Article Details

સૂક્ષ્મ સમજના અંતરપટ ખોલો

 

મનનું મૂળભૂત સ્વરૂપ છે ભક્તિભાવની ચેતનાનું. કારણ મન છે આત્મીય ચેતનાનો અભિન્ન અંશ. આત્મીય ચેતનાની ભગવત્ ભાવની શક્તિ છે. જે ઊર્જાની ચેતના સ્વરૂપે સર્વત્ર પ્રસરતી રહે છે. તે ઊર્જા શક્તિથી જ મન વિચારી શકે છે, લાગણી અનુભવી શકે છે, સમજણ ગ્રહણ કરી શકે છે, ક્રિયા પ્રતિક્રિયા દર્શાવી શકે છે. અર્થાત્ મનનું મૂળભૂત સ્વરૂપ ભક્તિભાવની ચેતનાનું હોવાંથી, માનવીએ ભક્તિભાવની નિર્મળતાથી જીવન જીવવું જોઈએ. ભક્તિભાવથી જીવન જીવીએ, તો મનમાં સુષુપ્ત રહેલી આત્મીય ચેતનાની ગુણિયલતા વિચાર-વર્તન રૂપે પ્રગટ થાય. ભક્તિભાવની ચેતનાનું પ્રાગટય એટલે જ શરણભાવ, સેવાભાવ, આદરભાવ, પૂજનીયભાવ, જિજ્ઞાસુભાવ વગેરે ગુણિયલ ભાવની સાત્ત્વિકતા જાગૃત થવી. આવી ભાવની સાત્ત્વિકતા ધારણ કરનાર ભક્તનો ધ્યેય એક જ હોય, કે પ્રભુની આત્મીય ચેતનાનો જે ધ્યેય છે, તે શ્રેષિત ધ્યેય અનુસાર ભક્તિભાવથી જીવન જિવાય, જેથી અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને વાણી વિચારોના વર્તનથી તૃમિનો રાહ મળે.

અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને જો સાત્ત્વિકભાવની કે પ્રેમભાવની પ્રસન્નતામાં સ્નાન કરવા મળે, તો તૃપ્તિ રૂપે મન વ્યાપક થતું જાય અને મનની વ્યાપકતા એટલે જ ભાવની જાગૃતિ. પરંતુ અજ્ઞાની મન આ સત્યથી અજાણ રહે છે. એટલે ઈચ્છા વૃત્તિઓને પ્રેમભાવની પ્રસન્નતાનો સ્પર્શ થતો નથી, ઈચ્છાવૃત્તિઓ પૂર્ણ રૂપે તૃપ્ત થતી નથી અને મનનો એવો અતૃપ્ત સ્વભાવ મનગમતાં વિષયોના ભોગમાં સંતોષ અનુભવી શકતું નથી. અસંતોષી મનની એવી અતૃપ્તિ બીજી નવી ઈચ્છા વૃત્તિઓનાં જાળા ગૂંધાવે છે. તેથી સામાન્ય રૂપે માનવી મન અતૃપ્તિના રોગની પીડા અનુભવે છે. તેને તૃપ્તિનો સંતોષ ત્યારે જ મળે, જ્યારે ભક્તિભાવની નિર્મળતાથી જીવન જિવાય. તે માટે ગુરુ કે માર્ગદર્શકના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી મન જેમ જેમ રંગાતું જાય, તેમ તેમ અતૃપ્તિના રોગનું કારણ સમજાય અને રોગથી મુક્ત કરાવતો સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરવાનો પુરુષાર્થ થાય. એવાં પુરુપાર્થ રૂપે સૂક્ષ્મ સમજના દ્વાર ખૂલતાં જાય, કે પ્રભુની આત્મીય ચેતના જે સર્વત્ર હાજરાહજૂર છે અને તેના આધારે જીવંત જીવન સૌ જીવે છે.

 

આત્મીય દિવ્ય ચેતના જે સર્વત્ર છે, જેનાં નિરાકારિત ઊર્જા વહેણમાં દરેક આકારની હસ્તી જીવે છે, તેની પ્રતીતિ કરવાની તત્પરતા પછી જાગે. એવી તત્પરતા કે આતુરતા જાગૃત થાય, તે છે અંતરગમનની ઈચ્છા જાગૃત થવી. જ્ઞાન-ભક્તિના સત્પ્રસંગથી અલૌકિક ઈચ્છાઓની હારમાળા ગૂંથાય, ત્યારે અંતરગમનની આતુરતા વધતી જાય. છતાં અંતરગમન રૂપે સ્વમય ચિંતનમાં મન સહજતાથી સ્થિત થઈ શકતું નથી. કારણ લૌકિક ઈચ્છાઓની ગૂંથણી જે થયેલી છે તે મુજબ વાણી વિચારોના કર્મ કરવા પડે. એટલે પ્રારબ્ધગત કર્મ ફળની ક્રિયામાં મનને વીંટળાવું જ પડે. તેથી અંતરગમનની સ્થિરતા માટે શ્રવણ, કીર્તન, અધ્યયન વગેરે સત્સંગની પ્રવૃત્તિ જો નિષ્ઠાપૂર્વક થાય, તો કર્તાભાવમાં મન વીંટળાય નહિ એવા અકર્તાભાવની, અલિમભાવની જાગૃતિ પ્રભુ કૃપા સ્વરૂપે ધારણ થઈ શકે. પ્રારબ્ધગત જીવનની પ્રતિકૂળ કે અનુકૂળ ઘટનાઓની અસર જેમ મનને થાય છે, તેમ સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિઓની અસર જિજ્ઞાસુ ભક્તના મનને ચોક્કસ થાય છે. તેથી જિજ્ઞાસુ ભક્ત શ્રવણ-અધ્યયનનું સ્નાન વારંવાર કરે અને સાત્ત્વિક આચરણમાં સ્થિત થવાં માટે ભક્તિભાવથી સ્વ જ્ઞાનનો બોધ ગ્રહણ કરે.

કે ભક્તને પછી મનનાં વાહનની મહત્તા સમજાતી જાય, કે ઈચ્છાવૃત્તિઓ જો અહંકારી વર્તનના કર્તાભાવ થી ભોગવાય, તો જે ઊર્જાની ચેતનાના આધારે કર્મ ફળને ભોગવવાની ક્રિયા થાય છે, તે ઊર્જાનું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ વિચાર-વર્તન રૂપે પ્રગટે નહિ. અહંકારી વર્તનની અજ્ઞાનતાને ઓગાળવા સમર્પણભાવની, શરણભાવની સાત્ત્વિકતા જાગૃત થવી જોઈએ અને તે માટે આધ્યાત્મિક સત્સંગની પ્રવૃત્તિમાં મનને તપ્રોત કરવું આવશ્યક છે. પ્રભુની ચેતનાના ઊર્જા વહેણની ગતિ સાથે એકરૂપ થવા માટે મનુષ્ય જન્મ ધારણ કર્યો છે. ઊર્જા વહેણની દિવ્ય ગુણોની સાત્ત્વિકતામાં મનની સાત્ત્વિકભાવની જાગૃતિ એકરૂપ થાય, પછી વિશાળ મન પ્રભુના દિવ્ય ગુણોના પ્રભુત્વને પ્રગટાવતું માધ્યમ બને. પ્રભુના માધ્યમ બનવા માટે પ્રભુની આત્મીય ચેતનાના અંશ રૂપે મનનું વાહન માનવીને મળ્યું છે. માનવી જો અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્ત કરાવનું જીવન ભક્તિભાવથી જીવે, તો મનના વાહનનો હિતકારી ધ્યેય સિદ્ધ થઈ શકે.  દરેક વ્યક્તિના જીવનમાં પોતાને ગમતી ઇચ્છિત સ્થિતિને પ્રાપ્ત કરવાનો ધ્યેય હોય છે. એટલે દરેક વ્યક્તિ પોતે નક્કી કરેલાં ધ્યેયને પૂરો કરવાની મહેનત કરે છે અને ધ્યેયની દિશામાં મન દોડતું રહે છે, એટલે કે ક્ષેયિત કાર્યો કરવામાં જો વચ્ચે કોઈ અવરોધ આવે, તો એને દૂર કરવાનો પુરુષાર્થ કરવામાં, મન અટકે નહિ. સામાન્ય રૂપે માનવીનો રૂપિયાની કમાણી કરવાનો અને પોતાની તથા પરિવારના સભ્યોની ઈચ્છાઓ પૂરી કરવાનો ધ્યેય હોય છે. તેથી જ રૂપિયા મેળવવા નોકરી કરવી પડે. ત્રીસ દિવસની મહેનત કર્યા પછી જ્યારે પગાર મળે, ત્યારે મનમાં પોતાના ધ્યેયના વિચારો હોય અને રૂપિયા મળ્યાંનો ઉમંગ હોય. પરંતુ તે ક્ષણે મન જો પગાર આપનાર શેઠની ખુરશી પર બેસે, તો મનમાં નોકરી કરનારા માણસોનો અને પગાર આપવાના વિચારો હોય, અર્થાત્ ધ્યેય બદલાઈ જાય. ભક્તનું મન અને સામાન્ય માનવીનું મન, એ બન્નેમાં આટલો જ તફાવત છે. સામાન્ય માનવીમાં પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરવાનો ધ્યેય હોય, જે સહજ છે, તે ખોટું નથી કારણ ઈચ્છાવૃત્તિના કર્મસંસ્કારો છે. ભક્તના મનમાં પણ કર્મસંસ્કારોની ઈચ્છાઓનો ધ્યેય હોય, પરંતુ ભક્ત ધ્યેયિત જીવન જિવાડનારના સ્મરણ સાથે જીવે છે. એવી સ્મરણ ભક્તિમાં અંતરગમનની આતુરતા પ્રજ્વલિત થતી રહે અને પ્રભુ જે દિવ્ય પ્રીતની ચેતનાથી જિવાડે છે, તે પ્રીતની સાત્ત્વિકતા પ્રગટે. એવા ભાવમાં સ્થિત થવા માટે ભક્ત વિનંતિ કરતો રહે કે...

હે નાથ! વિનંતિ કરતો રહું છું કે, સૂક્ષ્મ સમજના અંતરપટ ખોલો;

અમૂલ્ય ચક્ષુદાન આપનું ધારણ થાય, તો પ્રકાશિત દર્શનમાં મારો હું ઓગળી શકે;

આપના પ્રકાશિત દર્શન થાય, ત્યારે સમર્પણની ગતિ સાથે અહોભાવ જન્માવજો;

 દર્શનમાં સાત્ત્વિકભાવની પૂર્તિ થાય, ત્યારે વાણી-વિચારોનું મૌન કરાવજો.

 

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા