રૂપ બદલાતું રહે છે. જેમ ફોટો પાડતી વખતે કેમેરા સામે હસતું મોઢું રાખીએ છીએ; તેમ મન રૂપી કેમેરા સામે સાત્ત્વિક વિચારોના ચિંતન રૂપી હસતું મોઢું જો રાખીએ, તો સ્વયંની ઓળખાણ રૂપી ફોટાઓથી મનમાં સુષુપ્ત રહેલી સાત્ત્વિકભાવની જાગૃતિ આપમેળે થતી જાય. પછી વ્યવહારિક પ્રવૃત્તિઓ કરતી વખતે મન ભક્તિભાવથી છલકાતું રહે. સ્વયંની ઓળખ રૂપે પ્રભુ સાથેની ઐક્યતાની ભાળ જ્યારે મળે છે, ત્યારે મનની જાગૃતિ રૂપી ફોટાઓ બીજા માનવીને પણ ભક્તિ તરફ ઢળવાની પ્રેરણા પૂરે છે અને બીજાને પણ ભક્તિભાવની પ્રસન્નતાવાળા સ્વભાવનો સંગ કરવાનું ગમે છે.

       ભક્તનો સાત્ત્વિક વિચારોના ભાવથી ઊભરાતો નિર્મળ સ્વભાવ હોય છે. મોટેભાગે માનવીઓ ભક્તના સકારાત્મક કે રચનાત્મક વર્તનનાં ફોટાઓને માત્ર સ્વીકાર રૂપે જુએ છે. પરંતુ જો પોતાનાં વર્તન રૂપે એવાં ફોટા ક્યારે પ્રદર્શિત થાય, એવી જિજ્ઞાસા જો જાગે તો ભક્તિના માર્ગે મનનું પ્રયાણ થતું જાય અને સ્વભાવનું પરિવર્તન થતું જાય. મન પછી સતર્ક રહે છે કે રાગ-દ્વેષની અહંકારી વૃત્તિઓના ડોકિયાં કયા વર્તનમાં અને કયા વ્યવહારના કાર્યોમાં થાય છે. એવી સતર્કતાના લીધે જિજ્ઞાસુ ભક્તનું મન વિશ્ર્લેષણ યુક્ત ચિંતનથી ખુદને સમજાવે કે, "શા માટે દ્વેષયુક્ત ક્રોધથી વર્તન કર્યું! એવું કરવામાં પળે પળે અર્પણ થતી શ્ર્વાસની વિશુદ્ધ ચેતનાનો જે સાત્ત્વિક પ્રભાવ હતો તે ધારણ ન થયો. પ્રભુ તો હર ક્ષણે તે પ્રશુદ્ધ ચેતનાનું સત્ત્વ અર્પણ કરવાની સેવા કરે છે. પરંતુ હે મન! તું રાગ-દ્વેષ-ઈર્ષ્યાના વિચારોથી વીંટળાઈ જતાં પ્રભુનાં તે દિવ્ય સત્ત્વથી વંચિત રહે છે. હવે મને મારી ભૂલોનું જ્ઞાન થયું એટલે પસ્તાવો થાય છે. પરંતુ અહંકારી સ્વભાવની નબળાઈથી જ્યાં સુધી હું મુક્ત નહિ થાઉં, ત્યાં સુધી સાત્ત્વિકભાવનું ગુણિયલ સ્વાસ્થ્ય જે મારી ભીતરમાં જ છે તે વર્તન રૂપે પ્રગટશે નહિ...

       ...તે સાત્ત્વિક ગુણોની દિવ્યતાને પ્રગટાવવા માટે તો પ્રભુ રાત-દિવસ શ્ર્વાસને અર્પણ કરવાની સેવા કરે છે. કારણ જેમ પ્રગટેલો દીવો જ બીજા દીવાની વાટને પ્રગટાવી શકે છે; તેમ મારી ભીતરમાં (અંતરમાં) સમાયેલું પ્રભુનું સાત્ત્વિક ગુણોનું સત્ત્વ જે સુષુપ્ત રહ્યું છે, તે શ્ર્વાસ રૂપે અર્પણ થતી પ્રકાશિત ચેતનાથી પ્રગટી શકે છે. શ્ર્વાસની આત્મીય ચેતનાની જ્યોતના પ્રકાશને હું જોઈ શકતો નથી, પણ તે પ્રકાશિત જ્યોતને ફેફસા ઝૂકી ઝૂકીને વંદનભાવથી ઝીલે છે. ઝૂકી ઝૂકીને પ્રભુનું ધન ઝીલવાની ફેફસાની ક્રિયા તો હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી સતત થયાં કરે છે. શરણભાવથી થતી ફેફસાની ક્રિયાને જાણવાનો, એટલે કે અહોભાવથી તેની પ્રતીતિ કરવાનો મેં પ્રયત્ન કર્યો નહિ, એટલે જ હું શરણભાવમાં સ્થિત થયો નહિ એનો અફસોસ આજે થાય છે. ફેફસાની શરણભાવની-વંદનભાવની ક્રિયામાં સમર્પણભાવની નિરપેક્ષતા હોવાંથી, શ્ર્વાસ રૂપે અર્પણ થયેલું પ્રભુનું ધન તુરંત લોહીને અર્પણ થઈ જાય છે. લોહી તો ફેફસાના સાંનિધ્યમાં પ્રાપ્ત થયેલાં શ્ર્વાસના ધનને મેળવીને કૃતકૃત્ય થાય છે અને પ્રભુની આત્મીય ચેતનાના આલિંગનથી સ્વયં પ્રકાશિત જ્યોતનો પ્રવાહ બની આખા શરીરમાં ફરતું રહે છે. તે જ છે લોહીની સમર્પણભાવની આરતી. એવી આરતીની આશકાને શરીરના દરેક અવયવો સ્વીકારે છે, જેનાં લીધે દેહમાં જીવંત સ્વરૂપની ક્રિયાઓ સતત થતી રહે છે.” (મંદિરમાં પ્રભુની આરતી થયાં પછી પ્રકાશિત દીવાના સ્પંદનોની પ્રસાદીને હાથથી માથા પર સ્પર્શ કરવાની ક્રિયાને આશકા કહેવાય છે.)

       શરીરમાં થતી ક્રિયાઓ વિશે વૈજ્ઞાનિક જ્ઞાનથી જાણી શકાય છે. પરંતુ તે સાત્ત્વિકભાવની ક્રિયાઓ વિશે માત્ર જાણવાનું નથી, પણ જાણીને રાગ-દ્વેષાત્મક વર્તનને વિલીન કરાવતી સમર્પણભાવની જાગૃતિને ધારણ કરવાની છે.  આ વાસ્તવિકતા જ્યારે જણાય ત્યારે સમજાય, કે દરેકના શરીરમાં લોહી પ્રભુની આત્મીય જ્યોતને ધારણ કરીને અખંડ ગતિની આરતી કરે છે. તેથી જ હૃદયના ધબકારા રૂપી ઘંટ સતત વાગે છે. શરીર રૂપી મંદિરમાં અવયવો (અંગો) રૂપી મૂર્તિઓની આરતી લોહી કરે છે અને તે માનવીને નિર્દેશ કરે છે, કે શરણભાવમાં જો મન સ્થિત થાય તો પ્રભુનું ધન મનોમન પ્રકાશિત થાય. પ્રભુનું ધન પ્રકાશિત થાય, પછી તે પોતાની માલિકીનું છે એવી વૃત્તિ જાગશે નહિ. એ દિવ્ય ચેતનાનું ધન તો સર્વેને અર્પણ થતું રહે છે. પરંતુ આ સત્ય સામાન્ય રૂપે માનવીને ઝટ સમજાતું નથી. કારણ મારું-તારું-પરાયુંના વર્તનમાં મન બંધાયેલું રહે છે.

       માનવી એવું માને છે કે પોતે જે મહેનતથી મેળવે તે મારું છે અને મારું જ રહેવું જોઈએ. એવાં સંકુચિત માનસને સમજાતું નથી કે મનગમતી દુન્યવી વસ્તુઓ કે પદાર્થોની પ્રાપ્તિ માટે જે મહેનત કરે છે, તે મહેનત કરવાની ઊર્જા શક્તિને મેળવવા માટે કોઈ મહેનત કરવી પડતી નથી. એ તો વિના મૂલ્યે સૌને સતત અર્પણ થતી રહે છે, તો એ શક્તિના સહારે મળતી દુન્યવી વસ્તુઓ મારી માલિકીની છે એવી માન્યતા કઈ રીતે યોગ્ય કહેવાય?? એવી માન્યતા ખોટી છે એની સાબિતી એટલે શરીરના અંગોની સતત થતી ક્રિયાઓ. ફેફસા દ્વારા અર્પણ થયેલાં પ્રભુના ધનને લોહી સમર્પણભાવથી અર્પી દે છે, ત્યારે જ પેટની ક્રિયાથી પચેલા અન્નમાંથી પોષણનું સત્ત્વ છૂટું પાડવાની ક્રિયા આંતરડા દ્વારા થઈ શકે છે. આંતરડાં તે પોષણના ધનને પોતાની પાસે નથી રાખતું, પણ લોહીને અર્પી દે છે. જેથી આખા શરીરમાં પોષણની પૂર્તિ થઈ શકે. આવી સમર્પણભાવથી થતી આરતી આપણાં દેહમાં સતત થાય છે, તે જ છે દિવાળીનો ઉત્સવ. દિવાળી એટલે દિવ્ય ગુણોની જાગૃતિ તરફ મન વળે (ઢળે), ત્યારે અહંકારી સ્વાભવનો હું પદનો કકળાટ બંધ થાય. પ્રભુને પ્રાર્થના કરીએ કે નવા વરસમાં સમર્પણભાવની જાગૃતિ ધારણ થાય એવી કૃપા વરસાવતાં રહેજો.

      

       જે મનમાં હુંનો ઘોંઘાટ ન હોય, તેને મળે હરિની હૂંફ;

       ફાંફા એને ક્યાંય મારવા ન રહે, અને ફફડાટ એનો થાય બંધ;

       હું નથી ત્યાં છે હરિની પ્રીત અને હુંના માલિકીભાવમાં છે મનની હાર;

       હરિના થવું હોય તો હુંને ઓગાળતો, સમર્પણભાવનો પહેરો રત્નજડિત મુગટ.

      

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા