Article Details

..ત્યારે અનુભવાય પ્રભુ કૃપાનો ધોધ.

માનવી જીવનની શ્રેષ્ઠતા એટલે મનના વાહનની પ્રાપ્તિ. મનની વિચાર શક્તિ, સમજ શક્તિ તથા અનુભવ કરાવતી જ્ઞાન શક્તિથી માનવી ચેતનવંત જીવન જીવી શકે છે. ચેતનવંત જીવનનો મહિમા જાણવાની ઈચ્છા જન્મે, ત્યારે જિજ્ઞાસુભાવને પ્રગટાવતાં સાત્ત્વિક વિચારોમાં મન ગૂંથાતું જાય અને દેહની જીવંત સ્થિતિની લિપિ પરખાતી જાય, કે શ્વાસની ચેતનવંત સ્થિતિની હાજરીના લીધે વિચારવાની, ગ્રહણ કરવાની, પ્રતિક્રિયા કરવાની, કે સમજવાની શક્તિ મનોમન ધારણ થઈ શકે છે. શ્વાસની ગેરહાજરીમાં દેહની જડ સ્થિતિ થાય, એટલે કે શરીરનું મૃત્યુ થાય છે. જિજ્ઞાસુ ભક્ત જડ-ચેતનનો વિવેક સમજે અને જીવંત જીવનની સદુપયોગી મહત્તાને સ્વીકારી, સ્વયંને જાણવાની અંતરયાત્રા કરતો જાય. સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી એનું મન કેળવાતું જાય અને સાત્ત્વિકભાવની જાગૃતિ તરફ પ્રયાણ થતું જાય. સ્વયંને જાણવાની જિજ્ઞાસા જયારે અગ્નિની જેમ પ્રજ્વલિત થાય ત્યારે સૂક્ષ્મ સમજને આત્મસાત્ કરાવતી અંતર સ્ફુરણા ભક્તમાં જાગૃત થાય અને એનાં સ્વભાવનું પરિવર્તન થતું જાય.

 

રોજિંદા જીવનની ઘટનાઓથી માનવીનો સ્વભાવ ઘડાય છે. સુખનો અનુભવ કરાવતી અનુકૂળ ઘટના હોય, અથવા દુઃખદ અનુભવની પ્રતિકૂળ ઘટનાઓ હોય. એવાં અનુભવોથી સ્વભાવ ઘડાતો જાય, એટલે કે સ્વભાવનું પરિવર્તન સુખદ કે દુઃખદ અનુભવોથી થઈ શકે છે. તેથી જિજ્ઞાસુ ભક્ત પોતાના સ્વભાવને બદલાવતું ચિંતન કરે છે. ચિંતન રૂપે દરેક ઘટના પાછળનો સંકેત ઝીલવાનો એ પ્રયત્ન કરે, જેથી જાગૃતિના સાત્ત્વિક વિચારોમાં મનનું સ્નાન થયાં કરે. સંકેત ઝીલવો એટલે ઘટના રૂપી કાર્યને જન્માવતી કારણભૂત સ્થિતિને જાણવી. જેમકે શરીરનું આરોગ્ય જ્યારે રોગ અથવા દર્દથી બગડે ત્યારે એનાં ઉપચાર માટે ડૉકટર, દવા, કે હોસ્પિટલના ખર્ચા થાય. શરીરના રોગની વ્યાધિથી મન પણ નિરાશાની નબળાઈને અનુભવે છે. એટલે આધિ-વ્યાધિના વ્યથાભર્યા અનુભવનો સંકેત જાણવા, જિજ્ઞાસુ ભક્ત વિશ્લેષણપૂર્વક સમજે કે કયા કારણથી તબિયત બગડી હતી. એવી જાણ સ્વરૂપે તે પોતાની સ્વભાવગત ભૂલનો એકરાર કરે. કારણકે કોઈ પણ ઘટનાનો અનુભવ મન કરે છે અને મનના સ્વભાવથી જ ઘટનાની પ્રતિકૂળતા કે અનુકૂળતા અનુભવાય છે. એટલે જિજ્ઞાસુ ભક્ત પોતાની ભૂલના એકરારમાં, ફરીથી એવી ભૂલ ન થાય એવો નિશ્ચય કરે અને એવા નિશ્ચય રૂપે એના સ્વભાવનું પરિવર્તન થતું જાય.

 

દરેક માનવી જો પોતાના સ્વભાવની તાસીર જાણે, તો સ્વભાવને બદલાવતું વર્તન મુશ્કેલ નહિ લાગે. મોટેભાગે માનવીનું મન રોજિંદા જીવનની ઘટમાળમાં બંધાયેલું રહે છે. એટલે પોતાના સ્વભાવની ખાસિયતથી અથવા ખોટી આદતોની નબળાઈથી તે અપરિચિત રહે છે. જેઓ રચનાત્મક કે સર્જનાત્મક કાર્યો કરતાં હોય, અથવા નવીન સંશોધનની સીડી ચઢતાં હોય, તેઓ પોતાના સ્વભાવથી પરિચિત થવાનો પ્રયત્ન કરે છે. કારણ કોઈ પણ સર્જનાત્મક કાર્યની સફળતામાં હકારાત્મક વૃત્તિની તથા દેઢ મનોબળવાળા સ્વભાવની સહજતા હોય છે. આમ સ્વભાવની ઉચિત સ્થિતિ એટલે પ્રેમભાવની નિઃસ્વાર્થતા. જ્યાં રાગ-દ્વેષના ભેદભાવની વિચારણા ન હોય, પણ હિતકારી વૃત્તિથી પરોપકારી વર્તનની નિખાલસતા હોય. એવાં સ્વભાવનો ઉદય થાય એમાં મનનું ભક્ત સ્વરૂપ જાગૃત થાય, પ્રભુ સાથેની એક્યતાની પ્રતીતિ કરે, એટલે કે મન અને આત્માની અભિન્નતાને અનુભવે. અર્થાત્ ભક્તના મનનો સ્વભાવ સ્વયંની સ્વાનુભૂતિ સ્વરૂપે બદલાતો જાય અને સૂક્ષ્મ સમજની અંતર સ્ફુરણા ધારણ થતી જાય.

 

સ્વયંથી અજ્ઞાત રહેતું મન, પોતાના રાગ-દ્વેષભર્યા વર્તનથી ક્યારેક હતાશ થાય; છતાં જાણવા ન મથે, કે ક્યા કારણથી હતાશાના અનુભવમાં મન અટવાય છે;

થાય જો ભક્તિભાવથી સાત્ત્વિક વિચારોનું સ્નાન, તો સમજાય માનવ સ્વભાવનો ભેદ

 સ્વમય ચિંતનથી સ્વભાવનું પરિવર્તન થાય, ત્યારે અનુભવાય પ્રભુ કૃપાનો ઘોધ.

 

જે કાર્ય કે પ્રવૃત્તિ કરવાથી સુખનો અનુભવ ધાય, તે કાર્ય કરવા માટે મન હંમેશા તત્પર રહે છે. તેથી જે કાર્યો કરવાની ખુશી મળે, અથવા જે કાર્યો દ્વારા સુખનો અનુભવ થાય, તે ખુશી કે સંતોષ આપતાં કાર્યોમાં જો પોતાના સ્વભાવની કોઈ ખોટ જાય, તો તેને સુધારવાનો પ્રયત્ન માનવી પહેલાં કરશે. એટલે જિજ્ઞાસુ ભક્ત જાગૃતિની સ્વમય અંતર યાત્રા કદી મૃત્યુના ભયથી, અસુરક્ષાથી, કે દુઃખ મુક્તિના આશયથી કરતો નથી. એ તો સચ્ચિદાનંદ સ્વરૂપની નિષ્કામ પ્રીતનો અનુભવ કરવા જ્ઞાન-ભકિતની સરિતામાં તરતો રહે છે. સ્વયંની નિષ્કામ પ્રીતનો અનુભવ કરાવતી સ્વાનુભૂતિમાં સ્થિત થવાય, પછી તે દિવ્ય પ્રીતનું પ્રસરણ કરાવતી અંતર ભક્તિના ઊંડાણમાં ભક્ત એકરૂપ થાય, ત્યારે હું છું એવી અહમ્ વૃત્તિ વિલીન થતાં, સોઽહમભાવની જાગૃતિ ધારણ થાય. એવી જાગૃતિમાં સ્થિત થવા માટે સ્વમય ચિંતનથી મનને કેળવવું અતિ આવશ્યક છે.

 

ચિંતન રૂપે સ્વભાવનું પરિવર્તન થાય અને આકારિત કૃતિઓની સીમિત સ્થિતિનો ભેદ સમજાય. દરેક સીમિત કૃતિઓ જીવે છે અસીમિત આત્મીય ઊર્જા શક્તિથી અને એ જ શક્તિથી એનું સર્જન થાય છે તથા અમુક સમય પછી વિસર્જન રૂપે તે વિલીન થાય છે. સર્જન-વિસર્જનનો ભેદ જેમ જેમ સમજાય, તેમ તેમ ભક્તનું મન સાત્ત્વિકભાવની ગુણિલયતાથી છલકાતું જાય. અણજાણે ભક્ત અનુભવે કે એનામાં પરમાર્થી સ્વભાવની નમ્રતા ખીલતી જાય છે અને સમભાવની જાગૃતિથી મૌન જેવી સ્થિતિ આપમેળે થાય છે, જે અંતરધ્યાનમાં ધ્યાનસ્થ રહે છે. ધ્યાનની મોન સ્થિતિમાં જિજ્ઞાસુ ભક્તનું અસ્તિત્વ ઓગળતું જાય અને સંતોષની સરિતામાં શાંતિથી સહેલ થતી જાય, ત્યારે આત્મજ્યોતના પ્રકાશિત દર્શન થાય. મનની મોન સ્થિતિની શાંતિ પછી આત્મ જ્યોતની પ્રકાશિત ગતિ સાથે એકરૂપ થાય. આવો એકરૂપતાનો પરમ આનંદ માણવા માટે આપણે મનુષ્ય જન્મને ધારણ કર્યો છે. પ્રભુ તો આત્મીય સંબંધનો અણસારો શ્વાસ રૂપે આપણને આપતાં રહે છે. જેથી સાત્ત્વિક સ્વભાવની જાગૃતિ ધારણ થઈ શકે અને પદાર્થોના ભોગમાં ન મળે એવો સંતોષ માણી શકાય.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા