Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
મને તારો છે એક આધાર

સાત્ત્વિક ભાવની જાગૃતિમાં પ્રજ્ઞા બુદ્ધિનું તેજ જેમ જેમ પ્રગટતું જાય, તેમ તેમ તેજસ્વી બુદ્ધિથી સૂક્ષ્મ સૃષ્ટિનું રહસ્ય ગ્રહણ થતું જાય અને સાત્ત્વિક ગુણોનું સદાચરણ ધારણ થતું જાય. તેથી ભક્તનું અંતઃકરણ (મન-બુદ્ધિ-ચિત્ત) જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક ભાવથી રંગાતું જાય અને સોહમ્ ભાવથી વિશાળ થતું જાય. એટલે એવું નથી કે બધું કામકાજ છોડીને એ તીર્થયાત્રા કર્યા કરે, અથવા સવાર-બપોર-સાંજ મંદિરમાં માત્ર ભજન કીર્તન કરતો રહે. ભક્ત કદી સ્થૂળ લોકિક જગત કે સૂક્ષ્મ અલૌકિક સૃષ્ટિની સરખામણી કરી ભેદ ન જુએ, પણ સત્ દર્શન રૂપે પ્રભુની સાક્ષાત્ હાજરીને સોહમ્ ભાવ રૂપે અનુભવે. સર્વે પદાર્થ કે સૂક્ષ્મ કૃતિઓની ભીતરમાં પ્રભુની આત્મીય ચેતના છે અને તેનાં લીધે જ પદાર્થ કે કૃતિની હસ્તી છે. આ સત્યને પચાવ્યું હોવાંથી, પોતાની જવાબદારીના સંસારી કાર્યો અકર્તાભાવથી થતાં રહે એવી સજાગતાથી ભક્ત જીવે છે. અકર્તાભાવ એટલે જ અહંકારી વૃત્તિઓનું સમર્પણ. ‘હું કર્તા નથી કરાવનાર પ્રભુની ચેતના છે’ એવાં સમર્પણભાવની જાગૃતિ છે ભક્તિ ભાવની ઉન્નત તિ.

 

સમર્પણભાવની જાગૃતિ રૂપે મનોમન નિશ્ચયાત્મક બુદ્ધિથી એકરાર થાય, કે પ્રભુ તો ઊર્જાની ચેતના સ્વરૂપે પોતાનું દિવ્ય ગુણોનું પ્રભુત્વ અર્પણ કરતાં રહે છે. પ્રભુનું ગુણિયલ ધન જો સંપૂર્ણ રૂપે અર્પણ થતું હોય, તો પછી કર્તાભાવનો અહંકાર શું કામનો? અહંકારી વિચારોનું કે વાણીનું ચાતુર્ય શું કામનું? અહંકારી સ્વભાવના અવરોધથી પ્રભુ સાથેની એક્યતાને, પ્રભુની દિવ્ય પ્રીતને માણી શકાય એવી સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થતી નથી. ભક્તને જેમ જેમ પ્રભુ સાથેનાં આત્મીય સંબંધની પ્રતીતિ થતી જાય, તેમ તેમ જીવંત જીવનનો મહિમા સમજાતો જાય, કે માનવી જીવન રૂપે સૌને તક મળી છે પોતાના કર્મ-સંસ્કારોના આવરણને ઓગાળવાની. અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મ સંસ્કારોને જો સાત્ત્વિક ભાવની જાગૃતિથી તૃપ્તિનો રાહ મળતો જાય, તો તૃપ્તિમાં જ મનુષ્ય જીવનની અણમોલ સ્થિતિ અનુભવી શકાય. અતૃપ્ત વૃત્તિઓ જો તૃપ્તિના વર્તનમાં ન ફેરવાય, તો તે અતૃસ વૃત્તિઓનાં બીજા નવીન જાળા ગૂંથાતા રહે છે અને કર્મ સંસ્કારોનું આવરણ વધતું જાય છે.

 

મન પોતે નિરાકારિત હોવાં છતાં, પોતે આકારિત શરીર છે એવી માન્યતાથી જીવે છે. મનની એવી અજ્ઞાનતાના લીધે અતૃમ વૃત્તિઓ તૃપ્તિના વર્તનમાં ફેરવાતી નથી. અજ્ઞાની મન આકારોના રૂપ-રંગના ભેદભાવમાં અટવાયેલું રહે છે અને રૂપિયા, વસ્તુ, વો, ઘરનાં રાચરચીલાં વગેરે દુન્યવી પરિસ્થિતિને પ્રાપ્ત કરવાની મહેનત કરતું રહે છે. ભેદભાવની અજ્ઞાનતાના લીધે ઇચ્છિત પદાર્થોને ભોગવતી વખતે ઘણીવાર પદાર્થમાં ખોટ જણાય અથવા રાગ-દ્વેષાત્મક સ્વભાવના લીધે ભોગ્ય પદાર્થને મન શાંતિથી માણી શકતું નથી. એટલે અતૃપ્ત વૃત્તિઓ તૃપ્તિના વર્તનમાં ફેરવાતી નથી અને અતૃમ ઈચ્છા વૃત્તિઓનાં નવીન જાળા ગૂંથાતાં રહે છે. જો સાત્ત્વિક ભાવની જાગૃતિનો અણમોલ પ્રભુ પ્રસાદ ધારણ થાય, તો ઈચ્છાવૃત્તિઓને તૃપ્તિ મળતી જાય અને મનની ભીતરમાં સુષુપ્ત રહેલું આત્મીય ચેતનાનું પ્રભુત્વ પ્રકાશિત થાય. પરંતુ મોટેભાગે માનવી જીવંત જીવનના આ સત્યથી અપરિચિત રહે છે. એટલે અહંકારી વર્તનથી સ્વચ્છંદી થઈ, આકારિત જગતનાં ભોગ્ય પદાર્થોને વારંવાર ભોગવવાના મોહમાં જીવે છે.

 

અહંકારી સ્વભાવનો કચરો દૂર કરવા માટે, અથવા મનની કાળાશ દૂર કરવા માટે, મનને જ્ઞાન-ભક્તિનાં સત્સંગથી સ્વચ્છ કરવું પડે. જેમ એંઠી થાળીને આપણે પહેલાં સાબુથી ધોઈને સ્વચ્છ કરીએ છીએ. કદી એંઠી થાળીમાં જમતાં નથી, તો મન રૂપી થાળીમાં જે રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિ-વિચારોનો એઠવાડો (ગંદકી) ભવોથી ભેગો થયેલો છે, તેમાં પ્રભુત્વ ક્યાંથી પ્રકાશિત થાય...?? જમી લીધા પછી થાળીને સાબુથી ધોતાં પહેલાં જો એમાં એઠવાડ (વધેલો ખોરાક) હોય, તો એને પહેલાં પાણીથી સાફ કરવો પડે. પછી કડક બ્રશથી (સ્ક્રબર) સાબુ દ્વારા ઘસીએ તો ચીકાશ નીકળી જાય અને પાણીથી સાબુ નીકળી જતાં થાળી સ્વચ્છ થઈ જાય.  સ્વચ્છ થાળી હોય તો જ બીજીવાર જમવા માટે તેનો ઉપયોગ થઈ શકે. મનને સ્વચ્છ કરવા માટે પણ પહેલાં જૂનાં રૂઢિગત સંકુચિત વિચારોનો એઠવાડો સાફ કરવા માટે, શ્રવણ ભક્તિ સાથે આધ્યાત્મિક શબ્દોનો ભાવાર્થ સમજવાનો પુરુષાર્થ કરવો પડે. પછી સાબુ રૂપી સ્વમય ચિંતનમાં મન સ્થિત થાય. પરંતુ ચિંતનમાં મનને સ્થિત કરવું સરળ નથી. તેથી કડક બ્રશ જેવો સંકલ્પ જોઈએ અને સંકલ્પ અનુસારનું શંકા-સંદેહ વગરનું વર્તન જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં ધારણ થાય. પછી મનનો એઠવાડ દૂર થતાં દેઢ શ્રદ્ધા રૂપી પાણીથી સાત્ત્વિક વિચારોનું (સાબુ) પણ જ્યારે મૌન થાય, ત્યારે સાત્ત્વિક ભાવની જાગૃતિ સ્વયંભૂ પ્રગટતી જાય. ભાવની જાગૃતિ રૂપે નિર્મળ પ્રેમની મન રૂપી થાળીની સ્વચ્છતામાં પ્રભુની પ્રાણ શક્તિનું સંવેદન ઘારણ થતું જાય. પ્રભુ સાથેની એક્યતામાં એકરૂપ થવાની તરસ પછી એટલી વધતી જાય કે ભીતરમાં એક તડપ જાગે, કે ક્યારે શ્વાસે શ્વાસે પ્રભુ મિલન માણવા મળે..? પરંતુ ઘણીવાર પ્રારબ્ધગત સંસ્કારોના લીધે સંસારી કાર્યોની શેરીમાં ક્યારેક ફરવું પડે, ત્યારે પ્રભુ મિલનની પળ ચૂકી જવાય. એટલે ભક્ત અકળાઈ જાય, કે આ જન્મમાં પ્રભુમાં સમાઈ જવાની એકમ ગતિનું દાન જો ધારણ ન થાય, તો જીવવાનો અર્થ શું? તેથી જ ભક્ત વારંવાર પ્રભુને શરણભાવથી વિનંતિ કરતો રહે કે,  મને છોડશો નહીં ઘનશ્યામ, હું તો છોડી રહ્યો સંસાર, મને તારો છે એક જ આધાર, હું તો છોડી રહ્યો સંસાર... સાંકડી સંસારી શેરી ને ગંદી ગલીઓમાંથી, કાઢો પ્રભુ મને બહાર... ભવભવની આશાઓ લઈ જન્મ લીધો છે અહીંયાં, મળવા તને ઘનશ્યામ... તું કહે તે માન્ય મને કાલાવાલા કરું પ્રભુ, મળશો ક્યારે હવે શ્યામ...

મને છોડશો નહીં ઘનશ્યામ, હું તો છોડી રહ્યો સંસાર,

મને તારો છે એક જ આધાર, હું તો છોડી રહ્યો સંસાર...

સાંકડી સંસારી શેરી ને ગંદી ગલીઓમાંથી, કાઢો પ્રભુ મને બહાર...

 ભવભવની આશાઓ લઈ જન્મ લીધો છે અહીંયાં, મળવા તને ઘનશ્યામ...

 તું કહે તે માન્ય મને કાલાવાલા કરું પ્રભુ, મળશો ક્યારે હવે શ્યામ...

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
મારી અહંકારવૃત્તિ ઓગળે અને...

જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનું ચિંતન જ્યારે ગુરુના સાંનિધ્યમાં થાય, ત્યારે સાત્ત્વિક મતિનું પરમાર્થી બળ ધારણ થાય. ગુરુનું સાંનિધ્ય એટલે બપોરના બળબળતા તડકામાં, વિશાળ ઘટાદાર વૃક્ષની શીતળ છત્રછાયા મનમાં મોટેભાગે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષ્યા જેવી વૃત્તિ-વિચારોનો બળબળતો તડકો હોય છે. એવી નકારાત્મક વૃત્તિના લીધે અતૃપ્તિ, ખોટ, ઉણપ રૂપી ગરમીથી મન અકળાઈ જાય છે. એવાં અકળાયેલા મનને સાત્ત્વિક ભાવની છત્રછાયા મળે, ત્યારે તેને શાંતિની પ્રસન્નતાનો અણસાર મળે. ગુરુની એવી શીતળ છત્રછાયાની સુમધુર ક્ષણોમાં મનનું શુદ્ધિકરણ થતું જાય અને જીવંત જીવનનો હેતુ સિદ્ધ કરાવતો ભક્તિભાવ જાગૃત થતો જાય. આધ્યાત્મિક સત્સંગની પ્રવૃત્તિ રૂપે મનને સંતૃપ્તિનો અનુભવ થાય. કારણ ભવોથી પાતાના સ્વ સ્વરૂપની અનુભૂતિ માટે મન ઝૂરે છે. સ્વયંને જાણવાની જિજ્ઞાસુ વૃત્તિ ત્યારે તૃપ્ત થાય, જ્યારે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતું સ્વમય ચિંતન થાય.

 

ચિંતન સ્વરૂપે મનનું અજ્ઞાની માનસ ઓગળતું જાય, ત્યારે સ્વયંની ભાળ રૂપે આકારોના મોહમાં જડાયેલાં વિચારો, હું શરીર છું એવી આકારિત વૃત્તિઓની છાય ભૂંસારી જાય. ચિંતનની નિષ્ઠામાં સાત્ત્વિકભાવની જાગૃતિ રૂપે સ્વભાવ બદલાતો જાય. પ્રેમભાવથી એકબીજા સાથે સહજ વ્યવહાર થાય. પ્રેમભાવની સાત્ત્વિકતાનું વહેણ જેમ જેમ વહેતું જાય, તેમ તેમ અહંકારી ગર્વનો કાદવ વિલીન થતો જાય. તેથી જ જિજ્ઞાસુ ભક્ત વારંવાર પ્રભુને વિનંતિ કરતો રહે કે,‘ મારી અહંકારી વૃત્તિઓ ઓગળે એવાં સાત્ત્વિકભાવની મધુરતાને પ્રગટાવો. મારે જીવતાં જ આપની સાથેના આત્મીય સંબંધની દિવ્ય પ્રીતને માણવી છે. જેમ સંસારી સંબંધોને પ્રેમ-લાગણીથી અનુભવું છું; તેમ આપની સાથેના શાશ્વત સંબંધને જો હું જીવતાં ન અનુભવી શકું, તો જીવન જીવવાનો ફાયદો શું?? કર્મસંસ્કારોનું પ્રારબ્ધગત જીવન મળ્યું છે, પરિવારના સભ્યોની લાગણીભરી હૂંફ મળે છે, સ્વજનો-મિત્રોનો પ્રેમ મળે છે, તે લૌકિક જીવનનું બધું જ આપની સાક્ષાત્ હાજરીના લીધે ભોગવી શકું છું, તો સાક્ષાત્ આપની દિવ્ય પ્રીતની ચેતનાનો સંગ કેમ અનુભવી ન શકું? ?

 

...હે નાથ, આપની અણમોલ કૃપાના લીધે જ્ઞાની-ભક્તનું સાંનિધ્ય મળ્યું છે. સત્સંગની મધુર ક્ષણોની પ્રાપ્તિથી મનોમન એટલી સ્પષ્ટતા થઈ છે, કે અહંકારી વૃત્તિઓનો અવરોધ ઓગળતો જાય, મિથ્યાભિમાનનો ગરૂર ઓગળી જાય, ત્યારે જ ગુરુના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય. હવે સમજ આવી કે ખુદ પોતે જ તરવાનું હોય, પણ જ્ઞાની-ભક્ત રૂપી તરવૈયો હોય અને તેના સંગાથી બનીને જો તરતાં રહેવાય, તો પ્રતિકૂળ સંજોગોની મુશ્કેલીઓમાં, કે સંસારી સમસ્યાઓનાં કોયડાં ઉકેલવામાં ક્યાંય અટવાઈ ન જવાય કે મોહમાં અટકી ન જવાય. જેમ નાના બાળકને ટ્રાફિકમાં રસ્તો ક્રોસ (ઓળંગતાં) કરતાં ન આવડે, એટલે માતા-પિતા એની આંગળી પકડીને અથવા બાળકને ઊંચકી લઈને રસ્તો ક્રોસ કરે; તેમ જ્ઞાની-ભક્તનું સાંનિધ્ય કર્મસંસ્કારોના આવરણને-અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનાં ટ્રાફિકમાંથી પસાર થવાનો રાહ દર્શાવે છે. એવાં રાહ રૂપે સાત્ત્વિકભાવની શીતળ છાયાનું પુરણ થતું જાય અને ભક્તિભાવથી અંતર પ્રયાણ થતું જાય. તેથી જ સાંનિધ્ય રૂપે ભાવની સાત્ત્વિકતા ધારણ કરવા માટે ગુરુના અનુયાયી(ફોલોઅર) નહિ, પણ સંગાથી(ફેલોબીઈંગ) બનવાનું છે. એટલે જ હે પ્રભુ આપનામાં સમાઈ જવાય એવો રાહ મળે અને અંતરગમન થાય એવી અનન્ય કૃપાનું દાન ધરજો.’’

રાહ દેખાડો, રાહ દેખાડો, રાહ ન જોવાય પળવાર, કાઢુ દિવસ રોઈ રોઈ...

રાખો નહિ તો રાખમાં મળી ક્યાંથી શોધશું,

રક્ષા કરો ને રાહ દેખાડો, મારે આપમાં ભળવું;

રોવું નથી સહેવું નથી આ સંસારની દાહ આગવી,

આવવું છે તારી પાસ પ્રભુ, જ્યોતિ સહારો લઈ;

માટીની હાંડી ને માટીની કુંડી માટીમાં ભળી જશે,

 આત્માની પાંખો આત્માને લઈને, પ્રકાશમાં ભળી જશે;

ઉદ્ધાર કરજો આ આત્માનો મને રાહ દેખાડતાં જાવ,

 મને રોતો નહિ તમે રાખતાં, મને રાહ દેખાડતાં જાવ.

જ્ઞાની-ભક્ત રાહબર (માર્ગદર્શક) બની રાહનું સત્ દર્શન ધારણ કરાવે, ત્યારે જન્મ-મૃત્યુના આવાગમનનો રસ્તો બંધ થાય અને અંતરની વિશાળતામાં વિહાર કરાવતી અંતરભક્તિમાં ધ્યાનસ્થ થવાય. પછી અંતર યાનની શાંત અવસ્થામાં પ્રકાશિત દર્શન થાય. પ્રકાશ દર્શન એટલે આત્માનું અનંત તત્ત્વગુણોનું પ્રભુત્વ પ્રકાશિત થવું. કર્મસંસ્કારોનું આવરણ વાદળની જેમ એટલું ગાઢ હોય છે, કે મન પોતે આત્માનો જ અભિન્ન અંશ હોવા છતાં આત્મીય પ્રકાશની અનુભૂતિ કરી શકતું નથી. આપણને સૌને ખબર છે, કે વરસાદના દિવસોમાં વાદળોનાં લીધે સૂર્યદેવનાં પ્રત્યક્ષ દર્શન નથી થતાં. પરંતુ સૂર્યદેવની હાજરીના લીધે દિવસનો આછો ઉજાસ પથરાયેલો રહે છે. એ જ રીતે પ્રભુની આત્મીય ચેતનાનો ઉજાસ હોવાથી આપણે સૌ જીવંત જીવન જીવી શકીએ છીએ તથા ઈન્દ્રિયગમ્ય પદાર્થોને ભોગવવાનું ઊર્જા બળ શ્વાસ રૂપે પ્રાસ કરી શકીએ છીએ, વિચારોથી સારું-ખરાબનો ભેદ પારખી શકીએ છીએ, બુદ્ધિ પૂર્વક નિર્ણય કરી શકીએ છીએ.

 

આમ પ્રભુને મેળવવાનો નથી, કે આત્મ સાક્ષાત્કારની સ્વાનુભૂતિ કોઈ બીજી વ્યક્તિ કરાવી શકે એમ નથી. સ્વયં હું પ્રભુનો અંશ છું, એ શાતાભાવની સાત્ત્વિકતા જાગૃત થાય, ત્યોર અજ્ઞાનવશ પોતાને શરીર માનવાનું મિથ્યાભિમાન ઓગળતું જાય. હું શરીર છું, હું કર્તા છું, હું જન્મ-મૃત્યુ પામવાવાળો દેહ છું, એવી અજ્ઞાની વૃત્તિ-વિચારોનું આવરણ(વાદળો) સાત્ત્વિકભાવની જાગૃતિ રૂપે ઓગળી જાય, ત્યારે હું જે છું, તે સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રકાશિત ગતિમાં ગતિમાન થવાય. તે જ છે મોક્ષની મુક્ત અક્ષય ગતિ, જ્યાં કર્મસંસ્કારોના આવરણનું બંધન નથી, પણ પ્રકાશિત આત્મીય પ્રીતની ગતિમાં એકરૂપ થવાનો આનંદ છે.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

 

 

 

Read More
book img
પ્રભુ એટલે મંદિરમાં વસેલો સીમિત દેખાવ નહીં

કોઈ પણ માનવીની ઓળખ એનાં વિચારોનાં તથા વાણીના વર્તનથી થાય. મોટેભાગે આપણે ઓળખ રૂપે આકારિત શરીરના બાહ્ય દેખાવને જોઈએ અને નામ, અટક, સરનામુ, જ્ઞાતિ વગેરેથી પરિચિત થઈએ. દરેક માનવીના વિચારો અલગ હોય છે, કારણ દરેકના અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારો ભિન્ન હોય છે. તેથી દરેક માનવીના કાર્ય કરવાની પદ્ધતિ પણ જુદાં જુદાં પ્રકારની હોવાથી આપણાં સોની ઓળખ એકસરખી હોતી નથી. પ્રેમ કે લાગણીની અભિવ્યક્તિથી પણ ઓળખ થાય અને રાગ-દ્વેષ-લોભ-મોહ ક્રોધ વગેરે વૃત્તિના સ્વભાવથી પણ થાય. આવી ઓળખાણની ખાણનું ધન લોકિક, કે સામાજિક વ્યવહારમાં કામનું છે. પરંતુ અલૌકિક જગતની સૂક્ષ્મતામાં જો પ્રેમભાવનું કે સમર્પણભાવની સાત્ત્વિકતાનું ધન હોય, તો એવાં સાત્ત્વિક ગુણોનાં ધનની ઓળખાણથી આત્મીય અંતર સ્તરોમાં સહજ વિહાર થતો જાય. તેથી જ આપણી ભારતીય સંસ્કૃતિમાં બાળપણથી મનની ખીલવણીના સંસ્કારી સિંચનની ઘણી મહત્તા છે. જેથી મનનું માનસ ભાવની ગુણિયલતાને ધારણ કરી શકે.

 

મનની ખીલવણી એટલે મન જે આત્મીય ચેતનાનો અંશ છે, તે અંશમાં આત્માના સાત્ત્વિક ગુણો રૂપી બીજ સુષુપ્ત રૂપે સમાયેલાં છે. તે ગુણિયલ બીજ સાત્ત્વિક વર્તન રૂપે ખીલે, તે છે મનની ખીલવણી અને એવી ખીલવણી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાથી થાય, ત્યારે જાગૃતિના સંચાર રૂપે સદાચરણ ધારણ થાય. જેમ બીજમાંથી કળી ખીલે અને છોડ ખીલતો જાય અને તે માટે પાણી, સૂર્યપ્રકાશ, ખાતર વગેરેથી માવજત કરવી પડે. એ જ રીતે મનની સાત્ત્વિકભાવની ખીલવણી માટે સાત્ત્વિક વિચારોનું ચિંતન થવું જોઈએ. શ્રવણ, અધ્યયન, કીર્તન, વગેરેથી ચિંતનની સહજતા ધારણ થતી જાય અને તે માટે પાણી, ખાતર, સૂર્યપ્રકાશ પણ જોઈએ. આ બધું જ મેળવવા માટે કોઈ દુકાનમાં જવું ન પડે, પણ પ્રકૃતિ જગતમાં કુદરતી રીતે તે મળી જાય છે.

 

પ્રકૃતિ જગત આપણને સતત અર્પણ કરે છે. અર્પણ કરેલી કુદરતી વસ્તુઓ કે પરિસ્થિતિઓનું જો યોગ્ય રીતે સંકલન કરીએ, તો બીજમાંથી ક્ળી અને કળીમાંથી છોડ જેમ આપમેળે ઊગે છે; તેમ મનની ભીતરમાં સમાયેલાં સાત્ત્વિક ગુણોનાં બીજને ખીલવવા માટે ભક્તિભાવથી, સમર્પણભાવથી, અકર્તાભાવથી, પ્રેમભાવથી સ્વમય ચિંતન રૂપે સંકલન થવું જોઈએ. સ્વમય ચિંતનથી થયેલાં સંકલનમાં ઈન્દ્રિયગમ્ય નાશવંત પદાર્થોને ભોગવવાનું આકર્ષણ ઘટતું જાય અને પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ થતી જાય. એવી પ્રતીતિ રૂપે મારું-તારુંનો ભેદભાવ અને એકબીજા સાથે સરખામણી કરવાનો સ્વભાવ બદલાતો જાય, ત્યારે અંતરની સૂક્ષ્મતા કે વિશાળતાથી પરિચિત થતાં જવાય. સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં મન સ્થિત થઈ શકે, જો બાળપણથી માતા-પિતાની સંગમાં મન કેળવાતું જાય. કેળવાયેલાં સંસ્કારી વર્તનને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાની લગની સહજ લાગે છે.

 

સંસ્કારી મનને તર્કબદ્ધ વિચારણાથી કે દૃષ્ટાંતોથી જીવંત જીવનનો મહિમા સમજાવવો ન પડે. કારણ ન પરિવારના સંસ્કારી વાતાવરણમાં સમજ શક્તિ આપમેળે ખીલતી જાય છે. વાસ્તવમાં આપણે સૌ બાળપણથી રોજબરોજની વિવિધ પ્રવૃત્તિઓને યોગ્ય રીતે કરવાનું શીખ્યાં હતાં. ધીમે ધીમે શરીરની ઉંમર પ્રમાણે, શાળા-કોલેજના અભ્યાસની કેળવણીથી મનનો ઉછેર થતો ગયો. રોજબરોજની પ્રવૃત્તિઓથી તેન છી  10 રત ઘડાતું ગયું. ઘડતર રૂપે તન-મનની પ્રકૃતિથી જાણકાર થવું જરૂરી છે. કારણ મનનું જોડાણ આકારિત શરીર સાથે છે જેવો સ્વભાવ તેવું શરીરનું આરોગ્ય. આ હકીકતના જો સ્વીકાર થાય, તો સ્વભાવનું પરિવર્તન કરાવતાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન થાય અને જ્ઞાન-ભક્તિના સદાચરણ તરફ મન ઢળતું જાય. માનવી મન સદાચરણ તરફ સહજ ઢળતું નથી, કારણ સાત્ત્વિક વિચારોના અધ્યયનને અટકાવતો રાગ દ્વેષાત્મક વર્તનનો મોહ છૂટતો નથી.  સ્વયંને જાણવાની જિજ્ઞાસા જ્યારે જાગે છે, ત્યારે સાત્ત્વિક વિચારો અનુસારનું પરોપકારી વર્તન સહાયભૂત થાય છે. પરોપકારી સ્વભાવમાં અર્પણ કરવાની ભાવના હોય, જે બીજાના દોષ ન જુએ તથા શંકા, કે વહેમના વિચારોથી મુક્ત રહે, ત્યારે પ્રભુની આત્મીય ચેતના સર્વે કૃતિમાં છે એવાં સમભાવથી જીવન જિવાય. અર્પણભાવની, નિર્દોષભાવની, સમત્વભાવની ખીલવણીમાં આકારોની વિભિન્નતાના ભેદ પછી વિસારાતાં જાય અને અભેદ આત્માનાં સત્ દર્શનમાં ઓતપ્રોત થતાં જવાય. મન પછી બની જાય ભાવની જાગૃતિનું ગુણિયલ આસન. તે કદી ઉચ્ચ-નિમ્ન કક્ષાના જાતિ ભેદમાં ન અટવાય, પણ સૌ જીવંત દેહધારી કૃતિઓ પ્રભુની છત્રછાયામાં વીંટળાઈને જીવે છે, પ્રભુની આત્મીય ચેતનાના ધનમાં આળોટે છે, જે સર્વેને શ્વાસ રૂપે પ્રાપ્ત થયાં કરે છે. એવા એકમભાવની સુમેળતાથી ભક્ત જીવે અને બીજા માનવીમાં સ્વયંને જાણવાની, પ્રભુની પ્રતીતિ કરવાની જિજ્ઞાસાને જ્ઞાન-ભક્તિના સત્સંગથી જગાડે છે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
ભક્તિભાવનું સદાચરણ સ્વયંભૂ જાગૃત થાય છે

પરિવારના સભ્યોનું ભરણપોષણ કરતો ગૃહસ્થી માનવી, મોટેભાગે પોતાની જવાબદારીના કાર્યો કરવામાં વ્યસ્ત રહે છે. રોજબરોજના વ્યવસાયિક કાર્યો કરવામાં સમય સજ્જ પસાર થઈ જાય છે અને શરીરની ઉંમર વધતી જાય છે. શરીરની ઉંમર સાથે જો મનનું માનસ વિશાળ થાય, સાત્ત્વિકગુણોથી ખીલતું જાય, તો મનુષ્ય જન્મનો ફેરો સફળ થાય. પરંતુ દૈનિક જીવનનાં કાર્યોની વ્યવસ્તતામાં, જોઈએ એટલાં પ્રમાણમાં મનનો વિકાસ થતો નથી. એટલે મારું-તારું-પરાયુંની સાંકળમાં બંધાઈને, માત્ર દૈહિક સ્તરનું જીવન માનવી જીવે છે. તેથી જ આપણી ભારતીય સંસ્કૃતિના સાત્ત્વિક સંસ્કારોને સમયે સમયે પ્રદર્શિત કરતી સંત કે યોગી મતિ, તહેવારોની ઉજવણીના મહિમા ગૃહસ્થી મનને દર્શાવતાં રહે છે. જેથી સદાચરણના માર્ગે ભક્તિભાવની નિષ્ઠાથી પ્રયાણ થઈ શકે.

 

સામાન્ય રૂપે માનવી એવું સમજે છે કે શ્રાવણ મહિનો એટલે પુણ્ય ભેગું કરવાનો સમય. પરંતુ માત્ર પરંપરાગત ઉજવણીની વિધિઓ કરવાથી કે ઉપવાસ પુણ્ય ભેગું ન થાય. ઉપવાસથી શરીરની શુદ્ધિ કદાચ થઈ શકે, પણ રાગદ્વેષાત્મક અહંકારી સ્વભાવની શુદ્ધિ તો જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાંથી જ થઈ શકે. અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનાં લીધે રાગ-દ્વેષના વિચારોમાં મન બંધાયેલું રહે છે. એવાં બંધાયેલા મનનું અજ્ઞાની માનસ ઉપવાસ કરે, પણ મનનો ઉપવાસ થતો નથી. એકવાર ફરાળ ખાઈને જે ઉપવાસ થાય, તેમાં ઈર્ષ્યા, ક્રોધ, લોભ, શંકા વગેરે નકારાત્મક અહંકારી સ્વભાવનો ઉપવાસ થતો નથી. એટલે મનની ભીતરમાં સુષુપ્ત રહેલું સાત્ત્વિક ગુણોનું પુણ્ય જાગૃત થતું નથી. પુણ્ય એટલે પ્રભુના પાવન ગુણોની સાત્ત્વિકતાનો યોગ થવો અને એવી સાત્ત્વિક યોગની જાગૃતિ મનમાં સુષુપ્ત રહે, તે છે રાગ-દ્વેષાત્મક પાપ વૃત્તિનું વર્તન. વાસ્તવમાં વધતે ઓછે અંશે માનવી મનમાં પાપ વૃત્તિ હોય છે. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહેવાથી પુણ્ય વૃત્તિનો ઉદય સાત્ત્વિક ગુણોની જાગૃતિ રૂપે જેમ જેમ થાય, તેમ તેમ રાગ-દ્વેષાત્મક પાપ વૃત્તિનો અસ્ત થાય છે.

 

જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતાં આધ્યાત્મિક સત્સંગની લગની જ્યારે જાગે છે. ત્યારે પુણ્યોદયની સાત્ત્વિકતા ઘારણ થાય અને અજ્ઞાની માનસનો અહંકાર વિલીન થવાની શરૂઆત થાય. પરંતુ તે માટે મનને વારંવાર જ્ઞાન-ભક્તિની ધારામાં ઝબોળવું પડે. અર્થાત્ શ્રવણ ભક્તિ સ્વરૂપે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય અને તે ભાવાર્થ અનુસારનું વર્તન પ્રેમભાવની સુમેળતાથી ધારણ થતું જાય, તે છે શાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવું. જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિના સદાચરણની મહત્તાને જાણે છે એટલે પોતાની જવાબદારીના કાર્યો તે સાત્ત્વિકભાવની નિષ્ઠાથી, એટલે કે અર્તાભાવની સમતોલતાથી કરવાનો પુરુષાર્થ કરતો રહે છે. જેથી સદાચારી વિચાર-વર્તનનો ઘડો મન બની શકે અને તે ઘડાની છાલકથી બીજા માનવીમાં ભક્તિભાવની જાગૃતિના સંસ્કાર જાગી શકે. ભક્ત કદી સાત્ત્વિક વિચારોની સમજૂતીથી, કે આધ્યાત્મિક શબ્દોની સમજૂતીથી જ્ઞાન ભક્તિની સરિતામાં ન તરે. એ તો પ્રેમભાવની સહજતાથી, જ્ઞાતા ભાવના સંવેદનથી અંતરની સૂક્ષ્મતા તરફ પ્રયાણ કરતો રહે.

 

ભક્તિભાવનું સદાચરણ સ્વયંભૂ જાગૃત થાય છે. તેથી ભક્ત એક પંખીની જેમ જ્ઞાન-ભક્તિની બે પાંખો સાથે અંતરની સૂક્ષ્મતામાં વિહાર કરતો રહે છે. ભક્ત માટે અંતર વિહાર મુશ્કેલ નથી. કારણ તે પ્રભુ સાથેની ઐક્યતાની, પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ, સંસારી કે આધ્યાત્મિક કાર્યો કરતી વખતે કરતો રહે છે. આત્મીય સંબંધની પ્રતીતિ કરવી, એટલે ભક્તના મનમાં પ્રભુની તંત્મીય દિવ્ય ચેતનાનો સ્વીકાર સ્પષ્ટતાથી થયો હોવાંથી, તે કોઈ પણ કાર્ય કરતી વખતે અનુભવે કે, “જેનાં આધારે જીવું છું તેની જ શક્તિથી કાર્યોની પ્રક્રિયા થઈ શકે છે. તે દિવ્ય ઊર્જાની શક્તિની સાક્ષાત્ હાજરીના લીધે શરીરની જીવંત સ્થિતિ છે અને મન સાર-અસારની વિવેકી દૃષ્ટિથી વિચારી શકે છે. જેમ હું પ્રભુની છત્રછાયામાં જીવું છું, તેમ સર્વે જીવંત કૃતિઓ પણ જીવે છે. પ્રભુની દિવ્ય ચેતનાના સાંનિધ્યમાં જ કર્મસંસ્કારોનું આવરણ છેદાય એવી ભક્તિભાવની દિવ્ય શક્તિ આપમેળે જાગૃત થાય છે.''  ભક્તની જેમ જ્ઞાન-ભક્તિની નિષ્ઠાથી જીવવા માટે સામાન્ય મનની કક્ષાને થોડો પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ કરવાની આળસ કે કંટાળો ત્યારે ન આવે, જ્યારે પ્રભુ સાથેના આત્મીય સંબંધનો સ્વીકાર થાય તથા સ્વીકાર રૂપે શ્રવણ, અધ્યયનની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મન સ્થિત થતું જાય. ઘણીવાર આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવાનો સમય, વ્યવસાયિક કાર્યોની વ્યસ્તતાને લીધે મળતો નથી એવાં બહાના કાઢી મન પુરુષાર્થ કરવાનું ટાળે છે. વાસ્તવમાં મન જો એકવાર નિશ્ચય કરે, તો જે કરવું છે તે કરવાનો સમય મળી રહે છે. સંસારી પ્રવૃત્તિઓમાં સમય બાધક નથી લાગતો, પણ સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જો સમય બાધક લાગે, તો તે અહંકારી મનની પલાયન વૃત્તિ છે. આરંભમાં સત્સંગની પ્રવૃત્તિ માટેનો સમય કાઢવા માટે સંસારી પ્રવૃત્તિને છોડવી પડે. અધ્યયનથી અને શ્રવણ ભક્તિથી સત્- અસત્નો ભેદ સમજાય, પછી સંસારી પ્રવૃત્તિઓ કરતી વખતે જ મન સજાગ રહે છે અને રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષ્યા વગેરે અહંકારી વૃત્તિ-વિચારોનો અવરોધ ઓછો થાય એવાં નિર્મળ, સમતોલ, રાગ-દ્વેષના નકારાત્મક સ્વભાવનું પરિવર્તન થાય. ધીમે ધીમે માત્ર આકારિત કૃતિઓને જોતી મનોદષ્ટિ બદલાતી જાય અને પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતી સમ્યક્ દૃષ્ટિ જાગૃત થતી જાય. એટલે ભક્ત સદા પ્રભુને પ્રાર્થના કરતો રહે કે..

 

“હે નાથ, તમે છો એટલે મારું અસ્તિત્વ ઘડાયું, એ આપની કૃપાથી જણાયું;

પરંતુ હુંની હસ્તી જ્યાં સુધી જીવે છે, ત્યાં સુધી આપના સાત્ત્વિક ગુણો સુષુપ્ત રહે છે;

કૃપા કરી હું ને ઓગાળતી આપની ભવ્ય ભગવત્ શક્તિનું દાન અર્પો;

જેથી અંતર ભક્તિની સૂક્ષ્મતામાં, આપના દિવ્ય દર્શનથી હું વિલીન થાય.

 

સંકલનકર્તા – મનસ્વિની કકોટવાલાતા

 

Read More
book img
સાત્વિક સ્વરૂપની મનની જાગૃતિ એટલે પ્રજ્ઞાાની

 

માનવી જીવન એટલે અનેક પ્રકારના સંબંધોના નિબંધની રચના એવી રચનામાં મનનો મહાભૂતોની પ્રકૃતિ સાથેનો સંબંધ હોવાંથી, માત્ર વ્યક્તિગત સંબંધોના નિબંધ નથી લખાતા, પણ પ્રકૃતિની દરેક કૃતિઓ સાથેના પરસ્પર સંબંધોમાં મન બંધાતું રહે છે. સંબંધોમાં મન બંધાતું રહે અથવા એક સંબંધને છોડી બીજા સંબંધમાં બંધાતુ જાય. મનોમન સંબંધો રૂપી નિબંધના લખાણ સતત લખાતા રહે અને તે છે દરેક માનવીના કર્મસંસ્કારોની લિપિ. કર્મસંસ્કારો એટલે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓના લીધે વસ્તુ,વ્યક્તિ, વાતાવરણ તથા પ્રકૃતિના પદાર્થો સાથેના નિબંધો લખાતા રહે છે. તેથી કોઈ પણ માનવી એવું ન કહી શકે કે, મારો કોઈની સાથે સંબંધ નથી.’

દરેક માનવીનો જન્મ સંબંધની રચનાત્મક ક્રિયાથી થયો છે. નવ મહિના અને નવ દિવસ સુધીના સમયમાં ‘મા’ના ગર્ભમા રહીને ‘મા’ના વહાલભર્યા સંબંધની પ્રતીતિ થાય છે, તે સમયમાં જ પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રીતને દરેક જીવાત્મા ‘મા’ના ગર્ભમાં માણે છે અને સાથે સાથે માતા-પિતાના ઉમંગભર્યા પ્રેમને પણ ઝીલે છે. આમ પોતાના શરીર સાથેનો સંબંધ બંધાયો ત્યારે શરીરનો વિકાસ દોઢ મહિનાનો હતો અને શરીર સાથે જીવ સંબંધ બાંધી શક્યો, કારણ પ્રભુ સાથેનો આત્મીય સંબંધ અકબંધ હતો. નવ મહિના સુધી માતાના ગર્ભ સાથેનો, એટલે કે માતાના શરીર સાથેનો વહાલભર્યો સંબંધ બંધાયો હોવાથી, જીવને માનવ શરીરની પ્રાપ્તિ થાય છે. માતાના ગર્ભ સાથેનો સંબંધ છૂટી જાય, ત્યારે જન્મ રૂપે આકારિત જગતમાં પ્રવેશ થાય અને આકારિત જગતની અનેક કૃતિઓ તથા પ્રકૃતિના પદાર્થો સાથેના સંબંધોની ગાથા પછી રચાતી જાય. આ સંબંધિત રચનાત્મક ક્રિયાઓના લીધે જ માતાના ગર્ભમાં માનવ શરીરના આકારની રચના જ્યારે શરૂ થઈ, ત્યારે રચનાત્મક અણગીન ક્રિયાઓ પ્રભુની ઊર્જા શક્તિના લીધે થતી રહી. શરીરના જન્મથી મૃત્યુ સુધીના જીવનમાં ઊર્જાની ચેતનાના લીધે રચનાત્મક ક્રિયાઓ અવિરત થતી રહે છે.

બાળક મોટું થાય પછી બોલતાં, ચાલતાં, ઓળખતાં શીખે અને અનેક પ્રકારના સંબંધોના તાર ગૂંથાતા જાય. પરિવાર સાથેના વ્યક્તિગત સંબંધો, પ્રકૃતિ જગતની અનેક કૃતિઓ તથા વસ્તુઓ સાથેના સંબંધોનું જીવન જેમ જેમ જિવાતું જાય; તેમ તેમ પ્રારબ્ધગત કર્મસંસ્કારો અનુસાર તન-મનના દેહનો ઉછેર થતો જાય. આમ પોતાના શરીરના આકાર સાથે બંધાયેલું મન, પોતાની કે બીજાની ઓળખ શરીરના બાહ્ય દેખાવથી ઓળખે છે. તેથી પોતે શરીર છે એવી અજ્ઞાનભરી માન્યતામાં બંધાઈને માનવી જીવે છે. એવાં જીવનમાં સીમિત લૌકિક વિચારોથી કેટલીયે પરિસ્થિતિ કે આકારિત કૃતિઓ સાથે સંબંધ બંધાતા રહે છે. સંબંધિત જીવનની પ્રતિકૂળ કે સાનુકૂળ ઘટનાઓ સાથે સંલગ્ન થઈને સુખ-દુઃખનો અનુભવ મન કરતું રહે છે. આવું જીવન સૌ કાઈ જીવે છે અને તે સહજ છે. પરંતુ તળવયથી જો માતા-પિતાની તથા શિક્ષકોની છત્રછાયામાં અજ્ઞાની માન્યતાની જાણકારી મળે, તો યુવાન વયે મન પોતે જ સત્ જ્ઞાન તરફ ઢળતું જાય અને તન-મનના દેહનો ઉયોગી હેતુ સમજાય.

સંબંધિત વિચારોમાં ફરતાં રહેતાં મનની વૃત્તિ મુસાફર જેવી છે. મુસાફર જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને ફરતો રહે; તેમ સંસારી મન પણ એક સંબંધિત વિચારથી બીજા વિચારોમાં ફરતું રહે છે. વિચારોમાં ફરતાં મનને કદી થાક લાગતો નથી. એવાં મનને જો આધ્યાત્મિક ચિંતનમાં ફરવાનું કહેવામાં આવે, તો એને ફણવાનો કંટાળો આવે છે. એ બહાના કાઢે કે અત્યારે અનુકૂળ પરિસ્થિતિ નથી એટલે જ્ઞાન-ભક્તિના સત્સંગનો મારી પાસે સમય નથી. સત્સંગ માટે સમય નથી કારણ વ્યવહારિક જીવનની વ્યસ્તતા છે. પરંતુ વ્યસ્ત જીવનમાં જો બહારગામ જવાનું નક્કી કરે, તો કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ બાધક ન લાગે અને બહારગામ જવાનો કંટાળો પણ નહિ લાગે. પ્રતિકૂળ પરિસ્થિતિની મુશ્કેલીઓને જેમ માનવી બહારગામના સ્થળે ભૂલી શકે છે અને મોજ-શોખમાં સમય પસાર કરી શકે છે,ત મ મન જો કેળવાય સાત્ત્વિક વિચારોના અભ્યાસથી, તો જ્ઞાન-ભક્તિના સત્સંગમાં, પોતાની મુશ્કેલીઓને ભૂલીને એકાગ્રતાથી તે શ્રવણ ભક્તિમાં સ્થિત થઈ શકે છે. મનુષ્ય જન્મની શ્રેષ્ઠતાનું તથશ દુર્લભતાનું તાત્પર્ય સંતો, યોગીઓ વારંવાર દર્શાવતાં રહે છે. જેથી જીવંત જીવનના યથાર્થ મર્મને માનવી જાણીને સમજી શકે. માર્મિક સમજ અનુસાર જો જીવન જિવાય, તો પ્રભુ સાથેની એક્માતાના આત્મીય સંબંધની અનુભૂતિને માણી શકાય. જિજ્ઞાસુ ભક્ત જીવંત જીવનનો મર્મ જાણે છે, કે જીવવું એટલે આકારિત શરીરની સંગમાં રહીને, દસ ઈન્દ્રિયોના સહારે જે વ્યવહારિક સંસારી જીવન જિવાય એમાં અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્તિનો રાહ સાત્ત્વિક વર્તનથી મળતો જાય. દસ ઈન્દ્રિયોના સંબંધથી દુન્યવી સ્તરે પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ મન કરતું રહે છે. એવા અનુભવમાં મનનો સાત્ત્વિકભાવ જાગૃત હોય, તો સ્વયંના સ્વ સ્વરૂપની પ્રતીતિ થતી જાય. મન પર પથરાયેલું અતૃપ્ત ઈચ્છાઓનું આવરણ પછી જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે વિલીન થતું જાય. સદાચરણની સુવાસ મનોમન પ્રસરતાં, દુન્યવી વસ્તુ, વ્યક્તિ, કે પદાર્થોનો અનુભવ કરવાનો મોહ ઘટતો જાય અને અનુભવ કરાવનાર પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ કરવાની તરસ પ્રબળ થતી એવી તરસ સ્વરૂપે પ્રભુ સાથેના આત્મીય સંબંધનો તાર પ્રજ્વલિત થાય અને તે કારણ કોઈ કાળે કે કોઈ પણ સંજોગોમાં તે તૂટી શકે એક નથી. એવા શાશ્વત સંબંધને ભક્ત માણે, ત્યારે અંતર ભક્તિ સ્વરૂપે એની મનોવૃત્તિઓ વ અનુભૂતિમાં ધ્યાનસ્થ થાય તેથી ભક્ત સદા ગૌરવપૂર્વક જણાવે કે..,

 

તોડ્યો તોડાય નહિ સાંધ્યો સંધાય નહિ, એવો સંબંધ છે નાથ...

પારણામાં ઝૂલતાં કે હિંડોળે હીંચતા, છોડ્યો નથી તારો હાથ...

 અંતરની ભક્તિ કરી જન્મ લીધો છે અહીંયાં, મારે રહેવું છે તારી સાથ,

 સમજાવે સમજે નહિ નખરાળો નાથ મારો, આજે કરવો છે સંગાથ...

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
મૌનમાં સ્મરણ - રટણનું પણ મૌન થાય

આપણે સૌ દ્વૈત (બે) પ્રકારની પ્રકૃતિનું જીવન જીવીએ છીએ. અર્થાત્ બે પ્રકારની ભિન્ન સ્થિતિનું દૈહિક જીવન છે. જગતમાં અનેક પ્રકારની આકૃતિઓ છે. એટલે પ્રકૃતિ જગતની વિવિધ અભિવ્યક્તિ અનુભવાય છે. બે પ્રકારની ભિન્નતાના લીધે મન દરેક પરિસ્થિતિનું તોલમાપ કરે અને તેની સરખામણી કરીને તફાવત જાણવાનો પ્રયત્ન કરે. પરંતુ વાસ્તવિક્તા એવી છે કે મનની મૂળભૂત સ્થિતિ અભિન્ન આત્મ સ્વરૂપની હોવાંથી માનવીનું મન ભિન્નતાને જાણી શકે છે. તેથી આ જગતની કોઈપણ પ્રકારની સ્થિતિના તફાવતને, કે ભિન્નતાની અસમતોલતાને જાણી શકવાની સમર્થતા મન ધરાવે છે. મનની આવી સમર્થતા હોવાં છતાં તે સ્વયંની સમતોલ તટસ્થ સ્થિતિને ધારણ કરી શકતું નથી. કારણ કે તે લોકિક જગતના સીમિત પદાર્થોને ભોગવવાની આસક્તિમાં બંધાયેલું રહે છે. તેથી મનનો સ્વભાવ સમતોલ હોવાં છતાં અતૃમ ઈચ્છાઓના આવરણને લીધે અસમતોલ થઈ, દ્વેત પ્રકૃતિની ભિન્નતામાં આસક્ત રહે છે. એવાં આસક્ત મનને પોતાના આત્મ સ્વરૂપની પ્રતીતિ થતી નથી.

 

એવાં આસક્ત મનને જો પ્રભુ કૃપા સ્વરૂપે સત્સંગનો મહિમા સમજાય તો શ્રવણ, અધ્યયનથી એટલું સમજાય, કે પ્રકૃતિ જગત એટલે જ સતત પરિવર્તનની ક્રિયા. એવી પરિવર્તનની ક્રિયા સ્વરૂપે દરેક આકૃતિઓ કે તન-મનની દેહધારી સ્થિતિ વૃદ્ધિ-વિકાસને ધારણ કરે છે. આ સતત થતી ક્રિયાનો આશય જો સમજાય, તો સરખામણી કર્યા કરતી ભેદભાવની મનોષ્ટિ બદલાતી જાય. પછી અપરિવર્તનશીલ આત્મસ્વરૂપને જાણવાની તીવ્ર જિજ્ઞાસા જાગે. મનોમન સમજ શક્તિના તાર પછી પ્રજ્વલિત થતાં જાય અને આત્મસાત થતું જાય કે આત્માની સમતોલતા છે અને સમતોલ સ્વરૂપની સમાનતામાં કોઈ ભિન્નતાના ભેદ નથી. આમ મન જેમ જેમ જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં તરતાં સ્વમય ચિંતનથી કેળવાતું જશે, તેમ તેમ લોકિક વ્યવહારમાં ઓછાં શબ્દો બોલવાની ટેવ પડશે. વધારે પડતાં શબ્દોનું ઉચ્ચારણ ત્યારે કરવું પડે, જ્યારે સમજ શક્તિનો અભાવ હોય. અથવા પોતે જે જાણે છે તે જ સાચું છે, તે પુરવાર કરવાની મથામણ હોય, અથવા બીજાને ફોન સમજી પોતે કરાપાર છે એવાં અભિમાનનો કો ફ્લાવવાનું ગમતું હોય,

 

વાણીનું મૌન થાય, એટલે કે બિનજરૂરી શબ્દોનું ઉચ્ચારણ ઓછું થાય, ત્યારે જ સ્વયંની પ્રતીતિ કરાવતી જ જ્ઞાન-ભક્તિની સરિતામાં સહજતાથી તરતાં રહેવાય. જેટલી તરવાની સહજતા, તેટલી મનની સૂક્ષ્મ સમજની પરિપક્વતા. પછી આધ્યાત્મિક અંતરયાત્રા અટક્યાં વગર થયાં કરે અને પરિપક્વ મનને સમજાતું જાય કે, ‘‘સતત સરતી સમયની ગતિ, તે જ છે સતત પરિવર્તનની પ્રક્રિયા, જેના પરિણામ રૂપે દેહધારી જીવંત જીવન જીવી શકાય છે. એટલે જીવનમાં ઉતાર-ચઢાવની જે ઘટમાળ આવે છે, તે પણ બદલાતી રહે છે. વળી જે પણ ઘટનાઓ મારા જીવનમાં ઘટે છે, તે મેં જ કરેલા કર્મોના પરિણામ છે. એટલે કોઈપણ સ્થિતિની સરખામણી કરવાને બદલે એમાં સમાયેલી આત્મીય ચેતનાની જો પ્રતીતિ કરું, તો એ સ્થિતિ રૂપે પ્રગટ થયેલી આત્મીય ગુણોની ઊર્જાના સ્પંદનો ધારણ થાય. એવાં પાવન સ્પંદનોથી કંઠ ઈન્દ્રિય પછી પ્રભુની સ્તુતિમાં લીન રહે અને ભેદભાવની મનોદૃષ્ટિ ઓગળતી જાય.’’ જિજ્ઞાસુ ભક્તની આવી સમજ શક્તિ વધતી જાય અને વાણીના મૌન સ્વરૂપે સાત્ત્વિક ભાવની જાગૃતિ તરફ પ્રયાણ થતું જાય.

 

વાણીના મૌન સાથે મનના વિચારોનું મૌન પણ સંકળાયેલું છે. એટલે જિજ્ઞાસુ ભક્ત દરેક પરિસ્થિતિના ઉતાર-ચઢાવમાં સારી કે ખરાબ એવાં લેબલ લગાડ્યાં વગર પોતાનું કર્તવ્ય કરતો રહે છે. ઘટના મુજબ કર્તવ્ય કરવું પડે છે એમાં પોતાના કર્મસંસ્કારોના હિસાબ પૂરા થાય છે. એવાં હકારાત્મક ભાવની સમતોલતાથી અંતર મનની સુલભતા ધારણ થતી જાય અને મૌન સ્થિતિની ગરિમા (પ્રતિભા) જળવાતી જાય. વ્યવહારિક કાર્યો કરતી વખતે જો ઓછું બોલાય, તો મોનની સમતોલતા અનુભવાય. સ્વયંનું આત્મ સ્વરૂપ સમતોલ, અપરિવર્તનશીલ, શાશ્વત, સચ્ચિદાનંદ સ્વરૂપની ચેતના છે અને તેનું સાત્ત્વિક ભાવનું સંવેદન વિચારોના મોનથી ધારણ થાય. અર્થાત્ આત્મ સ્વરૂપની સમતોલ સમાનતા છે મૌન સ્વરૂપની ચેતના. આ ચેતનાની આત્મીયતામાં જ્ઞાની ભક્તનું અસ્તિત્વ મૌન ગતિથી ગતિમાન થાય, ત્યારે એનું અસ્તિત્વ દિવ્ય પ્રીતની ચેતનામાં એકરૂપ થાય. તે પોતે દિવ્ય પ્રીતને અર્પણ કરતો ઘડો બની જાય અને તે ઘડો પ્રીત ભાવથી છલકાય, ત્યારે બીજા જિજ્ઞાસુઓને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતું માર્ગદર્શન મળતું જાય.  જ્ઞાની ભક્ત માર્ગદર્શન રૂપે પ્રવચન ન કરે, એ તો પોતે જ પ્રભુ પ્રીતમાં ધ્યાનસ્થ રહે અને પ્રભુની સ્તુતિ ભજનમાં તલ્લીન રહે, ત્યારે એવી સ્વ ભક્તિની તલ્લીનતાનું સાંનિધ્ય જે માણે તેનામાં આત્મીય ચેતનાની ઊર્જાનું પૂરણ સ્વયંભૂ થતું જાય. જેનામાં પૂરણ થાય તેની સંકુચિત મનોદષ્ટિ આપમેળે વિશાળ થતી જાય. જ્ઞાની ભક્તની મૌન સ્થિતિમાં એવાં વિચારોના ભેદ ન હોય કે આ જિજ્ઞાસુ છે કે નહીં. એ તો જેને મળે તેને પ્રભુની અભિવ્યક્તિ રૂપે પ્રેમભાવથી સ્વીકારે. એવાં સ્વીકારમાં પ્રભુ પ્રીતના દિવ્ય સ્પંદનો પ્રસરે. તે સ્પંદનોનું દાન ઝીલનાર જો શંકા-સંદેહ વગર વાણીના મોનથી ઝીલે, તો એનાં મનમાં સુષુપ્ત રહેલો હૃદયભાવ જાગૃત થાય. પછી તે જિજ્ઞાસુ ભક્તને પ્રેમનો દેખાડ કરવો ન પડે. કારણ જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં નિઃસ્વાર્થ પ્રેમનો, એટલે કે દિવ્ય પ્રીતની ચેતનાનો સ્પર્શ ન થવાથી, બનાવટી પ્રેમનો દેખાડ કરવાનું બંધ થાય અને વાણીના મોનથી પ્રેમની અભિવ્યક્તિ થતી જાય.  વાણીના મૌનમાં પ્રેમની પ્રતીતિ થાય, ત્યારે મનની મૌન સ્થિતિ પ્રગટતી જાય; મૌનનો મહિમા અનુભવાય અંતરગમનમાં અને અંતર ભક્તિ સ્વરૂપે વિચારોની આવનજાવન શાંત થાય; મૌન રૂપે પ્રેમ અખૂટ વિહાતો જાય અને નિઃસ્વાર્થ પ્રેમનો ઘડો છલકાય મોનના ઉત્તરાયણમાં; મનના મૌનમાં સ્મરણ-રટણનું પણ મૌન થાય, ત્યારે આત્મીય પ્રભુત્વ સ્વયંભૂ પ્રગટતું જાય.

 

સંકલનકર્તા-મનસ્વિની કોટવાલા

 

 

Read More
book img
મારા ભવનો પાર ઉતારો

 

શહેરી જીવન એટલે આધુનિક સાધનોની સુખસગવડતા તથા અનેક પ્રકારની પ્રવૃત્તિઓની વ્યસ્તતા. પરંતુ શહેરની સુવિધાજનક નિરાંત હોવાં છતાં માનવી મેળવેલી સુખ સગવડતાને શાંતિથી ભોગવી શકતો નથી. કારણ જે વસ્તુઓની, કે વ્યક્તિગત સંબંધોની પ્રાપ્તિ છે, તે પોતાની ઈચ્છા મુજબની માનવીને નથી લાગતી, અધવા ઈચ્છા મુજબની પરિસ્થિતિ હોય છતાં સંબંધિત વ્યક્તિઓ સાથે મનમેળ ન હોય, અથવા જે પ્રાપ્ત સ્થિતિ છે તેને ભોગવ્યાં પછી એની ખોટ કે ઉણપ ન રહે, તે માટે વધુને વધુ પ્રાપ્ત કરવા માટેની મહેનતમાં માનવી પ્રસન્નતા, ઉત્સાહ, કે ઉમંગથી ભોગવતો નથી. એટલે સદીઓથી માનવી એવી શાંતિને શોધે છે, જ્યાં શરીરની તંદુરસ્તી સાથે પોતે એશોઆરામથી ભૌતિક પદાર્થોને ભોગવી શકે. એવી શોધમાં એક સત્યને માનવી ભૂલી જાય છે, કે શરીરના સાધનની તંદુરસ્તી માટે મનનું સાત્ત્વિક આચરણનું સ્વાસ્થ્ય જરૂરી છે. કારણ મનનો જેવો સ્વભાવ હોય અને વૃત્તિ-વિચારોની પ્રતિક્રિયા હોય, તેવાં નકારાત્મક રસાયણોના પ્રવાહથી અંગોની પ્રક્રિયા થતાં શરીરનું આરોગ્ય કથળતું જાય છે. અર્થાત્ રાગ, દ્વેષ, લોભ, ઈર્ષ્યા, ક્રોધ, અદેખાઈ વગેરે સંકુચિત વૃત્તિ-વિચારોના સ્વભાવની અસર શરીરના અંગોની પ્રક્રિયા પર થાય છે. સંકુચિત અહંકારી સ્વભાવના લીધે રોગી જંતુઓ સક્રિય થાય, જે શરીરના આરોગ્યને અસ્થિર કરે છે.

માનવીના સ્વભાવની જેવી પ્રકૃતિ, તેવી હોય શરીરના આરોગ્યની સ્થિતિ. તેથી મનની સાત્ત્વિક સ્વાસ્થ્યની જાગૃતિનો રાહ જ્ઞાની ભક્તો વારંવાર દર્શાવતાં રહે છે. જેથી જીવંત જીવનની અલભ્યતાને માનવી માણી શકે અને જે આશયથી માનવી જન્મ ધારણ કર્યો છે તે પૂરો થઈ શકે. સાત્ત્વિક સ્વભાવની કેળવણી માટે જ્ઞાની ભક્તોએ બે વસ્તુસ્થિતિની મહત્તા દર્શાવી, તે છે વાણી પર સંયમ અને મનમાં સમાધાન ભાવની વિશાળતા. આ બન્ને સ્થિતિ જો આત્મસાત થાય, તો ભક્તની જેમ કોઈપણ સંજોગોમાં પ્રસન્નતાનું અન્ન આરોગવા મળે અને એકબીજા સાથે પ્રેમભાવથી જીવન જીવાય. વાણીનો સંયમિત ઉપયોગ થાય, ત્યારે બિનજરૂરી શબ્દોના ઉચ્ચાર વગર કાર્ય થતાં, હકારાત્મક વૃત્તિની નિર્મળતા ખીલતી જાય છે, પરંતુ તે માટે નકામા વધારાના શબ્દો ન બોલવાની, કે એકની એક વાતનું પુનરાવર્તન ન કરવાની ટેવ પાડવી જોઈએ,

માનવી મોટેભાગે પ્રતિક્રિયાના વર્તનથી વ્યવહારિક જીવનના કાર્યો કરે છે. વાતવાતમાં ગુસ્સે થઈને ઉશ્કેરાઈ જવાનાં સ્વભાવથી સંબંધોમાં પ્રેમને બદલે કડવાશ-કંકાસ વધે છે. મારું-તારું-પરાયું એવાં ભેદભાવનાં વર્તનને લીધે સહિયારું કે એકબીજા સાથે હળીમળીને સમાધાનપૂર્વક જીવવાનું માનવીને મુશ્કેલ લાગે છે. અહંકારી સ્વભાવનો આડંબર હોય, ત્યારે વાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ હોય અને ‘હું કહું તે જ સાચું છે’ એવા હઠીલા સ્વભાવથી તર્કબદ્ધ દલીલોથી વાણીનું ઉચ્ચારણ થાય. વાણીના પ્રહારથી બદલો લેવાની વૃત્તિ વધે છે. ગમે તેટલો નિકટનો સંબંધ હોય, પણ ન બોલવાના શબ્દો બોલાય ત્યારે સંબંધ રૂપી વૃક્ષના મૂળ વાણીની કુહાડીથી કપાઈ જાય છે. વાણીથી જ એકબીજા સાથેના સંબંધો બંધાય છે અને કટુ વાણીથી જ સંબંધો દુશ્મનાવટમાં ફેરવાઈ જાય છે. તેથી વાણીનો સુયોગ્ય ઉપયોગ થવો જોઇએ. બીજાના મનને ઘાયલ કરે એવાં કડવા શબ્દોનું ઉચ્ચારણ જો યોગ્ય નથી, તો પ્રેમભાવ વગરની વાણી પણ પોકળ હોય છે. તેની અસર થતી નથી. તેથી શિક્ષક જ્યારે પ્રેમભાવની લાગણી વગર ભણાવે છે, ત્યારે વિદ્યાર્થીને સમજાતું નથી અને ભણવાનું ગમતું નથી.

 

આમ દરેકના જીવનમાં વાણીની ઉપયોગી મહત્ત્વતા છે. ભકતની જેમ જો તટસ્થભાવથી વાણીનો ઉપયોગ થાય, તો જીવંત જીવન રૂપે મળેલું સૌંદર્ય માણી શકાય અને પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ કરવા માટે સ્તુતિ કે ભજનના ગુંજન માટે વાણીનો સદુપયોગ થાય. તે માટે જ્ઞાન-ભક્તિનાં સત્સંગથી મનને કેળવવું જરૂરી છે. રાગ દ્વેષાત્મક સંકુચિત માનસની જેટલી અસ્થિરતા, તેટલી વધુ કેળવણીની આવશ્યકતા. તેથી મહિનામાં માત્ર બે વાર સત્સંગમાં હાજરી આપીએ, તો મનની અજ્ઞાની પ્રકૃતિનું પરિવર્તન સહજ થતું નથી. મનની ભીતરનું આત્મીય ગુણોનું સૌંદર્ય ત્યારે પ્રગટે, જ્યારે પોતાના અનુકારી સંચિત સ્વભાવના અવરીય અનુભવાય ગુરુના સાનિધ્યમાં તે સૌંદર્યના સાત્ત્વિક પ્રભાવનો અનુભવ થાય ત્યારે પોતાની ભૂલોનો, કે અવરોધક સ્વભાવનો પસ્તાવો થાય. એવો પસ્તાવો થાય તો ધીરે ધીરે છતાં મક્કમતાથી કીડીના સ્વભાવની જેમ મનની પ્રકૃતિને બદલવાનો પુરુષાર્થ થાય.  કીડીને કદી સાકરની સુગંધ પારખવાનો પુરુષાર્થ કરવો પડતો નથી, એટલે કે સાકરનું સ્મરણ કરીને કીડી સાકર તરફ પ્રયાણ કરતી નથી. એ તો સાકરની મીઠાશને માણવા જ્યાં સાકર હોય ત્યાં દોડીને પહોંચી જાય. તે સાકરનો સ્વાદ માત્ર પોતે ન માળે, પણ માણીને બીજી કીડી પણ માણી શકે તે હેતુથી સાકરના કણને ઊંચકીને લઈ જવાનો પુરુષાર્થ કરે છે. સાકરનો કણ ભારે છે કે હલકો એવાં વિચાર વગર પુરુષાર્થ થતો હોવાથી, બીજાને મીઠાશ અર્પણ કરવા માટે અટક્યાં વગર કીડી પુરુષાર્થ કરે છે. જ્યાં અટક્યાં વગરનો પુરુષાર્થ હોય, ત્યાં જ શ્રદ્ધાનું આસન દઢ હોય અને ત્યાં જ શંકા સંદેહ વગરની ગતિ પુરુષાર્થની ક્રિયાને સફળતા અર્પે છે. કીડીને પુરુષાર્થ કરવાનો કંટાળો કે આળસ નથી, તેથી થાકીને આરામ લેવા માટે વચ્ચે તે ક્યાંય અટકતી નથી. જ્ઞાન-ભક્તિની અંતરયાત્રા અટક્યાં વગર ત્યારે થાય, જ્યારે પ્રેમભાવથી, શરણભાવથી અધ્યયન થાય. સામાન્ય રૂપે માનવી ભયથી પ્રાર્થના કરે છે. જેથી પોતાની મુશ્કેલી કે દુઃખથી મુક્ત થવાય. ભક્તની જેમ નિઃસ્વાર્થ પ્રેમથી ભક્તિના રંગે રંગાઈ જવાય, તો આત્મીય ચેતનાની દિવ્ય પ્રીતનો સાક્ષાત્કાર થઈ શકે. પ્રભુ પ્રીતની ચેતનાને શોધવાની નથી. હું તે જ છું તેની અનુભૂતિ ભક્તિભાવથી થાય, ત્યારે ભીતરનું ચેતનાનું સૌંદર્ય સ્વયંભૂ પ્રગટતું જાય. તે માટે પ્રભુને વિનંતિ કરીએ કે, સાત્ત્વિક ભાવનો રંગ લગાડો, જેથી આત્માની ભૂખ નિઃસ્વાર્થ ભક્તિભાવથી સંતોષી શકાય.

રંગમાં રંગેલું જીવન, તારા રંગમાં રંગાવો,

મારું મન કાન્હામાં લાવો, એનો રંગ છે અનેરો,

 કાન્હા તારો રંગ છે મીઠો, સંસાર છે સૌ જુઠો,

આત્માને ભૂખ્યો રાખી અમે પેટ ભરીએ છીએ...

 જીવન રહ્યું છે થોડું, મીઠાશ એમાં લાવો,

તારો સાક્ષાત્કાર કરાવો, મારા ભવનો ભાર ઉતારો, મારા પાપનો ભાર ઉતારો...

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
મૌન સ્વયં સમાધિમાં સરી પડે

 

દ્રૌપદીએ જો વાણીનો યથાર્થ ઉપયોગ કર્યો હોત, એટલે કે અપમાનજનક શબ્દોની વાચાથી પ્રતિક્રિયા દર્શાવી ન હોત, તો મહાભારતનું યુદ્ધ નહીં થતું. અર્થાત્ વાણીના મૌનથી ભવિષ્યની પ્રતિકૂળ ઘટનાઓના પ્રારબ્ધની અસર ઓછી થઈ શકે છે. ‘આંધળાનો પુત્ર આંધળો હોય’ એવું કહીને દુર્યોધનનું અપમાન કરવાના દ્રૌપદીના વર્તનમાં કટાક્ષયુક્ત જે પ્રતિક્રિયા હતી, તેનાં લીધે દુર્યોધનના મનમાં વેરભાવની બદલો લેવાની વૃત્તિ જન્મી હતી. ધિક્કાર અને ભેદભાવથી થતી ઉગ્ર બોલાચાલીમાં ઘણીવાર એકબીજાને મારી નાખવાની વિકૃતિ જન્મે છે. કંકાશભરી વાણીની ઉગ્રતાથી મનની સાત્ત્વિક ભાવની પ્રકૃતિ કુંઠિત થઈ જાય છે અને તે સર્જનાત્મક વિચારો વગરની, વિવેકી દૃષ્ટિની બુદ્ધિ વગરની દરિદ્રતા લાવે છે. એવાં દરિદ્ર મનને કદી સમજાતું નથી, કે માનવી જીવનનો હેતુ છે એકબીજા સાથે હળીમળીને પ્રેમભાવથી જીવવાનો.

જીવંત જીવનનો જે શ્રેયિત હેતુ છે, તે કલ્યાણકારી હેતુથી જિજ્ઞાસુ ભક્ત જીવન જીવે છે અને મનની સાત્ત્વિક ગુણોની સુસંસ્કારી સંસ્કૃતિનો ઉજાગર થાય એવાં સ્વમય ચિંતનમાં સ્થિર થવાનો તે પુરુષાર્થ કરે છે. સ્વમય ચિંતનની સહજતા વાણીના મોનથી ધારણ થતી જાય. વાણીનું મૌન થતાં સંસારી વૃત્તિ-વિચારોનો અવરોધ ઓછો થતો જાય. પછી મનનું મૌન કરાવતી અંતરભક્તિમાં ધ્યાનસ્થ થવાય, તે છે અંતર યાત્રાની શરૂઆત. મનનું મૌન થવું સરળ નથી. જેમ જેમ સંસારી વિચારો ઓછા થતાં જાય, બિનઉપયોગી શબ્દોનાં ઉચ્ચાર ઓછાં થતાં જાય, તેમ તેમ વિચારોની હારમાળા ઓછી ગૂંથાતા મનની બેટરીનો વપરાશ પણ ઓછો થાય. અર્થાત્ ઓછા વિચારોની શાંતિમાં ઊર્જા શક્તિનો સંચય થાય અને આત્મીય ચેતનાની તેજોમય ઊર્જાના તરંગો ધારણ થતાં જાય. પછી ‘હું દેઉં છું’ એવાં અજ્ઞાનને વિલીન કરાવતી સોહમ્ ભાવની જાગૃતિ તરફ પ્રયાણ થાય.

મનનું મોન એટલે જ સંપૂર્ણ સમર્પણ ભાવની જાગૃતિ. અહંકારી વૃત્તિ-વિચારોનું સંપૂર્ણ સમર્પણ થાય અને સોહભાવની જાગૃતિ અનુભવાય, ત્યારે ઊર્જાની ચેતનાના અવનવા તરંગોની પ્રકાશિત અનુભૂતિ થાય. આત્માના તાત્ત્વિક ગુણોના અનેક સ્તરો છે. તે અંતર સ્તરોની ઊર્જા જે સુષુપ્ત રહી હતી, એ સમર્પણ ભાવની જાગૃતિથી ગતિમાન થાય, એટલે કે ઊર્ધ્વગતિના ચક્રોની ઊર્જા ગતિમાન થાય. એવી ગતિમાન ઊર્જાની ચેતનાના સ્પંદનોને ભક્ત અનુભવે, ત્યારે એનાં મનની શાંત સ્થિતિ હોય. મનની શાંત સ્થિતિ માટે જ વાણીનું મૌન જરૂરી છે. પછી મનનું મૌન થાય ત્યારે સ્વાનુભવ રૂપે પ્રતીતિ થાય, કે હૃદય જેમ સતત ધબકે છે અને શરીરમાં સર્વત્ર લોહી અખંડ ગતિથી ફરતું રહે છે, તેમ મગજ પણ ધબકે છે, એટલે જ શરીરના દરેક અંગોની ક્રિયાત્મક પ્રવૃત્તિઓ થયાં કરે છે. મગજ રૂપી બેટરીના લીધે શરીરમાં ઊર્જાની ચેતનાનું પ્રસરણ શક્ય બને છે. મૌન સ્થિતિની સ્થિરતામાં, વિચારો વગરની શાંત અંતરધ્યાનસ્થ સ્થિતિમાં મગજની સતત થતી ક્રિયાના ધબકારા સંભળાય.

 

ધબકારે ધબકારે હરિ ફરે છે, એ તો હરતાં ફરતાં સ્વયંની અનામી વાતો કરતાં રહે;

 વાતવાતમાં સમાધિની શાંતિ પ્રસરાવે અને સમાધિના સમત્વ ભાવમાં બ્રહ્મજ્ઞાન અર્પે;

જ્ઞાન સાથે અનંત યુગોના ભાવનું મૌન કરાવે અને મૌન સ્વયં સમાધિમાં સરી પડે;

પછી અનંત સમાધિની પેલીપાર રમણ કરાવે અને પ્રભુત્વ ભોગનો આનંદ ધરે.

 

મનનું મૌન થવાનું શરૂ થાય, ત્યારે સાત્ત્વિક વિચારોના ભાવાર્થની શીતળ ધારા વહે, જ્યાં ઈચ્છાવૃત્તિઓ તૃપ્તિરૂપે વિરામ કરે. મૌનની આવી શાંત અનેરી પળનું દાન ગોપીઓને શ્રીકૃષ્ણ અર્પણ કરતાં હતાં, તે અનેરી પળ, એ જ હતી રાસની સૂક્ષ્મ ગતિ અને તે જ છે સમાધિની શાંત અવસ્થા. એ પળનો આનંદ લૂંટ્યા પછી ગોપીઓને વારંવાર રાસની અણમોલ ગતિમાં સ્થિત થવાની અધીરાઈ રહેતી. મનોમન તે શ્રીકૃષ્ણ ચૈતન્યને વંદન કરતી રહેતી અને સંવાદ રૂપે વિનંતિ કરતી કે, “હે કાન્હા, પ્રીતનો રંગ લગાડ્યો તે અને મુજમાં ધારણ થયું તારું નામ, તેથી રટણ થાય તારું નામ સહજતાથી અને હવે તું મુજને કહે છે કે, કર વાણીનું મૌન, મનનું મૌન. પરંતુ મૌનની સ્થિતિમાં ન થાય સ્મરણ તારા નામનું, જે મને ગમે નહીં. મારું હૈયું તો બેચેન બની, રાસની ગતિમાં ગતિમાન થવા અધીર બને. જો વાણીનું મૌન રાખું તો પનઘટ પર આવીને તોડાવે તું અને પાછું મોન કરવાનું પણ તું જ કહે છે. પળેપળે તારા સુવચનોનો ભાવાર્થ બદલાતો જાય. તારી નિત્ય નવીનતાની નૈતિનેતિ ગતિ અને પ્રભુત્વ પ્રસ્તુતિની લીલાને જાણું છું. કહેને કાન્હા, હું શું કરું, જેથી મનનું મૌન થાય અને ‘હું” તુજમાં સમાઈ જાય.’  અંતરભાવથી પ્રભુ સાથે સંવાદ થાય, એટલે કે આત્મીય ચેતનાની ગતિ ધારણ થતાં મૌન સ્થિતિનો ઉદય થતો જાય. કારણ એવાં સંવાદમાં નથી સંસારી ઈચ્છાઓ કે માંગણીઓના વિચારો અને નથી ત્યાં બીજી વ્યક્તિ સાથેની આધ્યાત્મિક વિચારણા. એવાં સંવાદમાં વાચાના શબ્દોની આપ-લે ન હોય, પણ સ્વયંના આત્મ સ્વરૂપનું સંવેદન ધારણ થતું હોય. અંતરભાવની જાગૃતિ સ્વયંના સંવેદનને ધારણ કરે, ત્યારે ઊર્જાની ચેતનાના શ્વેત પ્રકાશમાં અસ્તિત્વ એકરૂપ થાય. અંતરભાવની તરંગિત ઊર્જાના વહેણને ઝીલવા, એના વિદ્યુતિ સ્પંદનો ધારણ કરવા સહેલ નથી. ભક્તની આત્મ સ્થિત યોગી મતિ તે સ્પંદનોને ઝીલે, ત્યારે એની વિદ્યુતિ શક્તિ રૂપે આત્મીય ચેતનાની દિવ્યતા પ્રકાશિત થાય, જે સાંનિધ્ય લેનારા બીજા જિજ્ઞાસુઓના મનનું શુદ્ધિકરણ કરાવે. શ્રીકૃષ્ણ ચૈતન્યની યોગી મતિના સાંનિધ્યમાં ગોપીઓ આત્માની એકમ ગતિને ધારણ કરતી હતી. એકમ ગતિની જાગૃતિથી શ્વાસે શ્વાસે પ્રભુની પ્રકાશિત પ્રીતનો સહવાસ માણતી હતી. જેમાં મૌનની સમાધિ સ્થિતિનો ઉજાગર સ્વયંભૂ થતો જાય. મૌનની શાંત સ્થિતિ વિશે આટલું સંક્ષિપ્તમાં જાણ્યાં પછી જો એવી શાંતિનો અનુભવ કરવાની તરસ જાગે, તો સમજી જવું કે જ્ઞાન-ભક્તિની અંતર યાત્રાના સંસ્કારો જાગૃત થયાં છે, જે વિચારોની ડાળીઓને સાત્ત્વિક ભાવની જાગૃતિથી ઝૂકાવવા માટે ભક્તિભાવમાં મનને સહજતાથી અંતરધ્યાનસ્થ કરાવે અને જીવંત જીવનના શ્રેષિત હેતુને સાધ્ય કરાવે.

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રભુ ભક્તિની પરખ મનને થાય છે

 

વાણીને વિરામ આપીએ તો મનના વિચારો ધીમે ધીમે શાંત થતાં જાય છે. કોઈની સાથે ઝઘડો થાય કે વાદવિવાદથી બોલાચાલી થાય, પછી એની સાથે બોલીએ નહીં, એવા અબોલાને વિરામ ન કહેવાય. ન કામનાં કે જરૂરિયાત વગરના શબ્દોનું ઉચ્ચારણ જેમ જેમ ઓછું થતું જાય, તેમ તેમ વાણીના મૌન માટેની, વાણીને વિરામ આપવા માટેની યાત્રાનો આરંભ થાય. જ્યાં સુધી દેહની આસક્તિ છે, દેહ સાથેના જીવનમાં ગૂંથાયેલાં રહેવાય છે, ત્યાં સુધી વાણીને-વાચાને મહત્તા આપીને માનવી પોતાના કાર્યો કરે છે. પરંતુ હું દેહ નથી એ સત્ દર્શનને ભક્તએ ગ્રહણ કર્યું હોવાથી, તે જરૂરિયાત વગરનાં શબ્દોની વાચા ઉચ્ચારતો નથી. ભક્ત પોતાની જવાબદારીના કાર્યો પ્રભુ સ્મરણ રૂપે કરે છે. કારણ સૂક્ષ્મ સમજના તાર એના મનમાં દંડતાથી ગૂંથાતા રહે છે. એટલે પ્રભુ સાથેના આત્મીય સંબંધને, પ્રભુની સાક્ષાત્ હાજરીને તે અનુભવે છે.

હું શરીર નથી પણ શરીરમાં વસવાટ કરું છું એ વાસ્તવિકતા ગ્રહણ થાય તો સમજાય, કે શરીર હાડકાંઓનું માળખું છે, જેનો માનવ આકારનો દેહ દેખાય છે. શરીરના દરેક અવયવ હાડકાવાળા છે, માત્ર જીભમાં હાડકું નથી, જીભની ક્રિયા નમનભાવથી થાય છે. તે પ્રત્યેક પળે નમે છે એ જાણીને ભક્તની પણ એ જ અભિલાષા હોય કે, “હું પ્રભુ, શબ્દોના ઉચ્ચાર માટે, કે અન્નને ચાવવા માટે જો જીભની ક્રિયા વંદનભાવથી થતી હોય, તો મારી વાચા રૂપે આપની સ્તુતિ પ્રગટવી જોઈએ. મારી વાચા રૂપે આપના નામ-સ્મરણની સુવાસ ન પ્રગટે તો પળે પળે અર્પણ થતી શ્વાસની ચેતનાને હું વેડફી નાખું છું. આપનું સ્મરણ નથી તો જીવંત જીવન રૂપે સ્વયંની સ્મૃતિ નહીં થાય તે હું જાણું છું. તેથી આપણાં આત્મીય સંબંધની ઐક્યતાનું વિસ્મરણ ન થાય તે માટે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહું છું. હું તરતો નથી પણ તરાવનાર આત્મીય ચેતના તરાવે છે. એની પ્રતીતિ વાણીના વિરામથી થતી રહે છે.’’

ભક્તનું સંસારી જીવન ગમે તેટલું વ્યસ્ત હોય, છતાં વિસ્મરણ ન થાય એવું સ્મરણ એનાં મનમાં અંકિત રહે છે. એવું સ્મરણ ત્યારે અંકિત થાય જ્યારે વ્યવહારમાં વાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થાય. બિનજરૂરી શબ્દોનો ઉચ્ચાર જેટલો ઓછો થાય તેટલો પ્રભુ સ્મરણનો સમય મળે. શબ્દોના ઉચ્ચારમાં ઊર્જા શક્તિ વપરાઈ જાય, પણ વાણીના વિરામમાં ઊર્જા શક્તિનો સંચય થતાં પ્રભુ નામનાં સ્મરણમાં મન સરળતાથી ઓતપ્રોત થાય. વાણીના વિરામથી સ્વમય ચિંતનમાં મન સહજતાથી સ્થિર થાય અને સ્વયંના સંસ્મરણો રૂપે પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ થાય. સ્વયંના સંસ્મરણોની તાજગીમાં જ્ઞાનેન્દ્રિયો સજાગ થાય, ત્યારે પ્રભુ નામનું માત્ર ઉચ્ચારણ નથી થતું પણ સાત્ત્વિક ભાવનું સંવેદન ધારણ થાય છે. તેથી જ ભક્ત વાણીની મહત્તા જાણીને વાણીનો યથાર્થ ઉપયોગ કરે છે. વાણીના ઉપયોગથી વિચારોની, લાગણીની અભિવ્યક્તિ થાય, પણ એવી અભિવ્યક્તિમાં અહંકારી વૃત્તિની દુર્ગંધ હોય તો પ્રભુએ અર્પણ કરેલી જીભ, વાચા, કે કંઠનું અપમાન થાય છે. એટલે જ સાત્ત્વિક ભાવની ગુણિયલતા વિચાર વર્તન રૂપે પ્રગટતી નથી.

ભક્ત તો દેહના દરેક અવયવોની ક્રિયા રૂપે આત્મીય ચેતનાની અભિવ્યક્તિને સ્વીકારે. જેમ જીભના આધારે તીખું, ખાટું-મીઠું વગેરે સ્વાદની પરખ થાય છે, તેમ પ્રભુ સ્મરણ નથી થતું કે પ્રભુ ભક્તિમાં મન મગ્ન નથી થતું, એની પરખ મનને થાય છે. જે મણે મનને પરખ રૂપે પસ્તાવો થાય ત્યારે રાગ દ્વેષના વર્તનની વાણીનો પશ્ચાત્તાપ થાય. જીભથી રાગ-દ્વેષ, લોભ, ઈર્ષ્યા, ક્રોધની વાચાનું ઉચ્ચારણ જો વારંવાર થયાં કરે, તો એવી જ વાચા-વર્તનનું પુનરાવર્તન થતું રહે છે, એવાં મનથી પ્રભુ નામની સ્તુતિ નથી થતી, કે ભજનોનું ગુંજન સહજ થતું નથી. પરંતુ એવા મનને જ્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગનો સ્પર્શ થાય, ત્યારે એને પ્રભુ સ્મરણનો મહિમા જો સમજાય, તો સ્મરણમાં લીન થવાની પછી તડપ જાગે. એવી તડપ રૂપે સ્વયંને જાણવાની જિજ્ઞાસા વધતી જાય અને ઈન્દ્રિયગમ્ય વિષયોની પાછળ દોડવાનું ઓછું થાય. બિનજરૂરી શબ્દોનું ઉચ્ચારણ બંધ થાય ત્યારે વાણીનો વ્યભિચાર ન થાય. શારીરિક, માનસિક કે આધ્યાત્મિક વિકાસને અવરોધે એવાં કાર્યને કે પ્રવૃત્તિને વ્યભિચાર કહેવાય. જ્યાં વ્યભિચારની અનીતિ નથી, ત્યાં આચાર-વિચારમાં ભાવની સાત્ત્વિકતા સહજ પ્રગટતી જાય અને પ્રભુ સ્તુતિના અક્ષર શબ્દોની વાણીનું કે જ્ઞાન-ભક્તિમાં તરાવતાં પથ પદોની વાણીનું સ્વયંભૂ સ્ફુરણ પ્રગટતું જાય.

 

સ્વયંભૂ વાણીની ધારાથી અંતરવિહાર થાય અને વિધાતા પોતે ભક્તને વાણીનો હાર પહેરાવે;

ભક્તની વાણીના કારને જે જિજ્ઞાસુ સ્વીકારે, તેનાં અજ્ઞાની મનની પછી હાર થાય;

મનની હારમાં શુદ્ધિકરણની હારમાળા ગૂંથાય, ત્યારે સંસારી વાણીનું મૌન થતું જાય;

વાણીના મૌનથી કર્મસંસ્કારોના આવરણને ઓગાળતી જ્ઞાન ભક્તિની સરિતામાં તરતાં રહેવાય.

 

જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું એટલે સાત્ત્વિક ભાવની ગુણિયલતા ધારણ થવી. પછી ભાવની અંતર સમાધિમાં મન આપમેળે સ્થિર થતાં વિચારો શાંત થતાં જાય અને સ્વાનુભૂતિના પ્રકાશિત દર્શનને ધારણ કરાવતું અંતર બળ જાગૃત થતું જાય. આમ સંસારી વાણીનું મોન થતાં અંતરની વાણીના સૂર સ્વયંભૂ પ્રગટતાં જાય. પ્રભુની અંતર વાણીના સાત્ત્વિક તરંગો જ્યારે જિજ્ઞાસુ માનવીને સ્પર્શે ત્યારે ભક્તિભાવથી જીવવાની લગનીને જગાડે છે. એવી લગનીના લીધે માનવીને સતત લગોલગ રહેતી પ્રભુની ચેતનાના અણસારા મળે. અણસારામાં દેહધારી જીવનનો અને પ્રભુ સાથેના આત્મીય સંબંધનો સાર પરખાય, ત્યારે શબ્દોની વાચાનું વળગણ છૂટતું જાય અને વાણીના મોન સ્વરૂપે ભાવનું સંવેદન ધારણ કરાવતી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More