સાત્વિક જીવનનો નિર્ધાર અને સ્વયંને જાણવાની જિજ્ઞાસા
જે માનવી વાસ્તવિકતા જાણીને સમજી જાય કે કર્મસંસ્કારોનું આવરણ હોવાથી, આ દેહધારી દુન્યવી જીવન જીવવું પડે છે, તે છે જિજ્ઞાસુ ભક્તના વિચારો અને એવા વિચારોનાં વર્તન રૂપે આવરણને ઓગાળતાં જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવાનો પુરુષાર્થ તે કરતો રહે છે. જ્ઞાન-ભક્તિના સદાચરણમાં મન ત્યારે સ્થિત થઈ શકે, જ્યારે ‘હું શરીર છું’ એવી મનોવૃત્તિના અજ્ઞાની વર્તનની શરમ આવે. શરમ આવવી એટલે પોતે કરેલાં દોષિત વિચારો કે વર્તન માટે પારાવાર પસ્તાવો થાય અને મનોમન ઉદ્વેગ સાથે ભોંઠપ અનુભવાય. જેમ દુન્યવી કાર્યોમાં પોતાની ભૂલને કારણે ખોટ કે નુકસાન થાય ત્યારે જે સંતાપભર્યો પસ્તાવો થાય અને ભોંઠપ અનુભવાય કે,“ કાર્ય કેટલી મહેનતથી કર્યું જેથી સફળતાનું પરિણામ મેળવી શકું, પણ કાર્ય કરવાની જે ઉચિત રીત હતી તેને પૂરી જાગી નહિ. તેથી મારી અજ્ઞાનતાના લીધે યોગ્ય પદ્ધતિથી કાર્ય થયું નહિ અને સફળ પરિણામ ન મળવાનું નુકસાન થયું. કુટુંબના સભ્યો કે મિત્રો શું વિચારશે કે મને આટલું કાર્ય કરતાં પણ ન આવડ્યું!” વ્યવહારિક જીવનમાં આવો નામોશીના ડર સાથેનો પસ્તાવો ક્યારેક ને ક્યારેક અનુભવીએ છીએ.
મોટેભાગે માનવીને નામોશી કે પ્રતિષ્ઠા હાનિ ન ગમે. પોતાના અજ્ઞાની સ્વભાવની કે મુર્ખામીથી કરેલાં કાર્યની બીજાને ખબર પડે તે મનને ગમતું નથી. તેથી પોતે કરેલી ભૂલને માટે બીજી વ્યક્તિ કે પરિસ્થિતિને દોષિત ગણે છે. પોતાની ભૂલનો-દોષનો ટોપલો બીજા પર નાંખવાની પલાયન વૃત્તિના સ્વભાવને લીધે જ મનનું માનસ વિશાળ થવાને બદલે સંકુચિત થતું જાય છે. માનવીને જ્યારે પોતાના અજ્ઞાની સ્વભાવની શરમ આવે અને એવાં સ્વભાવથી થતાં સ્વાર્થી, હું કેન્દ્રિત વર્તનનો ખેદ જાગે, ત્યારે અજ્ઞાનતાથી મુક્ત થવાની ઈચ્છા જાગૃત થાય. એવી ઈચ્છા જાગૃત થવી, તે છે મનમાં સુષુપ્ત રહેલા સાત્ત્વિક સંસ્કારોના બીજનું અંકુરિત થવું. મન પછી અજ્ઞાનતાથી પરિચિત થાય અને દેહધારી જીવનની મહત્તાથી તથા શરીર સાથે જોડાયેલા મનની વિશેષતાથી પરિચિત થતું જાય. પરિચિત થવું, એ પ્રેમભાવથી જીવવાનું, એટલે કે સદાચરણ તરફ પ્રયાણ કરાવતું પ્રથમ પગલું છે. પછી મહાભૂતોની પ્રકૃતિ સાથેના અરસપરસના જીવનની મહત્તા સમજાય અને મનુષ્ય જ મન-બુદ્ધિના સદુપયોગથી સાત્ત્વિક ગુણોને પ્રગટાવતું જીવન જીવી શકે છે તે સત્યનો સ્વીકાર થાય.
સાત્ત્વિક જીવન જીવવાનો નિર્ધાર થાય, ત્યારે સ્વયંને જાણવાની જિજ્ઞાસા પ્રબળ થાય અને જ્ઞાન ભક્તિના સત્સંગથી મન કેળવાતું જાય. જેમ જેમ જિજ્ઞાસુ ભક્તનું મન સાત્ત્વિક વિચારોના બોધથી કેળવાતું જાય, તેમ તેમ એને પોતાના અજ્ઞાની સ્વભાવની શરમ આવે. પોતે શરીર છે એવી માન્યતાના અજ્ઞાનનો પસ્તાવો થાય. જિજ્ઞાસુ ભક્તના મનમાં પરિતાપ સાથે ઝંઝાવાત જાગે અને એકરાર પણ થાય કે,‘ સત્સંગથી જાણ્યું અને સમજાયું કે કર્મસંસ્કારોનું અજ્ઞાની વૃત્તિઓનું આવરણ છે. છતાં તે આવરણને વિલીન કરાવતો પુરુષાર્થ જોઈએ એટલાં પ્રમાણમાં થતો નથી! પ્રભુની શક્તિના સહારે જ આવરણને-અજ્ઞાનને વિલીન કરાવતો પુરુષાર્થ થઈ શકે છે, તો જે શક્તિના લીધે હું જીવંત જીવન જીવી શકું છું, જે શક્તિનો સંગાથ સતત છે તેનું સ્મરણ કાર્ય કે કર્મ કરું છું ત્યારે કેમ થતું નથી! સત્સંગ રૂપે માત્ર આધ્યાત્મિક શબ્દોથી પરિચિત થઈશ, તો સાત્ત્વિકભાવની ગુણિયલતા સુષુપ્ત જ રહેશે. ભાવની ગુણિયલતા પ્રગટે છે ભક્તિની શક્તિથી અને ભક્તિની શક્તિ છે પ્રભુના દિવ્ય ભાવની જાગૃતિ, તે જાણ્યાં પછી પણ ભાવની નિર્મળતાની માત્ર વાતો કરું છું!!
...હે પ્રભુ! આપનો દિવ્ય ભગવત્ ભાવ, જે ભક્તિની શક્તિ સ્વરૂપે મુજમાં ત્યારે જ જાગૃત થાય, જ્યારે અહમ્ વૃત્તિનું સમર્પણ થાય. તો હું કેમ એવું વિચારું છું કે‘હું ભક્તિ કરું છું’. હું કેમ એવું અનુભવું છું કે, ‘હું ભાવથી ભક્તિમય જીવન જીવું છું’! જ્યાં સુધી હું કરું છું એવી કર્તાભાવની વૃત્તિનો અહંકાર છે, ત્યાં સુધી આપનાં ભગવત ભાવની દિવ્યતા જાગૃત થતી નથી. આપના દિવ્યભાવની જાગૃતિમાં અજ્ઞાની વૃત્તિઓનું આવરણ આપમેળે વિલીન થાય. પરંતુ ગુરુના સાંનિધ્યમાં જણાયું કે આપના ભગવત્ ભાવને જાગૃત કરાવતું મારા કર્તાભાવનું સમર્પણ થયું નથી. અર્થાત્ ઈચ્છાઓના વળગણથી મન હજુ સુધી મુક્ત થયું નથી, એટલે આપની અણમોલ કૃપા રૂપી ભક્તિની શક્તિ જાગૃત થતી નથી અને તેનો નિર્મળ આનંદ ભજન કે સ્તુતિના ગુંજનમાં માણવા મળતો નથી. આમ છતાં હે પ્રભુ! આપની કૃપા સ્વરૂપે દેઢ શ્રદ્ધાનો દીપક મુજમાં પ્રકાશિત થયો છે. જે ચિંતા, નિરાશા, અસુરક્ષા રૂપી અંધકારને મુજથી દૂર રાખે છે.
વ્યવહારિક કાર્યોની નિષ્ફળતાથી ક્યારેક હું ગભરાઈ જાઉં છું. પરંતુ શ્રદ્ધાનો પ્રકાશ મુજને સજાગ રાખે છે તથા ચિંતા, ભય, તાણ, ગુસ્સો વગેરે નકારાત્મકતાને મહેમાનની જેમ રાખે છે. આ મહેમાનો મારા મન રૂપી ઘરના માલિક નથી એટલું નિશ્ચિત રૂપે સમજાયું છે, કારણ મારા મનનાં માલિક આપ છો. આપની શ્વાસ રૂપી પ્રત્યક્ષ હાજરીની જ્યારે જ્યારે પ્રતીતિ થાય છે, ત્યારે આપની અવિનાશી અભિવ્યક્તિની મહત્તા પરખાય છે. આપની ભક્તિની શક્તિ, તે જ છે પ્રકાશિત દિવ્ય પ્રીતની ચેતના, જે ઊર્જા શક્તિ રૂપે સૌને સતત પ્રાપ્ત થતી રહે છે. તેથી જ વારંવાર મનથી વાગોળું છું અને ઘુંટચા કરું છું, હું પ્રભુનો આત્મીય અંશ છું. હરપળ હરઘડી પ્રભુ આપનો સંગ હોવાં છતાં ભક્તિનો નિર્મળભાવ સહજ જાગૃત પ ત્યારે દુન્યવી વિચારોનું મૌન થવું જોઈએ તે 3 of 10 જગદી થઈને રહું છું. આપના નામનું સ્મરણ થાય, બહુ લજ્જાઉં છું. હવે શું કરું નાથ, જેથી આપની જ્ઞાન-ભક્તિની સરિતામાં સહજતાથી તરતાં રહેવાય નવા સનપો પસ્તાવો થાય અને ભૂલનો એકરાર થાય, ત્યારે જિજ્ઞાસુ ભક્તનો વિષાદ ભજન રૂપે વ્યક્ત થાય કે...
શરમિંદો થઈને રહું છું, શરમથી બહુ લજ્જાઉં છું, નથી નામ તુજનું દીધું, હવે ક્યારે દઈ શકીશ હું;
સમય તો વીતતો ચાલ્યો. એને કોઈ જઈને અટકાવો,
મારે ભક્તિ કરીને પામવો, મારા કૃષ્ણને બોલાવો;
ભવભવનો હું ભિખારી, ભક્તિનો આનંદ આપો,
મને ભક્તિ કરતા શિખવાડજો, ચરણનો દાસ બનાવો;
આ સ્વપ્નભરી સૃષ્ટિમાં, ભક્તો નથી બહુ મળતા,
મારે સમાઈ જવું છે તુજમાં, ભાવભીની ભક્તિમાં તરાવો.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા