Article Details

નિ:સ્વાર્થ પ્રેમ છલકાવતો પ્રભુનો કળશ.  

 

 

માનવીને ગમે મોજશોખના પદાર્થોનો ભોગ, છતાં મનથી તે ઝંખે છે શાંતિ અને તૃપ્તિનો યોગ; મનની શાંતિને શોધે તે ઈન્દ્રિયગમ્ય પદાર્થોના ભોગમાં, પણ ન મળે શાંતિ કોઈ દુન્યવી સ્થિતિમાં; શાંતિ છૂપાયેલી નથી પૃથ્વીના કોઈ સ્થાનમાં, કે વ્યક્તિગત સંબંધોથી થતાં પ્રેમના અનુભવમાં; સમજાય જ્યારે પરમ શાંત સ્થિતિ છે આત્માનો સ્વભાવ, ત્યારે બદલાય અહંકારી માનસનો સ્વભાવ.

 

પ્રભુની દિવ્ય ચેતનાની ઊર્જા શક્તિ સર્વેને જીવંત જીવન જીવવાનું બળ અર્પે છે. ઊર્જા શક્તિ સ્વરૂપે આપણને સૌને આત્મીય દિવ્ય ચેતનાનું ગુણિયલ ધન પ્રાપ્ત થાય છે. પરંતુ તે ધનનો ભોગ મનથી થતો નથી. કારણ મન સ્વયંના આત્મ સ્વરૂપની ગુણિયલતાથી અપરિચિત રહે છે. અપરિચિત મનની અજ્ઞાનતા એટલે જ દુન્યવી પદાર્થોના ભોગમાં આસક્ત રહેતું સંકુચિત માનસ. જે રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોથી ભોગમાં ફરતું રહે અને ઈચ્છાઓની ગાંઠો બાંધતુ રહે. પ્રભુની શક્તિના આધારે જીવંત જીવન જિવાય છે, એવા સ્વીકાર સ્વરૂપે જે મન પ્રભુની દિવ્ય ચેતનાની અનુભૂતિ કરે, એટલે કે આત્મીય સંબંધની સાત્ત્વિકતાને માણે, તે છે મનનું ભક્ત સ્વરૂપ. ભક્ત જીવે સ્વયંના આત્મ સ્વરૂપની પ્રતીતિનું જીવન. એટલે કે અમુક તીર્થ સ્થાનમાં, આશ્રમમાં, કે અનુકૂળ પરિસ્થિતિમાં, કે ઈન્દ્રિયોથી ભોગવાતા પદાર્થોના ભોગમાં તે શાંતિને શોધતો નથી. શ્રવણ, કીર્તન, અધ્યનન વગેરે સત્સંગની પ્રવૃત્તિઓના સહારે જિજ્ઞાસુ ભક્તને અશાંતિનું કારણ સમજાતું જાય. એટલે પૃથ્વીના કોઇ સ્થાનમાં શાંતિ મેળવવાની તે પ્રયત્ન કરતો નથી,

 

માનવી અશાંતિને અનુભવે છે કારણ અશાંતિ છે મનની અતૃપ્ત ઈચ્છાઓની અને ભોગ્ય પદાર્થોને મેળવવાની. ભોગ્ય પદાર્થો સીમિત, નાશવંત હોવાંથી ભોગની ક્રિયા રૂપે અનુભવાતી સુખની શાંતિ ક્ષણિક રહે છે. એવી ક્ષણિક શાંતિને ભોગવવાની આસક્તિ જન્માવે છે અશાંતિને. અર્થાત્ અજ્ઞાની મનની અણસમજમાં અશાંતિનો વસવાટ છે. અજ્ઞાની મન પોતાની અતૃપ્ત ઈચ્છાઓની તૃપ્તિ માટે વિચાર વર્તનની પ્રક્રિયામાં બંધાયેલું રહે છે અને બીજી નવી નવી ઈચ્છાઓ રૂપી ગાંઠો અજાણે બંધાતી રહે છે. એવું અતૃપ્ત મન ઝંખે છે તૃપ્તિની શાંતિને. એટલે અતૃપ્તિની અકળામણમાં મન અશાંતિને, અસંતોષને અનુભવે છે. તેથી તે દુન્યવી સ્થાનમાં, કે ભોગ્ય પદાર્થોના ભોગમાં શાંતિને શોધે છે. શાંતિને શોધવાના કે મેળવવાના પ્રયત્નમાં શાંતિ મળતી નથી, પણ અશાંતિ શેનાં લીધે છે તે શોધવાનો પ્રયત્ન મન કરે તો અજ્ઞાની માનસને વિલીન કરાવતી જાગૃતિ ધારણ થાય અને જ્ઞાન-ભક્તિના સદાચરણથી જીવવાનો એકરાર દૃઢ થતો જાય.

 

જિજ્ઞાસુ ભક્તમાં સમજણની એટલી તો પરિપક્વતા હોય છે, કે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની તૃપ્તિ માટે જ મનુષ્ય જન્મ ધારણ કર્યો છે. મનુષ્ય જન્મની મહત્તા એટલે તૃપ્તિનો અનુભવ કરાવતી દસ ઈન્દ્રિયોવાળાં તથા મગજ સાથેના દેહધારી જીવનની સુવિધા. એવી સુવિધા હોવા છતાં માનવીને શાંતિનું સુખ સહજ મળતું નથી. કારણ અજ્ઞાની મનનો અહંકાર માને છે, કે તે પોતે જે વિચારી શકે છે, બુદ્ધિથી નિર્ણય લઈ શકે છે, તેના લીધે જ ભૌતિક જીવનના ભોગ તે ભોગવી શકે છે. આવી કર્તાભાવની અજ્ઞાનતાના લીધે અતૃપ્ત ઇચ્છા વૃત્તિઓનું આવરણ વધતું જાય છે. જો મનુષ્ય જન્મનો હિતકારી આશય જણાય, તો જ્ઞાન ભક્તિના સત્સંગથી અહંકારી માનસનું સમર્પણ થતું જાય. સમર્પણભાવની જાગૃતિ સ્વરૂપે સીમિત ભોગની નવી ઈચ્છાઓ ઓછી થતી જાય અને સ્વયંના આત્મ સ્વરૂપની પ્રતીતિ કરાવતું જીવન ભક્તિભાવથી જિવાય. નિષ્કામભાવની સાત્ત્વિકતા મનોમન પછી આપમેળે જાગૃત થાય, ત્યારે સ્વયંના આત્મીય ગુણોની

સાત્ત્વિકતાને માણવામાં રાગ-દ્વેષાત્મક વિચારોનો અવરોધ ઓગળતો જાય અને શાંત સ્વરૂપની આત્મીય

પ્રીતની પ્રતીતિમાં અજ્ઞાની માનસની અશાંતિ વિલીન થતી જાય.

 

આમ માત્ર સત્સંગની પ્રવૃત્તિઓ નિયમિત કરવાથી શાંતિ ન મળે, પણ સ્વયંને જાણવાની લગની લાગે અને લગની રૂપે એકરૂપ થવાની અંતર યાત્રામાં મન ધ્યાનસ્થ થાય, તો આત્મીય ચેતનાના દિવ્ય સ્પંદનો શાંતિ રૂપે અનુભવાય. સ્વયંને જાણવાનો પુરુષાર્થ મન કરે છે, પણ મોટેભાગે પુરુષાર્થની દિશામાં એકાગ્રતાથી, દૃઢ શ્રદ્ધાથી તે પ્રયાણ કરતું નથી. મનથી જો ધ્યેય નિશ્ચિત કર્યો હોય, તો સંસારી વિચારોમાં ભટકવાને બદલે પળે પળે શ્વાસ રૂપે અર્પણ થતી પ્રભુની શક્તિનો મહિમા ગ્રહણ થાય. વાસ્તવમાં માનવી જીવન રૂપે ઈચ્છાઓ તો જનમતી રહેશે. એટલે ઈચ્છાને અટકાવી ન શકાય, પણ ઈચ્છાઓને તૃપ્ત કરાવતી અકર્તાભાવની મનની જાગૃતિ મહત્ત્વની છે. અકર્તાભાવથી થતાં વિચાર-વર્તનમાં નવી ઈચ્છાઓ ઓછી થાય. કારણ સ્વ સ્વરૂપનું સત્ દર્શન ધારણ થતાં, પ્રભુ સાથેના આત્મીય સંબંધની અનુભૂતિમાં મન તરતું રહે છે.

 

સ્વ અનુભૂતિની અંતર ભક્તિમાં મન ધ્યાનસ્થ થાય પછી જીવનનો ધ્યેય એક જ રહે, કે સ્વયંની આત્મીય પ્રીતની દિવ્યતા વ્યક્ત થાય એવાં સાત્ત્વિકભાવમાં સ્થિત રહેવું. સાત્ત્વિકભાવની જાગૃતિનું ભક્તિભાવનું જીવન ભક્ત જીવે અને ગુણિયલ સ્વભાવના લીધે દેહના સાધનનું આરોગ્ય પણ જળવાતું જાય. અજ્ઞાની મનની અશાંતિના લીધે સાત્ત્વિક ગુણોનું ધન મનમાં સુષુપ્ત રહે છે. એવી સુષુપ્તિના લીધે સંસારી ભોગની નિદ્રામાં મન ઊંધતુ રહે છે. તેથી મનુષ્ય સાત્ત્વિકભાવની જાગૃતિને, એટલે કે આત્માના સાત્ત્વિક ગુણોનાં સ્વાસ્થ્યને ધારણ કરી શકતો નથી. જ્ઞાન-ભક્તિની સરિતામાં શરણભાવની નિષ્ઠાથી જો તરતાં રહેવાય, તો જ્ઞાની ભક્તની જેમ આત્મીય ગુણોની દિવ્યતાને પ્રગટાવતું જીવન જીવી શકાય તથા હું અને આત્મીય ચેતના જુદાં નથી એવી અભિન્નતાની સ્વાનુભૂતિમાં શાંતિના સ્પંદનો અનુભવાય. અસ્તિત્વ પછી બની જાય નિઃસ્વાર્થ પ્રેમને છલકાવતો પ્રભુનો કળશ, જેના આચમનમાં માનવીના મનની સ્વયંને જાણવાની, ભક્તિભાવથી જીવવાની તરસ છીપાતી

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા