Article Details

પ્રેમભાવની ગાગર અમારી, સમાવી દો આપના ભાવસાગરમાં...

માનવીનું મન એટલે અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારોનો સામાન. તે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓ, વિચાર-વાણીના વર્તનથી કર્મ-ફળની પ્રક્રિયા ધારણ કરે, તે છે દરેક માનવીના લૌકિક જીવનની રીત. માનવીની ઓળખ એના શરીરના રૂપ-રંગથી થાય, પણ સાચી ઓળખ એનાં વિચાર વર્તનના સ્વભાવથી થાય. બાહ્ય દેખાવની ઓળખ સહજ રીતે થઈ શકે છે, પણ માનવીના મનની ઓળખ સહજ રીતે થતી નથી. કારણ માનવી મોટેભાગે મનથી જે વિચારે છે, તે અનુસાર વર્તન કરતો નથી. વિચાર-વાણીના વર્તનમાં ભેદ રહેવાંથી માનવીના ખરા સ્વભાવને જાણવું સહજ નથી. આમ છતાં માનવીના સ્વભાવની ઓળખાણ, એના પરિવારના અંગત સભ્યો કે મિત્રો સાથેના વ્યવહારથી થાય છે. માનવી જ્યારે બીજાના સ્વભાવને ઓળખવાનો પ્રયત્ન કરે, ત્યારે તે બીજી વ્યક્તિ સાથેના વ્યવહારમાં જો પોતાની અપેક્ષિત ઈચ્છાઓ પૂરી થાય, તો એ વ્યક્તિનો સ્વભાવ એને સારો લાગે છે. એટલે દરેક વ્યક્તિને પોતાનો સ્વભાવ સારો કે ખરાબ છે એવું લેબલ હંમેશા બીજા લોકો દ્વારા મળે છે. સારા સ્વભાવનું લક્ષણ એટલે જે બધા સાથે સમાધાનપૂર્વક પ્રેમભાવથી અનુકૂળ થઈને જીવે અને એવી વ્યક્તિનો સંગ કરવાનું સૌને ગમે.

       આમ માનવી બીજા માનવી સાથે, પશુ-પક્ષી વગેરે પ્રકૃતિ જગતની કૃતિઓ સાથે પ્રેમભાવની સાનુકૂળતાથી વ્યવહાર કરે, તે છે ઉચિત સ્વભાવનું લક્ષણ. એવાં પ્રેમાળ સ્વભાવના લીધે ભક્ત સ્વરૂપની સાત્ત્વિકભાવની જાગૃતિ સહજ ધારણ થઈ શકે છે. કારણ ભક્ત સ્વરૂપનું લક્ષણ છે, જે પ્રેમની નિર્મળ ધારાનું પ્રસરણ કરે. અર્થાત્ નિષ્કામ પ્રેમથી રાગ-દ્વેષના ભેદભાવ વગર જો માનવી વ્યવહાર કરે, તો મનનું ભક્ત સ્વરૂપ પ્રગટ (પ્રાદુર્ભાવ) થતું જાય. ભક્ત એટલે આખો દિવસ કરતાલ લઈને ભજન ગાયા ન કરે, પણ એનું લક્ષ્ય એક જ હોય કે, પ્રભુનો જે દિવ્ય પ્રીતની ચેતનાનો વિશુદ્ધ ભાવ છે તેવો ભાવ જીવતાં જ જાગૃત થાય. એવા વિશુદ્ધ, પ્રશુદ્ધ, નિરપેક્ષ, નિ:સ્વાર્થ ભાવની જાગૃતિ માટે ભક્ત તો પ્રભુની સર્વજ્ઞતાથી, સર્વવ્યાપક્તાથી, સંપૂર્ણતાથી, અનંત ગુણોના પ્રભુત્વથી પરિચિત કરાવતું અધ્યયન કરતો રહે. એવાં અધ્યયનનું એટલે કે સ્વમય ચિંતનનું ભક્તિમય જીવન, તે માત્ર પોતાના ઉદ્ધાર અર્થે ન જીવે, પણ બીજા સ્વજનોને પણ ભક્તિભાવની જાગૃતિથી જીવવાની પ્રેરણા પૂરતો રહે. એવી પુરવણીમાં કોઈ હઠાગ્રહ ન હોય કે પોતે જે દર્શાવે છે તે જ વિચારો ઉત્તમ છે, અથવા બીજા સાંપ્રદાયિક ધર્મના વિચારોને ઉત્તમ કે નિમ્ન ગણવાની સરખામણી ન કરે, પણ નિષ્કામભાવથી પ્રભુના પ્રસાદ રૂપે પુરવણી કરતો રહે.

       અંગત સ્વાર્થ જ્યાં ન હોય, ત્યાં જ નિષ્કામભાવ જાગે. જેમ વૃક્ષ ફળને અર્પણ કરે છે ત્યારે કદી કહેતું નથી કે, ‘આ મારું ફળ છે તમે લઈ લ્યો.’ એ તો નિષ્ઠુર મનના માનવીઓ જો પથ્થર મારે તો પણ ફળને અર્પી દે છે. પ્રકૃતિ જગતના આવાં નિષ્કામ પ્રેમભાવનો સંકેત ઝીલી, ભક્ત પણ પ્રેમભાવનું પ્રસરણ કરતો રહે છે. નિષ્કામભાવનો પ્રેમ જ્યાં હોય ત્યાં એવો વિચાર ન હોય કે, ‘હું પ્રેમનું પ્રસરણ કરું છું. મને પ્રેમ એટલે શું એ સમજાઈ ગયું છે.’ કારણ જ્યાં સ્વાર્થ નથી, પદાર્થોને ભોગવવાનો મોહ નથી, વ્યક્તિગત સંબંધોથી કંઈક પ્રાપ્ત કરવાની આસક્તિ નથી, ત્યાં જ પ્રેમભાવની ધારા સહજ પ્રગટે છે. વિશુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ જ્યારે જ્ઞાન-ભક્તિના સદાચરણથી જાગૃત થાય, ત્યારે મનની અહમ્ વૃત્તિઓનો સ્વાર્થ આપમેળે ઓગળી જાય અને ભાવની નિષ્કામ ધારા સ્વયંભૂ પ્રસરતી રહે છે. ભાવની નિર્મળ ધારા સરિતાના વહેણની જેમ મુક્ત મને પ્રસરે છે. તે વહેણમાં સ્વાર્થનો, મોહનો, આસક્તિનો કચરો નથી. તે છતાં આદાનપ્રદાનના જીવનમાં જો પ્રારબ્ધગત સંજોગોના લીધે ક્યારેક કચરો જણાય, તો પણ ભક્તના નિષ્કામ પ્રેમભાવના વહેણ અટકતાં નથી. એ તો સંજોગોની ભેખડ જેવી અવરોધક સ્થિતિને પણ પ્રેમના સ્નાનથી કોમળ બનાવી દે. કારણ નિષ્કામ, નિ:સ્વાર્થ પ્રેમભાવના વહેણમાં પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાનું બળ પ્રગટતું હોય છે.

 

       નિ:સ્વાર્થ પ્રેમનો ભાવ હોય, ત્યાં હું છું એવા અહંકારી હું પદનું વિસ્મરણ થાય અને સોઽહમ્ભાવની જાગૃતિ થાય. સોઽહમ્ ભાવની જાગૃતિમાં હું પદની વૃત્તિઓનું સમર્પણ થતાં, આત્મ સ્વરૂપનો દિવ્ય ગુણિયલભાવ, ભક્તના પ્રેમાળ સ્વભાવ રૂપે પ્રગટે છે. એવાં જ્ઞાની ભક્તના મનમાં હું કેન્દ્રિત વિચારો પણ ન જાગે કે, "હું પ્રભુની ભક્તિ કરું છું, હું ભક્તિમાં લીન થાઉં છું, હું ભક્તિનો આનંદ માણું છું, હું બીજાને ભક્તિની મહત્તા જણાવી પ્રેરિત કરું છું, હું બીજાને કલ્યાણના માર્ગનું દર્શન કરાવી શકું છું, કારણ મારા પર પ્રભુની અધિક કૃપા છે. એટલે સંસારી રાગ-દ્વેષથી દૂર રહી શકું છું, સંસારી ભોગના આકર્ષણથી અલિપ્ત રહી શકું છું, સાત્ત્વિક વિચારોના ચિંતનમાં સહજતાથી સ્થિત થઈ શકું છું, મારું મન પ્રભુની આત્મીય પ્રીત શક્તિને અનુભવી શકે છે એટલે ધ્યાનમાં સ્થિત થઈ શકું છું.” વગેરે કોઈ અંગત પ્રાપ્તિની કામના જ્ઞાની ભક્તમાં ન હોવાંથી, તેના વિચાર-વાણીના વર્તનમાં સમાધિ જેવો શાંત નિર્મળભાવ પ્રસરતો રહે છે.

       અંગત ઈચ્છાઓની કામના જ્યાં ન હોય, ત્યાં બીજાનું હિત થાય એવી કામના પણ ન હોય. કારણ પ્રેમનું પ્રસરણ હોય ત્યાં બીજી સ્થિતિ પ્રેમ વગરની છે એવો ભાવ નથી. જેમ સૂર્યદેવને ખબર નથી કે અંધકાર એટલે શું? સૂર્યદેવ અંધકારને દૂર કરવાનું કર્મ કરતાં નથી, એ તો પોતે જે છે તે પ્રકાશિત ઊર્જાનું પ્રસરણ કરતાં રહે છે. પોતે જે કર્મ કરે છે તેનાંથી અંધકાર દૂર થાય છે, કે ઊર્જાનું પોષણ બીજાને મળે છે એવો ભાવ સૂર્યમાં નથી. એ જ રીતે જ્ઞાની ભક્તમાં નિષ્કામ પ્રેમભાવ જાગે ત્યારે મનનાં ખૂણે ખાંચરે કોઈ કામના, સ્વાર્થ કે છળકપટ નથી. અરે, ભાવ શું છે તેની પણ એને જાણ નથી. કારણ સ્વયં તે ભાવ સ્વરૂપ બની જાય છે. તેથી ભક્ત તો અંગત સ્વાર્થ છોડીને પ્રભુને વિનંતિ એક જ કરતો રહે કે, "હું ન રહું, હું સમાઈ જાય આપના ભગવત્ ભાવમાં. ભક્તિમય જીવન જીવવાની સહજ કળાનું દાન ધરો. જેથી મારા કર્મોનું પરિણામ બને બીજાના દુ:ખોને વિલીન કરનારું...

 

       હે પ્રભુ, સોઽહમ્ ભાવની સુમતિ લઈને, આવ્યાં તારે દ્વારે આજે;

       આવવાનું નિમંત્રણ નથી તોયે, સમભાવથી આવ્યાં અમે આજે;

       જાણું છું કે મુક્ત ગતિ તારી, લય પણ તારી અને ભાવ પણ તારો;

       પ્રેમભાવની ગાગર અમારી, સમાવી દો આપના ભાવ સાગરમાં...”

      

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા