Article Details

સ્વ-અધ્યયનની બુદ્ધિનો ઉપયોગ નિષ્કામ ભાવથી કરો

ભેદભાવનું સંકુચિત વિચારોનું માનસ એટલે આકારિત લૌકિક જગતની અનેક પ્રકારની પરિસ્થિતિના વિચારો. એવાં વિચારોમાં સામાન્ય માનવીનું મન આળોટતું રહે છે અને એવાં વિચારો રૂપે ભોગ્ય વસ્તુઓ સાથે તથા સંબંધિત વ્યક્તિ સાથેના વ્યવહારનું વર્તન થતું રહે છે. એવાં વ્યવહારમાં મારું-તારું-પરાયું એવાં ભેદભાવનું વર્તન હોવાંથી, એકબીજા સાથેના સંબંધ રૂપી છોડ પર પ્રેમ રૂપી ફુલો ખીલતાં નથી. મોટેભાગે મન ભૂતકાળના વિચારોમાં આળોટતું રહે છે, એટલે એવાં જ વિચારોના વર્તનનું ભવિષ્ય માનવી પોતે જ ઘડે છે. એટલે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારો ઘટવાને બદલે વધતાં જાય છે. આવી ભૂલથી મુક્ત થવા માટે જિજ્ઞાસુ ભક્ત સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરવાનો પુરુષાર્થ કરતો રહે છે. ભાવાર્થ ગ્રહણ કરાવતાં જ્ઞાન-ભક્તિના સત્સંગની મહત્તા જેમ જેમ જિજ્ઞાસુ મનને સમજાતી જાય, તેમ તેમ એ શ્રવણ, અભ્યાસ, ચિંતનની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતો રહે છે.

       આમ છતાં અમુક મર્યાદિત સમયની સત્સંગની પ્રવૃત્તિઓ કરીએ, તો પણ ભૂતકાળના વિચારોમાં આળોટવાની ટેવથી મન સહજતાથી મુક્ત થતું નથી. કારણ ભવોના સંચિત કર્મના સંસ્કારો છે. તે કર્મસંસ્કારોની વૃત્તિઓના તાર માત્ર શ્રવણ કે અભ્યાસ કરતાં રહેવાંથી કપાતાં નથી. સ્વયંથી અજાણ રહેતાં મનની અજ્ઞાનતાના લીધે એટલે કે સ્વ સ્વરૂપની અજ્ઞાનતાના લીધે ‘હું શરીર છું’ એવી માન્યતાથી માનવી જીવન જીવે છે. એટલે ઈન્દ્રિયગમ્ય વિષયોના ભોગમાં જ સુખ કે આનંદનો અનુભવ થાય, એવી અજ્ઞાનતાથી જીવે છે. તેથી એક અતૃપ્ત ઈચ્છાની પૂર્તિ રૂપે જે પણ પ્રવૃત્તિ કરે, તે પ્રવૃત્તિ કરવામાં બીજી નવી ઈચ્છાઓની અતૃપ્તિ જનમતી રહે છે. અર્થાત્ આ મિનિટે જો મનપસંદ વાનગીનો ભોગ મન કરતું હોય, તો સ્વાદનો આનંદ ક્ષણ-બેક્ષણ માણે અને ભવિષ્યમાં ફરીવાર તે જ વાનગી ખાવાની ઈચ્છાના તાર મનમાં ગૂંથે છે. આમ અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની કારણભૂત સ્થિતિને માનવી પોતે જ સર્જાવે છે અને એવી કારણભૂત સ્થિતિના લીધે એવાં જ વિચાર-વૃત્તિના કાર્યો કરવા પડે છે.

       કારણ-કાર્યની ક્રિયામાં સામાન્ય રૂપે મન બંધાયેલું રહે છે. પરંતુ બંધાયેલું મન જો સત્સંગની પ્રવૃત્તિ ભક્તિભાવની નિષ્ઠાથી કરે, તો ભક્તિ રૂપે ભગવત્ ભાવની શક્તિનો પ્રભાવ જાગૃત થાય અને અજ્ઞાની વૃત્તિઓનું આવરણ છેદાતું જાય. ભક્તિભાવની નિષ્ઠાથી સ્વયંના આત્મ સ્વરૂપની માત્ર શબ્દોથી ઓળખ ન થાય, પણ પ્રભુની આત્મીય ચેતના સાથેની ઐક્યતા છે એવી પ્રતીતિ મનોમન થાય. ધીમે ધીમે પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીની સર્વેમાં પ્રતીતિ કરાવતું સત્ દર્શન ધારણ થાય. પછી હું કર્તા નથી, કરાવનાર પ્રભુની ચેતનાથી કાર્યો થાય છે, એવી અકર્તાભાવની જાગૃતિનું દાન ભક્તિની નિષ્ઠાથી ધારણ થતું જાય. મનનું ભક્ત સ્વરૂપ એટલે જ પ્રેમભાવનું નિ:સ્વાર્થી વર્તન. ભક્તનું મન સ્વ અધ્યયનમાં ભક્તિભાવથી સ્થિત થાય, ત્યારે આધ્યાત્મિક શબ્દોના અર્થ સમજ્યાં પછી તે અર્થની વાસ્તવિકતાને ગ્રહણ કરતો જાય. અર્થાત્ સ્વયંના પરિચય રૂપે જે ભાવાર્થ ગ્રહણ થાય એમાં ભાવની સાત્ત્વિકતાનો ઉજાગર થાય એવી સ્મરણ ભક્તિમાં તે લીન રહે. ‘હું તે છું’ એવા સ્મરણમાં પ્રભુ સાથેની ઐક્યતા અનુભવાય, પછી રાગ-દ્વેષાત્મક ભેદભાવના વિચાર-વર્તનમાં આળોટવાનું ભૂલાતું જાય અને સાત્ત્વિકભાવની ગુણિયલતા પ્રગટતી જાય.

      

       સંસારી વિચારોની ભેદભાવની પ્રકૃતિનો પહાડ ઓળંગવા માટે,

જ્ઞાન-ભક્તિથી મનને કેળવો;

       ગત વિચારોમાં આળોટવાનું છોડીને,

સ્વ અધ્યયનની બુદ્ધિનો ઉપયોગ નિષ્કામભાવથી કરો;

       દરેક જીવને સાત્ત્વિકભાવનું જીવન જિવાડવા માટે,

આત્મ સ્વરૂપે પ્રભુ તો જન્મથી સાથે જ રહ્યાં છે;

       અંતર જ્યોત પ્રગટાવતું ભક્તિભાવનું જીવન જે જીવે,

તેનો સારથિ પ્રભુ બની આત્મસ્થિત કરાવે.

 

       જિજ્ઞાસુ ભક્તના મનમાં સ્પષ્ટતા હોય છે, કે પ્રેમની નિ:સ્વાર્થતાથી જ દેહધારી જીવનનો આનંદ માણી શકાય છે. માનવીનું અતૃપ્ત ઈચ્છાઓવાળું મન, કોઈ પણ ઉપભોગની પ્રવૃત્તિઓ માત્ર પ્રેમ કે આનંદના અનુભવ માટે કરતું રહે છે. એટલે પ્રેમાનંદને અનુભવવા માટે મન ઝૂરે છે અને જ્યાં પ્રેમાનંદની એને ખોટ લાગે, ત્યાં સ્વાર્થ, લોભ, ઈર્ષ્યા વગેરે નકારાત્મક વિચાર-વર્તનથી પ્રેમને અનુભવવાનો પ્રયત્ન કરે છે. નકારાત્મક વિચારોમાં રાગ-દ્વેષનું વર્તન હોય, ત્યારે મનને દરેક પરિસ્થિતિમાં ઉણપ લાગે, ખોટ લાગે. એવું મન દરેક પરિસ્થિતિનો તોલમાપ સારું કે ખરાબ છે એવી સરખામણીથી કરતું રહે છે. તેથી પ્રેમના અનુભવમાં એને સંતોષ મળતો નથી. અસંતોષી મન ઈન્દ્રિયગમ્ય વિષયોના વિચારોમાં જ આળોટતું રહે છે. એવાં મનને સત્સંગ કે અભ્યાસ કરવાનું મુશ્કેલ લાગે છે. પરંતુ એવાં મનને પ્રભુની ઊર્જા શક્તિની સાક્ષાત્ હાજરીનો પરિચય જો વૈજ્ઞાનિક જ્ઞાનના સહારે થાય, તો ક્યારેક સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગૃત થઈ શકે.

       જે શાશ્ર્વત સત્ય છે તેનો સ્વીકાર તર્કબદ્ધ વિચારોથી ન થઈ શકે. પરંતુ વૈજ્ઞાનિક જ્ઞાનથી મનને જાણવાની તત્પરતા થાય છે. કારણ વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક જ્ઞાનના આધારે થયેલાં અનેક સંશોધનથી સુખ સગવડતાનું જીવન સૌ જીવે છે. મોબાઈલ ફોનની સુવિધાને સૌ માણે છે, પણ તે પ્રભુની ઊર્જા શક્તિના વિદ્યુતિ તરંગોથી ચાલે છે તે સત્ય સમજાય ત્યારે અજ્ઞાની મનને સમજાય, કે સર્વત્ર તે શક્તિનું જ પ્રસરણ છે અને તે જ શ્ર્વાસ રૂપે ક્ષણે ક્ષણે સૌને પ્રાપ્ત થાય છે. આવી સમજ રૂપે જ્યારે જિજ્ઞાસુભાવ જાગે, ત્યારે જિજ્ઞાસુ ભક્તની જેમ નિ:સ્વાર્થ પ્રેમભાવથી જીવવાનો નિર્ધાર થાય. પછી સરખામણી કરાવતાં ભેદભાવના વિચારો તો થાય, પણ સાથે સાથે સાત્ત્વિક વિચારોનો અભ્યાસ પણ થાય. અભ્યાસ-અધ્યયન ભક્તિભાવની નિષ્ઠાથી થતાં, ખોટી માન્યતાઓથી મન મુક્ત થતું જાય અને બાહ્ય જગતના પદાર્થોમાં સુખ શોધવાનો અજંપો શાંત થતો જાય. એવું શાંત મન ભક્તિભાવમાં લીન થઈ શકે અને પ્રેમાનંદની પ્રતીતિ કરાવતી અંતર યાત્રા કરી શકે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા