આપ છો તો હું છું...
હે નાથ! આપ છો તો હું છું અને દિવ્ય પ્રીતની ચેતના સ્વરૂપે સતત મારી સાથે છો; તે ચેતનાની પ્રકાશિત ગતિની પ્રતીતિ ધરવા, શ્વાસનું પોષણ ક્ષણે ક્ષણે ધરો છો; કૃપા કરી તે પ્રતીતિ કરાવતી સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં મુજને સ્થિત રાખો; જેથી અંતર ભક્તિના પ્રકાશિત ભાવથી, આપની દિવ્ય પ્રીતની આત્મીયતાને માણી શકું.
આ પદ્ય પદ દ્વારા ભક્ત વિનંતિ રૂપે એકરાર કરે છે, કે પ્રભુનો સતત સંગાથ હોવાં છતાં મન તેની પ્રતીતિ કરી શકતું નથી. કારણ દુન્યવી સ્થૂળ વસ્તુઓ કે વ્યક્તિગત સંબંધોના વિચારોથી જ્યાં સુધી મન ઘેરાયેલું રહે છે, ત્યાં સુધી આત્મીય ચેતનાની સૂક્ષ્મતાને જાણવાની, કે તેની પ્રતીતિ કરવાની જિજ્ઞાસા જાગૃત થતી નથી. ભક્તનો જિજ્ઞાસુભાવ એટલે જ તન-મનની જીવંત સ્થિતિમાં સમાયેલી આત્મીય ચેતનાની સાત્ત્વિકતાને જાગૃત કરાવતો જ્ઞાતાભાવ. જિજ્ઞાસુ ભક્ત જ્ઞાતાભાવની જાગૃતિથી જીવંત જીવનનો હેતુ જાણે કે, અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્ત કરવા મનુષ્ય દેહ ધારણ કર્યો છે. તેથી તૃપ્તિ રૂપે કર્મસંસ્કારોનું આવરણ વિલીન થાય એવાં ભક્તિભાવથી જીવવાનું છે. જ્ઞાતાભાવની જાગૃતિ રૂપે જ્ઞાન ભક્તિના સદાચરણ તરફ મનનું પ્રયાણ થતું જાય. એવા પ્રયાણથી જીવંત જીવનની વાસ્તવિકતા સમજાતી જાય અને રાગ-દ્વેષના વર્તનથી મુક્ત થવાનો સંબંધ દૃઢ થતો જાય.
જીવંત જીવનની વાસ્તવિકતા જેમ જેમ સમજાય, તેમ તેમ શ્વાસના પોષણની અમૂલ્યતાનો સ્વીકાર થાય. શરીરનું જીવંત હોવું એટલે ક્ષણે ક્ષણે શ્વાસની પાન-અપાનની ક્રિયા થવી. મનનું જીવંત હોવું એટલે રાગ-દ્વેષાત્મક વિચારોનો અવરોધ અનુભવાય અને અવરોધક વિચારોને વિલીન કરવા જ્ઞાન-ભક્તિના સત્સંગની પ્રવૃત્તિનું આકર્ષણ જાગે. દરેક માનવી જીવંત સ્થિતિને પોતાના દેહના આધારે અનુભવે છે, પણ મનની જાગૃતિને માનવી મોટેભાગે સુષુપ્ત રાખે છે. કારણ શ્વાસનું પોષણ મેળવવાનો પુરુષાર્થ કરવો પડતો નથી. બધાને પ્રયત્ન વગર સહજતાથી મળી જાય છે. એટલે જ શ્વાસની હાજરીનો પણ અહેસાસ થતો નથી. અર્થાત્ જિવાડનારને જાણ્યાં વગરના જીવનમાં, આકારિત વસ્તુઓની કે વ્યક્તિઓની ખોટ કે ઉણપના વિચારોમાં માનવી ખોવાયેલો રહે છે. તેથી સાત્ત્વિકભાવની જાગૃતિનો અભાવ રહે છે. સાત્ત્વિકભાવની જાગૃતિ વગરના લૌકિક જીવનમાં તૃપ્તિ કે સંતોષ ન મળે. એટલે ઈન્દ્રિયગમ્ય વિષયોની પાછળ અતૃપ્ત મન ફરતું રહે છે. વિષય ભોગમાં સંતોષ કે તૃપ્તિ મળશે એવી ખોટી માન્યતાના લીધે સાત્ત્વિક ગુણોની જાગૃતિ તરફ મન ઢળતું નથી.
વર્તમાન સમયમાં પાઠ્ય પુસ્તકોના ભણતરની જાણકારી જેટલાં પ્રમાણમાં બાળપણથી અપાય છે, તેટલાં પ્રમાણમાં સદાચરણ વિશે બાળક જાણકાર થતું નથી. આજનું ભણતર એટલે વધારેમાં વધારે રૂપિયાની આજીવિકા મેળવી શકાય. જેથી ભવિષ્યમાં વૈભવી જીવનના એશોઆરામને ભોગવી શકાય અને તે માટે માતા-પિતા પોતાના બાળકને માટે શાળા-કોલેજની ફી ભરવાના રૂપિયા રળવામાં વ્યસ્ત રહે છે. આજનો વિદ્યાર્થી પરીક્ષામાં સારા ગુણાંક મેળવવા માટે ટ્યુશન ક્લાસમાં ભણવાની મહેનત કરે છે. એવી મહેનતમાં ડુબેલાં મનને સદાચરણનું પોષણ ન મળવાથી તે કરમાતું જાય છે. બાળકના મન રૂપી ફુલને સાત્ત્વિક ગુણોનું ખાતર માતા-પિતા તરફથી જો નાનપણથી મળે, તો શિક્ષણ રૂપે સાત્ત્વિક સંસ્કારી વર્તન ખીલતું જાય. અર્થાત્ આધ્યાત્મિક જ્ઞાનનાં અનુસંધાનથી જો વિદ્યાર્થીનું માનસ ઘડાતું જાય, તો નિરાશા, અવિશ્વાસ, ભય, ચિંતા જેવી નકારાત્મક ગ્રંથિઓ બંધાય નહિ. નકારાત્મક વૃત્તિ-વિચારો જેમ ઓછા થાય,તેમ સાત્ત્વિક વિચારોના ચિંતનની સહજતા વધતી જાય અને બુદ્ધિગમ્ય વિકાસ ધારણ થાય. વાસ્તવમાં મનનો સ્વભાવ છે કે સતત નવું નવું જાણવું. તેથી શિક્ષિત થવાની પ્રક્રિયા કદી અટકતી નથી. માનવી જીવે ત્યાં સુધી વિદ્યાર્થીની જેમ જાણવાનો, સમજવાનો પુરુષાર્થ કરતો રહે, તો સ્વયંના અનુભવની સાથે અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્ત કરાવતું જીવન પણ જીવી શકાય. એવાં જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનની સુવાસના લીધે પ્રભુની આત્મીય ચેતનાની સર્વવ્યાપક્તાને જાણવાની જિજ્ઞાસા વધતી જાય છે. સાથે મન પ્રતિકૂળ સંજોગોથી ભયભીત થઈ હતાશામાં ડૂબેલું ન રહે. કારણ તે પોતાને નિરાધાર ન માને, પણ જેનો આધાર સૌને સદા પ્રાપ્ત છે, તે પ્રભુની ચેતનાની પ્રતીતિ કરાવતાં સ્વમય ચિંતનથી જીવવાના ૧ પુરુષાર્થ કરે છે. એવાં પુરુષાર્થમાં સાત્ત્વિકભાવની જાગૃતિને ધારણ કરાવતો પરમાર્થી, નિર્મળ સ્વભાવ ખીલતો જાય અને જીવંત જીવનનું યથાર્થ મૂલ્યાંકન મનને પરખાતું જાય. મૂલ્યાંકન સ્વરૂપે પ્રભુની સાક્ષાત્ હાજરી રૂપી શ્વાસનો અહોભાવથી સ્વીકાર થાય અને શ્વાસ રૂપી પ્રભુના ચરણોમાં પ્રણામ સ્વરૂપે અહંકારી વૃત્તિ-વિચારોનું માનસ નમતું જાય. હું કર્તા છું એવો અહમ્ ભાવ નમે, તો અકર્તાભાવની જાગૃતિનું પોષણ ધારણ થાય. પ્રભુ તો જાગૃતિનું પોષણ શ્વાસ દ્વારા અર્પણ કરતા રહે છે. જો મનનો અહમ્ભાવ નમે, તો પોષણ રૂપે પ્રભુનું સાત્ત્વિકગુણોનું ધન ધારણ થઈ શકે. પછી રાગ-દ્વેષના ભેદભાવવાળું જીવન ભૂતકાળ બની જાય અને સાત્ત્વિકગુણોનું વિશાળ માનસ પ્રભુના આત્મીય સંગાથને, પ્રભુની સાક્ષાત્ હાજરીને અનુભવતું જાય. જિજ્ઞાસુ ભક્ત પ્રભુની પ્રતીતિ કરાવતી સ્વમય ચિંતનની નિષ્ઠાથી પ્રકૃતિ જગત સાથેનું અરસપરસનું જીવન જીવે છે. સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો અગ્નિ જો પ્રજ્વલિત રહે, તો પ્રકાશિત સ્વ દર્શનમાં સંકુચિત માનસ ઓગળતું જાય અને મનનો હૃદયભાવ જાગૃત થતો જાય. હૃદયભાવની જાગૃતિથી જ સ્વાનુભૂતિની અંતરયાત્રા થાય, પ્રભુએ અર્પણ કરેલી જીવંત જીવનની ભેટનો હેતુ સાર્થક થાય.
સંકલનકર્તા – મનસ્વિની કોટવા