Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
કર્મસંસ્કારોનો ભાર હળવો કરવા જન્મની ભેટ મળી છે...

આપણો જન્મ થયો તે પહેલાંની સ્થિતિ જે હોય, તે માનવ દેહ વગરની અતૃપ્ત કર્મસંસ્કારોની છે. એ કર્મસંસ્કારોનો સામાન, એટલે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનાં સંસ્કાર. એ જ્યારે માનવ દેહને ધારણ કરે, ત્યારે મનુષ્ય દેહધારી સ્થિતિમાં એ સામાનને મન તરીકે આપણે જાણીએ છીએ. મનને ધારણ કરનાર માનવીને, જન્મ લીધાં પછી પૃથ્વી ગ્રહની ધરતી પર રહેવા માટે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. આ સત્ય લગભગ સૌ જાણે છે. છતાં માનવીએ પૃથ્વી ગ્રહની ધરતી પર વિભાગ પાડી, મારો-તારો દેશ એવાં ભેદભાવ ઊભા કર્યા. એવાં વિભાગ કરવા પાછળ માનવીની પોતાની વ્યક્તિગત ઓળખની મહત્તા હોય શકે. કારણ દરેક માનવી પોતાની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓને તૃપ્ત કરવાનો પુરુષાર્થ કરે છે અને દરેકના કર્મસંસ્કારો ભિન્ન હોવાંથી, માનવી બીજા કરતાં પોતે જુદો છે એવી ભિન્નતાની માન્યતામાં  બંધાઈને જીવે છે. ભિન્નતાવાળી માન્યતાના લીધે પોતાના શરીરના રૂપ-રંગનો આકાર અને બીજાના શરીરના આકારની ભિન્નતા છે એવાં વિચારો મનમાં ગૂંથાતા રહ્યાં અને માનવી પોતાના સ્વરૂપની સાચી ઓળખને ભૂલી ગયો.

       જીવનમાં જો એટલી પણ સ્પષ્ટતા આવે, કે હું શરીર નથી પણ અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની નિરાકારિત સ્થિતિ છું, તો આકારના મોહમાંથી, માત્ર આકારિત પદાર્થોને ભોગવવાની આસક્તિમાંથી મન ઘણે અંશે મુક્ત થઈ શકે. તેથી જ સ્વજનોનાં શરીરના મૃત્યુ પછી ખરખરો કરવાની પ્રથા છે. જેથી ખરેખર શું છે તે સત્યનું દર્શન મન કરી શકે અને એ દર્શન રૂપે સ્વયંના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા જાગી શકે. શરીરના જન્મ-મૃત્યુની વાસ્તવિકતા સમજાય તો પરખાય, કે પૃથ્વી માતાની ધરતી પર રહેવાની જગા જેમ સૌને મળી છે; તેમ માનવી શરીર રૂપી ધરતીની જગા મનને રહેવા માટે મળી છે. જેથી અતૃપ્ત ઈચ્છાઓનાં ભોગ દસ ઈન્દ્રિયોના આધારે મન ભોગવી શકે. મનનું ખરું ઘર તો પ્રભુનો આત્મીય નિવાસ છે. પરંતુ કર્મસંસ્કારો પ્રેરિત સંસારી વિચારોમાં ગૂંથાયેલા મનને પોતાના સ્વ ઘરની સ્મૃતિ નથી. કારણ અતૃપ્ત ઈચ્છાઓને ભોગવવાની પ્રબળતા હોવાંથી, માનવી શરીરને જ પોતાનું ઘર માની એની આસક્તિમાં મન જીવે છે. એટલે શરીરના મૃત્યુનો ભય લાગે છે અને સ્વજનોના મૃત્યુની ઘટના દુ:ખદ લાગે છે. પરંતુ માનવીને પોતાના શરીર અને મનની ઓળખનું સત્ય જાણવાનો અવસર પ્રભુ આપે છે. તે અવસર રૂપે મન માતા-પિતાનું પાત્ર જ્યારે ભજવે, એટલે કે એક બાળકનો આકાર જન્મે, ત્યારે સમજણ ગ્રહણ થવી જોઈએ કે જન્મેલી કોઈ પણ સ્થિતિનો અંત આવે છે.

       બીજમાંથી એક છોડ ઊગે, તેનો ધીમે ધીમે વૃદ્ધિ વિકાસ થાય અને ફળ-ફૂલ ઊગે અને અંતે તે છોડ, ફળ, ફૂલ, પાંદડા, ડાળી વગેરે સૂકાઈને કરમાઈ જાય છે. આમ પ્રકૃતિ જગત પણ જન્મ-મૃત્યુની વાસ્તવિકતાનું દર્શન આપણને કરાવે છે. તેથી બાળકના ઉછેર રૂપે માતા-પિતા જો પોતે તે સત્યનું દર્શન સમજીને, બાળક જેમ મોટું થાય તેમ એને પણ આ દર્શન કરાવે તો મનોમન વિવેકી દૃષ્ટિ જાગૃત થાય. પછી જ્ઞાન-ભક્તિના સત્સંગથી તે દર્શનનો મર્મ ધારણ થાય કે, " મન રૂપી થેલીનો જે કર્મસંસ્કારનો સામાન છે, તેને ખાલી કરવા માટે મેં માનવ જન્મ ધારણ કર્યો છે.” લૌકિક સંસારના વિષયોને ભોગવવાની જે અતૃપ્ત ઈચ્છાઓ છે, તે તૃપ્તિ રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિથી જ શાંત થાય છે. સાત્ત્વિકભાવની જાગૃતિ થાય સાત્ત્વિક વિચારોના ચિંતનથી. જ્યાં સુધી જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિ થતી નથી, ત્યાં સુધી મનની થેલીનો કર્મસંસ્કારોનો સામાન ઘટવાને બદલે વધતો જાય છે. એટલે જ એક શરીર રૂપી ઘર ર્જીણ થાય એટલે કે જ્યારે મૃત્યુ પામે, ત્યારે મન બીજું ઘર શોધે છે. આમ જન્મ-મૃત્યુના આવાગમનમાં મન ફરતું રહે છે.

       માનવી જન્મની ભેટ આપણને કર્મસંસ્કારોના સામાનનો ભાર હળવો કરવા માટે મળી છે. પરંતુ મન પોતાના સ્વ ઘરથી અજાણ રહીને શરીર રૂપી ઘરને જ સત્ય માને છે. આત્મા રૂપી ઘરના સત્યથી અજાણ રહેતું અજ્ઞાની મન અહંકારી રાગ-દ્વેષના વર્તનથી જીવે છે. એટલે એક ઈચ્છાપૂર્તિનું કર્મ કરે, એમાં બીજી નવી નવી ઈચ્છાઓ મનમાં ઉદ્ભવતી રહે છે. આમ ઈચ્છાઓ ઘટવાને બદલે વધતી રહે છે. તેથી જ ભક્તિભાવનો પરોપકારી વર્તનનો મહિમા સમજાય એવાં સાત્ત્વિક વિચારોમાં મનને ગૂંથવું જોઈએ. પૂજનીય ગુરુજનોના સાંનિધ્યમાં સાત્ત્વિક વિચારોની વાણીનું જ્યારે શ્રવણ થાય, એનો ભાવાર્થ ગ્રહણ થાય, ત્યારે મનને પોતાની અજ્ઞાનતાનો પરિચય થતો જાય. પછી સાત્ત્વિક વિચારોનું તાત્પર્ય કે ભાવાર્થ ગ્રહણ થાય એવું મનોમંથન થવું જોઈએ. મનોમંથનથી જ્ઞાન-ભક્તિમાં મન સ્થિત થતું જાય અને અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓ તૃપ્તિના વર્તનમાં ફેરવાતી જાય. અતૃપ્ત ઈચ્છાઓ તૃૃૃપ્તિમાં ફેરવાય સાત્ત્વિકભાવની જાગૃતિથી. એટલે સાત્ત્વિકભાવનો જન્મ થાય એમાં અતૃપ્ત ઈચ્છાઓનું તૃપ્તિ રૂપે મૃત્યુ થાય. સ્વજનોનાં શરીરના મૃત્યુ પછી ખરખરો કરીએ છીએ, પણ કર્મસંસ્કારોવાળા મનનું મૃત્યુ થતાં જે ખરખરો થાય, તે છે સાત્ત્વિક આચરણની અંતર ભક્તિનો ઉદય. અંતર ભક્તિ એટલે મનની સાત્ત્વિકભાવની જાગૃતિ, જે અંતરધ્યાન રૂપે પોતાના આત્મીય ઘર તરફ પ્રયાણ કરે અને આત્મીય ઘરના સાત્ત્વિક ગુણોનો વૈભવ ધારણ કરાવતી સ્વાનુભૂતિમાં એકરૂપ થાય. તેથી જીવતાં જ સત્યનું દર્શન મનોમન ગ્રહણ કરીએ કે,

      

       પ્રભુની દિવ્ય ચેતના સર્વત્ર છે,

એટલે પૃથ્વી માતાની ધરતી પર રહેવાની જગા મળી છે;

       દેહ રૂપી ધરતીની જગા રહેવા માટે મળી,

તે જગાને ખાલી કરવી પડશે કોઈ દી;

       જ્ઞાન-ભક્તિના સદાચરણથી જો મનને ખાલી કરીશું,

તો સદ્ ભાવ લઈને પ્રભુ પાસે જઈશું;

       ત્યારે મનની થેલી પર પ્રભુનું નામ લખાયું હોવાંથી,

પ્રભુના ઘરમાં પ્રવેશ સહજતાથી થશે.

                                  

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
હળવે હળવે મારો હાથ માળા પર પડે, મંત્રો ને જાપો જપાય છે...

વર્તમાન સમયનું જીવન એટલે રૂપિયાની કમાણી કરવી અને તે રૂપિયાથી પોતાની ઈચ્છા મુજબના મોજશોખ કરવા. એટલે રૂપિયા તો વધતે ઓછે અંશે દરેક માનવી મેળવી શકે છે. ભીખ માંગનારા ભિખારીઓને પણ રૂપિયા મળી રહે છે. તેથી ગરીબ એ કહેવાય જે શહેરમાં કે ગામડામાં રહે, પણ એની પાસે રહેવાનું ઘર ન હોય. કારણ આપણે જાણીએ છીએ કે પોતાની માલિકીનું ઘર લેવા માટે ઘણાં રૂપિયા જોઈએ. આશ્ર્ચર્ય એ વાતનું થાય, કે જે ધરતી પર વસવાટ કરીએ છીએ, જે ધરતીમાતા ધાન્યનું-અન્નનું ધન અર્પણ કરે છે, તે ધરતી પર રહેવા માટે માનવી પાસે રૂપિયાનો ભંડાર જો ન હોય, તો તે ઘર વગર રસ્તા પર ભટકતું જીવન જીવે છે. શહેરની ફુટપાથ પર કે ઝૂંપડીમાં રહેવાની વ્યથા તો જે રહે તે જ જાણે. તેઓ પણ રૂપિયાની કમાણી કરે છે, પણ ઘર ખરીદવા જેટલાં રૂપિયા ભેગાં કરી શકતાં નથી. તેઓ માત્ર રોજિંદા જીવનની જરૂરિયાત પૂરી થાય એટલી કમાણી કરી શકે છે. ઈંટ-સિમેન્ટના બનેલાં ઘરની જરૂરિયાતથી સૌ જાણકાર છીએ, તેથી આજે આપણે જે આત્મા રૂપી ઘરમાં આપણું મન રહે છે તે વસવાટની મહત્તા સમજીશું. જેથી મન પોતાનાં ઘરમાં રહેલાં સાત્ત્વિક ગુણોના ધનથી પરિચિત થઈ શકે અને તે ધનના ઉપયોગ રૂપે સાત્ત્વિક આચરણ કરી શકે.

       સાત્ત્વિક આચરણથી મનની અતૃપ્તિ કે અસંતોષની માત્રા ઘટતી જાય છે. એ સત્યને મોટેભાગે માનવી જાણે છે, છતાં પરમાર્થી, પરોપકારી, સાત્ત્વિક આચરણમાં મન સહજતાથી સ્થિત થતું નથી. કારણ માનવીનું મન માત્ર અવનવી વાનગીઓ ખાવાના, ફેશનેબલ વસ્ત્રો પહેરવાના, વૈભવી મકાનમાં રહેવાના, હરવાફરવાના વગેરે વિચારોમાં જ ફરતું રહે છે. એટલે જે સાત્ત્વિક ગુણોનું ધન છે તેને વર્તન રૂપે મન ભોગવતું નથી. તે ધનને ભોગવ્યાં વગર માત્ર આકારિત જગતના પદાર્થોને જ ભોગવે છે. તેથી આત્મા રૂપી ઘરની દિવ્ય ચેતનાની આત્મીયતા સુષુપ્ત રહે છે. ચેતનાની આત્મીયતા એટલે જ પ્રીતભાવનો, કરુણાભાવનો, સ્નેહભાવનો, આનંદ. જગતના જડ પદાર્થોના સંગમાં મન આસક્ત રહે છે, એટલે સાત્ત્વિકભાવની આત્મીયતા વર્તન રૂપે જાગૃત થતી નથી. કારણ મન પોતાના આત્મીય ઘરને વિસરી ગયું છે. પોતાના ઘરના અલૌકિક રાચરચીલાથી અજાણ રહેવાથી અતૃપ્તિની, ખોટની નિરાશામાં તે બાહ્ય જગતની પરિસ્થિતિમાં, અથવા વ્યવહારિક વ્યક્તિગત સંબંધોમાં તે ખોટની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરે છે.

       માત્ર રૂપિયાથી જ જીવન જીવી શકાય છે એવી માન્યતાથી જે જીવે, તે માનવીમાં સ્વયંના આત્મા રૂપી ઘરની દિવ્યતાને જાણવાની જિજ્ઞાસા સહજ જાગૃત થતી નથી. અન્ન, વસ્ત્ર અને ઘરની પ્રાપ્તિ રૂપિયાના આધારે થાય. એમાં રક્ષણયુક્ત જીવવાની તથા અપેક્ષા મુજબ જીવવાની સુવિધા મળે, પણ એનાંથી મનની અતૃપ્તિ કે અસંતોષની ખોટ પૂરાતી નથી. એવી ખોટના લીધે સમાજમાં ઘેર ઘેર એકબીજા સાથેનાં સંબંધોમાં કડવાશ વધુ ફેલાય છે. છૂટાંછેડા હોય, કે મિલકતના ભાગ હોય, આજનો માનવી ઘરની શાંતિ અનુભવવાને બદલે કોર્ટ કચેરીમાં વધુ આંટાફેરા મારે છે. અર્થાત્ મન પોતાના આત્મીય ઘરની વાસ્તવિકતાને ભૂલી, અહંકારી સ્વભાવની અજ્ઞાનતામાં બંધાયેલું રહે છે. એટલે સાત્ત્વિક આચરણ વગરના જીવનમાં એકબીજા સાથે નિ:સ્વાર્થ પ્રેમની હૂંફને અનુભવી શકતું નથી. ઘરના બીજા સભ્યોએ મારી ઈચ્છા મુજબ વર્તન કરવું જોઈએ એવાં હું પદના ઘોંઘાટમાં મનની સાત્ત્વિકતા, કે પ્રેમભાવની નિર્મળતા કુંઠિત થાય છે. હું કમાણી કરું છું, હું વડીલ છું, હું બુદ્ધિપૂર્વક વ્યવહાર કરું છું, રૂપિયાથી ખરીદી કરવાની ક્ષમતા ધરાવું છું વગેરે હું વૃત્તિના કોલાહલથી ટેવાલેયાં મનને જ્યારે પુણ્યબળના સહારે અંતર યાત્રાનું માર્ગદર્શન અર્પણ કરનાર આતમ ગુરુનું સાંનિધ્ય મળે, ત્યારે અહંકારી સ્વભાવની અજ્ઞાનતાથી મુક્ત થવાનો નિર્ણય થાય અને પ્રભુ સ્મરણમાં ભક્તિભાવથી મન સ્થિત થતું જાય.

      

 

       ધીરે ધીરે મારી ઊગતી આ જિંદગીમાં પ્રભુનાં સ્મરણો બહુ થાય છે,

       હળવે હળવે મારો હાથ માળા પર પડે મંત્રો ને જપો જપાય છે...

       પ્રભુની કૃપા હશે તો માહ્યરું બંધાશે ને પ્રભુ સાથે મારા લગન થશે,

       પિયર છોડીને મારે સાસરે જાવું પડશે, પ્રિયતમ મારો શ્યામ હશે...

       ભક્તિની ભૂખ જાગી કંકોતરી છપાવો લગ્ન લેવા છે મારા નાથના હવે,

       આવો અનેરો આનંદ શ્યામ મારો આવશે, ને લગ્ન ગ્રંથિથી જોડાશે હવે...

      

       મનનું વિચારવાનું, સમજવાનું, ક્રિયા-પ્રતિક્રિયા કરવાનું, ભાવ-પ્રતિભાવ દર્શાવવાનું વગેરે કર્મ પ્રભુની આત્મીય ચેતનાની ઐક્યતાના લીધે જ થઈ શકે છે. આ સત્યનું દર્શન કરાવતું, ભક્તિભાવની સાત્ત્વિકતાને પ્રગટાવતું જીવન, તે છે પ્રભુ સ્મરણની, પ્રેમભાવની મનની માહ્યરા જેવી સ્થિતિ. પ્રભુ સાથેની ઐક્યતાને અનુભવતાં જ્ઞાની ભક્તો, તન-મનની પ્રક્રિયા રૂપે પ્રભુનું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ પ્રગટે એવાં પરમાર્થી કાર્યો કરતાં રહે છે. એવાં ભક્તની જ્ઞાતા ભાવની સ્વયંની અનુભૂતિ કરાવતી વૃત્તિને કહેવાય મનની પ્રકૃતિનો સ્ત્રીભાવ. તેથી ઉપરોક્ત પદ્ય પદમાં જણાવે છે કે, ભક્ત સ્ત્રીભાવથી પ્રભુની ઐક્યતાને માણવા સ્વ સ્મરણમાં લીન રહે છે. એવું સ્વ સ્મરણ એટલે અંતરધ્યાનની એકાગ્રતા. જો ઘરમાં બનાવેલી વાનગી ખાવી હોય, ઘરનાં વૈભવી ફર્નિચરનો ઉપભોગ કરવો હોય, તો ઘરમાં રહેવું પડે અને બહારનું ખાવાથી કે બહાર રખડવાથી જેમ તબિયત બગડે છે, તેમ મન જો પોતાના આત્મીય ઘરમાં રહેવાનો નિશ્ર્ચય કરે, તો પ્રભુ પ્રીતનો અલૌકિક આનંદ સ્વાનુભૂતિ રૂપે માણી શકે. સ્વાનુભૂતિનો આનંદ અંતર ભક્તિ રૂપે જ્ઞાની ભક્ત માણે છે. એવો આનંદ માણવા માટે માનવી જન્મ આપણે ધારણ કર્યો છે. પ્રભુ સાથે લગ્ન થવું, તે છે મનનું અહંકારી હું પદનું ઓગળી જવું અને આત્મીય ઘરની સાત્ત્વિતકતા જાગૃત થવી. એવી જાગૃતિને જીવતા જ ધારણ કરી શકીએ એવી પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ.

      

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રભુ પકડો અમારો હાથ, હવે છોડતા નહીં સંગાથ...

અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈએ ત્યારે તે જો ઝાંખુ દેખાય, તો આપણે જાણીએ છીએ કે પ્રતિબિંબમાં કોઈ ખોટ નથી કે ખામી નથી, પણ અરીસા પર જામી ગયેલી ધૂળના લીધે પ્રતિબિંબ ચોખ્ખું દેખાતું નથી. અરીસા પરથી ધૂળ સાફ થઈ જાય પછી પ્રતિબિંબ જેમ સ્પષ્ટ દેખાય; તેમ મન રૂપી અરીસાને ચોખ્ખું કરીએ તો પ્રભુનું પ્રકાશિત જ્યોત સ્વરૂપનું દર્શન થાય. મન રૂપી અરીસા પર કર્મસંસ્કારો રૂપી ધૂળ જામી ગઈ છે. તેને સાફ કરવા માટે જ્ઞાન-ભક્તિના સત્સંગનો સહારો લેવો પડે. ઘણીવાર સત્સંગ, અભ્યાસથી પણ કર્મસંસ્કારોનું આવરણ વિલીન થતું નથી. કારણ જ્યાં સુધી મન હું કેન્દ્રિત અજ્ઞાની વર્તનમાં વીંટળાયેલું રહે છે, મદ, અભિમાનની સ્વાર્થી વૃત્તિઓમાં વીંટળાયેલું રહે છે, ત્યાં સુધી મન રૂપી અરીસો સ્વચ્છ થતો નથી. મનની સ્વચ્છતા માટે સ્વને જાણવાની ઈચ્છા પ્રબળ થવી જોઈએ. સ્વને જાણવાનો કે સ્વથી પરિચિત થવાનો, એટલે કે અજ્ઞાની વર્તનને જાણવાનો નિશ્ર્ચય કરવો પડે. એવાં નિશ્ર્ચયમાં પશ્ર્ચાત્તાપ સાથે પોતાની ભૂલનો એકરાર હોય ત્યારે સમજાય કે, મારા અહંકારી સ્વભાવના નકારાત્મક વર્તનનાં લીધે ભક્તિભાવની સાત્ત્વિકતા જાગૃત થતી નથી.

       જિજ્ઞાસુ ભક્ત સ્વયંને જાણવાનો પુરુષાર્થ શરણભાવની ભક્તિથી કરતો રહે છે. શરણભાવ સ્વરૂપે ભક્ત પ્રભુની સર્વવ્યાપક હાજરીને સ્વીકારે છે. પ્રભુની આત્મીય ચેતનાના લીધે પ્રત્યેક કૃતિઓ જીવંત જીવન જીવી શકે છે. એવાં સ્વીકારભાવ રૂપે સ્વ સ્વરૂપની ઓળખ થતી જાય અને મન રૂપી અરીસા પરથી અજ્ઞાનતાની એટલે કે, કર્મસંસ્કારોની ધૂળ ખંખેરાતી જાય. અહંકારી સ્વભાવની અજ્ઞાનતાના લીધે સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ મંદ રહે છે. એટલે ભક્તિભાવની સાત્ત્વિકતા માત્ર સત્સંગની પ્રવૃત્તિ થાય, તેટલાં અલ્પ સમય માટે મન અનુભવે અને રોજિંદા વ્યવહારિક કાર્યો સાત્ત્વિકભાવ વગર થવાંથી, સત્સંગનો કે ગુરુના સાંનિધ્યનો પ્રભાવ ધારણ થતો નથી. મન જો પોતાની આ ભૂલોનો એકરાર કરે અને અહંકારી સ્વભાવનો અવરોધ દૂર કરવાની વિનંતિ પ્રભુને કરે તો જિજ્ઞાસુભાવ અગ્નિની જેમ પ્રબળ થતો જશે. પરંતુ વિનંતિ માટેનો આર્તનાદ ત્યારે જ જાગે, જ્યારે અહંકારી વૃત્તિઓનું દોષિત વર્તન ખુદને ન ગમે. જેમ મંદિરમાં મૂર્તિ પર અથવા શિવાલયમાં શિવલિંગ પર શુદ્ધ જળ ધારાનો અભિષેક કરીએ છીએ, કદી કાદવવાળા પાણીથી અભિષેક નથી કરતાં; તેમ અહંકારી વિચારો રૂપી કાદવથી હું પ્રભુની આત્મીય ચેતના(શિવલિંગ) પર અભિષેક કરું છું એવો વિષાદ થવો જોઈએ.

       ભક્તિભાવમાં મન જેમ જેમ તરબોળ થતું જાય, તેમ તેમ પરખાતું જાય કે હું અને પ્રભુ જુદાં નથી. એવી પરખ જ્ઞાન-ભક્તિના આચરણથી ધારણ થાય છે. પછી હું તે જ છું એવી સોઽહમ્ભાવની જાગૃતિ ધારણ થાય. સોઽહમ્ ભાવની સાત્ત્વિકતા એટલે જ સાત્ત્વિકભાવની મનની સ્વચ્છતા, તેને જાગૃત કરવાનો પુરુષાર્થ થાય, તે છે ભક્તિભાવનું ભક્તનું વર્તન. એવો ભક્ત પ્રારબ્ધગત સંસારી ઘટનાઓમાંથી પસાર થાય, ત્યારે એનું મન એ ઘટનાનાં જ વિચારોમાં વીંટળાયેલું ન રહે. પરંતુ કર્મસંસ્કારો પૂરાં થાય, અતૃપ્ત ઈચ્છાઓનો સામાન ઓછો થાય, એવાં શરણભાવથી તે કર્મ કરતો રહે છે. જેમ ગુલાબનું ફૂલ બગીચામાં ખીલે ત્યારે એની સુગંધ, એનું સૌંદર્ય, એનાં રૂપ-રંગ ખીલતાં રહે છે. તે ગુલાબના ફૂલને જો તોડીને માટીમાં રગદોળીએ, તો એનું સૌંદર્ય નહિ જણાશે, પણ એની સુગંધ અકબંધ રહે છે. ખરા ગુલાબના ફૂલો જેમ પોતાની સુગંધ અર્પણ કરવાનું કદી બંધ ન કરે, તેમ જ્ઞાની ભક્ત સંસારી ઘટનાઓની મુશ્કેલીમાં રગદોળાય, છતાં એનું માનસિક સ્તરનું સૌંદર્ય ઘટતું નથી. શારીરિક સૌંદર્ય કદાચ ઓછું થાય, પણ સાત્ત્વિકભાવની જાગૃતિનું સૌંદર્ય અકબંધ રહે છે. ગુલાબની જેમ ભક્તના વર્તનથી સાત્ત્વિક ગુણો રૂપી સુગંધ પ્રસરતી રહે છે. એવી ગુણિયલ સુગંધની પ્રતીતિ પ્રેમભાવ, કરુણાભાવ, સેવાભાવ, આદરભાવ વગેરે ભાવની ભીનાશથી થાય. જે બીજા જિજ્ઞાસુ મનને ભક્તિભાવની જાગૃતિ ધારણ કરવાની પ્રેરણા અર્પે છે.

       જ્ઞાની ભક્ત પ્રતિકૂળ સંજોગોની મુશ્કેલીઓથી ભયભીત થતો નથી. કારણ એનામાં જ્ઞાન-ભક્તિની શક્તિનું સાત્ત્વિકભાવનું બળ હોય છે. જે કોઈ પણ સંજોગોની વાસ્તવિકતાનો સ્વીકાર કરાવે કે,"પ્રભુની ચેતના છે તો હું જીવંત છું. તે ચેતનાના લીધે જો શારીરિક-માનસિક કાર્યો કરવાની સમર્થતા મુજમાં છે, તો પ્રભુ કૃપા રૂપે મુશ્કેલીની ઘટનાનો ઉકેલ પણ મળશે અને મુશ્કેલ સમયને પસાર કરવાની હિંમત પણ મળશે.” આવી સ્વીકારભાવની શ્રદ્ધાને દૃઢ કરવી હોય તો સંત-મહાત્માઓની આત્મકથા વાંચવી જોઈએ. સુદામા, મીરાંબાઈ, નરસિંહ મહેતા જેવા મહાન ભક્તોની ભક્તિની યાત્રાનું વર્ણન સાંભળીએ, પુસ્તકો દ્વારા જાણીએ, તો શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવના આચરણ તરફ મન ઢળતું જાય. અહંકારી સ્વભાવની નિર્બળતા હોય ત્યાં ભક્તિભાવનું બળ પ્રગટતું નથી. તેથી જ્ઞાની ભક્ત પોતાના અંગત સ્વાર્થની પૂર્તિ માટે ભક્તિભાવમાં સ્થિત ન થાય. પરંતુ એ તો નિષ્કામભાવથી જિજ્ઞાસુ જીવને ભક્તિભાવમાં સ્થિત કરવા માટે પ્રભુને પ્રાર્થના કરતો રહે, કારણ અંતરની સૂક્ષ્મતામાં હું અને તમે એવાં ભેદભાવ નથી. પ્રભુની ચેતનાના પ્રકાશિત વહેણમાં એકરૂપ થવાં માટે આપણે ભાવથી વિનંતિ કરીએ અને કરેલી ભૂલોનો પશ્ર્ચત્તાપ કરીએ.

 

       લખાય નહીં... લખાય નહીં... કૃપાનો વરસે ભંડાર,  

લેખ લલાટે લખાયાં હશે તો, લખાવે લીલાધર નાથ...

       કૃપા વિના લખાય નહીં કૃપા તારી અપરંપાર,

જીવતાં જીવતર સુધરી ગયું અમે ચાલ્યાં પેલી પાર,

       પળવાર તારો હાથ ન છોડીએ શ્રીધર તારો આધાર,

સુખ દુ:ખનો સહારો તું છે કોટિ કોટિ પ્રણામ...

       અમે વેરઝેરના પોટલાં બાંધી આવ્યાં તારે દ્વાર,

અમે પાપો કરીએ ઘણાં બધાં એનો અંત નથી હે નાથ,

       એની માફી માંગવા આવ્યાં પ્રભુ અમે આવ્યાં તારે દ્વાર,

              પ્રભુ પકડો અમારો હાથ હવે છોડતાં નહીં સંગાથ,

       પ્રભુ વિનંતિ કરું છું નાથ હવે છોડતાં નહીં એ હાથ,

              પ્રભુ ખોલો અંતરદ્વાર, પ્રભુ ખોલો ભીતરદ્વાર.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
ચેતનાની દિવ્ય મતિ ઊર્જા વહેણમાં છે...

એકવીસમી સદી એટલે અનેક વિષયોમાં અવનવી શોધખોળ કરવાની ઉત્સુકતા. શોધખોળ કરાવતી મનની વૈજ્ઞાનિક વૃત્તિને અથવા નવું નવું જાણવાની જિજ્ઞાસુ વૃત્તિને એવી ઉત્સુકતાની અધીરાઈ હોય, જે મનથી અજાણ રહેથી અજ્ઞાત પરિસ્થિતિનું દર્શન નવીન શોધ રૂપે પ્રગટાવે છે. નવીન શોધની પ્રસ્તુતિથી માનવીનું જીવન અનેક રીતે મોકળાશભર્યું, આરામદાયક બને છે. અર્થાત્ રોજિંદા વ્યવહારિક જીવનનાં કાર્યોમાં જો સગવડતાભરી અનુકૂળતા હોય, તો અન્ન, વસ્ત્ર, રહેઠાણ જેવી મૂળભૂત જરૂરિયાતોને મેળવવાની મહેનત સરળતાથી કરી શકાય. આધુનિક જીવનની સગવડતાના લીધે જિજ્ઞાસુ મન બીજા અનેક વિષયોના ઊંડાણને જાણવાનો પ્રયત્ન કરી શકે છે. એટલે આધુનિક જીવનની સવલતો પ્રભુના આશીર્વાદ સમાન ગણી શકાય, જે જિજ્ઞાસુ ભક્તને આંતરિક વિકાસની દિશામાં પ્રયાણ કરવાની અનુકૂળતા ધરે છે. એવા પ્રયાણમાં અંતરની અગમ્યતાને ગ્રહણ કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિ પ્રગટતી જાય. જે અહમ્ કેન્દ્રિત રાગ-દ્વેષાત્મક માનસને ઓગાળતું જાય અને મનની આત્મીય ગુણોની સાત્ત્વિકતા ભક્તિભાવથી પ્રકાશિત થતી જાય.

       જિજ્ઞાસુ ભક્તનો સ્વયંને જાણવાનો ઉત્સુક ભાવ અને એક વૈજ્ઞાનિકનો અજાણ વાસ્તવિકતાને જાણવાનો ઉત્સુકભાવ, આ બન્ને વચ્ચે ખાસ તફાવત નથી, માત્ર દિશા જુદી છે. ભક્ત અદૃશ્ય અંતર દિશામાં ભક્તિ ભાવથી પ્રયાણ કરે છે અને વૈજ્ઞાનિક આ સર્જાયેલા દૃશ્યમાન જગતની દિશામાં પ્રયાણ કરે છે. વૈજ્ઞાનિકની દૃષ્ટિ સામાન્ય માનવી કરતાં જુદી હોય છે. વૈજ્ઞાનિકો સ્થૂળ રૂપે દેખાતી આકારિત જે પણ પરિસ્થિતિને જુએ, ત્યારે આકારની ભીતરમાં થતી પ્રક્રિયાઓને જાણવાનો પુરુષાર્થ કરે છે. જિજ્ઞાસુભાવની વિવેકી દૃષ્ટિ માત્ર સ્થૂળ જગતના આકારોને ન જુએ, પણ આકારની ભીતરમાં સમાયેલી આત્મીય ચેતનાની વાસ્તવિકતાને સ્વીકારે તથા સત્-અસત્નો સારાંશ ગ્રહણ કરે છે. સાંપ્રત(વર્તમાન) સમયમાં સર્જાયેલા જગતની અનેક પરિસ્થિતિને જાણવાની દિશાામં વૈજ્ઞાનિકો પ્રયાણ કરતાં રહે છે અને તેના જ્ઞાનને પ્રસ્તુત કરતાં રહે છે. તે જ્ઞાનના અનેક વિષયો છે. જેમકે માનવ, પશુ, પક્ષી, જંતુઓના શરીર વિશે તથા વનસ્પતિ વિશે જણાવતાં જ્ઞાનને અંગ્રેજીમાં બાયોલોજી(જીવવિજ્ઞાન) કહે છે. એ જ પ્રમાણે ભૌતિક જગતના પદાર્થોને જણાવતાં જ્ઞાનાન ફીઝીક્સ(પદાર્થ/ભૌતિક શાસ્ત્ર) કહે છે. રસાયણો વિશે જણાવતાં જ્ઞાનને કેમેસ્ટ્રી(રસાયણ શાસ્ત્ર) અને મગજના જ્ઞાનતંતુઓના જ્ઞાનને ન્યૂરો સાયન્સ કહે છે.

       આવાં અનેક પ્રકારના જ્ઞાનના વિષયો છે તથા તે વિષયોનો અભ્યાસ કરાવતાં શિક્ષણનો વ્યાપ(ફેલાવો) પણ વધતો રહે છે. તેથી ભૂતકાળમાં શિક્ષણની જે પદ્ધતિ હતી તે આજના સમયમાં ઘણી રીતે બદલાઈ ગઈ છે. આજે કમ્પ્યુટર જ્ઞાનનાં વિષયનો તથા અણુ જ્ઞાનનાં વિષયનો અભ્યાસ પણ વધી ગયો છે. આ વિષયોના શિક્ષણથી અનેક પ્રકારની શોધખોળ થયાં કરે છે અને અવનવાં યાંત્રિક ઉપકરણોની સુવિધા મળતી રહે છે. એ જ પ્રમાણે શરીર જ્ઞાનનાં તથા ઔષધ જ્ઞાનના અભ્યાસથી અનેક રીત શોધખોળ થતી રહે છે. જેનાં લીધે શારીરિક રોગ, દર્દ, પીડાથી મુક્ત કરાવતાં ઉપાય સહજ મળતાં રહે છે. ટૂંકમાં માનવી જ્ઞાન રૂપે નવું નવું જાણવાની દિશામાં પ્રયાણ કરતો રહે છે, જેનાં લીધે બુદ્ધિની વિદ્વત્તા પ્રગટતી રહે છે. મનની બુદ્ધિગમ્ય વિદ્વત્તા વધે, તેની સાથે જો મનની સાત્ત્વિકભાવની ગુણિયલતા ધારણ થાય, તો એકબીજા સાથે અહંકારી સ્વભાવથી થતાં કલેશ ઓછાં થાય, અથવા મારું-તારુંના સ્વાર્થી ભેદ ઓછાં થતાં જાય અને સંકુચિત રાગ-દ્વેષાત્મક માનસથી મુક્ત થઈ માનવી પ્રેમભાવથી જીવી શકે. તેથી જ મન-બુદ્ધિના મૂળ સ્ત્રોતથી પરિચિત થવાનો પુરુષાર્થ ભક્ત કરતો રહે છે.

       આપણાં સૌના જીવંત અસ્તિત્વનો મૂળ સ્ત્રોત છે પ્રભુની આત્મીય ચેતના. તે ચેતના પ્રાણ શક્તિના ઊર્જા વહેણ રૂપે સતત પ્રસરતી રહે છે અને સર્વે દેહધારી કૃતિઓને શ્ર્વાસ રૂપે અર્પણ થયાં કરે છે. અણુ જ્ઞાનના ઊંડાણપૂર્વકના અભ્યાસથી વૈજ્ઞાનિકોએ જાણ્યું છે કે ઊર્જા શક્તિનું ઘન રૂપ પદાર્થ(મેટર) સ્વરૂપે પ્રદર્શિત થાય છે. અર્થાત્ આત્મીય ચેતનાની ઊર્જાનાં વહેણ(એનર્જી) તથા સ્થૂળ પદાર્થોની સ્થિતિ(મેટર) આ બન્નેનું જોડાણ(યોગ) છે. તે જોડાણ કોઈ માનવીની બુદ્ધિ પ્રતિભાથી થતું નથી. એ તો પ્રભુની આત્મીય ચેતનાનો સ્ત્રોત, આ જોડાણની ક્રિયા રૂપે સ્વયંભૂ પ્રગટે છે અને પ્રકૃતિ જગતની આકૃતિઓ તથા પદાર્થ જગતના આકારો જન્મે છે, પ્રદર્શિત થાય છે. તેથી પ્રકૃતિ જગતની સર્વે કૃતિઓને અથવા જગતની દરેક પદાર્થ સ્થિતિને, પ્રભુની ચેતનાના આવિર્ભાવ(પ્રાગટ્ય) રૂપે જે સ્વીકારે તે છે મનની ભક્ત સ્વરૂપની જાગૃતિ.

       ભક્તની બુદ્ધિ પ્રતિભામાં સાત્ત્વિકભાવની જાગૃતિ હોવાંથી, તે જગતના પદાર્થોની સંગમાં પ્રભુની ચેતનાની પ્રતીતિ કરતો રહે છે. કારણ દરેક પદાર્થની ભીતરમાં ઊર્જાનાં સક્રિય વહેણ છે અને ઊર્જા વહેણની અભિવ્યક્તિમાં આત્મીય ચેતનાની દિવ્ય મતિ(ડીવાઈન વીઝડમ) છે. આ સત્યને ભક્ત માત્ર માહિતી જ્ઞાન રૂપે જાણતો નથી, પણ સ્વાનુભૂતિ રૂપે અનુભવે છે. ચેતનાની દિવ્ય મતિ ઊર્જા વહેણમાં છે એવું અમુક વૈજ્ઞાનિકો સ્વીકારે છે. પરંતુ તેઓ પ્રભુ કે ઈશ્ર્વરની ચેતના છે એવું સહજ સ્વીકારી શકતાં નથી. કારણ જ્યાં સુધી પ્રયોગાતમક ક્રિયાની સાબિતી રૂપે ન જણાય, ત્યાં સુધી તે માત્ર વિચારોનો આલાપ છે એવું તેઓ માને છે. વૈજ્ઞાનિકોની માન્યતામાં ભલે ન આવે, પણ પ્રભુની ચેતનાની સાક્ષાત્ હાજરી છે, તેને કોઈ પુરાવાની જરૂર નથી. એ સત્યનો સ્વીકાર જ્ઞાન-ભક્તિના સદાચરણ થાય અને સ્વાનુભૂતિની અંતર યાત્રાથી તે સત્યને ભક્તની જેમ સમર્પણભાવની શરણાગતિથી, પ્રેમભાવની નિ:સ્વાર્થતાથી અનુભવી શકાય. એવી અનુભૂતિને શબ્દોની વાચાથી ત્યારે જ વર્ણવી શકાય. જ્યારે આત્મીય ચેતનાની ઊર્જા પ્રગટે મા સરસ્વતી કૃપા સ્વરૂપે. એવી કૃપા રૂપે પ્રગટ થતી જ્ઞાની ભક્તોની સાત્ત્વિક વાણીના સાંનિધ્યને કોટિ કોટિ પ્રણામ કરીએ અને ભક્તિભાવથી જીવન જીવીએ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

 

Read More
book img
જડ પદાર્થોની આકૃતિમાં પ્રભુની ચેતના

જીવંત જીવનનું રહસ્ય જાણવાની દિશામાં જે જિજ્ઞાસુ મનનું પ્રયાણ થયાં કરે, તેને એટલું તો સમજાય કે, સૃષ્ટિના કણકણમાં કે જગતની કોઈ પણ હસ્તીમાં પ્રભુની દિવ્ય ચેતના જ સમાયેલી છે. એવી સમજ હોવાં છતાં એ સમજવાનું મુશ્કેલ લાગે કે, તે દિવ્ય ચેતના કઈ રીતે પ્રકૃતિની વિવિધ કૃતિઓને, કે આકારિત આકૃતિઓને સર્જાવે છે, અથવા તે સર્જન ક્રિયા મનુષ્યની બુદ્ધિના હસ્તક્ષેપ(દખલગીરી) વિના સહજતાથી કેવી રીતે થયાં કરે છે? તે આત્મીય ચેતનાનું પ્રશાસન એટલે શું? આવી અજ્ઞાનતાના નિવારણ માટે જીવંત સ્થિતિની ક્રિયાઓના રહસ્યને જાણવાનો જે પુરુષાર્થ કરે, તે જિજ્ઞાસુ મનની વિવેકી દૃષ્ટિ જાગૃત થતી જાય. ધીમે ધીમે સમજણનો અંશ વધતો જાય અને સૂક્ષ્મનું આકલન(યોગ્ય અર્થ) ગ્રહણ થતું જાય. મનની આકલન શક્તિ કંઈ રાતોરાત જાગૃત થતી નથી. એ તો જિજ્ઞાસુ ભાવથી સ્વયંને જાણવાની દિશામાં દૃઢતા પૂર્વક પ્રયાણ થતું રહે, ત્યારે પથદર્શક સંજ્ઞા જ્ઞાનના સંકેત ઝીલવા પડે. સૂક્ષ્મ સૃષ્ટિનો સંજ્ઞાત્મક ભાવાર્થ ગ્રહણ કરાવતી બુદ્ધિની કૃપા, સત્સંગથી, શ્રવણથી, અભ્યાસથી ધારણ થતી જાય. ધીમે ધીમે મનને પોતાના સ્વ સ્વરૂપની વાસ્તવિકતાનો પરિચય પ્રતીતિ રૂપે થતો જાય અને તન સાથે જોડાયેલાં મન, મગજ, ઈન્દ્રિયોના સહારે જીવવાની વિશેષતાનો સ્વીકાર થતો જાય.

       સ્વીકાર થવો એટલે જે શરીરના સહારે ઈન્દ્રિયગમ્ય વિષયોના સંગમાં મન સુખનો અનુભવ કરે છે, તથા વ્યવહારિક જગતના કાર્યો કરી શકે છે, અથવા પ્રકૃતિ જગતની કૃતિઓ સાથે આદાનપ્રદાન કરી શકે છે, એ પ્રભુની ચેતનાના સહારે શક્ય થાય છે. એવાં સ્વીકારભાવથી જીવન જિવાય ત્યારે રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવનું માનસ ઓગળતું જાય. જો અહંકારી સ્વભાવનું નકારાત્મક માનસ ઓછું ન થાય, તો જે સમજ ગ્રહણ થઈ હોય, તે માત્ર માહિતી રૂપે રહે છે. સૂક્ષ્મ સમજનું વર્તનમાં પ્રગટવું, તે છે જ્ઞાન-ભક્તિનું સદાચરણ. માહિતી જ્ઞાનથી મનનો વિકાસ થતો નથી, કે સાત્ત્વિક ગુણોની પ્રતિભા જાગૃત થતી નથી. માહિતી જ્ઞાનની સમજ તો એક કમ્પ્યુટરની જેમ યાંત્રિક મશીન જેવી કહેવાય. કમ્પ્યુટર કે સ્માર્ટ ફોન દ્વારા દુનિયાની જાણકારી મળે. પરંતુ મનનું પરિવર્તન થાય, કે અહંકારી નકારાત્મક માનસ ત્યારે જ ઓગળે, જ્યારે સ્વીકારભાવ સ્વરૂપે મનનો ઢાળ બદલાતો જાય. મનોમન પછી સહજ સમજાય કે, મનુષ્ય જીવન માત્ર અન્ન, રહેઠાણ અને વસ્ત્રો પરિધાન કરવા માટે જ સર્જાયું નથી. જિવાડનાર પ્રભુની ચેતનાનો ઊર્જા સ્ત્રોત કોઈ પણ સ્વાર્થ વગર સતત સૌને શ્રેયિત ભાવથી અર્પણ થયાં કરે છે. પ્રભુની ચેતના રૂપી થાળી દ્વારા જ શ્ર્વાસ રૂપી અન્ન આપણને પ્રાપ્ત થાય છે. તે અન્ન આરોગવા માટેનો કોઈ નિશ્ર્ચિત સમય નથી. એ તો ક્ષણે ક્ષણે અર્પણ થાય અને મનુષ્યને આરોગવા માટે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. એ તો પ્રભુની ચેતનાથી સર્જાયેલાં દેહના અંગો દ્વારા આપમેળે ગ્રહણ થયાં કરે છે.

       દેહની શુદ્ધતા સાથે વિકાસશીલ ક્રિયા કરાવવા માટે શ્ર્વાસનું અપાન થાય છે અને પુન: બીજી ક્ષણે નવીન શ્ર્વાસનું પાન થાય છે. આમ પ્રભુનું આત્મીય ચેતનાનું ધન કહો, કે દિવ્ય પ્રીતનો ઊર્જા સ્ત્રોત કહો, કે શ્ર્વાસનું અન્ન કહો, એનાં સાંનિધ્યમાં જ, એનાં સંગાથે જ આપણે સૌ જીવંત જીવન જીવી શકીએ છીએ. તેથી પ્રભુની ચેતના સાથે રૂપિયા, રહેઠાણ, વસ્ત્ર, ધાન્યની જરૂરિયાત પણ હોય છે. એટલે ભક્ત કદી લૌકિક જીવનમાં જે પરિસ્થિતિની જરૂરિયાત હોય, એની સાથે પ્રભુની ચેતનાની સરખામણી ન કરે, કે તફાવત જાણીને મૂલ્યાંકન ન કરે. ભક્ત તો લૌકિક જીવનની જરૂરિયાતો તથા પ્રભુની ચેતનાની હાજરી, આ બન્ને સ્થિતિના સંયોગને ભાવથી સ્વીકારે. આકારિત જગતની પરિસ્થિતિ અને નિરાકારિત સૃષ્ટિની સૂક્ષ્મતા, બન્ને એકબીજાની પૂરક સ્થિતિ છે. તેનો ભાવાર્થ સમજાય તો જણાય કે, જે આકાર દેકાય છે, તે આકારની જીવંત સ્થિતિ તથા આકારમાં થતી અનેક પ્રકારની ક્રિયાઓ તે દિવ્ય ચેતનાની સાક્ષાત્ હાજરીના લીધે થાય છે. ચર્મચક્ષુથી તે આકારને જોઈ શકાય છે, હાથથી સ્પર્શી શકાય છે. એટલે દૃશ્યમાન પદાર્થ જગતના આકારોની હસ્તીનો જ સ્વીકાર માનવી કરે છે. પરંતુ તે પદાર્થની સક્રિય ચેતનવંત સ્થિતિ જે પ્રભુની ચેતનાને લીધે છે તેનો સ્વીકાર સહજ થતો નથી. સ્થૂળ આકારોની હસ્તી સૂક્ષ્મ ઊર્જા સ્ત્રોતની હાજરીના લીધે છે, એવાં સત્ દર્શનથી ભક્ત પ્રભુની પ્રતીતિ કરતો રહે અને ભાવની નિર્મળતાથી પ્રભુને વિનવતો રહે કે..,

 

       "હે નાથ મારી સમજ નિરાકારને જાણવાની ઓછી છે..;

       અને મારી સમજ આકારને જાણવાની પણ ઓછી છે..;

       મારી સમજ આપે સર્જાવેલી પ્રકૃતિની, કે આકૃતિની સીમિત છે..;

       હવે સમજાયું કે આપ સીમા પાર છો,

કૃપા કરી આપની અસીમ કૃપામાં ડુબાડી દ્યો.”

 

       ભક્તની જેમ દરેક માનવી જડ પદાર્થોની આકૃતિમાં સમાયેલી પ્રભુની ચેતનાને અનુભવી શકે છે. કારણ દરેક પદાર્થનું રૂપ કે આકાર, એ પ્રભુની આત્મીય ચેતનાના લીધે જ પ્રદર્શિત થાય છે. ફરક એટલો જ છે કે આત્મીય ચેતનાનું રૂપ નથી. પણ અદૃશ્ય સ્વરૂપ છે અને પદાર્થનું દૃશ્યમાન રૂપ જોઈ શકાય છે. બાહ્ય ઈન્દ્રિયોના સહારે દૃશ્યમાન રૂપને અનુભવી શકાય છે, તથા અંતર ઈન્દ્રિયોની જાગૃતિથી આત્મીય ચેતનાની પ્રતીતિ થઈ શકે છે. એવી પ્રતીતિનું સંવેદ હૃદયભાવની નિર્મળતાથી ધારણ થઈ શકે, તેને કહેવાય ભક્તિભાવનું સદાચરણ. અર્થાત્ વહેલી સવારે સૂર્યોદયનું દર્શન જ્યારે કરીએ, અથવા ચિત્રકારની સુંદર કૃતિને નિહાળીએ, અથવા પોતાના સ્વજનોના પ્રેમાળ શબ્દોને, વહાલભર્યા સ્પર્શને અનુભવીએ, ત્યારે રાગ-દ્વેષ વગર તે અનુભવીએ છીએ. એવાં અનુભવમાં જો ભક્તિભાવની નિર્મળતા જાગૃત થાય તો ચેતનાનું સંવેદન સ્વયંભૂ ધારણ થતું જાય, ત્યારે જીવંત જીવનની સાર્થકતા અનુભવાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

                                 

Read More
book img
માયાજાળમાં અટવાયા અમે બહાર કાઢો હે નાથ

આપણાં સૌના દેહને જીવંત સ્થિતિનું દાન અર્પણ કરતી પ્રભુની આત્મીય ચેતનાને કોટિકોટિ પ્રણામ કરતાં રહીએ અને પ્રભુ સાથેની ઐક્યતાનો આનંદ માણવાનો અવસર અર્પણ કરતાં, આ માનવ જીવનની મહત્તાને સમજવાનો પ્રયત્ન કરતાં રહીએ. એવાં પ્રયત્નથી એટલું તો સહજ રીતે અનુભવાય છે કે પ્રભુની દિવ્ય પ્રીતની ચેતના નિરપેક્ષભાવથી સર્વેએ સતત શ્ર્વાસ રૂપે અર્પણ થતી રહે છે, અર્પણના એકમ ભાવમાં કોઈ ભેદભાવ નથી કે, આ રાજાનો દેહ છે કે કોઈ ગરીબનો દેહ ચે, શ્ર્વાસની ધારા તો દરેક દેહમાં આત્મીય પ્રીતની પ્રસન્નતાથી વહેતી રહે છે. દેહને જીવંત રાખતું પ્રભુનું અમૃત સ્વરૂપનું દાન કદી શુભ-અશુભ, સારું-ખરાબ, ઉચ્ચ-નિમ્ન એવા ભેદ સર્જાવતું નથી. ભેદભાવની વિરોધી પ્રકારની સ્થિતિનો અનુભવ માનવી મન કરે છે. એટલે શરીરનું સ્વાસ્થ્ય અથવા રોગી કે નિરોગી સ્થિતિ માનવીના મન પર નિર્ભર રહે છે. આપણે પોતે જ કરેલા કર્મોનું ફળ ભોગવવા માટે કયા કુટુંબમાં, કઈ માતાની કૂખ દ્વારા માનવી જન્મ ધારણ કરવો હોય છે તેનો નિર્ણય, જન્મ પહેલાંની સૂક્ષ્મ-નિરાકારિત અવસ્થામાં કર્યો હોય છે. તે નિર્ણય અનુસાર પોતે કેટલાં વરસ જીવશે તે પણ નિશ્ર્ચિત કરીને જીવ પોતાના અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં સામાન સાથે માતાની કૂખમાં પ્રભુની ચેતનાના સહારે પ્રવેશ કરે છે.

       પ્રભુની ચેતનાના સહારે જ્યારે જીવ માતાની કૂખમાં પ્રવેશે છે, ત્યારે આત્મીય ચેતનાની દિવ્ય પ્રીતને સ્પર્શે છે. તે ક્ષણે પ્રીતના સ્પર્શનો અવર્ણનીય આનંદ અનુભવે છે. એટલે માતાના ગર્ભમાં જ્યારે માનવ શરીરના આકારનું ઘડતર થાય છે, ત્યારે ગર્ભમાં રહીને જીવ નિશ્ર્ચય કરે છે કે, જન્મીને ભક્તિભાવથી એવાં સત્કર્મો કરીશ કે ભક્તિ રૂપે પ્રભુની દિવ્ય પ્રતીનો આનંદ માણી શકાય. મોટેભાગે જન્મ લીધા પચી જીવ પોતાના શરીરની બાળક અવસ્થા પસાર કરીને યુવાન સ્થિતિને ધારણ કરે છે. ત્યારે પોતાની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને વર્તન રૂપે ભોગવવામાં, તે સંસારી વિષયોમાં આળોટતો રહે છે અને ભક્તિભાવથી પ્રભુ સ્મરણની અંતર યાત્રા કરવાનું ભૂલી જાય છે. આવી ભૂલની વાસ્તવિકતા જ્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગથી સમજાય, ત્યારે સ્પષ્ટ રૂપે ભૂલનું દર્શન થાય કે, માનવી પોતે જ પોતાના સુખ-દુ:ખનું, મનની ઉચ્ચ-નિમ્ન કક્ષાનું, કે શરીરની નિરોગી-રોગી સ્થિતિનું નિર્માણ કરે છે. જીવન જીવવા માટે પ્રભુનું આત્મીય ચેતનાનું પરિબળ તો સર્વત્ર સર્વે કૃતિઓમાં વ્યાપ્ત રહેલું છે અને સાક્ષીભાવની નિરપેક્ષતાથી શ્ર્વાસ રૂપે અર્પણ થતું રહે છે. એટલે પ્રભુ કદી કોઈને દુ:ખની, પીડાની, કે દર્દની વેદના અર્પણ કરતાં નથી. આ સત્યનો સ્વીકાર ત્યારે નિશ્ર્ચય પૂર્વક થાય, જ્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગથી આત્મીય ચેતનાની શૂન્યભાવની દિવ્યતાનો ભાવાર્થ સમજાય. તેથી જ ભક્ત પોતાની ભૂલનો પશ્ર્ચાત્તાપ કરી, વિનંતિભાવથી પ્રભુને પ્રાર્થના કરતો રહે કે..,

 

       શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી તુજને અમારા પ્રણામ,

બિંદુમાંથી સરોવર સર્જ્યું, તારો બહુ ઉપકાર;

       માટીમાંથી પૃથ્વી સર્જી માનવ માટે નાથ,

હળીમળીને રહીએ એટલે, સર્જ્યો છે સંસાર;         

પ્રભુ પાસેથી છૂટાં પડ્યાં ત્યારે વચન દીધું તેને હાથ,

              ભક્તિમાં અમે સમય વિતાવશું, ભૂલશું નહિ હે નાથ;

       જે દિવસથી વચન ભૂલ્યાં શાંતિ ગઈ એની સાથ,

              માયાજાળમાં ગૂંથાઈ રહ્યાં અમે, બહાર કાઢો હે નાથ.

 

       ભક્તિભાવથી સ્વ સ્વરૂપનો ભાવાર્થ જેમ જેમ આત્મ જ્ઞાન સ્વરૂપે ધારણ થતો જાય, તેમ તેમ સૂક્ષ્મ સમજ રૂપે પ્રભુ સાથેની ઐક્યતાના અણસારા મળતાં જાય. અણસારા રૂપે સ્વ સ્વરૂપના સત્ ભાવનો સારાંશ સ્પષ્ટતાથી ગ્રહણ થાય કે, દરેક જીવનું અસ્તિત્વ એ પ્રભુની આત્મીય પ્રીતની ચેતનાનો જ આવિર્ભાવ છે. પ્રભુ જ પોતે જીવ રૂપે પ્રગટે છે. તેથી શિવ(પ્રભુ) અને જીવની ઐક્યતા છે જ. તે ઐક્યતાની પ્રતીતિ કર્મસંસ્કારોના આવરણને લીધે થતી નથી. એ આવરણને વિલીન કરવા માટે જ આપણે મનુષ્ય દેહને ધારણ કર્યો છે. ઘણાં સત્સંગીઓને એવો પ્રશ્ર્ન મનમાં ઘુંટાતો રહે છે કે, "પ્રભુના સાત્ત્વિક ગુણોની જાગૃતિ માટે આટલાં વરસોથી સત્સંગ કરું છું. છતાં સાત્ત્વિક વર્તનની સહજતા ધારણ થતી નથી! પ્રભુ સાથેની ઐક્યતાનો આનંદ માણવા માટે ચિંતન, અધ્યયન, ધ્યાન વગેરે ક્રિયા કરવાનો પુરુષાર્થ કરું છું. છતાં અતૃપ્ત ઈચ્છાઓના આવરણની અશાંતિ વિલીન થતી નથી!

       આવી મુંઝવણના પ્રશ્ર્નો યથાયોગ્ય છે અને એનો ઉત્તર મેળવવા શરણભાવથી મન જો મનોમંથન કરે, તો સમજી જવું કે આ જન્મમાં જ્ઞાન-ભક્તિની દિશામાં પ્રયાણ કરાવતી પ્રભુની અણમોલ કૃપા વરસી રહી છે. મોટેભાગે સંસારી જવાબદારીઓ નિભાવવામાં તથા આજીવિકાના કાર્યો કરવામાં મન એટલું વ્યસ્ત રહે છે કે, એને પોતાના અસ્તિત્વ વિશે વિચારવાનો સમય નથી, અથવા જિવાડનાર પ્રભુની હાજરીનો પણ અહેસાસ થતો નથી. ધાર્મિક તહેવારોની ઉજવણી, કે ઘરમાં થતી પરંપરાગત ધાર્મિક પ્રવૃત્તિઓ મન કરશે. પરંતુ તે પ્રવૃત્તિઓ કર્યા પછી પણ સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં એકાગ્રતાની નિષ્ઠાથી મન સ્થિત થતું નથી. તેથી સ્વયંની ઓળખથી અપરિચિત રહીને, અથવા સ્વયંની પ્રતીતિ કર્યા વગર મોટેભાગે જન્મારો પસાર થઈ જાય છે.

       પ્રભુ કૃપા રૂપે ઉત્તરની ભૂમિકા જ્યારે સાત્ત્વિક વિચારોના ભાવાર્થ રૂપે મનમાં સ્થપાય, ત્યારે ગુરુના સાંનિધ્ય રૂપે માર્ગદર્શન ધારણ થતું જાય અને ભૂલને સુધારવાનો માર્ગ સ્પષ્ટ થતો જાય. મનોમન પ્રભુની કૃપાનો પછી અહોભાવથી સ્વીકાર થાય કે, પ્રભુનું આત્મીય પ્રીતનું ધન તો ક્ષણે ક્ષણે મળે છે. પરંતુ પાણી ભરેલા એક ગ્લાસમાં જેમ વધુ પાણી રેડીએ તો પાણી છલકાઈ જાય, સરી જાય, તેમ મન રૂપી ગ્લાસ અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારોથી ભરેલો છે. મનનો ગ્લાસ કાલી થાય તો સાત્ત્વિકભાવ છલકાય. તેથી ભક્તિભાવની નિષ્ઠાથી જીવીએ, તો રાગ-દ્વેષના ભેદભાવથી મુક્ત થવાતું જશે. ભક્તિભાવથી જીવવાના અણસારા માતા-પિતાના પ્રેમમાં, શિક્ષકોના વિદ્યા અર્પણ કરવાના પ્રેમમાં, દાદા-દાદીના વહાલમાં અથવા પ્રકૃતિ જગતના સમર્પણમાં મળતાં જાય. પછી નિ:સ્વાર્થ પ્રેમમાં મન ઢળતું જાય, તે જ છે ભક્તિભાવનું સદાચરણ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
હૃદયભાવની સાત્ત્વિકતાથી થાય સદ્વિચારોનું વર્તન

માનવીને મન આપ્યું, તે છે ભાવભીનું હૃદય,

મનને વાપરીએ હૃદય સ્વરૂપે તો થાય સ્વનું આલિંગન;

       મનની રાગ-દ્વેષની વૃત્તિઓએ લીધી લગામ,

એટલે માનવી ન થયો હૃદયદ્રાવક;

       મનોમંથનથી જણાય માનવીને,

કે મનનું વાહન તો હૃદયભાવની સાત્ત્વિકતાથી જ વપરાય;

       હૃદયભાવની સાત્ત્વિકતાથી થાય સદ્વિચારોનું વર્તન,

જે ધારણ કરાવે જીવનનો યથાર્થ સાર.

 

       માનવીનું મન સામાન્ય રૂપે પોતાની અપેક્ષાઓને, કે ઈચ્છાઓને પૂરી કરાવતાં વિચારોમાં વીંટળાયેલું રહે છે. એવું મન ધામિર્ક તહેવારોની ઉજવણી હોંશથી કરે અને ક્યારેક પરોપકારી કાર્યો પણ કરે. છતાં મનની અપેક્ષા એવી હોય કે, પોતાની વાહવાહ થાય, સન્માન મળે, અથવા સમાજમાં પોતાની સજ્જન માણસ તરીકેની છબી રહે. એવાં આશયથી જ પરોપકારી કાર્યો કરે. સામાન્યત: આવા અહમને પોષતો, કીર્તિની ઝંખનાને પૂરી કરતો સ્વભાવ માનવીનો હોય, એની આપણે નિંદા નથી કરવાની, પણ મનની સામાન્ય કક્ષાથી ઉચ્ચ સ્તરની સાત્ત્વિકતાને જાગૃત કરવાનો આપણો પ્રયાસ હોવો જોઈએ. તે માટે સ્વજ્ઞાનના અભ્યાસતી ચિંતન થાય તો સમજાય કે, પ્રભુ તો દરેક દેહધારી જીવને જિવાડે છે. છતાં કદી કોઈની ભૂલોને, અહંકારી સ્વભાવની તોછડાઈને અટકાવતો નથી. જેવા ભાવથી માનવી કર્મ કરે તે મુજબ ફળ એને મળે છે. પ્રભુ કદી ફળ નથી આપતાં. કર્મ કરવાની રીતનું કે ફળ ભોગવવાની ક્રિયાનું કે કોઈ પણ અપેક્ષિત કાર્યની રચના માનવી પોતે જ કરે છે. પ્રભુ તો પોતાની આત્મીય ચેતનાાન ઊર્જા વહેણને નિરપેક્ષભાવથી સતત વહેતાં રાખે છે. જેથી કર્મ કે કાર્યની ક્રિયા કરવાનું બળ સૌને મળી શકે. મનની જો હૃદયભાવની જાગૃતિ થાય તો આત્મીય ચેતનાનું પ્રભુત્વ સાત્ત્વિક ગુણોના વર્તન રૂપે ધારણ થતું જાય.

       હૃદયભાવની જાગૃતિ માટે જ્ઞાન-ભક્તિના સત્સંગથી, સ્વ જ્ઞાનના અભ્યાસથી મનને કેળવવું પડે. સાત્ત્વિક વિચારો શ્રવણમાં, અધ્યયનમાં મન જેમ જેમ ઓતપ્રોત થતું જાય, તેમ તેમ તન-મનની જીવંત સ્થિતિનું દાન અર્પણ કરનાર પ્રભુની આત્મીય ચેતનાથી જાણકાર થતું જાય. જાણકાર થવું એટલે કણકણમાં પ્રભુની સાક્ષાત્ હાજરીનો સ્વીકાર થવો. સ્વયંથી જાણકાર થવાની યાત્રા જિજ્ઞાસુભાવથી થાય, તે છે મનની ભક્ત સ્વરૂપની જાગૃતિ. ભક્તનું જાણકાર મન, તે છે જ્ઞાતા ભાવનું વર્તન અને તે જ છે હૃદયભાવનું વિશાળ મન. નિષ્કામ હૃદયભાવની જાગૃતિને મન ધારણ કરી શકે, તે માટે ભક્તની જેમ માનવ દેહની મહત્તાથી તથા સૌને જીવંત જીવનનું દાન અર્પણ કરનાર પ્રભુની ચેતનાથી જાણકાર થવું પડે. જાણકાર થવાની ઉત્સુકતા જાગે તો સાત્ત્વિક વિચારોના અભ્યાસથી સમજાય, કે આ પૃથ્વી પર જે પણ દેહધારી જીવો જીવે છે, તે સૌ પ્રાણી કહેવાય. કારણ પ્રભુની પ્રાણ શક્તિની ચેતનાના સહારે જીવંત જીવન જીવી શકાય છે. તેથી સર્વે દેહધારી કૃતિઓ છે પ્રાણ શક્તિનો ભોગ કરનારી પ્રાણી સ્થિતિ. જે પ્રાણી વિચારી શકે ચે, પ્રકૃતિ જગતની બીજી આકૃતિઓ સાથે આદાનપ્રદાન કરી શકે છે, ઈન્દ્રિયો દ્વારા બાહ્ય જગતના વિષયોને અનુભવથી ભોગવી શકે છે, તથા વિચાર-વર્તનથી પોતાનો વિકાસ થાય એવા કાર્યો કરી શકે તે પ્રાણીને માનવી કહેવાય છે. એટલે મનના ઉપયોગથી જીવતાં દરેક માનવીઓમાં માનવતાના સંસ્કારોની મૂડી છે. મનમાં સમાયેલ ગુણિયલ સંસ્કારોની મૂડીથી જો રોજિંદા વ્યવહારના કાર્યો થયાં કરે, તો માનવતાનાં સાત્ત્વિક આચરણથી, એકબીજા સાથે પ્રેમભાવની સહકારી સુમેળતા અનુભવી શકાય.

       રોજિંદા કાર્યો કરવા માટે, કે આજીવિકાના કાર્યો કરવા માટે જેમ દરેક માનવીને વધતે ઓછે અંશે મહેનત કરવી પડે છે; તેમ માનવતાનું સંસ્કારી જીવન જીવવા માટે પુરુષાર્થ તો કરવો જ પડે. મહેનત વગર ખાવાનું ધાન્ય પણ ખેતરમાં ઊગતું નથી અને તે ઊગેલા ધાન્યને યોગ્ય રીતે પકવીએ-રાંધીએ ત્યારે ખાવાનું અન્ન ગ્રહણ કરી શકાય, તથા ગ્રહણ કરેલા સ્વાદિષ્ટ અન્નને પચાવવા માટે પણ અંગોની સતત થતી પ્રક્રિયાઓનો પરશ્રિમ હોય છે.

આમ જે માનવીને મહેનત કરવાની આળસ નથી, કે પુરુષાર્થ કરવાનો પ્રમાદ નથી, તે એ જ સત્યના સ્વીકારથી જીવન જીવે છે. મનની વિચારવાની, સમજવાની કે અનુભવવાની પ્રક્રિયાના લીધે આ ધરતી પર વસવાટ કરનારા બીજા પ્રાણીઓની સરખામણીએ, ઉચ્ચ કક્ષાનું સાત્ત્વિક જીવન જીવવાની અનુકૂળતા પ્રભુએ અર્પણ કરી છે. આ સત્યના સ્વીકાર રૂપે તે માનવી પુરુષાર્થી જીવન જીવે અને કોઈ જાદુ કે ચમત્કારના પ્રયોગ પાછળ ન દોડે, અથવા અમુક વસ્તુની કે વ્યક્તિની પ્રાપ્તિ માટે કર્મકાંડની વિધિઓમાં મનને ફરતું ન રાખે. કારણ સત્ય હકીકતનો જ્યાં સ્વીકાર હોય ત્યાં અમૂલ્ય માનવી જીવનની પરખ હોય.

       દેહની અમૂલ્યતા સમજીને સુસંસ્કારી કાર્યો પરમાર્થી ભાવથી કરે, એવાં મનનું ભક્ત સ્વરૂપ સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં સરળતાથી સ્થિત થાય. એટલે ભક્ત પોતાના દેહની આધારિત સ્થિતિનો યોગ્ય રીતે સદુપયોગ થાય એવાં સંયમથી જીવે છે એવો સંયમ એટલે ઈન્દ્રિયોના આધારે જે પણ કાર્ય કરે, ત્યારે તે વ્યવહારિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિના કાર્યોમાં ઈન્દ્રિયોનું શોષણ ન થાય, પણ સાત્ત્વિકભાવનું પોષણ ધારણ થતું રહે. એવાં અકર્તાભાવથી ભક્ત પોતાના કાર્યો કરે છે. એવાં સંયમ રૂપે મનની તટસ્થતા, દૃઢતા, શ્રદ્ધા વગેરે સાત્ત્વિક ગુણિયલતાનું પોષણ ખીલતું જાય, એમાં ઈન્દ્રિયોની તેજસ્વીતા પ્રગટતી જાય. આમ શરીરની જન્મ-મૃત્યુની ક્રિયાને આધીન રહેલા જીવનમાં જ સ્વમય ચિંતનની ભક્તિથી મનનો હૃદયભાવ જાગૃત થઈ શકે છે તથા ઈન્દ્રિયોની સૂક્ષ્મતા જાગૃત થઈ શકે છે. તેથી ભક્ત સ્વમય અંતર ભક્તિમાં ઓતપ્રોત રહેવાનો પુરુષાર્થ કરતો રહે છે. એવો પુરુષાર્થ નિષ્કામભાવથી થવો જોઈએ. ‘હું ભક્તિ કરું છું’ એવી કામના હોય ત્યાં સ્વાર્થ હોય છે, પણ ભક્તિ કરનાર હું જેમ જેમ અંતરની વિશાળતામાં કે સૂક્ષ્મતામાં ઓતપ્રોત થશે, પછી નિષ્કામભાવ આપમેળે જાગૃત થશે. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે, નિષ્કામભાવથી ભક્તિની ભગવત્ શક્તિમાં આપણને એકરૂપ કરાવી, સ્વાનુભૂતિના આનંદમાં તરાવતાં રહે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
કોણ જીવે છે અને કોણ જીવાડે છે?

પ્રારબ્ધગત જીવનના ઉતાર-ચઢાવમાંથી પસાર થતું માનવી મન, વિવિધ ઘટનાઓનાં અનુભવથી જેમ જેમ ઘડાતું જાય, તેમ તેમ દેહધારી જીવનનો મહિમા અમુક અંશે પરખાતો જાય. ઘડતર રૂપે જો એવાં પ્રશ્ર્નોની હારમાળા ગૂંથાતી જાય કે, પોતે આ શરીરની આકૃતિ છે કે શરીરમાં વસવાટ કરનાર છે? શરીરમાં વસવાટ કરનાર હું છું, તો મારું નિરાકારિત સ્વરૂપ શું છે? શરીરની રચના કરાવતી અથવા મનોમન વિચાર કરાવતી કે અનુભવ કરાવતી શક્તિ શું છે? આવા પ્રશ્ર્નો મોટેભાગે જિજ્ઞાસુ ભક્તમાં ઉદ્ભવે છે અને ખાસ કરીને ત્યારે ઉદ્ભવે, જ્યારે શરીરના મૃત્યુ રૂપે પોતાના સ્નેહીજનનો, કે પરિવારજનનો સહવાસ છૂટી જાય. જિજ્ઞાસુ ભક્ત મૃત્યુની વાસ્તવિકતાને તો સ્વીકારે છે. પરંતુ પોતાના સ્નેહીજનની ગેરહાજરીનો વિયોગ ન સહેવાસ, ત્યારે સહવાસ રૂપે માણેલી સુંદર ઘટનાઓનું સ્મરણ મનને વિહ્વળ કરી દે છે. કારણ બીજી કોઈ પરિસ્થિતિ પોતાના સ્વજનની ગેરહાજરીની ખોટને પૂરી કરી શકતું નથી. તેથી મન ખાલીપો અનુભવે છે. તે વિહ્વળતા કે નિરાશાને વળાંક મળી શકે જો સ્વયંને જાણવાની જિજ્ઞાસુ વૃત્તિ રૂપી દીપક, સત્સંગ, અભ્યાસ, કે ગુરુના સાંનિધ્યના લીધે પ્રજ્વલિત થયો હોય.

       જિજ્ઞાસુભાવની જાગૃતિના લીધે આંતરિક વાસ્તવિકતાને જાણવાના વિચારો ઉદ્ભવી શકે કે, જિવાડનાર પ્રભુની શક્તિ સાથે હું જોડાયેલો છું તો એની પ્રતીતિ સહજ કેમ થતી નથી? શું મારો સ્વભાવ અવરોધક છે, જે પ્રભુની આત્મીય પ્રીતની પ્રતીતિથી મુજને વંચિત રાખે છે! તો અવરોધક સ્વભાવના નકારાત્મક વલણનું પરિવર્તન કરાવતા, સકારાત્મક સદ્વિચારોના ચિંતનમાં મનને સ્થિત રાખવાની દૃઢતા કેમ વધતી નથી? આવાં વિચારોની હારમાળામાં જિજ્ઞાસુ મન ગૂંથાયેલું રહે, પણ ચિંતનમાં તે સરળતાથી સ્થિત થતું નથી. કારણ અંગત સ્નેહીજનના મૃત્યુથી મન શોકમાં ડૂબેલું રહે છે. શોકમાં ડૂબેલું મન સામાન્ય રૂપે પોતાના દુ:ખને જ મહત્તા આપી, દુ:ખદ અનુભવના સ્મરણમાં રૂપી પાંજરામાં પુરાઈ રહે છે. એવાં શોકમગ્ન મનમાં સ્વયંને જાણવાની તમન્ના હોય, પણ તે સાત્ત્વિક વિચારોના અધ્યનનમાં કે ચિંતનમાં સ્થિત નહિ થાય. એવું મન આશ્ર્વાસનનો પણ અસ્વીકાર કરી, પોતાને જ ભગવાને દુ:ખ કેમ આપ્યું અને પોતાના જેવો દુ:ખી આ સંસારમાં બીજો કોઈ નથી એવાં વિચારોમાં બંધાયેલું રહે છે. આવું દુ:ખદ વિચારોમાં બંધાયેલું મન પણ સમય પસાર થતાં ધીમે ધીમે શોકમાંથી બહાર આવે છે. આમ છતાં મનના ખૂણામાં તે દુ:ખદ ઘટનાનું સ્મરણ અકબંધ રહે છે. આવું મન જિજ્ઞાસુભાવની જાગૃતિના લીધે ધીરે ધીરે અંતર તરફ પ્રયાણ કરતું જાય અને સાચી સમજ ગ્રહણ કરવાની ઉત્સુકતા પછી વધતી જાય.

       અંતર પ્રયાણ ધીરે ધીરે થાય, એટલે કે જિજ્ઞાસુ મન ગુરુના સાંનિધ્યમાં સત્સંગ કરે, માર્ગદર્શન મેળવે, પણ સાત્ત્વિક આચરણની જાગૃતિ રૂપી વસ્ત્ર ધારણ કરી શકતું નથી. મનનું પરિવર્તન કરાવતા સાત્ત્વિક વિચારો ગ્રહણ થાય, એનો સૂક્ષ્મ અર્થ સમજાય તથા એ મુજબ અકર્તાભાવથી જીવવાનો નિર્ધાર પણ થાય. પરંતુ અકર્તાભાવના વર્તનમાં મન થોડી ક્ષણો માટે સ્થિત થઈને પાછું કર્તાભાવના અહંકારથી વર્તે છે. કારણ જ્યાં સુધી મન ભૂતકારળમાં અનુભવેલી દુ:ખદ કે સુખદ ઘટનાઓના સ્મરણમાં ફરતું રહે, અથવા દુ:ખદ અનુભવને વાગોળ્યાં કરે અને એનું વર્ણન બીજા સમક્ષ કરીને તે દુ:ખદ ઘટનાને અનુભવવાની પોતાની બહાદૂરીને જણાવે, અથવા એવું જણાવતાં વારંવાર કહે કે, "આ બધા અનુભવમાંથી હું તો પ્રભુની કૃપાના લીધે જ પસાર થઈ શક્યો,” એવાં હું કેન્દ્રિત વિચારોની વાણી જો બોલાતી રહે, તો ચિંતનમાં મન સ્થિત કેવી રીતે થાય! સામાન્ય રૂપે સ્વયંને જાણવાની કે સ્વાનુભૂતિની અંતર યાત્રા માટે માનવીમાં જિજ્ઞાસા જાગૃત થતી નથી. મનને સત્સંગની કેળવણીનો કંટાળો આવે ચે. એવાં મનનું પરિવર્તન ત્યારે થાય, જ્યારે પોતાના અજ્ઞાની સ્વભાવની ખામીઓથી મુક્ત થવાની ઈચ્છા પ્રબળ થાય.

       અવરોધક સ્વભાવને બદલવાનું માનવી પોતે નક્કી ન કરે, ત્યાં સુધી સત્સંગ પણ માત્ર સંસારી પ્રવૃત્તિની જેમ થતો હોય છે. તેથી જ વર્ષો સુધી સત્સંગ, અભ્યાસ કરતું મન, પોતાના અહંકારી સ્વભાવથી, કે રાગદ્વેષાત્મક વર્તનથી મુક્ત થઈ શકતું નથી. એટલે મનોમન સ્પષ્ટતા હોવી આવશ્યક છે કે, કર્મ-ફળની પ્રક્રિયાના જીવન દ્વારા જ મનના વિચારોનું, કે અહંકારી સ્વભાવનું શુદ્ધિકરણ કરાવતી સ્વમય જાગૃતિ થાય છે. જેમ ભરતી વખતે સાગરના મોજાઓનું ગતિમાન બળ હોવાંથી જ્યારે કિનારાને સ્પર્શે છે, ત્યારે કિનારાના ખડકોને અથડાઈને તે મોજાઓના વહેણ અંતર સાગરમાં જ પાછા સમાઈ જાય છે. મોજાઓ અથડાય, ખડક તૂટતાં જાય અને રેતીનો પટ કિનારો બનતો જાય. એ જ રીતે પ્રારબ્ધગત જીવન સાગરમાં કર્મ-ફળની પ્રક્રિયાઓ રૂપી મોજાઓ ઉછળે, તેને કોઈ અટકાવી શકે એમ નથી. તે મોજાઓ અતૃપ્ત ઈચ્છાઓની તૃપ્તિ માટે, ઉપભોગ ભોગવવા માટે ઉછળે છે, ત્યારે રાગ-દ્વેષના અહંકારી ખડકોના લીધે એકબીજા સાથેના સંબંધોમાં અથડામણ થાય છે. આ ખડકો ત્યારે જ તૂટીને સાત્ત્વિક ભાવની જાગૃતિ રૂપી રેતી બની જાય, જ્યારે અકર્તાભાવનું, શરણભાવનું, નિર્મળભાવનું સાત્ત્વિક બળ ચિંતન, અભ્યાસથી વધતું જાય. અર્થાત્ સ્વજ્ઞાન રૂપે મનોમન એકરાર થવો જોઈએ કે, કર્મ કરાવનાર પ્રભુની આત્મીય ચેતના છે, જેના આધારે હું જીવું છું, પ્રક્રિયા કરી શકું છું, વિચારી શકું છું, ઉપભોગી આનંદને માણી શકું છું. એવા એકરારની સ્પષ્ટતાથી અહંકારી સ્વભાવના ખડકોનો અવરોધ ઓછો થતો જાય.

 

       કોની દુનિયા, કોનું જીવન, કોણ જીવે છે અને કોણ જિવાડે છે..?

       કોનો જીવ, કોની જીવંત સ્થિતિ, કોની જાગૃતિ અને કોની છે આ આકૃતિ..?

       આ બધું સમજવા મથે અને સમજીને જે જીવે,

તેની પ્રવૃત્તિમાં સાત્ત્વિકભાવની પ્રતીતિ..?

       તે પ્રતીતિની આવૃત્તિ ઢળે જ્યારે પ્રભુની ચેતના તરફ,

ત્યારે મનની પ્રગટે આત્મીય પ્રતિભા.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રભુ છે સ્વયંભૂ પ્રકાશિત, એમની ચેતના છે સર્વત્ર

આપણાં સૌના અસ્તિત્વમાં ભક્ત સ્વરૂપની જ્ઞાતાભાવની, કરૂણાભાવની, પ્રેમભાવની, સેવાભાવની, સાત્ત્વિક ભાવની નિર્મળતા સમાયેલી છે. અર્થાત્ ભાવની ગુણિયલ સાત્ત્વિકતા, એ છે આપણું સ્વ સ્વરૂપ. સ્વયંના આત્મ સ્વરૂપની ભાવમય ગુણિયલતાથી, અથવા તત્ત્વગુણોની સાત્ત્વિકતાથી મન જો જાણકાર થાય, તો પોતાની ગુણિયલ પ્રતિભાને જાગૃત કરવાની જિજ્ઞાસા જાગી શકે. જિજ્ઞાસુભાવ જ્યારે જ્ઞાન-ભક્તિના અધ્યયનમાં સ્થિત થાય, ત્યારે હૃદયભાવની નિર્મળતા ધારણ થતી જાય. પછી ભક્ત સ્વરૂપની પરમાર્થી સ્વભાવની જાગૃતિથી જીવન જિવાય. એવાં જીવનમાં ભેદભાવનું, અથવા સરખામણી કરવાનું, કે મારું-તારું-પરાયું જેવાં રાગ-દ્વેષાત્મક વર્તનનો ઘોંઘાટ ઓછો હોય. એવો ઘોંઘાટ જેટલો ઓછો તેટલો ભાવનો ધોધ વહે, જે અલૌકિક સદ્વિચારોને પ્રગટાવે અને તેના સહારે ભક્ત અંતર યાત્રાનું માર્ગદર્શન ધારણ કરતો જાય. એવો ભક્ત બીજા જિજ્ઞાસુ માનવીઓને તન-મનનાં જીવંત જીવનની તથા જ્ઞાન-ભક્તિના અધ્યયનની મહત્તા દર્શાવી, કર્મસંસ્કારોના બંધનથી મુક્ત થવાનો રાહ દર્શાવે છે.

       ભક્ત તો ભક્તિ સ્વરૂપે સ્વયંના આત્મ સ્વરૂપનું ગુણિયલ તાત્પર્ય ગ્રહણ કરતો રહે. આત્માના અનંત તત્ત્વગુણોનું તાત્પર્ય ગ્રહણ કરાવતાં જ્ઞાન સાગરમાં, તે હૃદયભાવ રૂપી નાવથી સહેલ કરતો રહે, તેને કહેવાય અંતર યાત્રાનું સદાચરણ. આમ ભક્ત એટલે જ સ્વયંની તાત્ત્વિક, સાત્ત્વિક પ્રતિભાનો ઉજાગર કરાવતું પરમાર્થી સ્વભાવનું આસન. એટલે ભક્ત કદી અહંકારી રાગ-દ્વેષના ભેદભાવથી પોતાના કર્મ ન કરે. કારણ મનુષ્ય જન્મની વાસ્તવિકતાને તે જાણે છે, કે પોતે જ કરેલાં કર્મોના ફળ રૂપે વર્તમાનનું પ્રારબ્ધગત જીવન મળ્યું છે, જેનો અસ્વીકાર કરી શકાય એમ નથી. તેથી ભક્ત કર્મ કરે ત્યારે પોતે નિશ્ર્ચિત કરેલું અનુકૂળ પરિણામ જો મળે, તો એમાં આસક્ત ન થાય, એટલે કે પોતાની કર્મ કરવાની બુદ્ધિગમ્ય કુશળતાનું અભિમાન ન કરે. એ જ રીતે કરેલાં કર્મનું જો પ્રતિકૂળ પરિણામ મળે, નિષ્ફળતા મળે, તો સહાયક પરિસ્થિતિને દોષિત ન ગણે. આવો તટસ્થ સ્વભાવ, એટલે કે સુખમાં છકી ન જવું, અથવા સુખદાયક વિષયોના ભોગમાં વારંવાર આળોટતા ન રહેવું, તથા દુ:ખદાયક અનુભવમાં કોઈ ફરિયાદ વગર ભાગ્યને પણ દોષ ન આપવો, તે છે અંતર ભક્તિમાં સ્થિત કરાવતાં સાત્ત્વિકભાવની જાગૃતિ. એવી જાગૃતિ થાય ત્યારે અંતર ભક્તિ સ્વરૂપે ભક્તનો ભાવ સ્વયંના અનંત, શાશ્ર્વત સ્વરૂપને જ્ઞાતાભાવથી અનુભવે અને સ્વાનુભૂતિમાં ભાવની સૂક્ષ્મતા એકરૂપ થતી જાય. સ્વાનુભૂતિની અંતરભક્તિમાં તલ્લીન રહેતાં જ્ઞાની ભક્તનો ભાવ આપણને માર્ગદર્શન આપે છે કે..,

 

       આ જીવન અર્પ્યું પ્રભુએ, જેથી જાણી શકે તુજને અને માણી શકે પ્રભુને;

       પ્રભુ નથી કોઈ આકારી, એ તો શક્તિ સ્વયંભૂ પ્રકશિત, એની ચેતના છે સર્વત્ર;

       ક્રિયા શક્તિની ચેતના છે તુજમાં, છતાં જાણી નહિ ભાવથી,

એટલે બંધાયો સીમિત દશામાં;

       સ્વમય ભક્તિથી જાણી લે બ્રહ્મનો ભેદ અને ભાળી લે તારી વિશાળતા,

જે અવિનાશી અમૃત છે;

       મન સંન્યાસીની શાંત અવસ્થા, જેમાં જીવંત થાય ચેતનાની દિવ્યતા

અને અષ્ટકમળ ખૂલતાં જાય.

 

       ભક્ત કે જ્ઞાની સ્વરૂપની મનની જાગૃતિ ધારણ થાય, એ કોઈ આકારિત વ્યક્તિને મળેલી પદવી નથી, કે મનના પુરુષાર્થની પણ સિદ્ધિ નથી. એ તો પ્રભુ કૃપા સ્વરૂપે સ્વયંભૂ જાગૃત થતો આત્મીય ચેતનાનો ગુણિયલ પ્રભાવ છે. જેમ સૂર્યોદય માટે, કે પ્રકાશિત કિરણોનું પ્રસરણ કરવા માટે સૂર્યની કોઈ રીત કે પદ્ધતિની ક્રિયા નથી; તેમ ભેદભાવનાં અહંકારી વિચાર-વર્તનનો અવરોધ જો ન હોય, તો સૂર્યની જેમ પોતાનામાં સમાયેલો સાત્ત્વિક પ્રભાવ સ્વયંભૂ પ્રકાશિત થઈને સાત્ત્વિક કર્મ રૂપે પ્રસરે છે. સૂર્ય સમાન જ્ઞાની ભક્તને સમાજ પાસેથી લૌકિક સ્તરનું કંઈ પણ પ્રાપ્ત કરવું નથી. એને તો સમાજમાં ઉન્નતિના પથ પર આરોહણ કરાવતાં ભક્તિભાવનાં વહેણને વહેતા મૂકવા હોય છે. તેથી એ તો જ્ઞાન-ભક્તિના સત્સંગમાં, રાય કે રંકના ભેદભાવ વગર સૌને આમંત્રણ આપે. તે વ્યવહારિક જગતમાં કોઈ સન્માન માટે, કે આર્થિક સિદ્ધિની પ્રાપ્તિ માટે, જ્ઞાન-ભક્તિના સત્સંગની ધારાને વહેતી ન મૂકે. અંતરની સૂક્ષ્મતામાં નથી કોઈ જ્ઞાની કે ભક્તની પદવીના લેબલ, એવી પદવીના ભેદ સામાન્ય સંસારી મનની ઉપજ છે.

       જ્ઞાન કહો કે ભક્તિ કહો, એ તો છે આત્મીય ચેતનાનું પ્રકાશિત થતું ભગવત્ ગુણોનું ધન. તે ધન સાત્ત્વિક ભાવની જાગૃતિથી ધારણ થઈ શકે. તેથી ભેદભાવનાં વિભાગ જ્યાં સમાપ્ત થાય, ત્યાંથી શરૂઆત થાવ સમતોલભાવની તટસ્થતા. જે સ્વયંનું દર્શન કરાવતાં સાત્ત્વિક વિચારોના કહેણને ધારણ કરે. તે સાત્ત્વિક વિચારોના અધ્યયનથી ભક્તિભાવનાં, પ્રેમભાવનાં સ્પંદનો પ્રસરતાં જાય. એટલે એક સત્ય સુસ્પષ્ટ છે કે, દરેક માનવીમાં સ્વયંના સાત્ત્વિક ગુણોના પ્રભાવને જાગૃત કરાવતું કૌશલ્ય છે. પરંતુ મહદ્ અંશે માનવી આ સત્યને જાણતો નથી અને જેઓ જાણે છે તેઓ જાણ્યાં પછી સાત્ત્વિકભાવની જાગૃતિને, કે પરમાર્થી વર્તનને મહત્ત્વ આપતાં નથી. મહત્ત્વ ન આપવાના સ્વભાવનું કે ભૂલનું કારણ સ્પષ્ટ છે. ભૂલ એ છે કે માનવી મન સંસારી પ્રવૃત્તિના વ્યવહારથી એટલું ટેવાઈ ગયું હોય છે કે, ઈર્ષ્યા, વેરઝેર, ધિક્કાર, ક્રોધ, સ્પર્ધા, સરખામણી કરવી વગરે નકારાત્મક વૃત્તિ-વિચારોમાં વારંવાર મન ફરતું રહે છે. તેથી એવા નકારાત્મક વર્તનનું સ્મરણ મનમાં છપાયેલું રહે છે. એટલે એવાં જ વર્તનનું પુનરાવર્તન થયાં કરે છે. વળી માનવીનો સ્વતંત્રતા ભોગવતો સ્વભાવ છે કે, પોતાને જે કાર્ય ગમશે તે જ કરશે. કોઈવાર અથવા ઘણીવાર ના છૂટકે ન ગમતું કાર્ય કરવું પડે, તો તે પોતાની રીતથી પોતાના સ્વભાવને જચે તે પ્રમાણે જ કરશે. તેથી જ સાત્ત્વિક ભાવની જાગૃતિ સહજ થતી નથી. સ્વભાવનું પરિવર્તન જ્ઞાન-ભક્તિના સત્સંગથી થઈ શકે. પરંતુ પરિવર્તન કરવું છે એવો નિશ્ર્ચય મનનો હોય તો જ તે શક્ય બને છે. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે દૃઢ નિશ્ર્ચયથી ભક્તિભાવમાં મન સ્થિત થાય, જેથી સ્વયંની ગુણિયલતા પ્રકાશિત થાય અને જીવનનું માધુર્ય અનુભવાય.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More