Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
આપો એવી બુદ્ધિ, જે માને સદા તારો ઉપકાર

નવાં વરસની શુભેચ્છા રૂપે પ્રભુને વિનંતિના આર્દ્ર ભાવથી પ્રાર્થના કરીએ. જેથી પ્રભુ પ્રીતના દાન સ્વરૂપે અર્પણ થયેલાં આ માનવ જીવનને સ્વમય ચિંતનની નિષ્ઠાથી માણી શકાય તથા સાત્ત્વિક ગુણિયલ આચરણને ધારણ કરી શકાય. નિષ્કામ સાત્ત્વિક આચરણની પારદર્શકતાથી માતા-પિતા, શિક્ષકો, મિત્રો, સગાં, સ્નેહીજનોના પ્રેમાળ સંગનું ઋણ તથા મહાભૂતોની પ્રકૃતિના દાનનું ઋણ પૂરું કરી શકાય એવું પ્રભુમય જીવન જીવીએ.

          

           "..  હે પ્રભુ મારે નાની નાની ગાંઠોથી બંધાવું નથી

           અને મારે છોડવી છે સંસારી ઈચ્છાઓની મોટી મોટી ગાંઠ;

           તેથી તારા નામની હારમાળા ગૂંથાવતા રહેજો,

           જેથી છૂટે ભવોની ગાંઠો અને સ્વયંની સાત્ત્વિકતા અનુભવાય;

           કરજો એવું કે ઊંઘમાં પણ ન ભુલાય તારું નામ

           અને આપો એવી બુદ્ધિ જે માને સદા તારા ઉપકાર;

           તારા દિવ્ય ગુણોથી ફુલ જેવાં બનાવ આ તન-મનને,

           જેથી તારી સુવાસની માળા તને જ પહેરાવી શકું..”

 

           માનવીના જીવનમાં પ્રભુ કૃપા રૂપે સ્વયંને જાણવાનો વળાંક આવે, ત્યારે વિચારવાની રીત બદલાઈ જાય, એટલે કે સમયની ગતિનો સદુપયોગ થાય એવાં સાત્ત્વિક વિચારોમાં મન પરોવાતું જાય. સાત્ત્વિક વિચારો એટલે જે વિચારોના સંગમાં માનવીને પોતાના સંકુચિત અહંકારી માનસની અજ્ઞાનતા જણાય. સાત્ત્વિક વિચારોના અધ્યયનથી એનો સૂક્ષ્મ ભાવાર્થ સમજાય, ત્યારે સંકુચિત સ્વભાવની રાગ-દ્વેષના વર્તનની ગાંઠો  છૂટી શકે, એવાં બંધનમુક્ત વિશાળ સ્વરૂપના અણસારા મન ગ્રહણ કરતું જાય. જ્યાં સુધી માનવીને સ્વયંના નિરાકારિત સ્વ સ્વરૂપની જાણ થતી નથી, ત્યાં સુધી તે શરીરના જન્મને સુખદ પ્રસંગ માને છે અને શરીરના મૃત્યને અશુભ કે દુ:ખદ ઘટના માને છે. શરીરના આકારને પોતાનું સ્વરૂપ માનનારું મન આકારોની સીમામાં બંધાઈને જીવે છે. તેથી તેને બીજા આકારોના સંગમાં રહીને આકારિત પદાર્થોને ભોગવવાનું ગમે છે. એટલે આકારિત જગતની અનેક પ્રકારની આકૃતિઓનું મૂલ્યાંકન કરવાના ભેદમાં ફરતું રહે છે. એવાં ભેદભાવભર્યા રાગ-દ્વેષનાં માનસના લીધે અમુક ઈચ્છાઓ તૃપ્ત થાય. એમાં બીજી નવી ઈચ્છાઓની ઘણી ગાંઠો બંધાતી રહે છે. માનવી પોતાના રાગ-દ્વેષભર્યા સ્વભાવથી મોટેભાગે પ્રૌઢ ઉંમરે પરિચિત થાય, ત્યારે વધતી ઉમંર સાથે સ્વભાવમાં થોડો બદલાવ પણ થતો જાય. કારણ વધતી વય સાથે મગજ રૂપી બેટરીનો પાવર ઓછો થતો જાય છે. એટલે યુવાન શરીર જેવી તાકાત કે તાજગી ઓછી અનુભવાય, ત્યારે શરીરની શિથિલતામાં અહંકારી માનસ થોડા પ્રમાણમાં શિથિલ થાય.

           આમ છતાં માનવીનો અહંકારી સ્વભાવ કંઈ ઝટ બદલાતો નથી. કીર્તિ, પદવી, રૂપ, કે રૂપિયાની પ્રાપ્તિમાં મન અભિમાનથી ફુલાતું રહે છે. જે એને શરીરના આકારની સંગમાં આસક્ત રાખે અને અવનવા ભોગની ઈચ્છાઓમાં બાંધી રાખે છે. એવું મન સંસારી વ્યવહારના અમુક રીતરિવાજોની ગાંઠોને છોડાવા માટે અથવા સગાં કે મિત્રો સાથે અમુક પ્રકારના વ્યવહારની ગાંઠોને ઢીલી કરવા માટે, ગાંઠોના અવરોધથી મુક્ત થવાનું વિચારતું નથી. શરીરની ઉંમર સાથે તથા પ્રારબ્ધગત સંજોગોના અનુભવથી માનવીના મનનું ઘડતર થતું જાય છે. એટલે ઘડતર રૂપે જો મનનું સંકુચિત માનસ વિશાળ થાય સાત્ત્વિક વિચારોના અધ્યયનથી, તો સ્વયંની બંધનમુક્ત સ્થિતિના અણસારા મળી શકે. તે અણસારા રૂપે પછી જાગૃતિની દિશા તરફ ગમન થતું જાય. અણસારો એટલે એવો સંકેત, જે મનને પ્રભુ સાથેની ઐક્યતાનું પ્રમાણ દર્શાવે, અથવા પ્રભુના અંશ રૂપી મનની સાત્ત્વિકતાનું આધારભૂત સરખાપણું જણાવે. મનને જ્યાં સુધી પ્રમાણભૂત અણસારો નથી મળતો, ત્યાં સુધી તે જાગૃતિની દિશામાં ગમન કરતું નથી. અણસારાની આધારભૂત સમજ જો ગ્રહણ ન થાય, તો મન ઘણીવાર સંશય કે શંકામાં રહીને તર્કબદ્ધ દલીલ કરતું રહે છે. તેથી જ પ્રભુએ એવી રચના કરી છે કે મહાભૂતોની સાત્ત્વિક ક્રિયાનું પોષણ દેહધારી દરેક જીવને પ્રાપ્ત થતું રહે. પંચમહાભૂતોની ઊર્જાનું જે સાત્ત્વિક ગુણોનું પોષણ આપણને અર્પણ થતું રહે છે, તેની સાત્ત્વિક ક્રિયાનો ભાવાર્થ સમજાય તો સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગી શકે. પછી પ્રભુ સાથેની ઐક્યતાના અણસારાને સમજી શકાય.

 

           હે નાથ અણસારો આપનો મળ્યો અને મન અધીરું થયું જાણવા સત્ ક્રિયાની ચેતનાને;

           પળે પળે સાત્ત્વિક વિચારોમાં પરોવાયો હું

                 અને આપના ઉપકારને અનુભવ્યો સૂક્ષ્મ ક્રિયા રૂપે;

           હવે હું ચેતી ગયો અને ચેતનાના સંચારની વિશાળતામાં સૂક્ષ્મ થયો સ્વ જ્ઞાન રૂપે;

           ચિત્ત વૃત્તિઓ ચેતનાની સંગમાં ચોરાઈ ગઈ અને મનની ગાંઠીઓ મોકળી થઈ.

 

 

           .. હે પ્રભુ તારી સાથેની ઐક્યતાને જાણી, હવે મારા સ્વભાવમાં સુધારો કરાવો;

           અહીંની નાની-મોટી વાતોમાં અને સંસારી વ્યવહારમાં સમય તો વીતતો જાય;

           આસક્તિ અહીંની છોડાવી, અંતર યાત્રાની પ્રગતિનો માર્ગ કૃપા કરી મોકળો કરો;

           જ્યાં હું અને તું નો ફરક નથી, ત્યાં જ સોઽહમ્ નાદનો ધ્વનિ કણકણમાંથી પ્રગટે છે.

 

           ..હે પ્રભુ મને નિ:સ્વાર્થ પ્રેમના પંથે ચઢાવ્યો, થઈ ગયો હું આપનો આભારી;

           પ્રેમભરી ભક્તિના પેટાણમાં હવે કોઈ સ્વાર્થ નથી, થઈ ગયો હું આપનો આભારી;

           આપના પ્રકાશિત દર્શનમાં ઓગળતી જાય ભવોની ગાંઠો, થઈ ગયો હું આપનો આભારી;

           આભારી હું મળ્યો તુજને અને હું થયો આપનો, હવે સંસારી ઈચ્છાઓની ગાંઠો ન રહી. (ક્રમશ:)

          

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More