Article Details

...ત્યારે મનની પારદર્શકતા આપમેળે પ્રગટે

પ્રભુ રૂપી વૃક્ષના આધારે ફળ રૂપી જીવનું અસ્તિત્વ ઘડાય છે. જેમ ફળની પ્રાપ્તિ સાથે એમાં રહેલાં બીજની પણ પ્રાપ્તિ થાય છે, તેમ જીવ રૂપી ફળમાં પ્રભુની દિવ્ય પ્રીત રૂપી બીજ હોય છે. તે પ્રીતના બીજને નિ:સ્વાર્થ પ્રેમના આચરણથી ફુલેલું ફાલેલું કરવું, તે છે માનવી જીવનનો હેતુ. તે હેતુનો આશય જ્ઞાન-ભક્તિના સત્સંગથી સમજાય, કે પ્રીતની ચેતના વગર આ જગત નથી, કે જગતમાં જીવતાં સર્વે દેહધારી જીવોનું જીવન પણ નથી. પ્રીતની ઊર્જાના વહેણ સર્વત્ર વહેતાં રહે છે અને જીવંત જીવનની ગાથા રચાતી રહે છે. આ સત્યના સ્વીકાર રૂપે જેમ જેમ મનોમંથન થાય, તેમ તેમ જિજ્ઞાસુ ભક્ત આદાનપ્રદાનનાં સંસારમાં પ્રેમના આચરણને વધુ મહત્ત્વ આપે. પ્રેમના વ્યવહારમાં માનવતા હોય, એકબીજાને મદદરૂપ થવાની ભાવના હોય. એવી ભાવનાના લીધે સમાધાન, સહાનુભૂતિ, દયા, પરોપકાર વગેરે સાત્ત્વિક ગુણોની પ્રતિભા ખીલતી જાય.

       સામાન્ય રૂપે નિ:સ્વાર્થ પ્રેમનું આચરણ માનવીને મુશ્કેલ લાગે છે. કારણ રાગ-દ્વેષના ભેદભાવમાં ઓતપ્રોત રહેતાં મનને સ્વાર્થ વગરનું જીવન અશક્ય લાગે છે. પરંતુ પ્રકૃતિ જગતમાં થતી નિ:સ્વાર્થભાવની ક્રિયાઓનાં આધારે માનવી જો જીવન જીવવાનો પ્રયત્ન કરે, તો અશક્ય સ્થિતિ પણ શક્ય થઈ શકે છે. તે માટે દૃઢ નિશ્ર્ચય થવો જોઈએ, કે મારી ભીતરમાં રહેલાં પ્રભુની દિવ્ય પ્રીતના બીજ સ્વાર્થી મનના પુરુષાર્થથી અંકુરિત ન થઈ શકે, એ તો આપમેળે પ્રભુ કૃપા રૂપે થાય. તે બીજ સુષુપ્ત રહે છે કારણ અહંકારી સ્વભાવ, સ્વાર્થ વૃત્તિ, મારું-તારુંનો ભેદભાવ વગેરે અજ્ઞાન રૂપી માટી મનમાં પથરાયેલી રહે છે. એવી માટીના લીધે દિવ્ય પ્રીતના બીજ અંકુરિત થતાં નથી. મનની માટીની અશુદ્ધતા જ્ઞાન ભક્તિના સત્સંગથી, એટલે કે નિ:સ્વાર્થ પ્રેમના આચરણથી જેમ જેમ વિલીન થતી જાય, તેમ તેમ સ્વભાવનું પરિવર્તન થતું જાય અને શુદ્ધ મનની સાત્ત્વિકતામાં બીજ આપમેળે અંકુરિત થતાં જાય.

       સૌ જાણે છે કે સ્વભાવનું પરિવર્તન થવું એટલું સહજ નથી. પરંતુ વિકાસની ક્રિયા રૂપે જેમ શરીરના આકારનું પરિવર્તન થઈ શકે છે, અથવા બાળપણમાં રમકડાં સાથે રમવાના વિચારોનું પરિવર્તન યુવાન થયાં પછી જેમ આપોઆપ થયું; તેમ માનવીએ પરિવર્તન માટેનો નિશ્ર્ચય કરવો પડે, કે એકના એક વિચારોની ઘરેડમાં બંધાયેલા રહેવું છે, કે વિકાસની ક્રિયાથી મનની ઉન્નતિ રૂપે ઊર્ધ્વગતિમાં સ્થિત થવું છે. એકવાર મન નિશ્ર્ચયપૂર્વક સંકલ્પ કરે, તો સંકલ્પની દિશામાં જ્ઞાન-ભક્તિના સત્સંગથી ગતિમાન થઈ શકાય. સત્સંગ, અધ્યયન, ચિંતન વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિનો સહારો, સંકલ્પની દિશામાં પ્રયાણ કરતાં રહેવાનું બળ પૂરે છે. આમ છતાં પ્રારબ્ધગત જીવનની પ્રતિકૂળતા કે અનુકૂળતાના લીધે મન સંકલ્પની દિશામાં ક્યારેક આગળ પ્રયાણ કરવાને બદલે અટકી જાય છે. મન પોતે પોતાની અટકી જવાની, અથવા સંકલ્પ અનુસાર વર્તન ન કરવાની નબળાઈને જાણે છે. છતાં પણ ઘણીવાર તે નબળાઈથી મુક્ત થઈ શકતું નથી. કારણ મનની સંસારી ભોગની દોડ અટકતી નથી.

       લૌકિક જીવનમાં સૌ દોડતાં જ રહે છે, કારણ માનવી જીવે છે એક જ હેતુથી અને તે હેતુ છે સુખ પ્રાપ્તિનો પ્રયત્ન કરવો અને દુ:ખ મુક્તિનો મહાપ્રયત્ન કરવો. એવાં પ્રયત્ન રૂપે દોડતો માનવી કેટલાંય પ્રકારની વ્યવહાર રૂપી માળા ગૂંથતો રહે છે. એવી ગૂંથણીના લીધે મનના વિચારો અટકતાં જ નથી. એટલે વિચારોની ગૂંથણીમાં બંધાયેલા મનથી ઊર્ધ્વગતિનું પ્રયાણ સહજતાથી થતું નથી. એવું બંધાયેલું મન જ્યારે અધ્યયન-ચિંતન રૂપે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરવાનો પુરુષાર્થ કરે, ત્યારે જીવંત જીવનનો હિતવર્ધક હેતુ ઉચિત રીતે સમજાય, કે સર્જનહારી પ્રભુની શક્તિ જે જે સ્થિતિ કે કૃતિને સર્જાવે છે, તેને પોષણ નિરંતર અર્પીને ઉછેર પણ કરે છે. જન્મદાતા સ્વરૂપની પ્રભુની ઊર્જા શક્તિ તો જન્મેલી કૃતિઓનું નિરપેક્ષભાવથી સતત પાલન પોષણ કરતી રહે છે. સર્જનહારી ઊર્જાની ચેતના દરેકને કોઈ પણ સ્વાર્થ વગર અર્પણ થયાં કરે, તે છે ઊર્જાની પ્રીત શક્તિનું સમર્પણ. દિવ્ય પ્રીત સ્વરૂપનું ઊર્જા ધન શ્ર્વાસ રૂપે દેહધારી કૃતિઓને અર્પણ થતું રહે છે. આમ પ્રભુ પ્રીતનો સ્પર્શ તો થાય છે પણ માનવી મનની અજ્ઞાનતા, તે પ્રીતની દિવ્યતાને અનુભવી શકતી નથી. મનની સાત્ત્વિકભાવની જાગૃતિ જો જ્ઞાન-ભક્તિની નિષ્ઠાથી થાય, તો સાત્ત્વિક આચરણ રૂપે ઊર્જાનું પ્રીત શક્તિનું પ્રભુત્વ પ્રગટતું જાય.

       પ્રભુત્વનું પ્રાગટ્ય ધારણ કરનારા મહાત્માઓ, ઋષિઓ, યોગીઓ, જ્ઞાની ભક્તો આપણી ભારત ભૂમિને પાવન કરતાં રહે છે. એવી વિભૂતિઓની સદેહે હાજરી હોય, ત્યારે હિતવર્ધક ઉન્નતિના પાવન સ્પંદનોની સ્થાપના ધરતી પર થાય છે. એવી સ્થાપનાના લીધે અજ્ઞાની અહંકારી વૃત્તિઓમાં બંધાયેલા મનમાં સ્વયંને જાણવાની જિજ્ઞાસા પુણ્યોદયથી જાગી શકે છે. કારણ માનવીનું મન પોતે જ સાબુ બની પોતાના વસ્ત્ર પર લાગેલા અજ્ઞાની, અહંકારી સ્વભાવનાં કર્મસંસ્કારોનો જે મેલ જામી ગયો છે તેને વિલીન કરી શકે છે. પરંતુ મનની સાબુ જેવી વિશિષ્ટ ગુણિયલતા ત્યારે જ પ્રગટ થઈ શકે, જ્યારે મનને પોતાના સ્વ સ્વરૂપને જાણવાનો જિજ્ઞાસુભાવ રૂપી પાણીનો સ્પર્શ થાય. અર્થાત્ શુદ્ધ પાણી જેવાં નિખાલસ ભાવથી જ્યારે જિજ્ઞાસુભાવની દૃઢતા સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં સ્થિત થાય, સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં લીન થાય, ત્યારે ભવોનાં કર્મસંસ્કારોનો મેલ સ્વયંભૂ વિલીન થતો જાય. પછી મનોમન પારદર્શકતા ધારણ થતાં, સુષુપ્ત રહેલું દિવ્ય પ્રીતનું પ્રભુત્વ પ્રકાશિત થાય. પ્રભુત્વ પ્રકાશિત ગુણિયલ આચરણ, તે છે જ્ઞાની ભક્તનો અંતરધ્યાનસ્થ ભક્તિનો સમર્પણભાવ. આમ માનવી પોતાના મનનું શુદ્ધિકરણ કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિને જ્ઞાન-ભક્તિના સદાચરણથી ધારણ કરી શકે છે. એવાં સદાચરણ સ્વરૂપે દિવ્ય વિભૂતિઓની જેમ સતત અર્પણ થતાં, મહાભૂતોની પ્રકૃતિના અણમોલ દાનનું ઋણ પૂરું કરી શકાય અને પ્રભુ સાથેની ઐક્યતામાં એકરૂપ થઈ શકાય.

      

       મનની શુદ્ધિકરણની વિશિષ્ટ ગુણિયલતા જાગે,

જો સ્વયંને જાણવાની તીવ્ર જિજ્ઞાસા જાગે;

       જિજ્ઞાસુ મનમાં પછી સ્વ અધ્યયનની નિષ્ઠા જાગે

અને શરણભાવની શરણાગતિ જાગે;

       અજ્ઞાની મનની નિદ્રાને છોડાવતી ભક્તિનો નાદ જાગે,

પછી જ ભાવની નિખાલસતા પ્રગટે;

       ત્યારે જીવંત જીવનનો આશય સિદ્ધ કરાવતી,

મનની પાદર્શકતા આપમેળે પ્રગટે.

      

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા