પ્રેમભાવ એ અનુભવનો વિષય છે
જિજ્ઞાસુ ભક્ત જીવંત જીવનનો મહિમા જાણે છે, કે દરેક દેહધારી જીવને શ્ર્વાસનું ધન પ્રભુ વિના મૂલ્યે અર્પણ કરતાં રહે છે. તે ધનના આધારે તન મનનો વિકાસ થતો રહે છે. તેથી તે અવિનાશી ધનને ધારણ કરનારા દરેક માનવીની જવાબદારી છે, કે તે ધનની ગુણિયલ સાત્ત્વિક પ્રતિભા તન-મનની ક્રિયા રૂપે પ્રગટ થવી જોઈએ. જવાબદારી એટલે જ ધાર્મિક આચરણનું વર્તન. અર્થાત્ જે ધન ક્ષણે ક્ષણે ધારણ થાય છે, તે ધારણ કરેલાં ધનનો સાત્ત્વિકભાવનો મર્મ જે કર્મ રૂપે પ્રગટે, તે છે ધાર્મિક ફરજ રૂપ કર્તવ્ય. તેથી જ જિજ્ઞાસુ ભક્ત ધાર્મિક આચરણ અર્થે સ્વયંના સ્વ સ્વરૂપથી પરિચિત થવાનો પુરુષાર્થ કરતો રહે છે. પરિચિત થવામાં સમજાતું જાય કે તન-મનને જીવંત રાખતાં પ્રભુના ધનની સાત્ત્વિક પ્રતિભા રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનનાં લીધે પ્રગટ થતી નથી. અજ્ઞાની, અહંકારી વર્તનની અશુદ્ધતાને ઓગાળવા માટે જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતી આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો સહારો લે છે. એવી પ્રવૃત્તિ રૂપે શ્રવણ, અધ્યયન, ચિંતન થાય અને અહંકારી મનની અજ્ઞાનતા વિલીન થાય, ત્યારે ધાર્મિક આચરણનાં કર્તવ્ય થાય.
ધાર્મિક આચરણ રૂપે ભક્તિભાવની નિખાલસતાથી જીવન જિવાય અને ભક્તનું મન શરણભાવથી પ્રભુને વિનંતિ કરતું રહે કે,"હે કૃપા નિધાન! મારા તન-મનને પ્રભુ નામનાં સ્મરણમાં, પ્રભુ નામના અધ્યયનમાં, પ્રભુ નામની સ્તુતિમાં, પ્રભુ નામના ભજનોમાં સાત્ત્વિકભાવની જાગૃતિથી ઓતપ્રોત રાખજો. જેથી આપનું જે અનામી ચૈતન્ય છે, આપનું જે અનંત તત્ત્વગુણોનું પ્રભુત્વ છે, તે મનની ભીતરમાં સુષુપ્ત ન રહે. પરંતુ જાગૃતિની ઊર્ધ્વગતિ સ્વરૂપે તે સ્વયંભૂ પ્રકાશિત થાય. તેથી મને એવા સદાચરણમાં સ્થિત રાખો, જે આપની સાથેની ઐક્યતાની પ્રતીતિ કરાવે અને સ્વાનુભૂતિ રૂપે પ્રકાશિત ચેતનાની અભિન્નતામાં એકરૂપ કરાવે. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતું આપનું અણમોલ દાન મળ્યું અને માનવ જન્મની સિદ્ધિને સાર્થક કરવાનો મોકો મળ્યો. ભક્તિભાવની સાત્ત્વિકતાથી વિચાર-વર્તનની સહજ ક્રિયા થાય છે અને મનોદૃષ્ટિ વિશાળ થતી જાય છે. હવે મહાભૂતોની પ્રકૃતિની રચનાનો હિતકારી આશય ગ્રહણ થાય છે અને આકાર-નિરાકારના જોડાણનો ભેદ સમજાય છે.
..હે નાથ, હવે કર્મ કે કાર્ય થાય છે, ત્યારે આકારમાં સમાયેલી નિરાકારિત ઊર્જાની ચેતનાનો સ્વીકાર પ્રથમ થાય છે. પછી કર્મની ક્રિયા થાય છે અને આપની પ્રત્યક્ષ હાજરીની પ્રતીતિ થાય છે. આપની પ્રતીતિ રૂપે નિરાકારિત, અમૂર્ત ચેતનાની અમૂલ્યતા પરખાય છે. જીવંત જીવનનો મહિમા અને આકાર-નિરાકારના જોડાણની મહત્તા હવે સરળતાથી ગ્રહણ થાય છે. આકારિત જગતને સર્જાવીને નિરાકારિત ચેતનાની સુંદરતાનો, એટલે કે આપની અપૂર્વ, અનંત ગુણિયલતાનો અણસારો ધર્યો છે. એવા અણસારાથી મનોદૃષ્ટિની વિશાળતા સ્વયંની અનુભૂતિ કરાવતી અંતર ભક્તિમાં એકરૂપ થાય છે. અંતર ભક્તિના પ્રભાવથી એકમની યાત્રા થતી રહે એવી અનન્ય કૃપા વરસાવતાં રહેજો.” ભક્તની આવી વિનંતિના સૂરમાં સાત્ત્વિકભાવનું સંવેદન પ્રગટતું જાય અને સંવેદનના નિવેદન રૂપે એના વિચારો શાંત થતાં ભાવની નિ:સ્વાર્થતાનો ઉજાગર આપમેળે થતો જાય.
અંતર ભક્તિની શાંતિ ધરે અંતર ભોગની સૂક્ષ્મતા, જે અર્પે સ્વાનુભૂતિની વિશેષતા;
અંતર ભોગનો યોગ થાય, ત્યારે અનુભવાય જગતની કૃતિઓમાં પ્રભુની આવૃત્તિ;
આવૃત્તિના વાણાંતાણાં જોડાય અને વણાય, પ્રભુ ભાવના અનન્ય તાર;
ભક્તનું અસ્તિત્વ બને પછી ભક્તિનું ધામ, જે પ્રસરાવે પ્રભુભાવની દિવ્ય પ્રીત.
ભક્તિની આવી અંતર યાત્રા દરેક જિજ્ઞાસુ કરી શકે છે. પરંતુ જિજ્ઞાસુ માનવી મોટેભાગે સાત્ત્વિક વિચારોના સત્સંગથી માત્ર જાણકાર થાય છે. સ્વયંથી જાણકાર થયા પછી જ્ઞાન-ભક્તિની સરિતામાં સ્વાનુભૂતિ સ્વરૂપે તરતાં રહેવાનું હોય અને અંતરની સૂક્ષ્મતામાં ભક્તિભાવથી એકરૂપ થવાનું હોય. અજ્ઞાની અહંકારી વર્તનની અશુદ્ધિ ભક્તિભાવથી જ વિલીન થઈ શકે. હું અને પ્રભુ જુદાં છે એવી ભેદ દૃષ્ટિ પછી ઓગળતી જાય અને અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થવાય. જિજ્ઞાસુ ભક્તને અંતર ભક્તિની સૂક્ષ્મતા સરળ ન લાગે. કારણ અંતર ભક્તિમાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન ન હોય. આધ્યાત્મિક સમજણની ચર્ચા ન હોય, પણ ભાવનું સંવેદન હોય જેનું સ્વયંભૂ સ્ફુરણ થાય. જેમ સવારે અજવાળું થાય પછી રાત્રિના અંધકારને વાગોળવાનું ન હોય, તેમ જે વિચારોનાં અધ્યયનથી અહંકારી, અજ્ઞાની મનનો અંધકાર વિલીન થયો તે વિચારોને પછી વાગોળવાનું ન હોય, પરંતુ તેના ભાવાર્થને ગ્રહણ કરાવતાં ભક્તિભાવમાં ધ્યાનસ્થ રહેવાનું હોય. ભક્તિભાવમાં ધ્યાનસ્થ રહેવું એટલે પ્રેમભાવની નિર્મળતાથી જીવવું.
પ્રેમભાવ એ અનુભવનો વિષય છે, એને શબ્દોથી જણાવી ન શકાય. તે પ્રેમભાવ છે પ્રભુની દિવ્ય ચેતનાનો સ્વભાવ. દિવ્ય પ્રેમની ખોટમાં માનવી જીવે છે. તેથી મનગમતી વ્યક્તિના સંગમાં, કે ભોગ્ય પદાર્થોના સંગમાં પ્રેમના સંતોષને અને તૃપ્તિને અનુભવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તૃપ્તિનો અનુભવ થતો નથી. કારણ જે મનને અનુભવ કરવો છે તે રાગ-દ્વેષાત્મક નકારાત્મક વિચારોથી ડહોળાયેલું રહે છે. મનની નકારાત્મક સ્વભાવની ડહોળાયેલી સ્થિતિમાં, નિર્મળ પ્રેમના અનુભવનું પ્રતિબિંબ ઝીલવાની સમર્થતા ન હોવાંથી, પ્રેમાળ સંબંધોમાં ખોટ, ઉણપની અતૃપ્તિ જ અનુભવાય છે. એવું મન જો દૃઢતાપૂર્વક નકારાત્મક વિચારોથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરે તો પ્રભુ કૃપા સ્વરૂપે ભક્તિભાવથી મન રંગાતુ જાય. તે માટે છૂટાછેડા લેવાના નિર્ણયને એક કાગળ પર લખી, તે કાગળ દિવસ દરમિયાન વારંવાર નજર સમક્ષ આવે એ રીતે રાખવો. જેથી કરેલાં નિર્ણયનો સંકલ્પ પૂરો કરવાનું સ્મરણમાં રહે અને પ્રેમભાવની તૃપ્તિના અંતર પથ પર પ્રયાણ થઈ શકે. એવાં શુભ સંકલ્પમાં કોઈ નકારાત્મક વિચારોની અથડામણ ન આવે એવી પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા