Article Details

પ્રભુ પ્રીતની ગંગામાં...

નિ:સ્વાર્થ પ્રેમભાવ, અર્પણભાવ, સેવાભાવ જે માનવીના વિચાર-વર્તન રૂપે છલકાતો રહે, તે છે ભક્તિભાવનું સાત્ત્વિક આચરણ અને એવાં ભાવિક મનને ભક્ત કહેવાય. ભક્તની ઓળખ શરીરના કદને કે રૂપ રંગને જોઈને થાય એટલી સીમિત નથી. ભક્તની ઓળખ એટલે જ પ્રેમભાવનું વર્તન. વાસ્તવમાં આ જગતમાં જે દેહધારી કૃતિઓ જીવે છે, તેઓ માટે જીવંત જીવનનો યથાર્થ શિષ્ટાચાર એટલે પ્રેમભાવનું પ્રસરણ કરતું સુમેળતાનું વર્તન. કારણ પ્રભુની દિવ્ય પ્રીતની ઊર્જા શક્તિથી દરેક જીવનું અસ્તિત્વ ઘડાયું છે. અર્થાત્ મહાભૂતોની ઊર્જા સ્વરૂપે પ્રભુની દિવ્ય પ્રીતની ચેતના પ્રકાશિત થતી રહે છે. તેથી દરેક દેહધારી કૃતિઓને પ્રેમની, લાગણીની, સ્નેહની ભૂખ હોય છે. તે ભૂખની તૃપ્તિ ત્યારે થાય જ્યારે બીજા સાથે પ્રેમભાવથી વ્યવહાર થાય, એટલે કે રાગ-દ્વેષના ભેદભાવની, મારું-તારુંની સરખામણીની દિવાલો જો ન હોય તો એકબીજા સાથે હળીમળીને પ્રેમભાવથી જીવન જિવાય. પરંતુ માનવીનું મન મોટેભાગે એવું વિચારે કે, ‘બધા મને પ્રેમ કરે, લાગણીથી મારી સાથે વર્તે, હું જેને પ્રેમની અભિવ્યક્તિ રૂપે કંઈક અર્પણ કરું તે વ્યક્તિએ પણ મને કંઈક અર્પણ કરવું જોઈએ.’ આવા આપ-લેના વ્યવહારમાં પ્રેમ કૃત્રિમ ફુલો જેવો હોય છે. કૃત્રિમ પ્લાસ્ટિકના ફુલોની શોભા જોવાનું ગમે પણ એમાં સુગંધનું વિકાસશીલ ક્રિયાનું સૌંદર્ય ન હોય.

       આપ-લેના પ્રેમમાં જ્યાં સુધી વ્યવહારિક રીત-રસમ જળવાય, ત્યાં સુધી માનવી એવું માને છે કે, મારું પ્રેમાળ વર્તન છે અને મને બધા પ્રેમ કરે છે. પરંતુ કૃત્રિમ ફુલો જેવાં પ્રેમાળ સંબંધોમાં, ખુલ્લા દિલની નિખાલસતા રૂપી સુગંધ ન હોવાંથી પ્રેમની ભૂખ તૃપ્ત થતી નથી. પ્રેમની તૃપ્તિ અનુભવાય નિષ્કામ ભાવનાં આચરણમાં, અથવા અભિમાન રહિત નિખાલસતામાં. મનમાં વિશુદ્ધભાવની નિષ્કામ વૃત્તિ જાગે, ત્યારે પ્રેમાળ વર્તનનું પ્રસરણ આપોઆપ થાય અને ઉમંગ અનુભવાય કે, ‘પ્રેમના પ્રસરણ માટે શું કરું અને શું ના કરું’. જેમ સરિતાના વહેણ વહેતાં રહે છે, કારણ વહેણની નિષ્કામભાવની ગતિ હોવાંથી તે સતત વહેતાં રહે છે. જળનાં વહેણને ક્યાંય અટકવું ન ગમે. એ તો સતત વહેતાં રહેવા માટે શું કરું અને શું ના કરું એવાં ઉત્સાહિત ભાવથી, કોઈ પણ અવરોધને ઓળંગી સતત વહેતાં રહે છે, તેમ જ્ઞાની ભક્તની ભક્તિ સ્વરૂપે નિષ્કામ પ્રેમના વહેણ વહેતાં રહે છે. શુદ્ધ પ્રેમના વહેણને ખટરાગ, અપમાન જેવાં રાગ-દ્વેષાત્મક વર્તનની અથડામણો અટકાવી શકતાં નથી. પ્રેમના શુદ્ધ નિર્મળ વહેણમાં દેહના ભોગની આસક્તિ ન હોય, એટલે જ દેહના કણ કણમાં સમાયેલી ચેતનાનો પ્રભાવ સ્નેહ રૂપે જ્ઞાની ભક્તમાંથી પ્રગટે છે. તેથી જ જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં શાંતિ, સંતોષ, ઉમંગની પ્રતીતિ અનુભવી શકાય છે.

       જ્ઞાની ભક્તનો નિષ્કામ પ્રેમ એક માતા જેવો હોય છે. જેમ માતા પોતાના બાળકને વહાલથી ભેટે છે, પ્રેમનાં ચુંબનોથી નવડાવે છે, પ્રેમથી બનાવેલી રસોઈ બાળકના માથે હાથ ફેરવીને ખવડાવે છે અને બાળક ન ખાય તો માતા બેચેની અનુભવે છે; તેમ જ્ઞાની ભક્ત રૂપી સદ્ગુરુ દ્વારા અંતરયાત્રાનું માર્ગદર્શન કે સાત્ત્વિકભાવનું પોષણ ભક્તિ રૂપે પ્રગટે, તેને જો જિજ્ઞાસુ ભક્તો ગ્રહણ ન કરે તો સદ્ગુરુ અકળાઈ જાય. કારણ તેઓ જાણે છે કે આ ક્ષણે પ્રગટ થયેલું સાત્ત્વિકભાવનું પોષણ પાછું બીજીવાર પ્રગટશે નહિ. બીજી ક્ષણે અંતરના બીજા સ્તરોનું બીજું નવીન પોષણ પ્રગટે છે. એક ક્ષણનું ગ્રહણ કરવાનું ચૂકી જવાય, તો બીજી ક્ષણનું પોષણ ગ્રહણ કરવાની ક્ષમતા ઘટી જાય છે. નાના હતાં ત્યારે ગણિતમાં સરવાળો અને

બાદબાકીની રીત શીખ્યાં પછી જ ગુણાકાર અને ભાગાકારની રીત શીખ્યાં હતાં. સરવાળો કરવાની રીત જો ન આવડે તો ગુણાકારની રીત શિક્ષક શીખવાડે ત્યારે તે સમજાતી નથી. અર્થાત્ લૌકિક જીવનમાં અને અલૌકિક અંતર જીવનમાં ક્રમબદ્ધ વિકાસની ક્રિયાના સ્તરો હોય છે. દરેક સ્તરની સમજ શક્તિથી મનની પરિપક્વતા વધતી જાય છે.

       નિષ્કામ પ્રેમની પૂર્તિ બાળપણમાં માતા-પિતાના સંગમાં થાય છે અને તેથી જ બાળકનો વિકાસશીલ ઉછેર થતો રહે છે. માતા એટલે જ પ્રેમની મૂર્તિ. તે પ્રેમની મૂર્તિને વહાલની ધારા વરસાવવા માટે કોઈ મહાવિદ્યાલયમાં જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાની જરૂરત પડતી નથી. માતા ભણેલી હોય કે અભણ હોય, એ મહત્ત્વનું નથી, પણ પ્રેમની ધારાથી બાળકમાં સંસ્કારોનું, પરોપકારી વિચારોનું સિંચન થાય તે મહત્ત્વનું છે. આવી પ્રેમની મૂડીથી ઘડતર થયું હોય તો બાળક મોટું થઈને ભક્તિભાવથી અંતરયાત્રા તરફ પ્રયાણ કરી શકે છે. કારણ માતા-પિતાની પ્રેમની મૂડીથી બાળકના ઘડતરનું ચણતર થયું હોય છે. એવાં ઘડતરના મજબૂત પાયા પર શિક્ષકોના પ્રેમાળ સહયોગથી વિકાસશીલ ઉછેર થતો જાય અને સંસ્કારી નીતિમાન સ્વભાવની ઈમારત ચણાતી જાય.

       સંસ્કારી સ્વભાવ એટલે બીજાનું અહિત ન થાય, પણ શ્રેયના માર્ગે પ્રયાણ થઈ શકે એવાં ભાવથી એકબીજાને મદદરૂપ થવું. એકબીજા સાથે હળીમળીને પ્રેમની લાગણીથી જીવન જિવાય ત્યારે કોઈકવાર સ્વાર્થના ડોકિયાં અથવા મારું-તારુંનો અવરોધ થઈ શકે છે. કારણ સંબંધોમાં બે વ્યક્તિના સ્વભાવની અથડામણમાં ઘણીવાર માંગણીઓને, અપેક્ષાઓને પૂરી કરવાનો વ્યવહાર હોય છે. એવાં વ્યવહારની આદાન-પ્રદાનની પ્રવૃત્તિથી મોટેભાગે પ્રેમની માપણી થતી રહે છે. એટલે શુદ્ધ પ્રેમ માટે માનવી ઝૂરે છે. શુદ્ધ પ્રેમની સહજતા જ્ઞાની ભક્તનાં સાંનિધ્યમાં અનુભવાય ત્યારે (મનની) પ્રેમની ઝંખના તૃપ્ત થાય. એવાં તૃપ્ત મનમાં સ્વયંને જાણવાની, પ્રભુ નામની સાત્ત્વિકતામાં સ્નાન કરવાની લગની આપોઆપ જાગે છે. મનુષ્ય જીવન પ્રેમની શુદ્ધતાથી જીવવાનું છે, જેથી પ્રભુની દિવ્ય પ્રીતની સુષુપ્તિ જાગૃત થાય અને પ્રભુ સાથેની ઐક્યતાને માણી શકાય. એવાં દિવ્ય જીવનની સાર્થકતા અનુભવવા માટે પ્રભુને ભાવથી પ્રાર્થના કરતાં રહીએ...

      

       પ્રેમની ધારામાં તરતાં તરતાં હું લીન થયો

અને તરતો ગયો પ્રભુ પ્રીતની ગંગામાં;

       પ્રભુ પ્રીતના પ્રકાશમાં હું ખોવાઈ ગયો અને ગતિમાન થયો અંતર સ્તરોમાં;

       શ્ર્વાસના પાન-અપાનમાં પ્રીતનો સૂર્યોદય થતાં,

પ્રગટ થઈ અસ્તિત્વની પારદર્શકતા;

       પ્રભુ મિલનનાં આનંદમાં જીવન સાર્થક થયું

અને પ્રભુના કહેણ સ્વયંભૂ પ્રગટતાં રહ્યાં.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા