અંતરભક્તિનું સ્વમય આચરણ
હે પ્રભુ, આપની યાદ નિરંતર રહે, એવાં દિવ્ય ભાવનો યોગ ધરો મને;
આપ સતત મારી સાથે જ છો, એવી સમજનું સંવેદન જ્ઞાનતંતુમાં સ્થાપો તમે;
આત્મીય જ્યોતનું ઓજસ પ્રગટાવો તમે, આપના ભાવની જાગૃતિમાં સ્થિત કરાવો તમે;
મારી હેસિયત નથી કે તમને યાદ મનથી કરું, મારા મનના પડદાં ખોલવા આવો તમે.
સ્વને જાણવાની અને સ્વમય ચિંતનમાં ઓતપ્રોત રહેવાની તૃષ્ણા જ્યારે પ્રબળ થાય, ત્યારે મનમાં સાત્ત્વિકભાવની જાગૃતિનો સંચાર ધારણ થતો જાય. એવાં સંચાર રૂપે સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં મન આપમેળે સ્થિત થતું જાય અને વિચાર-વર્તનમાં પરોપકારી પરમાર્થી ભાવ પ્રગટતો જાય. મનની સંકલ્પ શક્તિ સાત્ત્વિકભાવની જાગૃતિથી વધુ દૃઢ થાય અને શ્રદ્ધાનું આસન પ્રૌઢ થતું જાય. આવી દૃઢતા અને પ્રૌઢતાના લીધે ભક્ત સ્વ સ્વરૂપથી જ્ઞાત થતો જાય અને મનની સ્વને જાણવાની જ્ઞાતા વૃત્તિની જાગૃતિ થાય, જે અંતરની સૂક્ષ્મતાને ગ્રહણ કરતી જાય, તેને કહેવાય અંતર ભક્તિનું સ્વમય આચરણ. સ્વમય ભક્તિના આચરણથી પ્રારબ્ધગત જીવનને ભક્ત જીવે. તેથી સુખદ કે દુ:ખદ ઘટનાઓનાં અનુભવમાં તે તણાઈ ન જાય, એટલે કે લૌકિક પરિસ્થિતિની આસક્તિમાં ન બંધાય. ભક્ત તો જીવંત જીવનની ઘટનાઓનાં અનુભવથી મનની જાગૃતિ રૂપી દીવામાં સાત્ત્વિકભાવનું ઘી પુરાય એવાં ચિંતનમાં સ્થિત રહે. સંતાપજનક દુ:ખદ સ્થિતિનો અનુભવ હોય, કે સુખ સગવડ સાથે વિષયોનો ભોગ કરાવતી પ્રસન્ન સ્થિતિનો અનુભવ હોય, ભક્ત માટે સુખ-દુ:ખનો અનુભવ દિવસ-રાતની જેમ પસાર થયાં કરતી સ્થિતિ જેવો છે. વિરોધી સ્થિતિના ભેદ જોવાંની દૃષ્ટિ વિલીન થઈ હોવાંથી, પ્રભુની યાદમાં સ્થિત રહીને ભક્તિભાવમાં ભક્ત તલ્લીન રહે છે. કારણ એની સ્વમય ચિંતનની અંતર યાત્રા કરાવતી તૃષ્ણા અતિ પ્રબળ હોય છે.
સ્વ સ્વરૂપની વાસ્તવિકતાનો સ્વીકાર જ્યાં સુધી થતો નથી, એટલે કે વ્યવહારિક જીવનનાં કાર્યો કરતી વખતે પ્રભુની દિવ્ય ચેતનાની સાક્ષાત્ હાજરીનો સ્વીકાર થતો નથી, ત્યાં સુધી મન જાગૃતિના કિનારે સ્થિત થતું નથી. જાગૃતિના કિનારે સ્થિત થવું, એટલે સાત્ત્વિક વિચારોના અધ્યયનથી સ્વયંને જાણવું કે,"હું શરીર નથી, શરીરમાં નિવાસ કરનારો જીવાત્મા છું. જીવનું સ્વરૂપ છે અણગીન અતૃપ્ત ઈચ્છાઓનાં લૌકિક સંસ્કાર. તે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓના સંસ્કારો, વિચાર-વર્તનના કર્મથી તૃપ્તિને ધારણ કરવા માટે દેહધારી જીવન જીવે છે.” આવી જાગૃતિના કિનારે સ્થિત થયાં પછી, અંતર સરિતામાં તરાવતી જ્ઞાતા વૃત્તિની જાગૃતિ ધારણ થાય અને મનની ભેદભાવની દૃષ્ટિ વિલીન થતાં હૃદયભાવની જાગૃતિ થાય. હૃદયભાવની જાગૃતિથી સ્વમય ચિંતનની અંતર યાત્રામાં સ્થિત થવાય. અર્થાત્ અંતર ભક્તિ રૂપે સ્વયંથી સુવિદિત થતી મનોવૃત્તિને હૃદયભાવની જાગૃતિ કહેવાય. ભાવની જાગૃતિમાં સ્વ અનુભવની તૃષ્ણાનો અગ્નિ અતિ પ્રજ્વલિત થાય, જે સ્વયંની અનુભૂતિ કરાવતાં સૂક્ષ્મ સંવેદનને સહજતાથી ધારણ કરાવે. તેથી ભક્તિ સ્વરૂપે સ્વમય ચિંતનની અંતર યાત્રામાં ભક્ત લીન રહે છે. તે માટે એનેે પ્રભુનું નામ સ્મરણ કરવું પડતું નથી, પણ સ્મરણ રૂપે અંતરની સૂક્ષ્મતાનું, વિશાળતાનું, એટલે કે સાત્ત્વિકભાવની આત્મીયતાનું સંવેદન તે ઝીલતો જાય, તેને કહેવાય પ્રભુની યાદમાં રહેવું. પ્રભુ એ કોઈ આકારિત કૃતિ કે ઘડાયેલી પરિસ્થિતિ નથી, કે એનું ચિત્ર યાદ રહે અથવા વિચારોથી પણ પ્રભુની યાદમાં સ્થિત થઈ ન શકાય.
સાત્ત્વિક વિચારોના ચિંતનથી મન પોતાના આત્મ સ્વરૂપથી એટલે કે પ્રભુથી પરિચિત થાય. એવું પરિચિત મન જ્યારે યાદ સ્વરૂપે પ્રભુના દિવ્ય યોગની સ્મૃતિને ધારણ કરે, ત્યારે સ્મૃતિનો સાત્ત્વિકભાવ અંતરધ્યાનમાં લીન થાય. પ્રભુ કહો કે સ્વયંનું આત્મ સ્વરૂપ કહો, તે છે દિવ્ય ગુણોની સાત્ત્વિકતા. જે જ્ઞાની ભક્તમાં અંતર ભક્તિ રૂપે પ્રકાશિત થતી જાય. અંતર ભક્તિનો અનન્ય ભાવ શબ્દોથી વર્ણવી ન શકાય. ભાવની અવર્ણનીય ધારા અજાણતા આપમેળે જાગૃત થાય. એવાં ભાવની ધારાનો સ્ત્રોત સાત્ત્વિક ગુણોની પ્રાણ ધારા છે, જે અણુએ અણુમાં સમાયેલી છે. સ્વયંને જાણવાની એટલે કે સ્વ અનુભૂતિની તૃષ્ણા જ્યાં સુધી જાગૃત થતી નથી અને તૃષ્ણાનું સ્વરૂપ અગ્નિ જેવું જ્વલંત થતું નથી, ત્યાં સુધી શબ્દોથી સ્વ સ્વરૂપ વિશે જાણવામાં તે અવર્ણનીય ભાવની ધારા જાગૃત થતી નથી. તૃષ્ણાના અગ્નિમાં અહંકારી વૃત્તિ-વિચારોની સંકુચિતતા હોમાઈ જાય, આકારોનાં ભેદમાં ફરતી મનોદૃષ્ટિ વિલીન થાય, ત્યારે અલૌકિક સૂક્ષ્મ સૃષ્ટિની વાસ્તવિકતા ગ્રહણ થતી જાય.
જ્ઞાની ભક્તમાં અંતર ભક્તિ રૂપે અવર્ણનીય સાત્ત્વિકભાવની ધારા ધારણ થાય અને સાત્ત્વિક ગુણોનાં પરમાર્થી સદાચરણનો પ્રભાવ એના કર્મો દ્વારા પ્રદર્શિત થાય. વ્યવહારિક જગતના કાર્યો કરતી વખતે પ્રભુની સાક્ષાત્ હાજરીના સંદર્ભથી ભક્ત કાર્યો કરતો જાય, એટલે કે ભક્તના હાવભાવમાં પ્રભુની સત્ સ્વરૂપની સાત્ત્વિકતા પ્રગટતી જાય. આમ પ્રારબ્ધગત લૌકિક જીવન જીવતાં જ પ્રભુની યાદ રૂપે આત્મીય સંબંધની પ્રીતને ભક્ત અનુભવતો જાય તથા સ્વયંના આત્મીય અસ્તિત્વના પ્રભાવથી અંતર યાત્રાના ઊંડાણમાં લીન થતો જાય. અંતર યાત્રાના ઊંડાણમાં અંતર કહેણની શ્રુતિનું સ્ફુરણ ધારણ થાય. શ્રુતિનો ૐકાર સૂર જ્યારે શબ્દોની વાણી રૂપે ભાષિત થાય, ત્યારે તે ભાષિત થયેલા શબ્દોમાં બીજા જિજ્ઞાસુ માનવીઓ માટે જ્ઞાન-ભક્તિનું માર્ગદર્શન હોય. જ્ઞાની ભક્ત તો અંતર ઊંડાણનાં અણગીન ગુણિયલ સ્તરોનું પ્રકાશિત દર્શન, અંતર ચક્ષુથી ધારણ કરતો જાય અને દર્શન રૂપે પ્રકાશિત થયેલી દિવ્ય ચેતનામાં એનું અસ્તિત્વ એકરૂપ થતું જાય.
અંતર ઊંડાણમાં પ્રગટે અંતર્યામીનો સાદ અને એનો સહવાસ ભક્તને અતિ વહાલો લાગે;
ભક્તને શ્ર્વાસમાં અને અંતર્યામીના સહવાસમાં કોઈ જુદાઈ ન લાગે,
બન્ને સ્થિતિ એકમની લાગે;
એવાં ભક્તને પૂછો કે, અંતર્યામી ક્યાં છે તો જણાવશે કે, "અંતર ઊંડાણમાં છે,
ત્યાં નથી કંઈ અંદર કે બહાર, ખાલી છે પ્રભુની આત્મીય દિવ્ય પ્રીતની પ્રાણ ધારા.”
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા