સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો દીવો પ્રજ્વલિત થાય તો...
આપણે જે દુનિયામાં જીવીએ છીએ, જે પણ કાર્ય કે પ્રવૃત્તિ કરીએ છીએ, તે નામ-આકારવાળી આકૃતિઓની સંગમાં થાય છે. એટલે આંખોથી જોઈ શકાય એવી આકારિત કૃતિઓની સંગમાં રહેવાંથી, માનવી જેને આંખોથી જોઈ શકે છે તેને જ સાચું માને છે અને તેનાં જ વિચારો કે સ્મરણમાં રહે છે. પરંતુ માનવી એ સત્યને ભૂલી જાય છે, કે પ્રભુની આત્મીય ઊર્જા શક્તિને ભલે આંખોથી જોઈ શકાતી નથી, પણ તે છે તો હું છું અને આકારિત જગતની કૃતિઓ છે, તથા આકારિત જગતના કાર્યો થઈ શકે છે. જિજ્ઞાસુ ભક્ત આ સત્યના સ્વીકાર સાથે વંદનભાવથી જીવે છે અને પ્રભુની સાક્ષાત્ હાજરીનું સ્મરણ એને કરવું ન પડે એવાં સહજભાવથી સ્વમય ચિંતન સાથે તે અધ્યયન કરતો રહે છે. જેમ મારે મારા નામનું સ્મરણ કરવું પડતું નથી, અથવા માતા-પિતાનું કે અન્ય અંગત સંબંધીઓનું સ્મરણ વારંવાર કરવું પડતું નથી. કારણ તેઓની સંગમાં જીવન જિવાય છે, તેઓની હાજરી અનુભવાય છે તેથી તેઓનું સ્મરણ કરવું ન પડે, તેમ ભક્તને પણ પ્રભુનું સ્મરણ કરવું પડતું નથી.
પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિના પ્રભાવથી ભક્ત જીવન જીવે છે. એટલે પ્રતીતિ રૂપે પ્રભુ સાથેની ઐક્યતાને તે જેમ જેમ અનુભવતો જાય, તેમ તેમ ‘હું શરીર નથી આત્મીય ચેતના છું, જેનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે’ એવી સ્મૃતિ સ્વયંભૂ જાગૃત થતી જાય. સ્વયંની આવી સ્મૃતિ માત્ર શાસ્ત્રો વાંચવાથી જાગૃત ન થાય. થોડા વરસોના સત્સંગથી કે અધ્યયનથી સ્મૃતિ જાગૃત થશે, એવી સાબિતી પણ કોઈ આપી શકે એમ નથી. કારણ સ્વયંની સ્મૃતિમાં અવરોધક છે પોતાનું મન અને મનમાં વિવિધ પ્રકારના લૌકિક વૃત્તિ-વિચારોના તાર ગૂંથાતા રહે છે. જેનાં લીધે સાત્ત્વિક વિચારોના તાર મનમાં સરળતાથી ગૂંથાતા નથી, એટલે આધ્યાત્મિક ભાવાર્થ ગ્રહણ થતો નથી. તેથી આરંભમાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરવાનો, પ્રભુનું સ્મરણ કરવાનો પુરુષાર્થ માનવીને કરવો પડે છે. રૂપિયાની કમાણી કરવાના કાર્યોમાં, કે પરિવારની જવાબદારીના કાર્યો કરવામાં સૌ માનવી વ્યસ્ત તો રહે, પણ એવી વ્યસ્તતામાંથી સમય કાઢીને સત્સંગ-અધ્યયન થાય, ત્યારે સમજવું કે સ્વયંની સ્મૃતિ કરાવતાં, જ્ઞાન-ભક્તિની યાત્રા કરાવતાં સંસ્કારો જાગૃત થયાં છે. જેમ શરીરનો ઉછેર વારસાગત સંસ્કારોની છાપ(જીન્સ) મુજબ થાય છે, તેમ મનની સ્વમય જાગૃતિના ઉછેર માટેના સંસ્કારો પણ મનમાં સમાયેલા હોય છે. જે કરેલાં સત્કર્મોના પરિણામ રૂપે તથા માતા-પિતાએ કરેલા સાત્ત્વિક આચરણના સિંચનથી જાગૃત થાય છે.
સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો દીવો જો પ્રભુ કૃપા રૂપે મનોમન પ્રજ્વલિત થાય, તો પ્રભુએ અર્પણ કરેલાં તન-મનના જીવંત જીવનની મહત્તા સમજાય. દેહની ગુણિયલ મહત્તા સમજાય, તો પ્રભુ સાથેની ઐક્યતાની, એટલે કે આત્મીય અસ્તિત્વની મહત્તાનો સ્વીકાર સહજતાથી થાય. પછી હું દેહ નથી, પ્રભુની આત્મીય ચેતનાનો જ અભિન્ન અંશ છું એ સત્યનો સ્વીકાર થાય. સ્વીકાર રૂપે ભક્તિભાવની નિર્મળતાથી અધ્યયનમાં મન તરબોળ થાય, ત્યારે પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાના સ્પંદનોને ઝીલવાની તૃષ્ણા જાગે પછી પ્રભુ મિલન રૂપે એકરૂપ થવાની ખરી તડપ જાગે. એવું નથી કે ભક્તના જીવનમાં મુશ્કેલી કે વીટંબણાઓ ન હોય. પરંતુ ભક્તિભાવની નિષ્ઠાના લીધે, ચિંતાજનક સ્થિતિમાં એનું મન ચિંતનમાં સ્નાન કરતું રહે છે અને સાત્ત્વિકભાવની જાગૃતિના અંતર પથ પર તે દૃઢતાથી પ્રયાણ કરતો રહે છે અને પ્રભુનો દિવ્ય ભાવ જાગૃત થાય એવી પ્રાર્થના કરતો રહે છે.
હે નાથ! આપની દિવ્ય પ્રીતની ચેતનામાં આપ મુજને ગતિમાન રાખો છો;
આપની પ્રકાશિત પ્રીતની ગતિના લીધે જ
અંતર પ્રયાણનું સ્વમય ચિંતન થયાં કરે છે;
આપના અનામી ચૈતન્યમાં સમાઈ જાઉં, એવી સ્વમય ભક્તિનું દાન ધરજો;
તથા ભક્તની હું ધારા છું એનું પણ વિસ્મરણ કરાવી આપનામાં સમાવી દેજો.
આવી સ્વમય ભક્તિનું જીવન માનવી જીવી શકે, તે માટે જ મન-બુદ્ધિ-ચિત્ત સ્વરૂપનું અંત:કરણ પ્રભુએ દરેક માનવીને અર્પણ કર્યું છે. પરંતુ મનમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મારું-તારુંની સરખામણી કરવાના વિચારો જ્યાં સુધી રહે, ત્યાં સુધી સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મન લીન થઈ શકતું નથી. અર્ધ જાગૃત મનમાં જે વિચારો સંગ્રહિત રહે છે, તે મુજબના વિચાર-વર્તનમાં મન બંધાયેલું રહે છે. તેથી મનને ખાલી કરવું પડે. આપણે નાના હતાં ત્યારે બધું જ મમ્મીને પૂછીને કરતાં હતાં. નિશાળમાં મસ્તી કરી હોય કે સારું કાર્ય કર્યું હોય, ઘરે આવીને મમ્મીને બધું જ કહી દેતાં હતાં. સારી-નરસી બધી વાતો મમ્મીને કહેવાથી આપણું મન ખાલી થઈ જતું અને ભણતરના નવાં વિચારો કરી શકતું હતું. ભક્ત એ જ રીતે પ્રભુની મૂર્તિ(છબી) સમક્ષ કરેલાં કર્મોની નિખાલસભાવથી કબૂલાત કરે છે. કોઈને માટે ઈર્ષ્યા થઈ હોય, દ્વેષ જાગ્યો હોય તો એવી ભૂલોની ક્ષમા માંગતા, ખુલ્લા દિલથી એકરાર થાય, પસ્તાવો થાય ત્યારે એવી ભૂલોનું પુનરાવર્તન ન થાય એવું મનોબળ પ્રભુ કૃપા રૂપે જાગૃત થતું જાય.
મોટેભાગે માનવીના મનમાં રાગ-દ્વેષાત્મક વિચારોની આવનજાવનના લીધે, સાત્ત્વિક વિચારોના ચિંતનનું સ્મરણ મનમાં સ્થપાતું નથી. તેથી અંતર પ્રયાણ કરાવતું મનનું સામર્થ્ય જાગૃત થાય, મનની વિશાળતાનો, સૂક્ષ્મતાનો પ્રભાવ જાગૃત થાય એવી પ્રાર્થના નિખાલસભાવથી પ્રભુને કરતાં રહીશું તો કર્તાભાવનો અહંકાર ઓગળતો જશે અને પ્રભુ કૃપા સ્વરૂપે અકારણ નિર્મળ પ્રેમ અનુભવાશે. નકારાત્મક ભેદભાવના વિચારોની અશાંતિ ઓછી થતાં મન આપમેળે અંતરધ્યાનમાં એકાગ્ર થતું જશે. પ્રભુ મારી સાથે જ છે એવી ભાવના દૃઢ થતાં ચિંતા, કે અસુરક્ષાનો ભય નહિ રહે. મેં કરેલા કર્મોના પરિણામ રૂપે જીવનની સુખદ કે દુ:ખદ ઘટનાઓ ઉદ્ભવતી રહે છે, એ વાસ્તવિકતાનો પછી સરળતાથી સ્વીકાર થશે. તેથી જિજ્ઞાસુ ભક્તની જેમ પ્રભુ મારી સાથે છે અને મારા મનને અંતર પ્રયાણ કરાવતાં સાત્ત્વિકભાવમાં તરબોળ રાખે છે, એવી શરણભાવની નિષ્ઠાથી જીવન જીવવું જોઈએ. જેમ એક માતા પોતાના બાળકને ખવડાવે ત્યારે પોતાનું વહાલ વરસાવે છે અને તે વહાલથી જ બાળકનો વિકાસ થાય છે, તેમ પ્રભુની ચેતનાના વહાલથી આપણાં તન-મનના જીવનનો વિકાસ થાય છે અને ભક્તોને અંતરયાત્રાનું સાત્ત્વિક બળ મળે છે.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા