તમે અંતરભક્તિમાં તલ્લીન થાવ
આપણે જાણીએ છીએ કે બોલવું હોય તો કંઠ ઈન્દ્રિય સાથે હોઠ ખોલવાની ક્રિયા પણ થવી જોઈએ. એ જ રીતે પગથી ચાલવું હોય તો પગ જમીન પર હોવાં જોઈએ. એ જ પ્રમાણે ભક્તિભાવમાં તરબોળ થવું હોય તો સ્વમય ચિંતનમાં મનને સ્નાન કરાવવું પડે. સ્વમય ચિંતન રૂપે સ્વયંની ઓળખ થતાં પ્રભુ સાથેની ઐક્યતાનો, એટલે કે આત્મીય સંબંધનો ભાવાર્થ સમજાય. ઐક્યતાની કે પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિના આનંદ રૂપે જિજ્ઞાસુ ભક્તના મનમાં ભક્તિભાવની નિર્મળતા જાગૃત થાય છે. આજે એક વાર્તાના આધારે સ્વમય ચિંતનની મહત્તાને ગ્રહણ કરીએ અને ભક્તિભાવમાં તરબોળ થઈએ. જેથી હું પદને ઓગાળતી સમર્પણભાવની, કે અકર્તાભાવની જાગૃતિ ધારણ થઈ શકે.
એક ગામમાં પૂજારી હતાં અને તેઓ પોતાના કુટુંબ સાથે મંદિરની પાસે રહેતા હતાં. બાળપણમાં જ તેમના માતા-પિતાએ આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન કર્યું હોવાંથી, તેઓ ભક્તિભાવથી પૂજા કરતાં હતાં. તેથી મંદિરના વાતાવરણમાં ગામના લોકોને શાંતિનો અનુભવ થતો હતો. પૂજારીજીના પ્રેમાળ સ્વભાવના લીધે ગામના લોકો એમનો ખૂબ આદર કરતાં. મુશ્કેલીના કે દુ:ખના સમયમાં પ્રભુ કૃપાથી પૂજારીજી લોકોને ઉકેલ દર્શાવી આશ્ર્વાસન આપતાં હતાં. એટલે ગામના લોકો એમને પૂજનીય ગણી માન આપતા હતાં અને અંગત સંબંધીની જેમ સ્વીકારતાં હતાં. તે ગામના એક મુખ્ય વેપારી હતાં, તેમને પોતાની વેપારી બુદ્ધિનો બહુ જ ઘમંડ હતો. પૂજારીજી સાથે ગામના લોકો સન્માનપૂર્વક વ્યવહાર કરે, તે વેપારીને ગમતું ન્હોતું. એટલે કોઈ પણ રીતે પૂજારીજીનું અપમાન કરવાનો મોકો તેઓ શોધતાં રહેતાં. એકવાર સવારે વેપારી મંદિરે દર્શન કરવા આવ્યાં, ત્યારે પૂજારીજી ક્યાંક બહાર જતાં હતાં. તેથી વેપારીએ પૂછ્યું, "સવારમાં મંદિર છોડીને તમે ક્યાં જાવ છો? ચાલો હું પણ તમારી સાથે આવું છું.”
વેપારીના મનોભાવને પૂજારીજી જાણી ગયાં, એટલે ઉત્તર આપવાનું એમને ઉચિત ન લાગ્યું. પરંતુ વેપારીએ બીજીવાર ખંધુ હાસ્ય કરીને પૂછ્યું, એટલે પૂજારીજીએ જવાબ આપ્યો કે,"હું સ્મશાનમાં ચિતા ઉપર સૂવા જાઉં છું, ચાલો આવવું છે મારી સાથે!” વેપારી બોલ્યાં કે,"કોઈ જીવતો માણસ ચિતા પર સૂવા જતો હશે?” પૂજારીજીએ કહ્યું, "તમે મારી સાથે ચાલો તો તમને ખબર પડશે.” એ સાંભળીને વેપારી જરા ગભરાઈ ગયાં. વિચારવા લાગ્યાં કે, હવે શું કરવું. મેં તો પૂજારીની મશ્કરી કરવાનું નક્કી કરેલું હવે એમની સાથે સ્મશાનમાં ક્યાં જાઉં? પોતાની વેપારી બુદ્ધિથી એણે પૂજારીજીને જણાવ્યું કે," મને આજે બહુ જ અગત્યનું કામ છે, તે પતાવ્યાં પછી હું તમને મળીશ.” જોગાનુજોગ એવું થયું કે બપોરે વેપારી અને પૂજારી રસ્તામાં એકબીજાની સામે આવી ગયાં. એટલે વેપારીએ પૂછ્યું કે, "તમે તો સ્મશાનમાં ચિતા પર સૂવા ગયેલા, તો પાછા કેવી રીતે આવ્યાં?”
પૂજારીએ કહ્યું, "શું કરું તમે નહિ આવ્યાં એટલે પાછો આવ્યો. હવે તો તમને સાથે લઈને જ જઈશ.” તે સાંભળીને વેપારી તો ભયથી ધ્રુજવા લાગ્યા અને પૂજારીજી બીજું કંઈ બોલે તે પહેલાં પોતાના ઘર તરફ પાછા વળીને જોયાં વગર દોડવા લાગ્યાં. ઘરમાં આવીને બધા બારી-બારણાં બંધ કરીને રૂમમાં બેઠાં, ત્યારે એમને પૂજારીનો સાદ સંભળાયો, હું આવ્યો છું તમે બહાર આવો. પરંતુ વેપારી એ સાંભળીને પણ બહાર ન આવ્યાં. સાંજ પડી ત્યારે વેપારી ઘરની બહાર નીકળીને જોવાં લાગ્યાં કે પૂજારી ક્યાંક આજુબાજુ છુપાયા તો નથી, પણ પૂજારી ક્યાંય દેખાયા નહિ. એટલે વેપારીને ગુસ્સો આવ્યો કે, મને સ્મશાન લઈ જવા માટે મોટે મોટેથી સાદ પાડીને હેરાન કર્યો. હવે એમનાં ઘરે જઈને જાણું કે તેઓ ક્યાં છે. વેપારી તો પૂજારીના ઘરનું બારણું જોરથી ખખડાવતાં રહ્યાં થોડી ક્ષણો પછી પૂજારીની પત્નીએ બારણું ખોલીને કહ્યું, ‘તમે અંદર આવો, પૂજારીજીને તો બે દિવસથી સખત તાવ આવ્યો છે, એટલે પથારીમાંથી ઊઠી પણ શકતાં નથી. પરંતુ તમારા નામનો ઉચ્ચાર એમણે ચારથી પાંચવાર કર્યો હતો.’ તે સાંભળીને વેપારી આશ્ર્ચર્યચકિત થઈ ગયાં, કે આજે સવારે મને મળ્યાં, બપોરે મળ્યાં અને એમની પત્ની કહે છે કે તાવના લીધે બે દિવસથી પથારીમાં જ સૂતાં છે.!!
વેપારીને પછી જાણવાની જિજ્ઞાસા થઈ કે આ કેવી રીતે શક્ય થયું. એટલે પૂજારીજીની પથારી પાસે જઈને ભાવપૂર્વક પ્રણામ કરી બેઠાં. થોડી ક્ષણો પછી પૂજારીજીએ સ્મિત કરતાં જણાવ્યું કે,‘હું તો પ્રભુ ભક્તિમાં લીન રહું છું. હું મંદિરમાં પૂજા કરું છું એવો વિચાર પણ મુજમાં સ્થાપિત થતો નથી. સ્વમય ચિંતનની અંતર ભક્તિની તલ્લીનતાના લીધે મારા દ્વારા જે પણ કાર્ય થાય છે, તે અકર્તાભાવથી થતાં રહે છે. ભક્તિની તલ્લીનતા રૂપી તાવના લીધે સંસારી વિચારોની આવનજાવન ઓછી રહે છે, એટલે કે ભક્તિભાવ રૂપી પથારીમાં અહમ્ વૃત્તિ સુષુપ્ત થઈને સૂતી રહે છે. તેથી પ્રભુની પ્રતીતિ સર્વત્ર થતી રહે છે. મુજમાં સમાયેલી પ્રભુની ચેતના મને માધ્યમ બનાવી, બીજા જિજ્ઞાસુઓનો ભક્તિભાવનો દીવો પ્રગટાવવા માટે પ્રકાશિત થયાં કરે છે. તે પ્રકાશિત ચેતનાનું દર્શન તમે મારા શરીરના આકારથી સવારે કર્યું, ત્યારે તમારો દીવો પ્રગટાવવા માટે પ્રભુ જ સ્વયંભૂ વાણી રૂપે પ્રગટ થઈને કહ્યું, કે સ્મશાનમાં ચિતા પર સૂવા જાઉં છું.
...એનો ભાવાર્થ એવો છે, કે મનની ચિતા જેવી સ્થિતિ થાય, તો અહમ્ કેન્દ્રિત વર્તન અથવા રાગ-દ્વેષાત્મક અજ્ઞાની વર્તનની આહુતિ અર્પણ થતી જાય. પછી સાત્ત્વિક વિચારોના ચિંતનથી મન ભાવભીની ભક્તિમાં સહજતાથી લીન થાય. એવાં મનમાં સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો અગ્નિ જાગે, જે જ્ઞાન-ભક્તિના સત્સંગથી પ્રજ્વલિત થાય, ત્યારે એકબીજાના દોષ જોવાનાં, કે વેરઝેર, કે ઈર્ષ્યાના વૃત્તિ-વિચારોને બાળી નાંખે એવાં પ્રેમભાવની આગને પ્રગટાવે છે. પ્રેમભાવની નિ:સ્વાર્થતામાં દુન્યવી વિચારોની છાપ મનમાં અંક્તિ થતી નથી. ભક્તિભાવની તલ્લીનતાનો તાવ, એટલે કે પ્રેમભાવની નિ:સ્વાર્થતા જ્યાં પ્રસરે, ત્યાં અજ્ઞાની અંધકારને મિટાવી દે. તમે ભાગ્યશાળી છો કે પ્રભુની વાણી જે મારા માધ્યમ થકી પ્રગટ થઈ, તેની સાથે સંવાદ કર્યો. તમારામાં જ્ઞાન-ભક્તિનો દીવો પ્રગટ થયો છે, તો સત્સંગ, અધ્યયન રૂપી ઘી ઉમેરતાં રહેજો. એક દિવસ તમારું મન પણ ભક્તિભાવની નિષ્ઠા રૂપી ચિતાની અગ્નિ જેવું બની જશે અને પ્રભુ આપને માધ્યમ બનાવી, બીજા માનવીઓમાં જિજ્ઞાસા જગાડી જ્ઞાન-ભક્તિનો દીવો પ્રગટાવશે. પરંતુ હું પ્રભુનું માધ્યમ છું એવાં વિચારોને ઓગાળી દેજો. હું ભક્ત છું અને બીજા અજ્ઞાની માનવીઓને જ્ઞાન-ભક્તિની યાત્રાનું માર્ગદર્શન ધરું છું, એવો એકબીજા સાથેની જુદાઈનો ભેદ નહિ રહે ત્યારે જ પ્રભુભાવની દિવ્ય ચેતના પ્રકાશિત થાય. અંતર ભક્તિમાં તમે તલ્લીન થાવ અને પ્રભુ કૃપાના અધિકારી પાત્ર બનો એ જ મારી પ્રાર્થના છે.”
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા