હે હરિહર! હારી જાય મારો અહંકાર
પ્રભુની દિવ્ય ચેતના, જે ઊર્જા શક્તિ રૂપે સર્વત્ર પ્રસરતી રહે છે અને આપણે સૌ તે શક્તિના આધારે જીવંત જીવન જીવી શકીએ છીએ. પ્રભુની આ ચેતનવંત ઊર્જા શક્તિ સર્વેને કોઈ પણ પ્રયત્ન વગર શ્ર્વાસ રૂપે સતત પ્રાપ્ત થતી રહે છે. તેથી દેહધારી જીવન જિવાડતી પ્રભુની શક્તિને પ્રાપ્ત કરવા માટે કોઈને પુરુષાર્થ કરવો પડતો નથી. પરંતુ માનવીને અન્ન, વસ્ત્ર, રહેઠાણની પ્રાપ્તિ માટે મહેનત કરવી પડે છે, રૂપિયાની કમાણી કરવી પડે છે. વ્યવહારિક જીવનમાં સાધન સગવડોવાળું વૈભવી જીવન જીવવા માટે જે માનવી રૂપિયાની કમાણી વધુ કરે, તેને લોકો કુશળ બુદ્ધિમાન માને છે અને જે કમાણી ઓછી કરે તેની બુદ્ધિનો પનો ટૂંકો છે એવી માન્યતાનો આજનો સમાજ છે. તેથી જ દરેક માતા-પિતા પોતાનું બાળક ભણીને રૂપિયાની કમાણી કરી શકે, તે હેતુથી સ્કૂલ-કોલેજમાં મોકલે છે. એમાં વિદ્યા પ્રાપ્તિનો મહિમા નથી, પણ રૂપિયાની કમાણી કરી ભૌતિક સુખના પદાર્થોને-વસ્તુઓને પ્રાપ્ત કરવાની હરીફાઈમાં જીતવાની મહત્ત્વતા છે.
એક સત્ય માનવીએ ભૂલવું ન જોઈએ, કે જે રૂપિયા મેળવવા માટે શરીરથી મહેનત કરીએ છીએ, મનથી સમજપૂર્વક વિચારી શકીએ છીએ, તે તન-મનનો દેહ તો પ્રભુની શક્તિથી જીવે છે. તે શક્તિના આધારે માનવી કાર્યરત રહીને રૂપિયાની કમાણી કરી શકે છે. પ્રભુની શક્તિને જો અહોભાવથી સ્વીકારીએ, એની મહત્તાને સમજવાનો પ્રયત્ન કરીએ, તો મેળવેલાં રૂપિયાથી ભૌતિક સુખની મજા મળશે અને સાથે સાથે ઉન્નતિની, ઊર્ધ્વગતિની અંતર દિશા તરફ મન પ્રયાણ કરી શકે એવાં સદ્વિચારોનું ધન પણ માનવી મેળવી શકે એમ છે. ભક્તનું મન આ સત્યને આત્મસાત કરાવતું પ્રયાણ કરવા, પ્રભુની આત્મીય ચેતનાના સાંનિધ્યને ભક્તિભાવથી માણે છે. આત્મીય સાંનિધ્યને માણવું, એટલે પ્રભુની ચેતનાનું જે સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ છે, તે વિચાર-વર્તન રૂપે પ્રગટ થવું. પ્રભુની ચેતનાનો સાત્ત્વિક પ્રભાવ પ્રગટે એવાં શરણભાવની જાગૃતિનો પુરુષાર્થ જિજ્ઞાસુ ભક્ત કરતો રહે છે અને પ્રભુને વંદનભાવથી પ્રાર્થના કરતો રહે છે કે..,
"..હે હરિહર! હારી જાય મારો અહંકાર અને જીતી જાય તારો ભાવ,
એવી ભક્તિની સરિતામાં તરતો રાખજો;
જ્યાં નથી કોઈ હરીફ કે નથી હરીફાઈની દોડ,
પણ છે માત્ર તારા ભાવની નિ:સ્વાર્થ ધારા;
તારી ભાવની સરિતામાં તરવા માટે ન જોઈએ બુદ્ધિની પદવીના હલેસાં,
પણ જોઈએ સમર્પણની તટસ્થતા;
તું જ તરાવે છે અને ડુબાડે છે કર્મસંસ્કારોને તારા ભાવમાં,
એટલે નથી રહી કોઈ અપ્રાપ્તિની ખોટ..”
જિજ્ઞાસુ ભક્ત ભાવની સરિતામાં તરતો જાય, ત્યારે મનનું ભક્ત સ્વરૂપ જાગૃત થાય. ભક્તિ એટલે પ્રભુની ભગવત્ ભાવની ઊર્જા શક્તિનો સાત્ત્વિક ગુણોનો પ્રભાવ પ્રગટ થવો. ગુણિયલ પ્રભાવ વિચાર-વાણી-દૃષ્ટિના વર્તન રૂપે પ્રગટે, તે છે જ્ઞાની ભક્તનું સાત્ત્વિક વર્તન. જ્ઞાની ભક્ત દ્વારા જે પણ કર્તવ્ય થાય, તે જિજ્ઞાસુ ભક્તને ભાવની સરિતામાં તરાવતું માર્ગદર્શન ધરે છે. અર્થાત્ જિજ્ઞાસુ મનની સ્વયંને જાણવાની દૃઢતા વધે, સ્વયંના ગુણિયલ પ્રભાવની સ્વાનુભૂતિ કરાવતી ભક્તિની અંતર યાત્રા થઈ શકે, એવાં શ્રેયિત રાહનું દર્શન જ્ઞાની ભક્તોનાં સદ્વિચારોથી પ્રગટે છે. એવાં શ્રેયિત રાહ પર સાત્ત્વિક આચરણ સ્વરૂપે પ્રયાણ થાય એવું અર્થ ધન જ્યારે જ્ઞાની ભક્તો દ્વારા પ્રગટે, ત્યારે માત્ર જિજ્ઞાસુઓનો ઉદ્ધાર થાય એટલું તે સીમિત ન હોય. પરંતુ સદ્વિચારો રૂપે પ્રગટતી સાત્ત્વિક પ્રભાવની ઊર્જા શક્તિ વાતાવરણમાં, ધરતીના કણકણમાં પ્રસરી જાય છે. એટલે પ્રકૃતિ જગતમાં પણ સાત્ત્વિકભાવની ગુણિયલતાથી ઉન્નતિની ક્રિયાનો વિકાસશીલ વળાંક આવે છે. તેની સાબિતી એટલે જ અવનવી શોધની ઔદ્યોગિક ક્રાંતિ. જે માનવીને ભૌતિક વસ્તુઓનું સુખ આપે છે અને ભક્તોને ચિંતનના સમયની સુવિધા અર્પે છે.
જેમકે મોટર કે પ્લેન દ્વારા મુસાફરી થાય, તો ઓછા સમયમાં પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકાય છે. એ જ રીતે મોબાઈલ, લેપટોપ વગેરે અનેક પ્રકારના આધુનિક યંત્રો છે. જેના લીધે વ્યવહારિક કાર્યો ઝડપથી થઈ શકે છે. એટલે સ્વમય ચિંતન કરવા માટેનો સમય મળે છે. જેમ આધુનિક યંત્રોની શોધખોળ કરવાનો પુરુષાર્થ વૈજ્ઞાનિકો કરતાં રહે છે અને તે પુરુષાર્થી કાર્યનું ફળ માનવીને સુવિધા રૂપે ભોગવવા મળે છે. અથવા માતા-પિતા રૂપિયાની કમાણી કરવાનો પુરુષાર્થ કરે અને તેનું ફળ બાળકો ભોગવે છે; તેમ જ્ઞાની ભક્તો દ્વારા જે સાત્ત્વિક કાર્યો થાય, તે સાત્ત્વિક કર્મના ફળ રૂપે સાત્ત્વિક ગુણોનું ઊર્જા ધન પ્રકૃતિ જગતમાં પ્રસરે છે અને બીજા જિજ્ઞાસુઓને સદ્વિચારોના કહેણ રૂપે પ્રાપ્ત થાય છે.
આમ જ્ઞાની-ભક્તોના શ્રેયિત કર્તવ્યથી સાત્ત્વિક આચરણનો રાહ દર્શાવતું સદ્વિચારોનું ધન પ્રગટે છે. એવાં ધનના ઉપભોગથી માનવતાના પરોપકારી વર્તન થાય અને સ્વયંને જાણવાની ભક્તિની અંતરયાત્રા પણ થઈ શકે છે. એ સદ્વિચારોનું ધન જ્યાંથી પ્રગટે છે, ત્યાં નથી અહમ્ વૃત્તિનો અવરોધ, નથી ભેદભાવનું રાગ-દ્વેષાત્મક વર્તન, નથી ભૌતિક જગતના ભોગ્ય પદાર્થોને ભોગવવાની ઈચ્છા, નથી માન-સન્માન કે ખ્યાતિ મેળવવાની ઝંખના, નથી હું-તુંની દ્વૈત વૃત્તિના ભેદ, કે નથી ‘હું જાણું છું, મને બધુ આવડે છે’ એવાં અહંકારી કર્તાભાવની અજ્ઞાનતા, પણ ત્યાં તો છે પ્રભુ સાથેની ઐક્યતામાં એકરૂપ થયેલી આત્મીયતા. જ્ઞાની ભક્તનું અસ્તિત્વ પ્રભુભાવમાં એકરૂપ થઈ જાય. એવી એકરૂપતાની દિવ્ય ચેતના ધ્વનિ શક્તિ રૂપે સ્વયંભૂ અભિવ્યક્ત થાય, ત્યારે અભિવ્યક્તિના સદ્વિચારો દ્વારા ઉન્નતિનો પથ પ્રદર્શિત થાય અને જિજ્ઞાસુ ભક્તો માટે સદાચરણનું માર્ગદર્શન પ્રગટ થાય. સદ્વિચારોના ધનનો ઉપભોગ કરતાં રહીએ અને ‘હું નિરોગી આત્મા છું’ એવી જાગૃતિથી શ્ર્વાસના ધનને સ્વીકારીએ. જેથી ભક્તિભાવનો સંતોષ જીવતાં જ અનુભવી શકીએ.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા