Article Details

અણમોલ કૃપાનું દાન ધરો...

માતા-પિતાનો પ્રેમ એટલે બાળપણ રૂપી કળીનું સહજતાથી ખીલવું. બાળપણની કળીને ખીલવતો માતા-પિતાનો જે પ્રેમ છે તેનું સ્મરણ માનવીને મોટી ઉંમરે કરવું નથી પડતું. કારણ જે નિર્મળ પ્રેમની ધારા હોય, કે વહાલભર્યા સ્નેહની ધારા હોય, તેમાં જ્યારે જ્યારે મનનું સ્નાન થાય, ત્યારે થોડી ક્ષણો માટે મનનું વિચારવાનું સ્થગિત થાય છે, એટલે કે વિચારવાનું આપમેળે થંભી જાય છે. તેથી માતા-પિતાના પ્રેમનું, કે દાદા-દાદીના વહાલનું, કે મિત્રોના સ્નેહનું સ્મરણ મનના ઊંડાણમાં અંકિત રહે છે. દરેક માનવીના જીવનમાં માતા-પિતાની તથા શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા હોય છે. તેઓની છત્રછાયામાં બાળમાનસનો સંભાળપૂર્વકનો ઉછેર થાય છે. માતાની વહાલભરી અમી દૃષ્ટિ બાળકની આસપાસ ફરતી રહે છે અને નાની નાની બાબતોનું, બાળકની એક એક ક્રિયાઓનું નિરીક્ષણ કરતી રહે છે. જેથી કોઈ ખોટી રીત કે ટેવ બાળક શીખે નહિ અને યોગ્ય વાણી-વર્તનથી બાળક શિક્ષિત થઈ શકે. આવી માતા-પિતાની તથા શિક્ષકની પ્રેમાળ હાજરી એટલે જ મનનો વિકાસ કરાવતી સીડી પર આરોહણ થવું.

       બાળપણમાં માતાના ખોળામાં જ્યારે બાળક સૂઈ જાય, ત્યારે માતાનો વહાલભર્યો હાથ ફરતો રહે, જેથી બાળક નચિંત થઈને સૂઈ જાય. માતાના તે હાથની અમૂલ્યતા દુનિયાની કોઈ પણ કિંમતી વસ્તુ સાથે સરખાવી શકાય એમ નથી. તેથી જ પ્રૌઢ ઉંમરે પણ માતાના ખોળાની હૂંફ ભુલાતી નથી અને તે વાહલભર્યા સ્પર્શનો, માતાના નિષ્કામ પ્રેમનો અનુભવ કરવા માટે મન ઝૂરતું રહે છે. મનનો એવો ઝુરાપો એટલે કે નિષ્કામ પ્રેમનો અનુભવ કરવાનો તલસાટ ત્યારે શાંત થાય, જ્યારે માનવી પોતેે માતા-પિતાની છત્રછાયા બની પોતાના બાળકનો ઉછેર કરે છે. આમ છતાં નિષ્કામ પ્રેમના અનુભવ રૂપે સહજ આનંદની સ્થિતિ તો ત્યારે જ અનુભવી શકાય, જ્યારે પ્રેમ અર્પણ કરવાની કે પ્રેમને ઝીલવાની આદાન-પ્રદાનની કોઈ વૃત્તિ-વિચાર ન હોય. એવાં નિ:સ્વાર્થ પ્રેમની અનુભૂતિ જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાથી થાય. અર્થાત્ ભક્ત ત્યારે પ્રેમને અનભુવે જ્યારે ભક્તિભાવ સ્વરૂપે એનું મન રાગ-દ્વેષના ભેદભાવથી, મારું-તારુંના સ્વાર્થી વિચાર-વર્તનથી મુક્ત થતું જાય. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું એટલે સ્વયંના પરિચય રૂપે શ્રવણ, અધ્યયન, ચિંતનમાં મનનું ઓતપ્રોત થવું અને સદાચરણનો શણગાર ધારણ થવો.

       ભક્ત તો ભક્તિભાવ સ્વરૂપે અનુભવે, કે આ સૃષ્ટિનું સર્જન કરનારી પ્રભુની ઊર્જા શક્તિનો સ્વભાવ પણ એક માતા જેવો છે. ઊર્જા શક્તિની ચેતનાના વહેણ તો નિરપેક્ષભાવથી, કોઈ પણ ભેદભાવ વગર સતત વહેતાં રહે છે. સમર્પણભાવથી સતત અર્પણ કરવાનો પ્રભુની શક્તિનો દિવ્ય ભાવ છે. તે પૂજનીય શક્તિને કોઈ અપેક્ષા નથી, એટલે શ્રેયનું દાન અર્પણ કરતી તે શક્તિ જીવંત સ્વરૂપની કૃતિઓને સર્જાવતી રહે છે. જે પણ કૃતિઓ સર્જાય, તે મારી માલિકીની રહે અથવા મારા તાબામાં રહે એવી અપેક્ષા શક્તિમાં  ન હોવાંથી, દરેક કૃતિઓનો ઉછેર સ્વતંત્રતાથી થાય છે. સ્વતંત્રતા રૂપે દરેક જીવ પોતાની ઈચ્છા મુજબનું જીવન જીવી શકે છે. એવી સ્વતંત્રતા માણવા માટે પ્રભુની શક્તિને ઝીલી શકે એવું મનનું સાત્ત્વિકભાવનું આસન માનવીને અર્પણ થયું છે. તેથી માનવી પોતાની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને તૃપ્ત કરાવતું જીવન જીવી શકે છે અને પોતાની રીતે પોતાને ગમતી વસ્તુ, કે વ્યક્તિ, કે પરિસ્થિતિના સંગમાં જીવી શકે છે તથા પ્રેમને અનુભવવાનો પ્રયત્ન પણ કરી શકે છે.

       ભક્તિભાવ સ્વરૂપે સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિમાં, ભક્તનું મન જેમ જેમ સ્થિત થતું જાય તેમ તેમ એનું મન વલોવાતું જાય. સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય અને નિ:સ્વાર્થ પ્રીતની સ્વાનુભૂતિમાં સ્થિત થવાની તરસ વધતી જાય. મનોમન સંવાદ થતો જાય અને ભક્તને પોતાની ભૂલોનું દર્શન થતાં એકરાર થતો જાય કે..,"હે પ્રભુ! મારા મનમાં આપના પ્રશુદ્ધ, નિરપેક્ષભાવનું પ્રતિબિંબ કેમ ઝીલાતું નથી. આપની દિવ્ય પ્રીતનું પ્રકાશિત પ્રતિબિંબ જો ક્ષણ માટે પણ ઝીલાય, તો મનનું સાત્ત્વિકભાવનું, એટલે કે સદાચરણનું કૌશલ્ય આપમેળે પ્રગટતું જાય. એવું કૌશલ્ય જ માનવતાથી દિવ્યતાની અંતરયાત્રાને વેગવંત કરાવી શકે છે. પરંતુ ભવોની મારી અતૃપ્ત ઈચ્છાઓ છે, જે કર્મસંસ્કારોના આવરણ રૂપે મારા મન પર પથરાયેલી છે, તે આપની સાથેની ઐક્યતા હોવાં છતાં આપણી વચ્ચે એક પડદો બનીને મને જુદાઈનો અનુભવ કરાવે છે. વાસ્તવમાં તું જ હું બનીને જીવે છે, જુદાઈ કે ભિન્નતા નથી તે સત્ય જ્ઞાન-ભક્તિના આચરણથી ગ્રહણ થયું. પરંતુ મને શરમ આવે છે કે આપની શક્તિના આધારે જીવું છું છતાં આપના જેવો નિ:સ્વાર્થભાવ મુજમાં સહજ જાગૃત થતો નથી!

       ..અક્ષર-શબ્દોનો આધાર લઈને આપણાં આત્મીય સંબંધથી પરિચિત થાઉં છું. સાત્ત્વિક ભાવાર્થ ગ્રહણ કરવાનો પુરુષાર્થ પણ કરું છું. જેથી મારા સ્વભાવનું પરિવર્તન થઈ શકે. સ્તુતિ-ભજનનું ગુંજન  કરતાં કરતાં ‘હું નથી આ તું જ છે’ એ સત્ય આત્મસાત થશે એવી શ્રદ્ધા છે. પરંતુ ભાવની નિર્મળતા, અહમ્ વૃત્તિની શરણાગતિ હજુ જોઈએ એટલાં પ્રમાણમાં જાગૃત નથી થઈ. કારણ ‘હું ભક્તિ કરું છું, હું પ્રભુની સ્તુતિ કરું છું, હું પ્રભુ સાથેની ઐક્યતાને જાણું છું.’ એવાં હું પદનું સમર્પણ થયું નથી. જ્યાં હું પદનો અહમભાવ રહે, ત્યાં આપની દિવ્ય શક્તિનું ગુણિયલ સામર્થ્ય સુષુપ્ત રહે છે. આપ એવી સુષુપ્તિને ભેદીને મુજને ભક્તિભાવથી જીવવાનું કૃપા બળ અર્પો છો. તે જાણીને મારા અહંકારી સ્વભાવની મને શરમ આવે છે, તેથી જ વારંવાર વિનવું છું કે,

 

ભક્તિભાવની ધ્યાનસ્થ સ્થિતિમાં સ્થિત રહેવાય,

એવી અણમોલ કૃપાનું દાન ધરો મુજને;

સર્વેમાં સમાયેલી આપની દિવ્ય ચેતનાના અણસારા ઝીલવાનો પ્રયત્ન કરતો રહું છું;

જેથી હું પદની ભૂલોનું દર્શન થાય

અને ભૂલોને ભુલાવતું આચરણ ભક્તિભાવથી જાગૃત થતું જાય;

મનની નિર્મળભાવની જાગૃતિની પારદર્શકતાને

આપની પ્રકાશિત ગતિમાં એકરૂપ કરાવજો.”

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા