Article Details

સાત્ત્વિકભાવની જાગૃતિ

સંસારી વિચારોની ભેદભાવની પ્રકૃતિનો પહાડ ઓળંગવા માટે, જ્ઞાન-ભક્તિથી મનને કેળવો;

ગત વિચારોમાં આળોટવાનું છોડીને, સ્વ અધ્યયનની બુદ્ધિને નિષ્કામભાવથી ધારણ કરો;

દરેક જીવને સાત્ત્વિક ભાવનું જીવન જિવાડવા માટે,

આત્મ સ્વરૂપે પ્રભુ તો જન્મથી સાથે જ રહ્યાં છે;

અંતર જ્યોત પ્રગટાવતું સાત્ત્વિક જીવન જે જીવે, તેનો સારથિ પ્રભુ બની આત્મ સ્થિત કરાવે.

 

         સંસારના લૌકિક વિચારો એટલે આકારિત જગતની અનેક પ્રકારની પરિસ્થિતિના વિચારો. એવાં વિચારો રૂપે વસ્તુ કે પદાર્થની આકૃતિઓ સાથેનાં તથા વ્યક્તિ સાથેનાં પરસ્પર વ્યવહારનું વર્તન હોય. માનવી મન એવાં વ્યવહારની પ્રક્રિયામાં બંધાયેલું રહે છે. તે પ્રક્રિયાઓ કરવા માટે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં સંસ્કારો મનને પ્રેરે છે. અર્થાત્ ઈચ્છાવૃત્તિની કારણભૂત સ્થિતિના લીધે વિચાર-વર્તનના કાર્યોમાં મન વીંટળાતું રહે છે. લૌકિક વિચારોની આવી માનસિક પ્રકૃતિથી મુક્ત થવાં માટે, જિજ્ઞાસુ ભક્ત અલૌકિક સાત્ત્વિક વિચારોમાં, મનને સ્થિત કરવાનો પુરુષાર્થ કરતો રહે છે. ગતના (ભૂતકાળના) સંસારી વિચારોમાં આળોટવાની મનને સહજ ટેવ પડી ગઈ હોય છે. તેથી સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજાવતાં અધ્યયન માટે પુરુષાર્થ કરવો પડે છે. પરંતુ અમુક મર્યાદિત સમયના અધ્યયનથી, કે સત્સંગથી ગતમાં આળોટવાની ટેવથી મુક્ત થવાતું નથી. ભવોનાં કર્મસંસ્કારોની વૃત્તિઓ મનમાં સ્થપાયેલી છે. તે વૃત્તિઓનાં તાર કાપી ન શકાય. કારણ અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓ જ્યારે તૃપ્તિ માટે વિચાર-વર્તનની પ્રક્રિયામાં ફેરવાય, ત્યારે સ્વયંથી અજાણ રહેતી મનની અજ્ઞાનતાનાં લીધે, બીજી નવીન ઈચ્છાઓનાં તાર ગૂંથાતા રહે છે. જેમ કે અજ્ઞાની મન પોતાને દેહ માને છે, એટલે ઈન્દ્રિયગમ્ય વિષયોનાં ભોગમાં જ આનંદ કે સુખ છે, એવી માન્યતાથી એક ઈચ્છાપૂર્તિની પ્રક્રિયામાં બીજી નવી ઈચ્છાઓ જનમતી રહે છે. આ ક્ષણે મનપસંદ ખાદ્ય પદાર્થનો ભોગ મન કરતું હોય, ત્યારે સ્વાદનો આનંદ ક્ષણ-બેક્ષણ માણે અને ભવિષ્યમાં ફરીવાર તેનો ભોગ કરવાની ઈચ્છાના તાર મનમાં ગૂંથાતાં રહે છે.

         આમ અવનવી ઈચ્છાવૃત્તિઓનાં તાર ગૂંથાતા જ રહે છે. તેથી જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક આચરણની મહત્તાને સ્વીકારી, સ્વ અધ્યયનનો પુરુષાર્થ કરે છે. એવાં પુરુષાર્થ રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિ થાય, ત્યારે મન અકર્તાભાવમાં સ્થિત થતું જાય. મનને જેમ જેમ સ્વયંના આત્મ સ્વરૂપની ઓળખ થાય, તથા પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીની સર્વેમાં પ્રતીતિ કરાવતું સત્ દર્શન ધારણ થાય, તેમ તેમ હું કર્તા નથી, કરાવનાર પ્રભુની ચેતનાથી કર્મની ક્રિયાઓ થાય છે એવી અકર્તાભાવની જાગૃતિ ધારણ થતી જાય. પરંતુ તે માટે નિષ્ઠાપૂર્વક દૃઢ સંકલ્પથી સ્વ અધ્યયનમાં મનને સ્થિત રાખવું જોઈએ. શરણભાવથી, નિષ્કામભાવથી, અધ્યયન થતું જાય અને સંસારી વિચારોની નિરર્થકતા સમજાતી જાય. પછી નકામના રાગ-દ્વેષાત્મક સંસારી વિચારોમાં આળોટવાનું ઓછું થતું જશે. સાત્ત્વિકભાવની જાગૃતિ રૂપે પછી મનનો ગુણિયલ પ્રભાવ વ્યવહારિક કાર્યોની ક્રિયામાં પ્રદર્શિત થાય. મનની ગુણિયલ તેજસ્વીતા પ્રગટે, ત્યારે રાગ-દ્વેષાત્મક ભેદભાવમાં આળોટવાનું ભૂલાતું જાય અને પ્રેમની નિ:સ્વાર્થ ધારા સહજતાથી વિચાર-વર્તનમાં પ્રગટતી જાય. જિજ્ઞાસુ ભક્તની વિવેકી મનોદૃષ્ટિને સમજાતું જાય કે, જીવંત જીવન નિ:સ્વાર્થ પ્રેમથી જ માણી શકાય છે. મન પ્રેમાનંદને અનુભવવા માટે ઝૂરે છે. એટલે જ્યાં પ્રેમાનંદની ખોટ હોય, ત્યાં સ્વાર્થ, લોભ, ઈર્ષ્યા વગેરે નકારાત્મક વિચારોની હાજરી રહે છે. જે માનવીને અપ્રાપ્તિનો, અતૃપ્તિનો, અસંતોષનો અનુભવ કરાવે છે.

         નકારાત્મક વિચારોના રાગ-દ્વેષમાં બંધાયેલા મનને હંમેશા કોઈ પણ પરસ્થિતિની પ્રાપ્તિમાં ઉણપ લાગે, ખોટ લાગે. એવું મન સારું-ખરાબ કે હલકાં પ્રકારનું છે એવાં ભેદથી પ્રાપ્ત થયેલાં ભોગને ભોગવે છે. તેથી સંતોષ કે પ્રેમનો અનુભવ પૂર્ણ રૂપે થતો નથી. અપૂર્ણતાની એવી અતૃપ્તિના લીધે મન વારંવાર આકારિત પદાર્થોના ભોગનો જ વિચાર કરતું રહે છે. એટલે સંસારી ભોગની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ જે મન કરતું રહે, તેને સત્સંગનો કે અધ્યયનનો પુરુષાર્થ કરવાનું મુશ્કેલ લાગે છે. એવાં મનને બળપૂર્વક અધ્યયનમાં સ્થિત કરી ન શકાય. પરંતુ પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીના લીધે દેહની જીવંત સ્થિતિ છે, એ સત્યનો સ્વીકાર જો થાય તો મન અધ્યયન તરફ ઢળતું જાય. સંસારી મનને પ્રભુની ચેતના વિશે સમજાવવાનું ન હોય, પણ ચેતનાની હાજરી સર્વેમાં શ્ર્વાસ રૂપે છે તે સત્યની પ્રતીતિ કરાવવી જોઈએ. એવી પ્રતીતિમાં મન ઝબોળાઈ જાય, પછી સત્યનો સ્વીકાર ન હોય પણ મન સ્વયં તે સત્યના દર્શનમાં પરોવાઈ જાય.

         જે શાશ્ર્વત સત્ય છે તેનો સ્વીકસાર તર્કબદ્ધ વિચારોથી ન થઈ શકે. તે માટે પ્રતીતિ કરવાની, અનુભવ કરવાની મનની તત્પરતા જરૂરી છે. તત્પર મન સત્યને જાણવાનો મોકળાશથી પુરુષાર્થ કરે છે અને પુરુષાર્થની સજ્જતા અનુભવના દ્વાર ખોલી, સત્યનું દર્શન ધારણ કરાવે છે. મનની તત્પરતા જ્યાં હોય, ત્યાં સત્ય જાણવાની ઉત્સુકતા હોય, સત્યની વાસ્તવિકતાને ગ્રહણ કરવાનો ઉમંગ હોય, તથા સત્યનું દર્શન કરાવતાં સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજવાની તૈયારી હોય. તેથી સત્યનો અનુભવ કરતી વખતે સંસારી વિચારોમાં આળોટવાનું ભૂલીને, તત્પર મન સહજતાથી સત્ દર્શનમાં લીન થાય છે. એવું તત્પર મન પોતાનાં દેહમાં થતી પ્રક્રિયાઓ રૂપે પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિ કરતું રહે. પ્રતીતિ રૂપે અનુભવાય કે, દેહના અંગો બંધનમાં નથી, તેઓ તો ચેતનાની મુક્ત ગતિના સાંનિધ્યમાં રહીને પોતાની ક્રિયા સતત કરતાં રહે છે. જીભ મોઢાની કેદમાં બંધાયેલી છે એવું દેખાય, પણ ચેતનાની દિવ્ય પ્રીતના સાંનિધ્યને તે માણે છે, એટલે તો શબ્દોની બોલીનો ઉચ્ચાર થઈ શકે છે, અન્નનો સ્વાદ ગ્રહણ થાય છે અને ગ્રહણ થયેલાં અન્નનું પોષણ ધારણ થઈ શકે, તે માટે દાંતોથી ચવાતાં અન્નને ફેરવતી રહે છે, તથા ચવાયેલાં અન્ન રૂપી ધનને પ્રેમભાવથી અન્નનળીને અર્પી દે છે. આમ એક એક અવયવની અને ઈન્દ્રિયોની પ્રક્રિયા દિવ્ય પ્રીતની ચેતનાનાં સાંનિધ્યમાં થાય છે. એ સત્યના દર્શનથી જિજ્ઞાસુ ભક્ત સ્વમય અધ્યયનમાં સ્થિત થઈને જીવંત જીવનને માણે છે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા