પામર મનની અજ્ઞાનતા સંસારી ઢાળમાં ઢળતી રહે
સદાચરણના શિખરે પહોંચવાની નેમ હોય,
તે જ સાત્ત્વિક ભાવને પ્રસરાવતું પ્રભુમય જીવન જીવે;
પામર મનની અજ્ઞાનતા સંસારી ઢાળમાં ઢળતી રહે, એટલે ભક્તિ ભાવથી શિખરે ચઢવાનું ટાળે;
જિજ્ઞાસુ ભક્તની જેમ પ્રભુ મિલનની આશ જગાડે, પણ આરોહણના પુરુષાર્થથી દૂર ભાગે;
મંદિરમાં જઈ સંસારી ઈચ્છા પૂર્તિની પ્રાર્થના કરે, પણ મિલનની આગ ન જગાડે.
મનથી વિવેકપૂર્વક વિચારવાની અને બુદ્ધિથી સમજપૂર્વક નિર્ણય લેવાની કળાનું દાન, પ્રભુને અર્પણ કરીને માનવીને શ્રેષ્ઠ કક્ષાની પદવી ધરી છે. પ્રભુએ આ અમૂલ્ય પદવી દાન અર્પણ કરીને, બીજી જાતિના દેહધારી જીવોથી ઉચ્ચ સ્તરની સ્થિતિ આપણને અર્પી છે. એવી ઉચ્ચ સ્થિતિનું દાન ધરીને દરેક માનવ સ્વરૂપની કૃતિઓનું પ્રભુએ સન્માન કર્યું છે. એવા સન્માનયુક્ત ખિતાબનાં લીધે જ આપણે લૌકિક જીવનના વ્યવહારિક કાર્યો કરી શકીએ છીએ તથા દરેક પ્રકારના સંબંધો સાથે જોડાઈને જીવંત જીવનને માણી શકીએ છીએ. નિશાળ-કોલેજમાં ભણીને શિક્ષિત થયાં અને ભણતરની જે પદવી મેળવી શક્યાં, તે પણ પ્રભુએ અર્પણ કરેલાં પદવી દાનના લીધે જ મેળવી શક્યાં. એક વિદ્યાર્થી ભણતરની ઉચ્ચ કક્ષાની પદવી માટે અભ્યાસનો પુરુષાર્થ કરે છે, તથા અમુક શાખાના ભણવાના વિષયોની વિશેષતા જાણ્યાં પછી જ મહાવિદ્યાલયમાં જઈ તેનું શિક્ષણ લેવાનો પુરુષાર્થ કરે છે. એટલે જ ડોક્ટર, સી.એ., એન્જિનીયર વગેરે જે પણ વિષયની પદવી જેણે મેળવી, તેની પાસે તે ભણેલાં વિષયોનું જ્ઞાન હોય છે. આમ મેળવેલી પદવીના આધારે દરેક વિદ્યાર્થી પોતાની ઈચ્છા અનુસાર, સુખ સગવડયુક્ત જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. ભણતરની પદવીનો હોદ્દો મેળવ્યાં પછી તે હોદ્દાને અનુરૂપ નોકરી ધંધાના કાર્યો થાય અને તેનાં વળતર રૂપે રૂપિયાની કમાણી થતી જાય. તે રૂપિયાથી કુટુંબની અન્ન, ઘર, વસ્ત્ર કે શિક્ષણની મૂળભૂત જરૂરિયાત પૂરી થાય તથા પરિવારના સભ્યોની પાલનપોષણ કરાવતી ઈચ્છાઓ પૂરી થાય.
પ્રભુએ અર્પણ કરેલાં પદવી દાનથી આપણે માનવી કહેવાયા અને તે પદવી દાનના સહારે શિક્ષિત થઈ ભણતરની પદવી મેળવી શક્યાં. મહાવિદ્યાલયના શિક્ષણની જે પદવી મેળવે, તે માનવીને પદવીનું જ્ઞાન હોય, પરંતુ પ્રભુએ અર્પણ કરેલી પદવીનું જ્ઞાન જેની પાસે હોય, તેને કહેવાય જ્ઞાની ભક્ત. જેમ ભણતરની પદવીનો દરજ્જો મેળવીને રૂપિયાની કમાણી કરવાના કાર્યો થાય, તેમ ભક્ત મન-બુદ્ધિની તે પદવીનો જે દરજ્જો મેળવ્યો છે, તે અનુસાર સદાચરણના શિખરે પહોંચવાનો પુરુષાર્થ કરે. સાત્ત્વિક વિચારોના ચિંતનથી જિજ્ઞાસુ ભક્ત તન-મનના માનવી જીવનની મહત્તાને વિશેષ રૂપે જાણવાનો પ્રયત્ન કરે. એવી વિશેષ જાણકારી રૂપે જ્ઞાન-ભક્તિના સત્સંગથી મનના આસનને વિશાળ કરતો જાય. માનવી પોતે મનને વિશાળ કરી ન શકે, પરંતુ સત્સંગ, અધ્યયન, સ્વજ્ઞાન રૂપે વિશાળતાના સાત્ત્વિક વિચારોમાં વિહાર થતાં, રાગ-દ્વેષાત્મક સંકુચિત માનસ ઓગળતું જાય. સંકુચિત માનસની અજ્ઞાનતા ઓગળે, ત્યારે હૃદયભાવની, માનવતાની, પરોપકારની, સમાધાનની ગુણિયલતા પ્રગટતી જાય. અર્થાત્ ભક્ત પ્રભુએ અર્પણ કરેલી પદવીના સહયોગથી, સાત્ત્વિક ગુણોના સદાચરણની કમાણી કરતો જાય. એવી કમાણીથી તે સ્વયંના આત્મ સ્વરૂપની દિવ્યતાનો, શાશ્ર્વતતાનો અનુભવ કરાવતી અંતર યાત્રા કરતો જાય. સ્વયંને જાણવાની એટલે કે સ્વાનુભૂતિની અંતરયાત્રા થાય, ત્યારે પ્રભુએ અર્પણ કરેલાં પદવી દાનનો યથાર્થ રૂપે સદુપયોગ થાય.
કોઈકવાર વિચારવું જોઈએ કે પ્રભુએ અર્પણ કરેલી પદવીની જો પ્રાપ્તિ ન થઈ હોત, તો અત્યારે જે પ્રકારનું માનવી જીવન જીવીએ છીએ તેના બદલે પશુ જેવું જીવન હોત. આજકાલ મગજની બિમારીઓ વધતી જાય છે. પ્રૌઢ ઉંમરે સ્મરણ શક્તિ ઓછી થવી એ તો સામાન્ય કહેવાય, પણ વસ્તુ, વ્યક્તિની ઓળખાણ ભૂલી જવાય, એવી મગજની અસાધ્ય બિમારી જેને થઈ હોય, તેઓને મળીએ ત્યારે પ્રભુએ અર્પણ કરેલી પદવીની મહત્તા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. માનવી મોટેભાગે પ્રાપ્ત થયેલી પરિસ્થિતિની મહત્તાને જાણવાનો પ્રયત્ન નથી કરતો. પરંતુ તે પરિસ્થિતિમાં ઉણપ શોધવાનો, ખામી જોવાનો પ્રયત્ન કરશે. એવાં નકારાત્મક સ્વભાવના લીધે જે પણ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય, તેનો સંતોષપૂર્વક ઉપભોગ મન કરી શકતું નથી. એવું અસંતોષી મન દરેકના દોષ જોવાનો પ્રયત્ન કરે છે. પોતે બીજાથી હોંશિયાર છે, વધુ બુદ્ધિશાળી છે, એવું માનીને નકારાત્મક સ્વભાવથી દોષ દર્શન કરવામાં તે સંતોષ અનુભવે છે. કદાચ અહંકારી સ્વભાવની દોષિત મનોવૃત્તિવાળા પાસે બીજાના દોષ દર્શન કરવાનો ફાજલ સમય હશે! પણ તેઓ એક હકીકત ભૂલી જાય છે કે, વર્તમાનમાં જેવાં વિચાર-વર્તનની ક્રિયા થાય, તે અનુસાર ભવિષ્યની પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. તેથી માનવી પોતાના વર્તનથી જ ભવિષ્યની પ્રતિકૂળ પરિસ્થિતિને મેળવે છે.
દોષ જોવાની, બીજાને નિમ્ન કક્ષાના ગણવાની, બીજાની સારી પરિસ્થિતિને વખોડવાની, મનને એકવાર ટેવ પડી જાય, પછી તે ટેવ અનુસારના નકારાત્મક વિચારોની અસર શરીર પર થાય છે. શરીરના અંગોની ક્રિયા પ્રૌઢ ઉંમરે શિથિલ થવાનું કારણ છે પોતાનો નકારાત્મક અહંકારી સ્વભાવ. પ્રભુની આત્મીય ચેતનાના આધારે જીવન જીવાય છે તે સત્યનો મહિમા જાણ્યાં વગર જે જીવે છે, તેઓ તનની બિમારી કરતાં મનની બિમારીથી પિડાય છે. તનની બિમારી કરતાં મનની બિમારી બધુ જીવલેણ હોય છે. કારણ ખોટ, ઉણપના વિચારો જ્યાં હોય, ત્યાં ભય સાથે ચિંતાનો કુંડ મન બની જાય અને ચિંતા કરતું મન કદી પ્રભુના ચિંતનમાં લીન થઈ ન શકે. જેમ એક એન્જિનીયર થયેલો માનવી જો કમાણી ન કરી શકે અને ભીખ માંગે, તો એણે મેળવેલી પદવીનું અપમાન થયું કહેવાય; તેમ પ્રભુમય સાત્ત્વિક જીવન જીવવાનો જો પુરુષાર્થ ન થાય, તો પ્રભુએ અર્પણ કરેલી પદવીનું અપમાન થયું કહેવાય. મનની પદવીથી સાત્ત્વિક ભાવને જાગૃત કરાવતું, માનવી સ્વરૂપની શોભા વધારતું, તથા આત્મીય ચેતનાનું દિવ્ય ગુણોનું પ્રભુત્વ પ્રગટાવતું, જ્ઞાની ભક્ત જેવું પરમાર્થી જીવન જીવીએ. જેથી મનુષ્ય જન્મની સિદ્ધિ સાર્થક થાય.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા