Article Details

ભાવની વાવમાં ઓગળી જતાં હું ભક્તિ સ્વરૂપ બનું...

ભક્તિ એટલે વિશુદ્ધ ભગવત્ ભાવ. ભક્તિ સ્વરૂપની ભાવની વિશુદ્ધતા મનોમન ધારણ ત્યારે થાય, જ્યારે પ્રભુ સાથેની ઐક્યતામાં એકરૂપ થવાની તીવ્ર તરસ જાગે. એવી તરસ અંતરની વાવમાં તરતાં તરતાં તૃપ્ત થાય. અંતર વાવમાં ડુબકી મારવા માટે સંસારી વિચારોના રાગ-દ્વેષાત્મક કોલાહલને શાંત કરવો પડે. મારું-તારુંના ભેદભાવની, તથા સન્માન, પ્રશંસા ઈચ્છતા હું પદની અશાંતિ જેમ જેમ ઓછી થાય, તેમ તેમ અંતરની ભવ્ય વાવમાં ભક્તિની નિષ્ઠાથી ઊંડે ઊંડે તરી શકાય. તેથી પ્રથમ અજ્ઞાની મનની અશાંતિને શાંત કરવા માટે જિજ્ઞાસુભાવથી શ્રવણ, અધ્યયન, ચિંતન કરવું જરૂરી છે. સ્વ સ્વરૂપથી પરિચિત કરાવતું અધ્યયન જ્યારે થાય, ત્યારે મનમાં ઉદ્વેગ હોવો ન જોઈએ કે, ‘મારે જાણવું છે, સ્વયંથી જ્ઞાત થવું છે, મારા મનને શાંત કરવું છે, ભક્તિભાવમાં સ્થિત થવું છે,’ વગેરે ઉદ્વેગભર્યા વિચારોથી અભ્યાસ કે અધ્યયનમાં મન સહજતાથી સ્થિત થઈ શકતું નથી.

       સ્વમય ચિંતનની, કે અધ્યયનની સહજતા માટે લૌકિક વાણીના ઉચ્ચારોમાં વ્યસ્ત રહેતી જીભને થોડો આરામ આપવો પડે. એટલે એવું નથી કે વાણીથી બોલવાનું સદંતર બંધ કરી દેવું. પરંતુ વાણીથી થતાં કાર્ય કરતી વખતે વાતચીત દરમિયાન જો વધારાના શબ્દોનો ઉપયોગ ઓછો થાય, તો જીભને થોડો આરામ મળશે અને ધીમે ધીમે સંસારી વિચારોનો કોલાહલ ઓછો થતો જશે. જેમ સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતાં વાદળો બંધાય અને વરસાદ રૂપે તે વરસે એમાં પાણીનાં બિંદુઓનો કોઈ ઉદ્વેગભર્યો પુરુષાર્થ નથી; તેમ સ્વ અધ્યયનની સહજતા ધારણ થવી જોઈએ. તેથી લૌકિક વિચારોની આવનજાવનનો ઉદ્વેગ ઓછો કરવા માટે, જીભને થોડો આરામ આપવો અતિ આવશ્યક છે. ધીમે ધીમે યોગ્ય શબ્દોની વાણીનો ઉપયોગ કરવાનું મનને આવડી જશે અને ચહેરા પર દેખાતાં ચિંતાના, ઉદ્વેગના, ઉગ્રતાના વગેરે રાગ-દ્વેષાત્મક વિચારોના હાવભાવ પણ શાંત થતાં જશે. કારણ જ્યારે સકારાત્મક કે નકારાત્મક જેવાં ભાવથી મન વિચારે છે, ત્યારે એવાં જ ભાવની મુદ્રા આપણાં ચહેરા પર દેખાય છે.

       આમ જેમ જેમ ન કામના વિચારોનો કોલાહલ શાંત થશે, તેમ તેમ અભ્યાસ-અધ્યયનની સહજતા વધતી જશે. પછી સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિનો કંટાળો નહિ આવે. પરંતુ વ્યવહારિક કાર્યો કરતી વખતે પણ ચિંતન થતું જશે. વ્યવહારિક કાર્યોની વ્યસ્તતામાં પણ ચિંતનની ધારા પરોવાઈ શકે છે, કારણ અધ્યયન રૂપે સ્વયંના અસ્તિત્વનો, કે સનાતન સત્યનો જે ભાવાર્થ ગ્રહણ થયો તેનું પ્રતિબિંબ મનના વિચારો પર પડે છે. એટલે વ્યવહારિક કાર્યોના વિચારો ગ્રહણ કરેલાં સાત્ત્વિક ભાવાર્થ અનુસાર થાય છે. પછી પોતાના કાર્યક્ષેત્રનાં વ્યવહારિક કાર્યોનું સફળ કે નિષ્ફળ જે પણ પરિણામ આવે, તેનાંથી સુખી-દુ:ખી થઈ મન વિચલિત નહિ થાય. ભય અને ચિંતાના વિચારો ઓછાં થતાં જાય. કારણ સનાતન સત્યનો મર્મ સ્પષ્ટ રૂપે સમજાય કે, "કાર્યો કરવામાં શક્તિ પ્રભુની છે અને જે કાર્યો થાય છે તે મેં પોતે કરેલાં કર્મોના ફળ રૂપે થઈ રહ્યાં છે. એટલે સફળ કે નિષ્ફળ જે પણ પરિણામ મળે, તેમાં એકબીજા સાથેનો તથા આદાન-પ્રદાનના પ્રકૃતિ જગત સાથેનો હિસાબ પૂરો થાય છે અને કર્મસંસ્કારોની ગાંઠીઓનો ભાર હળવો થાય છે.” આવી સ્પષ્ટતાના લીધે વસ્તુઓનો સંગ્રહ કરવાના મોહમાં, કે જૂની ઘરેડના વિચારોમાં મન વ્યસ્ત નહિ રહે, અથવા વ્યક્તિગત સંબંધોમાં પોતાની અપેક્ષા મુજબ માલિકીભાવથી વ્યવહાર કરવાનો આગ્રહ નહિ રહે, અથવા સન્માન, પ્રશંસા મેળવવાની ખેવના નહિ રહે, અથવા જૂના જમાનાના વ્યવહારને તથા આધુનિક સમયના વ્યવહારને મૂલવતાં રહેવાની ભેદ દૃષ્ટિ નહિ રહે. આવાં અનેક પ્રકારના સીમિત વિચાર-વર્તનની કેદમાંથી મુક્ત થવાનું શરૂ થાય ત્યારે સ્વમય ચિંતનની, અધ્યયનની સહજતા વધતી જાય. પછી અંતરની ભવ્ય ભાવની વાવમાં તરતાં રહેવાય ત્યારે ભક્ત આર્તનાદથી પ્રભુને વિનંતિ કરે કે..,

      

       "હે પ્રભુ! મુજને અંતર વાવની નિસરણી અર્પી, કૃપા કરી ઊંડે ઊંડે ઉતારો;

       અંતરભાવથી મનનું ઘડતર કરો અને સાત્ત્વિકભાવની જાગૃતિમાં સ્થિત રાખો;

       આપના ભવ્ય નિરપેક્ષભાવની સુમતિનું દાન ધરો

અને આત્મીય સગપણનું સ્મરણ કરાવો;

       જેથી અભાવની ખોટ ન રહે

અને હું ભાવની વાવમાં ઓગળી જતાં ભક્તિ સ્વરૂપ બનું.”

 

       વિનંતિભાવથી સ્તુતિ વારંવાર થતાં મનને પોતાની ખોટનું દર્શન થાય છે અને ભૂતકાળમાં થયેલી ભૂલોનું તથા ભૂલોનાં પુનરાવર્તનનું મૂળ કારણ જણાય છે. કોઈ પણ વર્તન રૂપી કાર્ય પાછળ એનાં વૃત્તિ-વિચારો રૂપી કારણ હોય છે. એ સ્પષ્ટતા મનમાં જો અંકિત થઈ જાય તો ભૂલોથી મુક્ત થવાનો નિશ્ર્ચય દૃઢ થાય. મનોમન પછી અફસોસ થાય કે, "કરવાનું શું હતું અને મેં કર્યું શું! લૌકિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિનો વ્યવહાર સહકારભાવથી, પ્રેમભાવથી, સેવાભાવથી કરવાનો હતો. તેનાં બદલે અદેખાઈ, વેરઝેર, માન-કીર્તિ મેળવવા મારું-તારુંના ભેદભાવથી કરતો રહ્યો! એમાં એકબીજાના ગુણગાન ગાવામાં, કે ઈર્ષ્યા કરવામાં પ્રભુના સાત્ત્વિક ગુણો તો મનમાં સુષુપ્ત જ રહ્યાં! એકબીજાના ગુણગાન ગાવામાં સ્વાર્થ હતો, કંઈક મેળવી લેવાની લાલચ હતી.

       ..આવા સ્વભાવથી હે પ્રભુ! જ્યારે પણ આપની સ્તુતિ કરી ત્યારે મુક્ત મનથી, નિખાલસભાવની સહજતાથી હું ગાઈ ન શક્યો! એટલે સ્તુતિના શબ્દોનો સાત્ત્વિક ભાવાર્થ ધારણ ન થયો. સંસારી સંબંધોને સાચવવાનો સંઘર્ષ જેમ કરું છું; તેમ સત્સંગીઓ સાથે, બીજા જિજ્ઞાસુ ભક્તો સાથે વ્યવહાર કરતો રહ્યો અને કદી મારા સ્વભાવની ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન ન કર્યો! મનને સાત્ત્વિક વિચારોના અધ્યયનથી શણગારવાને બદલે, સ્વમય ચિંતનથી અંતર વાવમાં ડુબકી મારવાને બદલે મારી ખુદની અંતર યાત્રાને મેં જ અટકાવી દીધી. એક મચ્છર જેવી સીમિત ગતિથી સત્સંગ કરતાં કરતાં, રાગ-દ્વેષાત્મક વિચારોમાં બંધાઈને, હું બીજા સત્સંગીઓની યાત્રામાં પણ બાધક બન્યો. હવે મુજમાં આપની કૃપાથી સ્પષ્ટતા થઈ, કે અંતરયાત્રામાં મનની ચોર જેવી પલાયન વૃત્તિ અથવા મુખવટો પહેરવાની વૃત્તિ જ અવરોધક બને છે. જ્યાં સુધી મન મારું-તારું-પરાયુંની સરખામણીથી વસ્તુ-વ્યક્તિના મોહમાં બંધાયેલું રહે છે, ત્યાં સુધી સ્વભાવનું પરિવર્તન થતું નથી અને સ્વમય ચિંતનની સહજતા ધારણ થતી નથી એ જાણ્યું. કૃપા કરી હે પ્રભુ! ભક્તિભાવની જાગૃતિમાં સ્થિત થવાય એવી કૃપાનું દાન ધરો.”

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા