Article Details

નિરંતર વરસતું આત્મીય ચેતનાનું ઊર્જાધન

સામાન્ય રૂપે આપણને સમજાય છે કે ટ્યૂબલાઈટ મહત્ત્વની નથી, પણ ઈલેકટ્રીસીટીના સહારે ટ્યૂબલાઈટથી રૂમમાં અજવાળું થાય તે મહત્ત્વનું છે, એટલે કે ટ્યૂબલાઈટથી પ્રસરતો પ્રકાશ મહત્ત્વનો છે. તે પ્રકાશના લીધે રૂમમાં અંધકાર વિલીન થતાં અજવાળું થાય છે. તે અજવાળાથી રૂમમાં દેખાતી વસ્તુઓને જે મહત્તા આપે, તે છે માનવી મનની સામાન્ય સમજ અને વસ્તુઓને જે મહત્તા ન આપે, પણ જેના દ્વારા વસ્તુઓ જોઈ શકાય છે તે અજવાળાંને (પ્રકાશને) મહત્તા આપે, તે છે જિજ્ઞાસુ ભક્તના મનની સમજ. જીવંત જીવનની અમૂલ્યતાને જિજ્ઞાસુ ભક્ત માત્ર માહિતીની જેમ જાણતો નથી. પરંતુ જિવાડનાર પ્રભુની શક્તિથી મારું અસ્તિત્વ ઘડાયું અને દેહધારી જીવન જીવી શકાય છે એની પ્રતીતિ શ્વાસની હાજરીથી એ કરે છે. આ પ્રતીતિ જ્ઞાનના લીધે આધ્યાત્મિક શબ્દોના માત્ર અર્થને ન સમજે, પણ અર્થ રૂપે બોધદાયક ભાવાર્થ ગ્રહણ કરે. એટલે પ્રતીતિ જ્ઞાનથી ભક્તને પ્રભુ સાથેની ઐક્યતાના અણસારા મળતાં જાય અને એવાં અણસારાથી સ્વયંને જાણવાની જિજ્ઞાસા વધુ પ્રજ્વલિત થતી જાય.

 

જિજ્ઞાસુ ભક્ત સત્સંગ રૂપે શ્રવણ, અધ્યયન, ચિંતન વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓનાં સહારે સ્વયંના સચ્ચિદાનંદ સ્વરૂપથી પરિચિત થતો જાય અને વ્યવહારિક જીવનના કાર્યો કરતાં કરતાં પ્રભુની હાજરીને અનુભવતો જાય. જીવનમાં સારા-માઠા પ્રસંગોની આવનજાવન હોય, પરંતુ ભક્તનું જિજ્ઞાસુ માનસ પલાયન વૃત્તિથી માઠા પ્રસંગોની મુશ્કેલીથી દૂર રહેવાનો પ્રયત્ન ન કરે. કારણ પ્રારબ્ધગત જીવનીન કોઈ પણ ઘટના એટલે માનવીએ પોતે કરેલાં કર્મોનું ફળ પ્રાપ્ત થયું. ઘટના રૂપે જે કાર્ય કે પ્રવૃત્તિ થાય, એમાં અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓની ગાંઠો છૂટે. તેથી કર્મસંસ્કારોની ગાંઠોનું આવરણ ઓગાળવા માટે જિજ્ઞાસુ ભક્ત સમર્પણભાવની નિષ્ઠાથી કર્મ કરે, કે પ્રભુની ચેતનવંત ઊર્જાશક્તિ જો ન હોય તો હું નથી કે દેહની જીવંત સ્થિતિ નથી. એટલે પ્રભુની શક્તિના આધારે વિચારી શકાય છે, કે કર્મ-ફળને ભોગવવાનું જીવન જીવી શકાય છે. દેહધારી જીવન જ્યારે પ્રભુની આત્મીય ઊર્જા શક્તિની સાક્ષાત્ પ્રતીતિથી જિવાય, ત્યારે વ્યવહારિક જીવનની ઉતાર-ચઢાવની ઘટનાઓના અનુભવથી મનોમન સત્ દર્શન ધારણ થતું જાય, સત્ દર્શન સ્વરૂપે દેધારી પ્રકૃતિના બાહ્ય જીવનનો અને સદ્ગુણોની જાગૃતિના અંતર જીવનનો ભેદ સમજાય.

 

અંતર જીવન અને બાહ્ય જીવન એવી જુદાઈના ભેદ પાડીને ભક્ત ન જીવે. કારણ તે જાણે છે કે આકારિત શરીરની ક્રિયાઓ તથા નિરાકારિત મનની ક્રિયાઓ પરસ્પર જોડાયેલી છે. એટલે બાહ્ય જીવનની પ્રવૃત્તિઓ છોડીને માત્ર શ્રવણ, અધ્યયન, કે ધ્યાનની ક્રિયાઓનું અંતર જીવન જીવવું અશક્ય છે. કારણ શ્રવણ, અધ્યયન, કે ચિંતન વગેરે જે પણ આધ્યાત્મિક ક્રિયાઓ છે, તે તન મનની દેહધારી જીવંત સ્થિતિના આધારે થઈ શકે છે. આકારિત શરીરના અંગોની ક્રિયા થયાં કરે, પણ શરીરને પોષણ આપવા અન્ન ખાવાની ક્રિયા કરવી પડે, વસ્ત્રોનું રક્ષણ આપવું પડે, કોઈ દર્દ કે રોગ થાય તો એનો ઉપચાર કરવો પડે વગેરે શારીરિક ક્રિયાઓ અને માનસિક ક્રિયાઓ આ બન્નેનાં પરસ્પર ભેદને જાણવાનો હોય, પણ બન્નેમાંથી કોઈ એક ક્રિયાનું અલગ જીવન જીવી ન શકાય. આવી દ્વૈત જીવનની પ્રક્રિયાનો મહિમા સમજીને જિજ્ઞાસુ ભક્ત કર્મસંસ્કારોના આવરણને ઓગાળવા ભક્તિભાવની નિષ્ઠાથી જીવન જીવે. ભાવની નિષ્ઠા એટલે અહમ્ વૃત્તિના અહંકારનું સમર્પણ થાય એવાં સ્વમય ચિંતનથી અધ્યયન કરવું. ચિંતનની નિષ્ઠાથી મનના રાગદ્વેષાત્મક વર્તનના સંકુચિત માનસને સાત્વિક વિચારોનું પોષણ મળતું જાય અને અંતરગમનની વિશાળતામાં વિહાર કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિ પણ થતું જાય.

 

જીવતાં જ સ્વયંની ગુણિયલતાને માણવાની હોય છે. તેથી મનુષ્ય જીવનની અમૂલ્યતાનો સ્વીકાર કરી, જિજ્ઞાસુ ભક્ત મનની ભીતરમાં સમાયેલ પ્રભુની સાત્ત્વિક ગુણોની દિવ્યતા પ્રકાશિત થઈ શકે, તે માટે અકતભાવથી જીવવાનો પુરુષાર્થ કરતો રહે છે. મનુષ્ય જન્મની અમૂલ્યતા એટલે માત્ર માનવ આકારના શરીરની પ્રાપ્તિ થવી એટલો સીમિત અર્થ નથી, પણ પ્રેમભાવ, સમત્વભાવ, શ્રદ્ધાભાવ, શરણભાવ વગેરે ભાવની સાત્ત્વિકતાનો પરમ સંતોષ અંતર ભક્તિ સ્વરૂપે ધારણ કરી શકાય છે. અર્થાત્ ભાવની સાત્ત્વિકતાથી અશક્ય લાગતી સ્થિતિને શક્યતામાં ફેરવી શકાય એવું મનોબળ મનની ભીતરમાં સમાયેલું છે. મનની આંતરિક શક્તિના મનોબળમાં પ્રભુની આત્મીય ચેતનાનો અંશ પ્રગટે છે. એટલે પ્રભુની ચેતનાની તેજસ્વીતા મન-બુદ્ધિની સાત્ત્વિક ક્રિયા રૂપે પ્રગટે, એવી ભક્તિભાવની નિષ્ઠાથી જીવીએ તો મનુષ્ય જીવનની અમૂલ્યતાને અનુભવી શકાય. મન-બુદ્ધિની સાત્ત્વિકભાવની ગુણિયલતાને જાગૃત કરવી, કે રાગ-દ્વેષાદિ અહંકારી વર્તનથી મન-બુદ્ધિની સાત્ત્વિકતાને કુંઠિત કરવી, તે માનવીની પોતાની ઈચ્છા પર નિર્ભર રહે છે.

 

જીવંત જીવનમાં મેઘધનુષના રંગોની જેમ બહુરંગી ઘટનાઓનું આવનજાવન થયા કરે. ભભક્તિભાવન નિષ્ઠાથી જેમ જેમ સદાચરણની સાત્ત્વિકતા ધારણ થતી જાય, તેમ તેમ ઘટનાઓનાં અનુભવમાં પ્રભુની ગુણિયલ અભિવ્યક્તિ પરખાય. એવી પારખ સ્વરૂપે અહંકારી સ્વભાવનો અવરોધ વિલીન થતો જાય અને મનનું સાત્ત્વિક ગુણોનું સૌંદર્ય આપમેળે પ્રગટતું જાય. આમ જીવંત જીવન એટલે જ પ્રભુની આત્મીય ઊર્જા શક્તિનું પ્રસરણ. ઊર્જા શક્તિના અખંડ પ્રસરણથી આકારિત કૃતિઓનું સર્જન-વિસર્જન થતું રહે છે. અર્થાત્ આપણે સૌ પ્રભુની આત્મીય પ્રીતની ઊર્જાને, પ્રભુની દિવ્ય ગુણોની ચેતનાને દર્શાવતી જીવંત કૃતિઓ છીએ. જેમ મંદિરમાં દર્શન કરીએ ત્યારે અહોભાવથી વંદન કરીએ છીએ, તેમ આ શરીર રૂપી મંદિરમાં સમાયેલી પ્રભુની મૂર્તિના દર્શન કરવા માટે ભક્તિભાવથી જીવવું જોઈએ. મન પૂજારી બની પૂજનીય ભાવથી જીવે તો કર્મસંસ્કારોનું આવરણ છેદાતું જાય અને સ્વ દર્શનનું પ્રભુત્વ ધારણ થતું જાય. આ તન-મનમાં ઊર્જા ધારાની વર્ષાઋતુ છે, એટલે મનુષ્ય છે પ્રભુના ગુણોનું વર્ષાસન;

 

આ મન છે પ્રભુનું સુદર્શન અને તન છે પ્રભુનું પ્રદર્શન,

જે ધારણ કરી શકે અંતર વિકાસનું વિશ્વ દર્શન;

નિરંતર વરસતું આત્મીય ચેતનાનું ઊર્જા ઘન,

એટલે જ પ્રભુના સાત્ત્વિક ગુણોનું પ્રકૃતિ દર્શન;

ભક્તના જીવનમાં પ્રગટે પ્રભુનું સાત્ત્વિક ઘન,

અને તે અંતર ભક્તિ સ્વરૂપે કરતો રહે સ્વ દર્શન.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા