જ્યોતિ તારી અમે કદી દીઠી નહીં
ધરતી માતાના ખોળે સર્વે દેહધારી જીવ નચિંત થઈને જીવી શકે, તે માટે જ પ્રભુએ અકાશદેવ, વાયુદેવ, અગ્નિદેવ, વરુણદેવ (જળ), સૂર્યદેવ, તથા ચન્દ્રદેવની ઊર્જાનું ધન ધરતી પર સ્થાપિત કર્યું છે. જેથી મનુષ્ય સહિત પ્રાણી, પક્ષી, જળચર વનસ્પતિ વગેરે સૌને વિનામૂલ્યે, વિના પ્રયત્ને હવા, પાણી સાથે ઠંડી, ગરમી, તથા વર્ષાઋતુ રૂપે પ્રભુનું ઊર્જા ધન પ્રાપ્ત થઈ શકે. પ્રભુના ઊર્જા ધનની પ્રાપ્તિ એટલે મહાભૂત સ્વરૂપની પ્રકૃતિ સાથેના પરસ્પર સંબંધનું આપણું દેહધારી જીવન. માનવી જો મહાભૂતોની પ્રકૃતિના ઊર્જા ધનની, વિના મૂલ્યે પ્રાપ્ત થતી અમૂલ્યતાને જાણે તો ભક્તની જેમ મનનો સાત્ત્વિક પ્રભાવ જાગૃત થાય. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક જ્ઞાનનાં સહારે કંઈક અંશે અમુક સુજ્ઞ(સમજુ વિવેકબુદ્ધિવાળું) માનસ પ્રકૃતિના ઊર્જા ધનની અમૂલ્યતાને જાણે છે અને તે ધનનો દુર્વ્યય ન થાય એવાં ભાવથી સેવન કરે છે. ખોટો બગાડ ન કરવો અને સૌને પર્યાપ્ત મળી રહે એવી યોગ્ય રીતે વાપરવાની, એટલે કે સેવન કરવાની કળા માનવીમાં છે. પરંતુ મોટેભાગે સ્વકેન્દ્રી સ્વાર્થી વર્તનમાં માનવીનું મન વીંટળાયેલું રહે છે અને હું તથા મારો પરિવાર એવાં સંકુચિત માનસથી જીવે છે. એટલે જ કદાચ આજના સમયમાં પાણી મેળવવા માટે રૂપિયા ખર્ચવા પડે છે.
માનવી જે વસ્તુને રૂપિયા ખર્ચીને મેળવે, તેનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરે છે, કારણ સંકુચિત માનસને કાગળની નોટોના રૂપિયા વપરાઈ જાય તેનું દુઃખ લાગે છે. પોતાની માલિકીના ઘર પર પોતાના નામની તકતી લગાડી શકાય છે. પરંતુ નોકરી-ધંધાના કાર્યની મહેનત કરીને મેળવેલા રૂપિયાની નોટો પર પોતાનું નામ લખી શકાતું નથી. અરે! તે રૂપિયાની નોટોના ગમે તેટલા બંડલો ભેગાં કરીએ અને યોગ્ય રીતે એને સાચવીએ, છતાં પણ પોતે કમાણી કરીને ભેગાં કરેલાં રૂપિયાના બંડલોને, શરીરના મૃત્યુ પછી સાથે લઈ જઈ શકાય એમ નથી. અર્થાત્ એવું છે કે માનવી માટે જે વસ્તુસ્થિતિ રૂપિયા ખર્ચીને મેળવાય તે અમુલ્ય છે અને જે વિના મૂલ્યે મળી જાય છે તેની કિંમત નથી. એવાં અજ્ઞાની અહંકારી મનને પોતાની બુદ્ધિથી મેળવેલાં રૂપિયાનો કે પદવીનો ઘમંડ હોય છે. સન્માન, કીર્તિ, મોટાઈ મેળવવાનો મોહ હોય છે. વાસ્તવમાં રૂપિયાના સહારે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવી શકાય છે. એટલે એવું પણ નથી કે જે પૈસાદાર છે તે બધાં જ ઘમંડી હોય છે.
અમુક જન્મોના પુણ્યોદયથી રૂપિયાનું ધન પ્રાપ્ત થાય, પણ તે ધનનો ઉપયોગ જો અહંકારી રાગ દ્વેષાત્મક વર્તનથી તો જીવનમાં સંતોષ કે પ્રસન્નતા અનુભવી ન શકાય. કપટ વૃત્તિથી મેળવેલા રૂપિયા માનવીને સહજ થાય. સુખથી વંચિત રાખે છે. એવાં રૂપિયા મોટેભાગે ડોકટર કે હોસ્પિટલના બીલ ભરવામાં ખર્ચાઈ જાય છે. પરંતુ અહંકારી મોહાંધ મનને આ સત્ય સમજાતું નથી. એ સમજવાની જિજ્ઞાસુ ભક્ત જેવી વિવેકી બુદ્ધિ કે દૃષ્ટિ હોવી જોઈએ. જે વિના મૂલ્યે પ્રાપ્ત થતાં પ્રભુના ધનની અમૂલ્યતાને જાણે છે અને તે ધનનો ઉપભોગ ભક્તિ ભાવથી, અહોભાવથી કરે છે. અહંકારી માનસ રૂપિયાથી જે પણ મેળવે તેનો દેખાડો બહુ કરે અને ચતુરાઈપૂર્વક વાક્પટુતાથી બીજાને આંજી દેવાનો પ્રયત્ન કર્યા કરે. તેથી તેઓ એવું માને કે બીજા લોકોએ – સગાં કે મિત્રોએ તેને માન આપવું જોઈએ, એટલે કે મોટાઈ મેળવવા માટે તેઓ બીજાને નિમ્ન કક્ષાના ગણે છે. આવાં સંકુચિત માનસના ગર્વિષ્ઠ લોકો કીર્તિ કે સન્માન મેળવવા માટે પ્રભુ નામનો પણ ઉપયોગ પોતાની નામના માટે કરી લેતાં સંકોચાતા નથી.
આધ્યાત્મિક સત્સંગની પ્રવૃત્તિઓ જ્યાં થતી હોય, ત્યાં ખાસ કરીને એવાં લોકો રૂપિયાના દાન આપે. ઢોંગ એવો કરે કે પોતે પ્રભુ નામનો મહિમા જાણે છે. તેઓ પોતાના ઘરમાં પણ પૂજાપાઠની પ્રવૃત્તિઓ કરાવે. એવા આડંબર અને મિથ્યાભિમાની લોકોના લીધે જ આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે આજના યુવાન લોકોને આસ્થા રહી નથી. પ્રભુના ઊર્જા ઘનથી આપણે જીવન જીવી શકીએ છીએ એવી પાયાની મૂળભૂત વાસ્તવિકતાની સમજ, દરેક માતા-પિતાએ પોતાના બાળકોને આપવી જોઈએ. જ્યાં મૂળભૂત સમજના સંસ્કારોનું સિંચન નથી, ત્યાં વેરભાવ, ધિક્કાર, અદેખાઈ, માલિકીભાવનો રોગ ફેલાતો રહે છે. માનવી એકબીજા સાથે પ્રેમના તાંતણે બંધાય છે. જો સંબંધ રૂપે પ્રેમાળ વર્તન ન હોય, તો માલિકીભાવનો રોગ મનનાં સાત્ત્વિક ગુણોના કૌશલ્યને કુંઠિત કરે છે. સંબંધિત ન વસ્તુ હોય કે વ્યક્તિ હોય, તે પોતાના તાબામાં રહે એવાં આગ્રહના ગ્રહની અસર જ્યારે વધી જાય, ત્યારે વ્યક્તિગત સંબંધોમાં નિખાલસતા, કે સહજતાની પ્રસન્નતા અનુભવાતી નથી. માલિકીભાવની સત્તામાં “હું કહું તેમ જ કરવાનું, મને ગમે એવું જ કરવાનું, મારા વિચાર-વર્તનને સ્વીકારી પ્રશંસા કરવાની અને તે જ યોગ્ય છે,' એવા આગ્રહનું સાંકળ જેવું બંધન હોય છે. ભક્તની જેમ સ્વીકાર કરવો જોઈએ કે બીજી વ્યક્તિ એના કર્મસંસ્કારો અનુસાર વર્તન કરે છે. એટલે મહત્ત્વત્તા વ્યક્તિને નહિ પણ અવ્યક્ત પ્રભુની ઊર્જા છે તેને આપવી જોઈએ. તે ઊર્જાની ચેતનાથી કાર્ય કર્તવ્ય થઈ શકે છે. આ સત્યનું જ્યાં વિસ્મરણ હોય છે, ત્યાં દુન્યવી વસ્તુ-વ્યક્તિની આસકિતનું બંધન હોય છે. પોતાની વસ્તુ માટેના માલિકીભાવમાં ‘મેં ખરીદી છે, એના જેવી બીજી સારી વસ્તુ નથી' એવો બુદ્ધિનો અહંકાર હોય છે. એટલે તે વસ્તુને સાચવવાનાં આગ્રહમાં, બીજી વ્યક્તિ એનો ઉપયોગ ન કરે અને કરે તો જાળવીને કરે એવી જડ માનસિકતાના લીધે, મનમાં માત્ર તે વસ્તુઓનાં જ વિચારો ઘુંટાતા રહે છે. તેથી એવું મન સત્સંગની પ્રવૃત્તિમાં એકાગ્ર થઈ શકતું નથી. દુન્યવી વસ્તુ-વ્યક્તિના વિચારો એટલાં બધા ઘુંટાઈ ગયાં હોય છે, કે સાત્ત્વિકવિચારોનો ભાવાર્થ સહજતાથી ગ્રહણ થતો નથી અને તે સ્મરણ રૂપે મનમાં સ્થાપિત ન થવાથી, મંદિર કે ગુરુના પાવન સાંનિધ્યમાં મન સ્થિત થાય, છતાં પણ સંસારી વિચારોનો કોલાહલ શાંત થતો નથી. જેમ કારેલામાં ગમે તેટલો ગોળ નાંખીએ, તો પણ કડવાશ રહે છે, પણ ગોળની માત્રા જો વધી જાય તો કારેલાની કડવાશ થોડી ઓછી થાય; તેમ સંકુચિત માનસની અહંકારી કડવાશને ઓગાળવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો મહિમા જાણવો જોઈએ. મહિમા સમજાય તો પોતાની ભૂલોનો એકરાર થાય કે..
મહિમા તારો અમે સમજ્યાં નહિ મોતને આરે આવી ઊભા રહ્યાં;
જ્યોતિ કદી તારી અમે દીઠી નહીં, અંધારામાં દિવાળીએ દીવા કર્યાં;
વેદોનાં ગર્ભમાં અમે ઊતર્યાં નહીં, વેદોનાં યજ્ઞ અને પઠન કર્યાં
માળા ને મંત્રોનાં અર્થ સમજ્યા વિના, સમુદ્રના મોજા જેમ અથડાતાં રહ્યાં.
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા