હૃદયભાવની ભક્તિથી તરી જાવ ભવસાગર
આપણને માનવ શરીરનું સાધન મળ્યું છે. તે શરીરના ઉપયોગી હેતુથી જો માનવી પરિચિત થાય તો શરીરની નિરોગી સ્થિતિ અર્થે પોતાનો સ્વભાવ સુધારવાનો, એટલે કે મનની સાત્ત્વિકભાવની જાગૃતિ માટેનો પુરુષાર્થ થાય. આકારિત શરીરના સહારે મન પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરાવતું જીવન જીવે છે. પરંતુ પશુ-પક્ષીની જેમ માત્ર ભૌતિક પદાર્થોને ભોગવવાનું જીવન જીવવાનું નથી, પણ સાત્ત્વિકભાવની નિર્મળતા ખીલે એવાં વિચાર-વર્તનથી જીવવું જોઈએ. તેથી બાળપણથી આપણાં મનની યોગ્ય કેળવણી માટે માતા-પિતા તથા શિક્ષકોએ સુસંસ્કારી વિચારોથી ઘડતર કર્યું. તે કેળવણીનો મુખ્ય હેતુ એ જ હતો કે સાત્ત્વિક આચરણથી મન અહંકારી વર્તનમાં અટવાઈ ન જાય, પણ સાત્ત્વિક વર્તન રૂપે સર્જનાત્મક પરોપકારી કાર્યો થાય અને હકારાત્મક સ્વીકારભાવથી જીવન જિવાય.
સાત્ત્વિકભાવની જાગૃતિ એટલે વિકાસશીલ રચનાત્મક વિચારોનું પરોપકારી વર્તન, જે મારું-તારુંની સરખામણી કરવાનાં, ભેદભાવનાં વિચારોમાં બંધાયેલું ન રહે, પણ મહાભૂતોની પ્રકૃતિથી સર્જાયેલાં દેહની મૂળભૂત વાસ્તવિકતાને જાણવાનો પુરુષાર્થ કરે. એવો પુરુષાર્થ એટલે જ જિજ્ઞાસુ ભક્તની સ્વયંને જાણવાની તન્મયતા. જિજ્ઞાસુ ભક્તનો ધ્યેય એક જ હોય, કે સાત્ત્વિક ગુણોનાં સંસ્કારો ખીલતાં રહે અને પ્રારબ્ધગત જીવનની ઘટમાળમાં મન આસક્ત ન થાય, પણ ભક્તિભાવથી જીવન જિવાય. જેથી પ્રતિકૂળ સંજોગોમાં હતાશ થઈને મન વ્યથામાં ડૂબેલું ન રહે અને અનુકૂળ સંજોગોમાં ભોગ્ય પદાર્થોના સુખથી છકી ન જાય. અર્થાત્ સુખમય ભોગના વૈભવમાં અહંકારી વર્તનમાં મન લેપટાઈ ન જાય. કારણ અહંકારી વર્તનની હાજરીમાં સાત્ત્વિક ગુણોના સદાચરણની ગેરહાજરી રહે છે.
બાળપણથી યુવાની સુધીમાં અથવા પ્રૌઢ વયની ઉંમર થાય ત્યાં સુધી ઘણાંની એવી ફરિયાદ રહે છે, કે પોતે જે ધારેલુ કે ઈચ્છેલું તે પ્રમાણેના કાર્યો ન કરી શક્યાં. અથવા ઈચ્છા મુજબની દિશામાં આજીવિકા માટેની પ્રવૃત્તિ કે કાર્યો કરી ન શક્યાં. આવી ફરિયાદી મનની ભીતરમાં ખિન્નતા રહે છે, ગમગીની છૂપાયેલી રહે છે. એવું મન નકારાત્મક વૃત્તિમાં જકડાયેલું રહે છે અને પોતાની ખિન્નતાને, ઉદાસીનતાને, ભૂલવા માટે ઈન્દ્રિયગમ્ય પદાર્થોના ભોગમાં સુખને શોધે છે. નકારાત્મક સ્વભાવની ઉદાસીનતાનો અનુભવ વધતે ઓછે અંશે થાય, એમાં સ્વયંથી અજ્ઞાત રહેતી મનની અજ્ઞાની સ્થિતિ કારણભૂત હોય છે. માનવી જો કારણભૂત અજ્ઞાનતાને દૂર કરવાનો પ્રયત્ન કરે, તો ઉદાસીનતાનું દુ:ખ પણ ઓછું થતું જાય. જિજ્ઞાસુ ભક્ત પોતાની અજ્ઞાની સ્થિતિને ઓગાળતી જ્ઞાન-ભક્તિની અંતર યાત્રાનો સહારો લે છે અને સાત્ત્વિક વિચારોનાં ચિંતનથી પ્રભુ સાથેની ઐક્યતાનો સ્વીકાર કરે છે. ચિંતનની સ્વયંને જાણવાની દિશામાં મન જો જિજ્ઞાસુભાવથી આપમેળે પ્રયાણ કરતું જાય, તો સમજી જવું કે પ્રભુની કૃપા સ્વરૂપે ગમગીન મનના સંઘર્ષને, અજ્ઞાની મનનાં મોહને ઓગાળતી ભક્તિભાવની નિખાલસતા જાગૃત થઈ છે.
ભક્તિભાવની જાગૃતિ સ્વરૂપે સ્વની સૂક્ષ્મતાને-વિશાળતાને ગ્રહણ કરાવતી મનની જ્ઞાતા વૃત્તિ ખીલતી જાય. મગજના જ્ઞાનતંતુઓની તીક્ષ્ણતા વધતી જાય અને મહાભૂતોની પ્રકૃતિનો સમર્પણભાવની ક્રિયાનો ભાવાર્થ પરખાતો જાય. અનેક પ્રકારની પ્રકૃતિની ક્રિયાઓનાં જ્ઞાનમાં રાગ-દ્વેષાત્મક વિચારોમાં ફરતાં મનનો અહંકાર ઓગળતો જાય અને સાત્ત્વિકભાવની સહજતા જાગૃત થતી જાય. મનની એવી સહજ સ્થિતિમાં સમજાય, કે પ્રભુની ભગવત્ ભાવની ઊર્જા સર્વત્ર છે અને ઊર્જાની ચેતનાથી જીવંત જીવન જિવાય છે. તે ઊર્જાથી જ મહાભૂતોની પ્રકૃતિમાં સર્જન-વિસર્જનની અનેક પ્રકારની ક્રિયાઓ સતત થયાં કરે છે. એટલે જ દેહધારી જીવન પ્રકૃતિના સંગમાં જિવાય છે. સૂક્ષ્મ સમજની આવી જાગૃતિમાં મન જેમ જેમ તરતું રહે તેમ તેમ ભાવની સહજતા, નિર્મળતા પ્રગટતી જાય. ભાવની નિર્મળતામાં સાત્ત્વિક ગુણોનું સંસ્કારી આચરણ ધારણ થતું જાય, તેને કહેવાય ભક્તિભાવનું સદાચરણ.
આમ ભક્તિભાવથી એટલે કે પ્રેમભાવથી, સમતોલભાવથી, સમર્પણભાવથી જીવન જીવવા માટેનો દૃઢ નિર્ધાર થાય, ત્યારે જિજ્ઞાસુ ભક્ત પોતાના અજ્ઞાની મનની ઉદાસીનતા રૂપી લાઈનની બાજુમાં સ્વયંને જાણવાની સ્વમય ચિંતન રૂપી લાંબી લાઈન દોરે છે. જેથી ઉદાસીન મનની વ્યથાઓને ઓગાળતું ભક્તિભાવનું સદાચરણ આપમેળે ધારણ થઈ શકે. ભક્તિ સ્વરૂપે પ્રભુની ભગવત્ ભાવની શક્તિ જાગૃત થાય છે. પ્રભુ તો દરેક દેહધારી જીવને ઊર્જા શક્તિના સહારે જિવાડે છે. પરંતુ મન જ્યાં સુધી અજ્ઞાની સ્થિતિના અંધકારમાં જીવે છે, ત્યાં સુધી પ્રભુની શક્તિની દિવ્યતા, કે સાત્ત્વિકતા, કે પ્રીતની સુમેળતા સુષુપ્ત રહે છે. એવી સુષુપ્તિના લીધે સદાચરણની સાત્ત્વિકતા ધારણ થતી નથી, એટલે મન અતૃપ્તિ કે અસંતોષને અનુભવે છે.
જિજ્ઞાસુ ભક્તના મનમાં સૂક્ષ્મ સમજની સ્પષ્ટતા હોય છે, કે જે ભગવત્ ભાવની ઊર્જા શક્તિથી સર્જન-વિસર્જનની ક્રિયાઓ થતી રહે છે, તે જ શક્તિના સહયોગથી અજ્ઞાની મનની ઉદાસીનતા ઓગળી શકે છે. આવી સ્પષ્ટતાના લીધે એનું મન પ્રકૃતિ જ્ઞાનમાં, સ્વ જ્ઞાનમાં ભક્તિભાવથી સ્થિત થાય છે. જ્ઞાન સ્વરૂપે સાત્ત્વિક વિચારોનું ચિંતન થાય અને ચિંતનની સ્થિરતામાં સાત્ત્વિકભાવનો લેપ મન પર પથરાતો જાય અને અજ્ઞાની મનનો અંધકાર વિલીન થતો જાય. ભાવની સાત્ત્વિકતા મનને અંતર ભક્તિના ઊંડાણમાં સ્થિત કરાવે, પછી કોઈ પણ સ્તરની વ્યથા અવરોધક ન લાગે પણ રામસેતુ જેવી લાગે. જે આત્માની સાત્ત્વિકભાવની જાગૃતિનું બળ પૂરે અને આત્મજ્યોતનું દિવ્ય ગુણોનું ઑજસ સ્વયંભૂ પ્રગટતું જાય. મનોમન એકરાર થાય કે ભક્તિભાવથી, આત્મીય ગુણોની જાગૃતિને ધારણ કરવા માટે જ પ્રભુએ માનવ શરીરનું સાધન અર્પણ કર્યું છે.
ભક્તિ સ્વરૂપે મનમાં પુરાય ભગવત્ ભાવની શક્તિ
અને જાગૃત થાય માનવતાનાં સંસ્કારો;
દરેક પ્રકારની માનેવૃત્તિ સાથે પછી મેળ વધતો જાય
અને જીવનનો સાર સમજાતો જાય;
મનની અજ્ઞાનતા પર ભક્તિનો લેપ પ્રસરે
અને આત્મ જ્યોતનું ઑજસ પ્રગટતું જાય;
મનથી માનવી હારે ન કોઈ દી,
પણ હૃદયભાવની ભક્તિથી તે ભવસાગર તરી જાય.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા